દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા : નેલ્સન મંડેલા

26 May, 2017
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: iacpublishinglabs.com

નેલ્સન રોલિહલાહલા મંડેલા. ગાંધીજી પછી વીસમી સદીના સૌથી મહાન યુગપુરુષ. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા. આત્મકથાનું નામ : લૉગ વૉક ટુ ફ્રીડમ ! મંડેલાને જેલમાં બંધ કરવામાં આવ્યા ત્યારે ઉંમર હતી 44 વર્ષ, જ્યારે એમની જેલમાંથી મુક્તિ થઈ ત્યારે ઉંમર : 71 વર્ષ !

જેલવાસ 27-1/2 વર્ષ અને એમાંથી 18 વર્ષ રોબેન દ્વીપ પરની એક કોટડીમાં ગુજાર્યાં. મંડેલા લખે છે : મારી કોટડીની બહાર સફેદ કાર્ડ ઝૂલતું હતું. એન. મંડેલા 466/64 એટલે કે 1964નો હું રોબેન ટાપુ પર લવાયેલો 466મો કેદી હતો. હું ત્રણ કદમ ચાલું તો મારી કોટડી પૂરી થઈ જતી હતી.

હું સૂતો ત્યારે પગ દીવાલને અડતા અને માથું પાછળના ક્રૉક્રિટ સાથે ઘસાતું, કોટડીની પહોળાઈ છ ફીટ જેટલી હતી. લાઈટ્સ આઉટનો અવાજ ક્યારેય સંભાળતો નહિ, કારણ કે મારી કોટડીની સીલિંગમાં જાળી ઢાંકેલો એક વિદ્યુત બલ્બ ચોવીસ કલાક, દિવસરાત, સતત જલતો રહેતો હતો. કેદીઓ ચાર પ્રકારના હતા. એ, બી, સી અને ડી ! અને રાજનીતિક કેદીઓની કક્ષા ડી હતી.

ડી વર્ગના કેદીને છ મહિનામાં એક પત્ર બહારથી મેળવવાની રજા હતી. બે વર્ષ આ વર્ગમાં રહ્યા પછી કેદીની બઢતી સી વર્ગમાં થતી. ડી કક્ષાના બંદીને છ મહિનામાં એક પત્ર લખવાની, એક પત્ર મેળવવાની અને એક મુલાકાતીને મળી શકવાની રજા હતી. મંડેલા લખે છે : એક પત્ર ન આવે એના કરતાં ખરાબ સમાચારવાળો પત્ર પણ આવે એ અમને ગમતું...

નેલ્સન મંડેલાના જેલનિવાસની વાત ચિકનદિલ વાચકો માટે નથી. મંડેલાએ 27 વર્ષના જેલનિવાસ અને 18 વર્ષના એક જ કોટડીનિવાસમાં જે સહન કર્યું છે એને માટે યંત્રણા, વેદના, દુઃખ જેવા શબ્દો બહુ સૌમ્ય અને પૉલિશ્ડ લાગે છે.

દક્ષિણ આફ્રિકામાં જેલના બર્બરીકરણ (બ્રુટલાઈઝેશન)ની પ્રક્રિયામાંથી પાગલ થયા વિના અને સંતુલિત રહીને 27 વર્ષ પછી બહાર આવવું એ લગભગ એક અમાનવીય સ્થિતિ છે અને નેલ્સન મંડેલા ગાંધીજીની જેમ પૂર્ણ મનુષ્ય થઈને બહાર આવ્યા છે.

મંડેલા લખે છે : હું શીખ્યો કે સાહસ એ ભયની અનુપસ્થિતિ નથી, પણ ભય પર વિજય છે... હું સ્વતંત્ર થવાની ભૂખ સાથે જન્મ્યો નહોતો. હું સ્વતંત્ર જન્મ્યો હતો....

મંડેલાની આત્મકથા લૉંગ વૉક ટુ ફ્રીડમનાં 625 પાનાં વાંચીને ગાંધીજીની આત્મકથાનાં 454 પાનાં વાંચ્યા પછી થાય છે એવી ફિલિંગ થતી નથી, મન અસહ્ય વિષાદી થઈ જાય છે. મંડેલાની આત્મકથાની અંતિમ લીટી છે : પણ હું માત્ર એક ક્ષણ માટે જ આરામ લઈ શકું છું, કારણ કે સ્વતંત્ર્ય સાથે જ જવાબદારીઓ આવે છે અને લડખડાવા માગતો નથી, કારણ કે મારી લાંબી મજલ હજી ખતમ થઈ નથી ! અને મંડેલા એમના જીવનના આઠમા દશકના મધ્યને પણ પસાર કરી ગયા છે. આટલાં અન્યાય, અપમાન, અવહેલના અને અમર્યાદ ત્રાસ પછી આ માણસની આંખોમાં હજી એના સિતમગરો અને જુલમગારો માટે ઝેર કેમ આવ્યું નથી? એક મનુષ્ય માટે આ અસંભવ છે અને નેલ્સન મંડેલા અસંભવના પર્યાય રહ્યા છે...

પ્રિટોરિયા લોકલ જેલમાંથી રોબેન દ્વીપ પર લઈ જવાય છે, જેમાં સાત કેદીઓ છે, હાથ બાંધેલા છે, પુલિસ વેનમાં નીચે જમીન પર કેદીઓને બેસવાનું છે. એમાં અહમદ કથરાડા પણ છે, સુરત કાંઠાના ગુજરાતી સ્વાતંત્ર્યવીર, જે મંડેલાની સાથે જ દશકો સુધી બંદી રહ્યા છે, આજે પ્રધાનમંડળમાં છે. મંડેલાને બીજી વાર રોબેન આઈલેન્ડ પર લઈ જવાય છે, જે હિંદી મહાસાગરની વચ્ચે છે.

આફ્રિકન કેદીઓ માટે હાફપેન્ટ છે અને ટાયરો કાપીને બનાવેલાં ચપ્પલ છે. કથરાડા ઈન્ડિયન છે, માટે એમને મોજાં અને ફૂલપેન્ટ અપાય છે. કોટડીમાં પથારી પથરાળ છે. રજાઈ એટલી પાતળી છે કે હિંદી મહાસાગરનો બર્ફીલો પવન છાતી ચીરીને બહાર નીકળી જાય છે, માટે કેદીઓ વર્દી પહેરીને જ સૂએ છે.

ફૂટબૉલની સાઈઝના પથ્થરો તોડવાના છે, બે કિલોના અને સાત કિલોના હથોડા કેદીઓને અપાય છે, નાના પથ્થરો કરીને પથ્થરોનો ભૂકો કરવાનો છે, પછી હાથગાડીમાં ભરીને દૂર નાખી આવવાનો છે. પથ્થર તોડતી વખતે કચરો આંખમાં ન ઘૂસી જાય એ માટે ગોગલ્સ આપતા નથી, જે માટે ત્રણ વર્ષ સુધી લડત ચાલે છે. ત્યાં સુધી વાયરની જાળી બનાવીને આંખો ઉપર પહેલી લેવાની છે, પથ્થરો તોડતી વખતે.

મંડેલાને પત્ની વીનીને છ મિહનામાં 500 શબ્દોનો એક જ પત્ર લખવાની છૂટ છે, એ પત્ર જેલના વૉર્ડરને મંડેલા આપે છે, જે વૉર્ડર ક્યારેક પોસ્ટ કરતો નથી! રોબેન ટાપુ પર ઘડિયાળો નથી, માટે દીવાલો પર લીટીઓ કરીને ગણી ગણીને સમજવું પડે છે કે કેટલા મહિના થયા અથવા કયું વર્ષ ચાલે છે. દરેક કેદી પોતાનું કેલેન્ડર બનાવી લે છે. વૉર્ડર ફક્ત ઘંટ વગાડતો રહે છે, કોટડીથી નીકળવાનો અને કોટડીની અંદર ઘૂસી જવાનો.

નવા ટૂથબ્રશ માટેની અરજી કર્યા પછી નવું ટૂથબ્રશ છ મિહને કે વર્ષે મળી રહે છે. મંડેલા લખે છે કે મારું સ્વપ્ન હતું કે એક દિવસ હું ઘાસ ઉપર ચાલીશ અને તડકામાં ફરીશ, મુક્ત માણસની જેમ.

કોટડીમાં ટોઈલેટ માટે એક નાની બાલટી જેવું હતું, ઉપર એક ઢાંકણું રહેતું, આ ઢાંકણાના પાણીથી શેવિંગ કરાતું, મોઢું ધોઈ લેવાતું. સવારે સાડા પાંચ વાગ્યે ઘંટ વાગતો. રોજ એક જ ખોરાક મળતો, પીસેલી મકાઈનો સૂપ અથવા ખીચડી જેવું અને અમારે એલ્યુમિનિયમના ડબાઓ લઈને હાજર થઈ જવું હતું. મંડેલાના લેખનમાં શુષ્ક રમૂજ આવે છે : આ ખોરાકમાં સંતુલન હતું, સ્વાદહીન અને આખાદ્ય વચ્ચેનું ! જો વૉર્ડર આવે અને ત્રણ બટન બંધ ન હોય અથવા કેદી ટોપી ન ઉતારે તો સોલિટરી કન્ફાઈન્મેન્ટ મળતી. આ સોલિટરી એટલે એક નાની કોટડી, ઉપર એક જ નાનું બાકોરું હવા માટે, ચોવીસે કલાક જલતી બત્તી, માણસનો અવાજ સંભળાય નહિ, માણસ દેખાય નહિ, વાંચવાનું કે લખવાનું કે સાંભળવાનું કંઈ જ નહિ, શેવિંગ કે નહાવાનું નહિં.

મંડેલા લખે કે એક કલાક એક વર્ષ જેટલો લાંબો લાગતો. અંદર મને થતું કે મધરાત છે અને બહાર બપોર હોય. સમય કે પ્રકાશનું પરિમાણ છૂટી જતું. સોલિટરી માણસને તોડી નાખવા માટે હોય છે.

નાહવાનું દરિયાના પાણીથી થતું અને એ બરફ જેવું ઠંડું હતું. માટે અમે ઠંડી ઓછી કરવા જોરજોરથી ગાતાં ગાતાં નાહતા. ખાવામાં ક્યારેક કોબીજ કે ગાજરનો ટુકડો કે સૂકા માંસનો ટુકડો મળતાં. પત્ર છ મહિને એક મળતો, વૉર્ડર કહેતો કે મંડેલા, તારો પત્ર આવ્યો છે, પણ એ આપતો નહિ, શાહીથી ઘણું છેકી નાખવામાં આવતું. કેદીઓ કાગળ ધોઈને છેકેલું વાંચી જતા, પછી કાગળમાં બ્લેડથી કાપીને જર્જર પત્ર આપવામાં આવતો, જેમાં પાછળ લખેલું પણ કપાઈ જતું. કેદીને છ માસમાં એક મુલાકાતી આવીને 40 મિનિટ મળી શકતો.

કાયદો હતો કે મુલાકાતીએ પ્લેનમાં જ આવવું પડે. કેદીને મળવાના એક દિવસ આગળ સરકારી અનુમતિ મળતી, જ્યારે છેલ્લું પ્લેન ઊડી ગયું હોય. રોબેન દ્વીપ પર એવા ગરીબ આફ્રિકન કેદીઓ દસ-પંદર વર્ષથી હતા, જેમને એક પણ સગું એક વખત પણ મળવા આવી શક્યું નહોતું. કેદી અને મુલાકાતીએ ઇંગ્લિશ કે ડચવંશી ગોરાઓની આફ્રિકાન્સમાં જ વાત કરવી પડતી, આફ્રિકન ભાષાઓ કે બોલીઓ પર નિષેધ હતો. મંડેલાએ 13 વર્ષ સુધી પથ્થરો તોડ્યા હતા.

એ પછી પથ્થરો તોડીને અંદરથી ચૂનો ખોદીને ભરવાનું કામ કર્યું હતું. ચૂનો ધૂપમાં એટલો ચમકતો કે આંખો ચકાચૌંધ થઈ જતી. ત્યાં જ પથ્થરો પર બેસીને જમી લેવાનું હતું અને ઉપર દરિયાઈ સી-ગલ પક્ષીઓ ઝાપટ મારતાં અથવા વિષ્ટા ફેંકતાં અને ભોજન ખતમ થઈ જતું.

વૉર્ડરો અત્યંત ક્રૂરતાથી ઢોરને ડચકારતાં જે ભાષા વાપરે એ અવાજો કરે એ ભાષા (ગાળો) કે અવાજો કરતા. ગાવા ઉપર પ્રતિબંધ આવી ગયો પછી કેદીઓ કામ કરતાં કરતાં સીટીઓથી ગુનગુનતા, પછી સીટીઓ પર પણ પ્રતિબંધ આવી ગયો. મંડેલાએ બ્રેડ માગી ત્યારે જેલના કમિશનર સેનએ કહ્યું : બ્રેડ તારા દાંત માટે ખરાબ છે, મંડેલા ! મકાઈની મિલીઝ જ તારે માટે બરાબર છે !

વૉર્ડરો માટે સેન્ડવિચો છાપાંના ટુકડામાં લપેટાઈને આવતી, જે ફેંકી દેવાતા. એ ટુકડીઓ ચોરીને કેદીઓ વાંચતા. જો આ સંતાડેલા છાપાંના ટુકડા પકડાઈ જાય તો ત્રણ દિવસ સોલિટરીની સજા થતી અને સોલિટરીમાં ત્રણ દિવસ માત્ર દિવસમાં ત્રણ વખત ચાવલનું પાણી મળતું. મંડેલા લખે છે કે સોલિટરીમાં હું જીવડાંઓની સાથે દોસ્તી કરતો અને એક વંદો મેં લગભગ પાળ્યો હતો.

સોલિટરીમાં અંત કે આરંભ જેવા શબ્દો નહોતા. ટોઈલેટ પેપર ઉપર અમે એકબીજાને સંદેશા મોકલવા લાગ્યા ત્યારે સરકારે દરેક રાજદ્વારી કેદીને માટે ટોઈલેટ પેપરનું રેશનિંગ કરી નાખ્યું, દિવસના આઠ ચોરસ ટુકડા જ આપવા શરૂ કર્યા.

મંડેલાની પત્ની વીનીની સાથે કોઈ સગું રહી ન શકે અને એણે એકલાં જ રહેવું એવો સરકારી હુકમ જારી થયો. એની નોકરી બે વાર લઈ લેવામાં આવી. વીનીને પુલિસ રાત્રે પકડી ગઈ, એના સ્કર્ટને પકડીને ચોંટી ગયેલી પુત્રીઓ ઝીની અને ઝીડઝીને ધક્કા મારીને, ફેંકીને, વીનીને પ્રિટોરિયાની જેલમાં સોલિટરીમાં મૂકી દેવામાં આવી.

જામીન નહિ, મુલાકાતીઓ નહિ અને મહિનાઓ સુધી એની પ્રશ્નપરીક્ષા લેવાતી રહી. મંડેલાની માતાનું અવસાન થયું. 25 વર્ષના મોટા પુત્ર માડીબા થેમ્બેકીલેનું કાર અકસ્માતમાં અવસાન થયું, પણ મંડેલાને દક્ષિણ આફ્રિકાની સરકારે અંતિમવિધિ માટે જવા દીધા નહિ. સત્તર મહિના જેલમાં રાખ્યા પછી વીનીને ઘરમાં લાવીને હાઉસ અરેસ્ટ અથવા ગૃહ અટકાયતમાં રાખવામાં આવી.

નેલ્સન મંડેલાએ રોબેન દ્વીપ પરના લગભગ બે દશકોના સિતમો વિશે ભદ્ર ભાષામાં લખ્યું છે અને પૃષ્ઠ 455 પર મંડેલા લખે છે : જેલ એ ખરલ છે, જેમાં મનુષ્યના ચારિત્ર્યની કસોટી થઈ જાય છે ! મંડેલાએ જે સહન કર્યું છે, ભાગ્યે જ કોઈ નેતાએ 20મી સદીમાં સહન કર્યું છે અને આ માણસ સાચા અર્થમાં સ્વસ્થ રહી શક્યો એ અતિમાનવનું લક્ષણ છે...

ક્લોઝ અપ :

મેં ઝીડ્ઝીને એ ત્રણ વર્ષની હતી પછી જોઈ જ ન હતી. એ મારી દીકરી હતી, જે એના પિતાને સ્મૃતિથી નહિ, પણ જૂના ફોટાઓ પરથી જ ઓળખતી હતી.

નેલ્સન મંડેલા : લૉંગ વૉક ટુ ફ્રીડમ : પૃષ્ઠ 471

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.