નાગરો મૂળ ગુજરાતના હતા?

29 May, 2015
12:00 AM

mamta ashok

PC:

જો કોઈ લિલાશ પડતા બદામી રંગની આંખોવાળી અને ઓલીવ જેવી ખૂલતી ચામડીવાળી સંસ્કૃત નામવાળી છોકરી તમને પૂછે કે ‘તમે નાગર છો?’ તો બહુ વિચાર કર્યા વિના હા પાડી દેજો! નાગરને માટે નાગર કરતાં મધુર શબ્દ બીજો નથી આ પૃથ્વી પર. પણ માત્ર ‘હા’થી વાત અટકવાની નથી. તમે ક્યાંના? જો છોકરી ભાવનગરની હોય તો પાટણ કહેજો અને રાજપીપળાની હોય તો કહેજો - તમે જૂનાગઢના! કારણ કે દરેક નાગર ગામના બીજા દરેક નાગરને ઓળખતો હોય છે. એક નાગરને માટે બીજા નાગરનું લોહી લગભગ સતત ઊછળતું રહે છે.

આ પ્રશ્ન ગુજરાતની બહાર થતો નથી. ઉત્તર પ્રદેશ અને અન્યત્ર વસેલા નાગરો પોતાની અટકો જ ‘નાગર’ રાખે છે - હિન્દીના મશહૂર લખનવી લેખક અમૃતલાલ નાગર મૂળ ગુજરાતી હતા. ગુજરાતમાં નાગરોમાં મહેતા અને દેસાઈ પણ છે, બ્રાહ્મણ અને વાણિયા પણ છે. એટલે જરા પૂછવું પડે છે. બક્ષી નાગર હોય છે (અને નથી પણ હોતા!) પહેલાં અટકોથી જાતિઓનો ખ્યાલ આવી જતો હતો. વૈદિક નાગર બ્રાહ્મણોની કેટલીક અટકો હતી : ત્રિવેદી, દ્વિવેદી અથવા દવે, પંડિત અથવા પંડ્યા, યાજ્ઞિક અથવા જાની, ત્રિપાઠી આદિ. જે વેદસંપન્ન નથી એવા અન્ય ધંધાદારીઓની કેટલીક અટકો દેસાઈ, મહેતા, બૂચ, વોરા, પોટા, છાયા, ખારોડ! આ સિવાય નાગરોમાં માંકડ, હાથી, મંકોડી જેવી અટકો પણ છે અને મજમુદાર, ઘારેખાન, કાજી, મુલ્લા જેવી પાછળથી આવેલી ઉપાધિઓ પણ છે.

નાગર મૂળ ગુજરાતના, પણ બહારથી આવ્યા છે. એ શક હતા? કે બેક્ટ્રીઅન ગ્રીક? રમણલાલ વસંતલાલ દેસાઈના મત પ્રમાણે મેવાડના આદિ પુરૂષ બાપા રાવળ નાગર હતા. ભારતમાં કાશ્મીરી બ્રાહ્મણો, દક્ષિણના મહારાષ્ટ્રીયન ચિતપાવન બ્રાહ્મણો અને ગુજરાતના નાગર બ્રાહ્મણો અન્ય બ્રાહ્મણોથી જુદા પડે છે. કેટલાક નાગર વિદ્વાનો એમની જાતિ ઈરાનથી ગુજરાતમાં આવી હતી એમ માને છે.

ગમે તે હોય, પણ એમની કેટલીક વિશેષતાઓ છે. જૂના નાગરોનું ચિત્ર સ્પષ્ટ છે. હાથની આંગળી પર વીંટી હોય, એક ‘વાસ’ અથવા વસ્ત્ર પહેરેલું હોય જે પીતાંબર કે ધોતિયું હોય. બીજું ‘ઉત્તરીય’ અથવા ઉપવસ્ત્ર, જે સુવાસિત હોય! નાગરોને સુવાસ-અત્તરનો શોખ હતો. ગૌર વર્ણ અને ચાલવાની છટા. વતનમાં જાય ત્યારે ધોતિયું જ પહેરે. પંગતમાં જમવા બેસે. લાડુ દૂધમાં બને. ભોજનમાં પ્યાજ કે લસણ નહીં, ધૂમ્રપાન નહીં. ભોજન જ્ઞાતિભાઈઓ જ બનાવે. સંસ્કૃતપ્રચુર ભાષા, ગુજરાતી પણ શુદ્ધ સ્વચ્છ બોલે - નાક ઊંચું રાખીને બોલતા હોય એવું જ લાગે. વ્યવસાય ભાગ્યે જ કરે - લગભગ સરકારી નોકરી જ કરતા હોય. (એક નાગર મુરબ્બીએ કહ્યું હતું કે અમને રેવન્યુ સ્ટેમ્પ બહુ ગમે!) પૂજા-હવનના ચુસ્ત.

નાગરોમાં શિક્ષણ લગભગ સો ટકા છે. પહેલેથી જ સ્ત્રીઓને પણ શિક્ષણ અપાતું. પરિવારમાં સ્ત્રીઓની જબરદસ્તી કે આધિપત્ય પણ ખરું! લગ્નની બાબતમાં પણ સોના માટે આગ્રહ નહીં. ફક્ત કંકુ અને કન્યા જ સ્વીકારવાનો રિવાજ. નાગરાણીઓ એમનાં કાતિલ સૌન્દર્ય માટે ગુજરાતભરમાં નામચીન હતી! એક ઉત્તર ગુજરાતના નાગર સમાજના સભ્યે કહ્યું હતું કે લગ્નમાં માત્ર 1100 રૂપિયા અપાતા, વરના પિતા તરફથી એ જ પલ્લું! અને પતિ-પત્નીનો જોઈન્ટ એકાઉન્ટ ખોલાય. શિક્ષણની જેમ સમાજમાં પણ સ્ત્રી સમાન. આજે આધુનિકતા સાથે આ બધામાં પરિવર્તન આવ્યું છે. સ્થળ-સમય પ્રમાણે અને આંતરવિવાહને કારણે ફેરફાર થયા છે.

પણ પંચાવન વર્ષની મહિલાનું નામ પલ્લવી કે પૌલોમી હોય, કાશીબાઈ કે નાથીબાઈ નહીં! આટલાં આધુનિક નામો કાયસ્થો સિવાય ભાગ્યે જ ગુજરાતમાં જોવા મળે છે. અન્ય જાતિઓના કુરિવાજો નાગરોમાં ઓછા છે, કદાચ શિક્ષણનું ધોરણ ઊંચું છે માટે! છોકરો નોકરી કરતો હોવો જોઈએ, પછી લગ્ન માટે યોગ્ય કહેવાય.

‘કલમ, કડછી અને બરછી’ એ નાગર સૂત્ર હતું. જે બતાવે છે કે નાગરો માત્ર શુદ્ધ ઉચ્ચારણો જ કરતા ન હતા, યુદ્ધમાં પણ જતા. નાગર ઘરમાં હીંચકો ઝૂલતો હોય, પાસે પાનદાન પડ્યું હોય એ દૃશ્ય આજે પણ જોવા મળે છે. હજી પણ ગુજરાતનાં ગામોમાં નાગરવાડા છે. નાગરજીવનનું ગુરુત્વ મધ્યબિંદુ હીંચકામાંથી પસાર થાય છે. કદાચ જમાઈને માટે વપરાતો નાગર શબ્દ ‘રાયજી’ આ જ કારણસર મહત્ત્વનો છે!

1979માં પણ એવા ઘણા નાગરો મળે જેમને એ ભ્રમ છે કે ગુજરાતી ભાષા પર એમના જેવું પ્રભુત્વ બીજી કોઈ જાતિનું ન હોઈ શકે. ઉચ્ચાર એમના જેટલા શુદ્ધ કોઈ કરી શકે નહીં, સંસ્કાર નાગર જેવા ક્યાંય નહીં. નાગરો કરતાંય ગુજરાતી ભાષા અને સંસ્કાર ઝડપથી બદલાઈ રહ્યા છે અને કળિયુગમાં જેટની ગતિથી પરિવર્તન થઈ રહ્યું છે એ દુઃખની વાત છે!

પણ નાગરોએ ગુજરાતને ભરપૂર આપ્યું છે. એમના યોગદાન વિષે વિચારતાં પહેલાં નાગરોની ઉત્પત્તિ અને શાખાઓ વિષે જોવું જોઈએ. નગરમાં વસે એ નાગર એવો એક અર્થ છે. નાગરો અગ્નિ-પૂજકો છે. (ઈરાનના છે માટે?) કામસૂત્રના નવમા અધિકરણમાં ‘નાગરિક’ શબ્દનો ઉલ્લેખ છે. એક મત એવો પણ છે કે ભારત પર આક્રમણ કરનારા સફેદ હૂણ લોકોના અહીં રહી ગયેલા આ વંશજો છે. અઢાર પુરાણોમાં સ્કંદપુરાણના એક ખંડનું નામ છે - નગરખંડ. એમાં આજના વડનગરની આસપાસની ભૂગોળ અને વસતીનું વર્ણન કરવામાં આવ્યું છે. હાટકેશ્વર ઇષ્ટદેવ છે.

એક ક્વિંદન્તી એવી છે કે નવા ઉત્પન્ન કરેલા બ્રાહ્મણો એમની નાગરપત્નીઓ સાથે વડનગર નામના સ્થાનમાં સ્થાયી થઈને વસી ગયા. ત્યાં એમણે શિવે એમને આપેલું સુવર્ણનું લિંગ સ્થાપ્યું અને એ હાટકેશ્વર કહેવાયું. પણ વડનગરના મહત્ત્વ વિષે બેમત નથી. વડનગર તૂટ્યા પહેલાં બધા જ નાગરોના રીતરિવાજો એક હતા પછી સ્થિતિ, સ્થળ અને વર્તણૂક પ્રમાણે બે ભાગ પડી ગયા - ગૃહસ્થ અને ભિક્ષુક!

નાગર જ્ઞાતિનાં છ અંગો છે : વડનગરા, વીસનગરા (આ બંને નગર પરથી). સાઠોદરા (સાઠોદર અથવા ષષ્ટિપ્રદના રહીશો), પ્રશ્નોરા (જ્યોતિષના જાણકારો). કૃષ્ણોરા (કૃષ્ણોરના રહીશો) અને ચિત્રોડા (ચિત્રોડાના રહીશો). નાગર શબ્દની ઉત્પત્તિ વિષે બીજી એક માન્યતા છે કે પ્રજાને ‘નગર’ નામનો મંત્ર આપવામાં આવ્યો હતો. ‘ગર’ એટલે ઝેર અને ‘ન’ એટલે નહીં રહે! આ મંત્ર શંકર દ્વારા મળ્યો હતો અને એનું ઉચ્ચારણ કરતા રહેવાથી સાપ ભાગી જતા હતા. નાગભૂમિમાં વસવાટ કરવા વિષે આ મંત્રને સંબંધ હશે એવું અનુમાન થઈ શકે.

એક જમાનામાં નાગર ગૃહસ્થ એના પાંચ ‘પ’ માટે પ્રસિદ્ધ હતા. દરેક ઘરમાં પાંચ વસ્તુઓ જોવા મળતી: પાટિયું (હીંચકો), પાટલો (ભોજન અને પૂજન માટે), પીતાંબર (પીળા સિલ્કની ધોતી). પારણું અને પાન. નાગરોના ચાતુર્ય અને મુત્સદ્દીગીરી વિષે ઘણી વાતો છે. અને એ ગુણો એમના રિવાજોમાં પણ ઊતરી આવ્યાં છે. ગઈ સદીઓમાં એક એવી પ્રણાલિકા પ્રવર્તતી હતી કે નાગર બીજા કોઈના હાથનો ખોરાક કે પાણી પણ પી શકે નહીં! પ્રથમ દૃષ્ટિએ જડ લાગતી આ કુટેવ એ સમયની દૃષ્ટિએ જોઈએ તો સકારણ લાગે છે. પહેલાના જમાનામાં ઝેર આપીને મારી નાખવાના ઘણા કિસ્સા બનતા હતા. અન્યના હાથનો કોઈ પદાર્થ ન લેનાર માણસ આ ભયમાંથી બચી જાય છે!

(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.