મૃત્યુ એટલે મરણ એટલે અવસાન એટલે નિધન એટલે નિર્વાણ એટલે...
મૃત્યુ એટલે મરણ એટલે અવસાન એટલે નિધન એટલે નિર્વાણ એટલે... આ દરેક શબ્દનો એક જુદો અર્થ છે. મરણ શબ્દ સૌથી પ્રચલિત છે. મરણ પ્રકૃતિઃ શરીરિણામ્ એમ રઘુવંશમાં લખ્યું છે. શરીરની પ્રકૃતિ જ મરણ છે. પ્રતિક્ષણ શરીરનો ક્ષય થાય છે, શરીર મરણોન્મુખ થતું રહે છે. પ્રતીક્ષણ આપણે મૃત્યુની દિશામાં અગ્રસર થતા રહીએ છીએ. મૃત્યુ વિશે ભગવદ્દગીતા તદ્દન સ્પષ્ટ છે : જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ ! જે જન્મે છે એનું મૃત્યુ અવશ્યંભાવી છે. મૃ પરથી મ્રિયતે આવે છે, મરવું, નષ્ટ થવું. મૃત અને મૃતક શબ્દો મૃના પરિણામઅર્થી શબ્દો છે. નિધન એટલે નિવૃત્તં ધનં યસ્માત્. જેનું ધન શેષ થઈ ચૂક્યું છે, જીવનરૂપી ધન, ધ્વંસ, સર્વનાશ, ભગવદ્દગીતા કહે છે : સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ । પોતાના ધર્મ માટે ખપી જવું, મરી જવું શ્રેષ્ઠ છે, પરધર્મ ભયંકર છે. નિર્વાણ અને મહાનિર્વાણ અને પરિનિર્વાણ બૌદ્ધવાદના શબ્દો છે. વાણ એટલે દીવાની વાટ અને જ્યારે તેલ ખૂટી જાય છે, ત્યારે વાટમાંથી પ્રકટતી અગ્નિજ્યોત તદ્દન સ્થિર, સીધી, અચલ થઈ જાય છે. પછી ધીમે ધીમે એ જ્યોત બેસતી જાય છે અને પછી જરા ભભકીને હોલવાઈ જાય છે. બૌદ્ધ નિર્વાણનો આ જ અર્થ છે, વાટમાંથી તેલ ખતમ થઈ ગયું, હવે અગ્નિ સ્વયં હોલવાઈ જશે. નિર્વાણ થઈ જશે. અવસાનનો સાચો અર્થ થાય છે કોઈ અવધિનો અંતિમ અંશ. સમાપ્તિ. માટે જે શબ્દ વપરાય છે એ દેહાવસાન છે. દેહવિલય પણ વપરાય છે. અને મરાઠી ભાષામાં કૈલાસવાસી છે એ જ ગુજરાતી ભાષામાં સ્વર્ગસ્થ છે. આપણે બધા પૃથ્વીસ્થ છીએ ! મજાની વાત એ છે કે ગુજરાતી ભાષામાં 'મૃત્યુ પામ્યા' એમ કહેવાય છે, પણ 'જીવન પામ્યા' એમ ક્યારેય કહેવાતું નથી ! મૃત્યુ એ પામવાની, પ્રાપ્ત કરવાની ઉપલબ્ધિની, સ્વીકૃતિ અને સિદ્ધિની વસ્તુ છે ! પ્રેમમાં આપણે 'પડીએ' છીએ, જિંદગીમાં 'પડવાની' જરૂર રહેતી નથી. ગુજરાતી ભાષા અજીબોગરીબ છે પણ મૃત્યુની બાબતમાં ઈમાનદાર છે. અંગ્રેજીમાં એક શબ્દપ્રયોગ મને બહુ ગમે છે. હિ પાસ્ડ અવે ! મરણ નહીં, પણ એ પસાર થઈ ગયો ! શંકરાચાર્યની અમર ઉક્તિ છે. પુનરપિ મરણં, પુનરપિ જનની જઠરે શયનમ્ । અને એવું જ ખલિલ જિબ્રાને 'પ્રૉફેટ' પુસ્તકની અંતિમ લીટીમાં કહી દીધું છે : હવાની લહેર પર જરા વિશ્રામ... અને બીજી સ્ત્રીના ગર્ભરૂપે હું પ્રકટ થઈશ...! મૃત્યુને ઑશો રજનીશ એક ઉત્સવ ગણે છે, જિવાઈ ગયેલા જીવનનું શૃંગ. મિર્ઝા ગાલિબે લખી નાખ્યું છે : મૌતકા એક દિન મુઅય્યીન (નક્કી) હૈ, નિંદ ક્યોં રાત ભર નહીં આતી...? મૌતનો ભય, આ બધું છોડીને જવાનો ભય, એક સામ્રાજ્ય ઊભું કર્યું છે એ સામ્રાજ્ય જે માણસો ગમતા નથી એમના હાથોમાં મૂકી જવાની વેદના, મૌત જિંદગીનું છેલ્લું રહસ્ય છે. મહાન ફિલ્મ ડિરેક્ટર ઈન્ગમાર બર્ગમેનની 'સેવન્થ સીલ' ફિલ્મમાં માણસ મૌત સાથે શતરંજ રમે છે. પાછળ આસમાન કાળું ઘેરાઈ ચૂક્યું છે, હાર નિશ્ચિત છે, મૌત છેલ્લું પૂર્ણવિરામ છે, પણ એ 'માણસ' છે, શતરંજની પૂરી રમત ઉછાળી શકે છે! ઝ્યાઁ પૉલ સાર્ત્રના નાટક 'ધ ફ્લાઈટઝ'માં માણસ નર્કના રાજા ઝ્યૂસને કહી શકે છે : મને ખબર છે તું મને પીસી નાખશે. પણ હું માણસ છું અને મને એક જીભ આપી છે. હું બોલીશ !
માણસની જિંદગી કેટલી લાંબી હોય છે? બાઈબલના વિધાન પ્રમાણે 'થ્રી સ્કોર એન્ડ ટેન' એટલે કે 20 x 3 = 60 + 10 =70 વર્ષ! મરી ગયા પછી શું અને કેવી વિધિ કરવી એ વિશે પણ કેટલાક માણસો ચિંતા કરતા હોય છે. મને જ્યૉર્જ બર્નાર્ડ શૉના વિલની એક વાત બહુ પસંદ આવી છે : સુનર ફરગોટન ધ બેટર ! જેટલો જલદી ભુલાઈ જાઉં એટલું સારું ! હું સ્વયં પણ આમ જ માનું છું અને મારી આત્મકથામાં મેં આ જ વાત લખી છે. બીજી એક વાત એ છે કે જ્યાં પણ દેહાંત થાય, અંત્યેષ્ટિ ત્યાં જ કરી નાખવી. દેહવિલય લંડનમાં થયો હોય તો વિમાનમાર્ગે શરીર લાવવું, દર્શન માટે મૂકવું, વિરાટ સ્મશાનયાત્રા કાઢવી, 'ભવ્ય' શોકસભા ભરવી... આ બધી વલ્ગર તમાશાબાજીમાં હું માનતો નથી. ઘનશ્યામદાસ બિરલા ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ હતા, લંડનમાં અવસાન થયું. એમની સૂચના પ્રમાણે અંતિમ સંસ્કાર લંડનમાં કરી જ કરી નાંખ્યા. વિમાનો ચાર્ટર કરીને બે હજાર માણસો લંડનથી દિલ્હી લાવવા એમના જેવા મહાધનપતિ માટે મામૂલી વાત હતી, પણ મૃત્યુ સમયે ગાંધીવાદનો એમનો નિખાર જનતાએ જોયો.
મૃત્યુનો ડર મનુષ્ય માટે કદાચ સૌથી ભયંકર ડર છે કારણ કે એ વખતે એ તદ્દન અસહાય હોય છે, બીજાની સંભાળ-શુશ્રૂષા પર એની દરેક ક્રિયા અવલંબે છે. માણસ 9 સેકંડમાં મરી શકે છે અને 9 વર્ષ પછી પણ મૌત આવતું નથી. મૃત્યુ ઈશ્વરના હાથમાં છે. વૃદ્ધો કહે છે. પણ આ માત્ર આંશિક સત્ય છે, મૃત્યુનું પણ મનુષ્ય આયોજન કરી શકે છે. આત્મહત્યાથી આમરણ ઉપવાસ સુધી સ્વ-મૃત્યુનો ફલક ફેલાયેલો છે. પણ બંનેમાં હિમ્મત જોઈએ છે જે સામાન્ય માણસ પાસે હોતી નથી. દરેક જીવંત જીવ થોડું વધારે જીવવા માગે છે, અને કબરમાંથી દરેક મુડદાને ઊભું કરો તો દરેક મુડદું કહેશે કે બસ, એક જ નાની ઈચ્છા અતૃપ્ત રહી ગઈ છે! મૃત્યુનો સમાદાન ઉત્તર જૈન ધર્મમાં જે રીતે મળે છે એ રીતે મને અન્ય ધર્મોમાં મળ્યો નથી. જૈન ધર્મમાં સંથારો છે, સંથારો એટલે જ્યારે મનુષ્યને ઈચ્છામૃત્યુની આવશ્યકતા દેખાય ત્યારે એ અન્નજળઔષધિનો સ્વેચ્છાએ ત્યાગ કરી દે, અને સામાન્ય રીતે સાત-આઠ દિવસમાં શરીરનું નિર્વાણ થઈ જાય. બધાં જ પૌષણો બંધ કરી દેવાથી શરીર આપોઆપ હોલવાઈ જાય છે. સંથારો એ સ્થિતિ છે જ્યારે માણસ સ્વયં ઈશ્વરની ભૂમિકામાં આવી જાય છે, પોતાને જીવવું છે કે મરવું છે એ માણસ પોતે નક્કી કરે છે. વિનોબા ભાવેએ સંથારો લઈને પોતાનો જીવનદીપ બુઝાવી લીધો હતો. સંથારો સમજી લીધા પછી મૃત્યુની યંત્રણાનો ભય નીકળી ગયો છે. જો રોગ અસહ્ય કે ટર્મિનલ હોય, તો બધું જ બંધ કરીને જીવન સંકેલી શકાય છે, સ્વેચ્છાએ.
જૂન 1934માં, એટલે કે આજથી 66 વર્ષ પહેલાં લંડનમાં તત્કાલીન પ્રખ્યાત સર્જન પર બકસ્ટન બ્રાઉન એક પ્રવચન આપી રહ્યા હતા. એમણે એમના સ્ફોટક પ્રવચનમાં કહ્યું કે હું એવા દિવસની કલ્પના કરી રહ્યો છું જ્યારે મેડિકલ પ્રોફેશનને એવી સત્તા મળશે કે એ નક્કી કરશે કે જે જીવતા રહેવા માટે નકામા છે. એમને સઝા-યે-મૌત અથવા મૃત્યુદંડ ડૉક્ટરો આપી શકશે. મેડિકલ પ્રોફેશન પાસે અત્યંત વૃદ્ધ અને અસાધ્ય રોગતી પીડિત લોકોને મૃત્યુકક્ષામાં મૂકીને અંતિમ મુક્તિ આપી શકવાની પરમિટો આપવાનો અધિકાર રહેશે ! સર્જન સર બકસ્ટને કહ્યું કે ધર્મગુરુઓ આ વાતોનો વિરોધ કરશે, પણ આ સત્ય છે, બિનજરૂરી યંત્રણાઓમાંથી મુક્તિ મેળવવાનો આ એક જ માર્ગ છે. મર્સી કિલિંગ અથવા યુથેનેઝિયા વિશે આજે એક હકરૂપે વાત થાય છે, પણ મૃત્યુને, અસાધ્ય, રોગના શાંત અંત તરીકે, મૉનિટર કરી શકવાના એક વિચારરૂપે સાત દશકો પહેલાં પણ ચર્ચા થતી રહી હતી.
આધ્યાત્મિક અને ધાર્મિક વાતો સતત કરતા રહેનારાઓ કદાચ અજ્ઞાત અવસ્થામાં એવી વૃત્તિ ધરાવતા હોય છે કે જીવન મૃત્યુલક્ષી છે. આવતી કાલના મૃત્યુની ભયચિંતામાં આજના જિવાતા જીવનમાં સમાધાનો કરતા જવામાં એક કાયરતા રહેલી છે. ઘણી વાર કાયરતામાં સસ્તી સલામતી હોય છે. વાસ્તવમાં મર્દને મૌત કરતાં મૌતના પહેલાં આવી જતી પરવશતા અને પરાવલંબનનો વિશેષ ભય હોય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર