મૌત : મારા અતિથિ સામે મારું પૂરું જીવનપાત્ર...

19 Aug, 2016
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC:

ગુજરાતી પત્રકારત્વ પ્રમાણમાં એક નિર્દોષ વ્યવસાય હતો. આજ સુધી. કોઈ સ્ટેન્ડ કે નિર્ણયાત્મક સમર્થન કરવું નહીં. જે રાજ ચલાવતા હોય એમના વહાલા થવું. પૈસાદારોના અને વિજ્ઞાપનદાતાના સાળાના સાળાના ફોટા છાપવા. ઈન્દિરા ગાંધીને ગાળો બોલવી. ભિંડરાંવાલેને ગાળો ન બોલવી, દાઉદ ઈબ્રાહિમ સારો માણસ છે એમ સર્ટિફિકેટ વચ્ચે વચ્ચે લખતા રહેવું. અમિતાભ બચ્ચન, હર્ષદ મહેતા, સુનીલ ગાવસકર, સંજય દત્ત, મેનકા ગાંધી વિષે લખ લખ લખ કર્યા કરવું. સેક્યુલર દેખાવા માટે ગુજરાતને, નર્મદા યોજનાને, ભાજપને, હિંદુ જાતિવાદને જુદી જુદી ચાબુકોથી સંભાળી સંભાળીને ફટકારતા રહેવું. લઘુમતીઓ માટે ચોધાર નહીં પણ બેધાર આંસુઓથી વચ્ચે વચ્ચે કુર્સતી રુદન કરી લેવું. છાપું ચલાવવા માટેની કોકટેઈલ મિક્સ ફોર્મ્યુલાઓ હતી. કિસમ કિસમના હિંદુ બાવાઓ-બાપુઓના ફોટા, પ્રવચનસાર, આશીર્વચનો  છાપતા રહેવું. ગુજરાતી પત્રકાર કે તંત્રીનો જોબ સુખી, પ્રતિષ્ઠિત, બીજા લોકોને ઓળખાણ રાખવાનું મન થાય એવો, ધારા તેલનું કાર્ટુન લેવા ગયા હોઈએ તો પણ ગુજરાતી દુકાનદાર ગભરાઈને કન્સેશન આપી દે એવો હતો. ક્યારેય નાટકની ટિકિટ ખરીદવી ન પડે એવો હતો.

હમણાં હમણાં ગુજરાતી તંત્રીઓની શામત આવી રહી છે. એકની હત્યા થઈ ગઈ, જેને કારણે પત્રકારોના આત્મા કંપી ઊઠ્યા છે, બીજા એક તંત્રીને માથામાં ડંડો ફટકારવામાં આવ્યો છે. એક પત્રકારે કહ્યું કે, એ ડંડો નહીં, ટાપલી હતી. લેખકની ટાલ (જોકે તંત્રી લેખક હોય જ એ જરૂરી નથી) ડંડો સહન કરી શકે છે. ટાપલી અસહ્ય હોય છે. ટાપલી અહંને શીર્ણવિશીર્ણ કરી નાખે છે. ડંડાથી માત્ર એક ઢીમણું થાય છે, જેનો ફોટો પછાપી શકાય છે. ટાપલી, ઊંટની લાતની જેમ, શોફ્ટ હોય છે, ટાપલીથી જખમ થતો નથી પએનો ઘા અંદર જમણા હૃદય સુધી ઊતરી જાય છે. પત્રકારોને આજકાલ શું... શું... જેવા સિસકારાઓ કરીને ખસેડી મૂકવામાં આવે છે. પત્રકારોના ખરાબ દિવસો છે. નવી કંપનીઓના શેર લઈને બજારમાં આવનારા પણ હવે પત્રકારો પાસે રાઈટ-અપ લખાવતા નથી. કારણ કે ખરીદદાર પબ્લિકનો પત્રકારમાંથી વિશ્વાસ ઊઠી ગયો છે. પણ અહીં સુધી ઠીક હતું. હવે માફિયા, ક્રિમિનલ્સ, બિલ્ડર્સ, રાજકારણી, એક્સ, વાય અને ઝેડ બધા જ પત્રકારોને ઠોકરમાં લેતા જાય છે. જે દવા પત્રકાર બીજાઓને પાતો હતો એ જ દવા હવે એ પોતે આંખો બંધ કરીને ગટગટાવી રહ્યો છે.

પણ જાહેર જીવનમાં આવવું છે તો એક વાત સ્વીકારવી પડશે કે આ એક ઓક્યુપેશનલ હેઝર્ડ કે ધંધાદારી જોખમ છે. આરોહની સાથે અવરોહ આવશે, ચઢાવની પછી ઉતાર આવશે, લોકપ્રિયતાની પાછળ પાછળ લોક-અપ્રિયતા નામની એક વસ્તુ પણ આવી શકે છે. આજે લોકો તાળીઓથી અભિવાદન કરે છે, કાલે પથરા મારીને અભિતાડન પણ કરી શકે છે. આ જનતા જનાર્દન છે, અથવા પ્રતિબદ્ધ વિરોધીઓ છે, અથવા સિદ્ધાંતહીન પુરુષો છે અથવા કાયર બદમાશો છે અથવા એકાદ છૂટોછવાયો શરાબી મવાલી છે. જો જાહેર જીવનમાં રહેવું છે તો સામાન્યતમ રિપોર્ટરથી પોતાને અસામાન્ય સમજતા દરેક તંત્રી સુધી પત્રકારત્વના દરેક બંદાએ આ કટુ સત્ય સમજી સ્વીકારી લેવું પડશે. આપણે 1993ના હિંસક વર્ષમાં જીવી રહ્યા છીએ, જ્યાં ગુંડાઓને 'એક્સપાયરી ડેટ' પાસે આવી રહી છે એવા બૉમ્બ જલદી જલદી ફોડી નાખવાની ચિંતા છે.

મૌન પત્રકારનું હોય કે પાદશાહનું કે પરમવીર ચક્ર વિજેતાનું કે પર્સોનેલ મેનેજરનું, પણ મૌતની ફિલસૂફી કોઈ સમજ્યું નથી, ફક્ત એક જ વાત સમજાઈ છે કે જે શ્વાસ લે છે એ જીવ એક દિવસ મૃત્યુ પામશે. જીવનમાં એક જ સત્ય છે : મૃત્યુ ! ગ્રીક નાટ્યકાર સોફોક્લેસ 2500 વર્ષ પહેલાં કદાચ સૌથી ક્રૂર સત્ય કહી ગયો છે કે મનુષ્ય મૃત્યુ ન પામે ત્યાં સુધી કહેવું નહીં કે એ સુખી હતો. હું સ્વયં જૈન ફિલસૂફીની એ વાતમાં માનું છું કે આ શરીરમાં અમુક કરોડ અમુક લાખ અમુક હજાર અમુક સો શ્વાસ અને એનાથી એક વધારે ઉચ્છવાસ ભરેલા છે. જ્યારે એ હિસાબ પતી, જશે ત્યારે આ દેહ એની પ્રવૃત્તિ અટકાવી દેશે, અને આપણે મરણ 'પામીશું!' જ્યાં સુધી શરીરમાં ભરેલા શ્વાસ અને ઉચ્છવાસનો હિસાબ પૂરો થયો નથી ત્યાં સુધી કોઈ રોગ મારી નહીં શકે, અને હિસાબ પૂરો થઈ ગયો છે તો કોઈ ડૉક્ટર જિવાડી નહીં શકે. ઈશ્વર અને હિસાબ પૂરો થઈ ગયો છે તો કોઈ ડૉક્ટર જિવાડી નહીં શકે. ઈશ્વર મૌતની બાબતમાં ખરેખર સમાજવાદી છે. સિકંદર, અકબર, ચંગેઝખાન, શિવાજી, તૈમુર લંગ, મહમ્મદ તુઘલખ, નેપોલિયન.... અનગિનત ઇતિહાસપુરુષોને એણે ઉપાડી લીધા છે. એક દિવસ આપણો પણ આવી જશે. રવીન્દ્રનાથ ટાગોરે 'ગીતાંજલિ' (અધ્યાય 90)માં કહેલી વાત જ મારે પણ કહેવી છે : "એ દિવસે જ્યારે મૃત્યુ તારો દરવાજો ખટખટાવશે ત્યારે તું એની સેવામાં શું ધરશે?... ઓહ, મારા અતિથિ સામે મારું પૂરું જીવનપાત્ર ધરી દઈશ, હું એને ખાલી હાથે નહીં જવા દઉં..."

ચુઘતાઈના તખ્ત પર આસીન તૈમુર લંગ 70મે વર્ષે ચીન જીતવા સમરકંદથી નીકળ્યો અને 300 માઈલ ઘોડેસવારી કરીને સિફન પસાર કરી ગયો. શરીરમાં તાવ ભરાઈ ગયો અને તૈમુરે, એશિયાના વિજેતા તૈમુરે બરફનું પાણી પીધું અને મરી ગયો. મહમ્મદ તુઘલખ ઉર્ફે મહમ્મદ ગાંડો બળવાખોરોની પાછળ પડ્યો હતો. સિંધુ નદીને કિનારે પડાવ થયો. મહમ્મદની તબિયત ખરાબ હતી, એણે નદીમાંથી તાજી માછલી પકડાવી, પકવી, ખાધી અને મરી ગયો. અકબરને ડિસેન્ટ્રી થઈ હતી, ઔષધ અપાયું, ડિસેન્ટ્રી અટકી ગઈ પણ સખ્ત તાવ આવી ગયો, ફરીથી સખ્ત જુલાબ અપાયો. ડાયેરીઆ થયો. સપ્ટેમ્બરથી ઑક્ટોબર 1605 સુધી આ ચાલ્યું. અંતે અકબરની ઝબાન બંધ થઈ ગઈ. એના મૃત્યુ પછી એક અફવા એવી ફેલાઈ હતી કે પુત્ર સલીમે એને ઝેર આપી દીધું હતું અથવા કોઈક માટે રાખેલી વિષાક્ત વાનગી એ ખાઈ ગયો હતો.

આજીવન પર્વતોમાં ઘોડેસવારી કરનાર શિવાજીને બ્લડ ડિસેન્ટ્રી અથવા દસ્તમાં લોહી પડવા માંડ્યું અને એ જ શિવાજીના મૃત્યુનું કારણ બની ગયું. મૃત્યુની બાબતમાં નેપોલિયન મારો આદર્શ રહ્યો છે. જીવનનાં પૂરાં 27 વર્ષો નેપોલિયન વિશ્વની પ્રસિદ્ધ રણભૂમિઓ પર ફ્રેંચ લ ગ્રાન્દ આર્મીની આગળ, સફેદ ઘોડા પર બેસીને, ધુઆંધાર યુદ્ધો લડતો રહ્યો અને એને એક પણ જખ્મ થયો નથી. એના ઘોડા મરી ગયા. અંગરક્ષકો કતલ થઈ ગયા, છત્ર ઊડી ગયાં પણ નેપોલિયનના શરીર પર એક પણ ઘાવ પડ્યો નથી. એક વાર એના પ્રમુખ સેનાપતિ માર્શલ નેએ સમ્રાટ નેપોલિયનને કહ્યું કે આપ શત્રુને માટે લક્ષ્ય બની જાઓ છો, આપે સેનાની પાછળ રહેવું જોઈએ. ત્યારે નેપોલિયને ઉત્તર આપ્યો કે જે ક્ષણ મારે માટે નક્કી થઈ છે એ ખસવાની નથી! તો પછી મૌતની ચિંતા કેવી? નેપોલિયન 6 વર્ષ સેંટ હેલિનામાં બંદી રહ્યો, પછી તાવથી મરી ગયો. કદાચ અંગ્રેજોએ ઝેર આપીને મારી નાખ્યો. સિકંદર પણ બેબિલોનમાં શરાબની જયાફત પછી સખ્ત જવરમાં મરી ગયો ત્યારે 33 વર્ષનો હતો.

ચંગેઝખાનના મુકાબલાનો યૌદ્ધો વિશ્વે જોયો નથી. એ મુસ્લિમ ન હતો, એ મોંગોલ હતો. 'મોંગ' એટલે વીર એવો ત્યાંની ભાષામાં અર્થ થાય છે. 'બહાદુર' શબ્દ મોંગોલ છે અને 'ખાન' શબ્દ પણ મોંગોલ છે (ગુરખાઓ માટે બહાદુર અને પઠાણો માટે ખાન આજે એમનાં નામોના હિસ્સા બની ગયા છે). ચંગેઝખાન વિષે એક કિંવદંતી વાંચી હતી. ગોબીના રણમાં એના પ્રચંડ સૈન્યના બે ભાગ કરીને એ સૈન્યોને એણે બન્ને તરફની ક્ષિતિજોની પાછળ મોકલી દીધા અને એ એકલો અફાટ રેગિસ્તાનમાં ઊભો રહ્યો, આકાશ સામે હાથ ઊંચા કરીને એણે ઈશ્વરને લલકાર્યો : હવે આવી જા, હવે હું અને તું બે જ મુકાબલો કરી લઈએ! ચંગેઝખાનના રાક્ષસી સૈનિકોએ એશિયા અને પૂર્વ યુરોપને તબાહ કરી નાખ્યું પછી એ મરવા પડ્યો ત્યારે એણે એના ચાર પુત્રો - જુજી, ચુગતાઈ, ઓગીતાઈ અને તુલુઈને બોલાવીને આદેશ આપ્યો કે ચીનનું સામ્રાજ્ય જીતવાનું છે. ચીન જીતવા વિષેની અંતિમ સૂચનાઓ આપીને ચંગેઝખાન મરી ગયો. કદાચ એ શાંતિથી મરી ગયો હશે!

જિંદગી સ્વયં એક ઓક્યુપેશનલ હેઝર્ડ છે, ધંધાદારી જોખમ છે. જ્યાં સુધી જિંદગી ના-તમામ-છે, જ્યાં સુધી તમારું દિલ નાની નાની ખુશીઓથી બહલી શકે છે, જ્યાં સુધી બીજો અજનબી માણસ તમારી આંખોમાં આંખો પરોવીને સાંભળી શકવાનો વિશ્વાસ રાખે છે ત્યાં સુધી... ત્યાં સુધી મૌતની આંચ હજી દૂર છે.

ક્લોઝ અપ

સત્તા મારી પ્રેયસી છે.
- નેપોલિયન

 

આ લેખ 1993માં પ્રકાશિત થયો હતો

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.