હું, ઝૈલસિંઘ, ઈશ્વરના નામે શપથ લઉં છું કે...

23 Feb, 2018
07:01 AM

ચંદ્રકાંત બક્ષી

PC: photodivision.gov.in

“હું ઝૈલસિંઘ, ઈશ્વરના નામે શપથ લઉં છું કે હું વફાદારીથી ભારતના રાષ્ટ્રપતિ તરીકેનું ઉત્તરદાયિત્વ નિભાવીશ અને મારી સર્વોત્તમ યોગ્યતા પ્રમાણે સંવિધાન અને કાયદાને સંભાળીશ, સાચવીશ, સુરક્ષા કરીશ અને હું ભારતવર્ષની જનતાની સેવા અને સમૃદ્ધિ માટે જીવન ન્યોછાવર કરીશ...”

નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હૉલમાં જુલાઈ, 25, 1982ને દિવસે પંજાબના ફરીદકોટના 3500ની વસતિવાળા સાંધવા ગામના એક સુથારના બેટા જર્નાઈલ સિંઘ ઉર્ફ ઝૈલસિંઘ ભારતીય સંવિધાનના પાંચમા ભાગના પ્રથમ પ્રકરણની 60મી કલમ મુજબ શપથ લીધા હતા અને 180 ફુટ ઉંચા દરબારહોલના ઘુમ્મટની નીચે બેલ્જિયમ કાચનું આદ્વિતીય ઝુમ્મર ઝગારા મારી રહ્યું હતું. આજે મે 1989માં ભારતવર્ષના સાતમાં રાષ્ટ્રપતિ ઝૈલસિંઘને ફરીથી એ શપથ યાદ કરવાનો દિવસ આવી ગયો છે : સંવિધાન અને કાયદાને સંભાળીશ, સાચવીશ, સુરક્ષા કરીશ અને ભારતવર્ષની જનતાની સેવા અને સમૃદ્ધિ માટે જીવન ન્યોછાવર કરીશ.

દેશના કાયદાશાસ્ત્રીઓ, બૌદ્ધિકો, દેશપ્રેમીઓ વચારે છે કે જૂન-જુલાઈ સુધીમાં નવી દિલ્હીમાં કંઈક હલચલ થશે. રાષ્ટ્રપતિ પાસે હુકમનો એક્કો છે એવું ઘણા માને છે. બીજા કેટલાક માને છે કે ભારતીય રાષ્ટ્રપતિ  વડાપ્રધાનનો એક પડછાયો માત્ર છે. એ રબર-સ્ટેમ્પ છે, નિરાધાર છે. બંને પક્ષો તર્ક-વિતર્ક, વાદ-પ્રતિવાદ કરી શકે એટલા બુદ્ધિમંત છે. પણ સામાન્ય નાગરિકને એક પ્રશ્નમાં જરૂર રસરુચિ છે : દેશની આજની અસ્થિરતામાં રાષ્ટ્રપતિની કોઈ ભૂમિકા છે ખરી?

કાયદાનું અર્થઘટન કરનારા કરશે, અને કાયદાનું અર્થઘટન દ્વિમુખી પણ હોઈ શકે છે. સંવિધાન શુષ્ક, નિર્જીવ અચલ વસ્તુ નથી. – સંવિધાનમાં એક જીવંત પરિવર્તનશીલ શક્તિ છે અને જનમતને પરાવર્ત કરનારા ત્રિપાશ્વનું પણ કામ કરે છે. સંવિધાન એક ઓર્ગેનિક, સતત સંવૃદ્ધ થતો ઘટક છે. જગતભરનાં સંવિધાનોના અર્થઘટન દેશકાળ પ્રમાણે બદલાતાં રહ્યાં છે. લખાયેલા કાળા મૃત શબ્દની પાછળ એક અપેક્ષા અને ચેતનાનો ઈતિહાસબોધ નિહિત છે.

ડૉ. રાધાકૃષ્ણનનું નામ રાષ્ટ્રપતિપદ માટે જ્યારે સૂચવાયું હતું ત્યારે વિરોધ પક્ષોએ સરકારને સહકાર આપ્યો હતો અને એ નામ માટે સર્વસંમતિ હતી. ડૉ. ઝાકીરહુસેનનું નામ સૂચવાય્ ત્યારે વિરોધ પક્ષોએ જજ સુબ્બારાવનું નામ સૂચવ્યું હતું. 1974માં જ્યારે ખફરુદ્દીન અલીઅહમદને કોંગ્રેસે ઊભા કર્યા ત્યારે વિરોધ પક્ષોએ સમસ્વરે એક નામ પ્રસ્તુત કર્યું હતું : ત્રિદીબકુમાર ચૌધરી! વિપ્લવી સમાજવાદી પક્ષના 63 વર્ષીય ઉમેદવાર ત્રિદીબ ચૌધરી રાષ્ટ્રપતિપદના નિર્વાચનમાં પરાજિત થાય એ નિશ્ચિત હતું. અને ત્રિદીબબાબુ હારી ગયા હતા. પણ ઓગસ્ટ 1974માં મને મુંબઈમાં એમનો ઈન્ટર્વ્યૂ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મારા મિત્ર ડૉ. ઉદય મહેતાને ઘેર! અનુશીલન પક્ષના ભૂતપૂર્વ ક્રાન્તિકારી ત્રિદીબબાબુ આઝાદી પૂર્વે 15 વર્ષ જેલોમાં રહ્યા હતા અને આઝાદી પછી એક વર્ષ ગોવાની જેલમાં રહ્યા હતા. અર્થશાસ્ત્રી સાથે એમ.એ. થયા હતા, અપરિણીત હતા, પચીસ વર્ષથી સંસદસભ્ય હતા. એમની સાથે તેર વર્ષ પહેલાં થયેલી વાતો અને પ્રશ્નોત્તરી આજના અસ્થિર કાળમાં સાંદર્ભિક લાગે છે.

રાષ્ટ્રપતિપદ માટેના 1974ના ઉમેદવાર અને અનુભવી સાંસદ ત્રિદીબ ચૌધરીને મેં પૂછેલા કેટલાક પ્રશ્નોના ઉત્તરો :

પ્રશ્ન : તમને લાગે છે કે ભારતના રાષ્ટ્રપતિ ફ્રાંસમાં ચાર્લ્સ દ’ગોલે જે પ્રકારનું મજબૂત રાષ્ટ્રપતિત્વ પ્રાપ્ત કર્યું એ પ્રકારનું પ્રાપ્ત કરી શકશે?

ઉત્તર : દ’ગોલનું વ્યક્તિત્વ અન એનો ભૂતકાળ અંશતઃ આ માટે જવાબદાર હતા. મને લાગતું નથી ભારતમાં એ પ્રકારનું મજબૂત રાષ્ટ્રપતિત્વ આવે.

પ્રશ્ન : ડૉ. રાજેન્દ્રપ્રસાદે નવેમ્બર 1960માં ઈન્ડિયન લૉ ઈન્સ્ટિટ્યૂટની સામે રાષ્ટ્રપતિની સત્તાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ડૉ. રાધાકૃષ્ણને અઢારમા પ્રજાસત્તાક દિવસે પોતાની સરકારની જ કડક આલોચના કરી હતી. વી.વી. ગિરિએ 28 જુલાઈ 1973ને દિવસે લખનૌમાં કેન્દ્ર સરકારની કટુ સમીક્ષા કરી હતી. રાષ્ટ્રપતિને પોતાની જ સરકારની આલોચના કરવાનો અધિકાર છે?

ઉત્તર : હા, એમાં અવૈધ નથી. રાષ્ટ્રપતિને અમુક ફરજો છે. અને જવાબદારીઓ છે. પ્રધાનમંડળ રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે છે. પણ રાષ્ટ્રપતિ જો પ્રધાનમંડળની સલાહ ન માને તો? સંવિધાન આ વિશે ચુપ છે. જો રાષ્ટ્રપતિ આ પ્રશ્ન પ્રજા પાસે મૂકી શકે અથવા સંવિધાનની 61મી કલમ (ઈમ્પીચમેનટ ક્લૉઝ) અનુસાર સંવિધાન-ભંગ માટે રાષ્ટ્રપતિ સામે કામ ચાલી શકે. આ પ્રસંગે સંવિધાન રાષ્ટ્રપતિને સંસદ સામે આવવાનો હક આપે છે અને રાષ્ટ્રપતિ પૂરી સમસ્યા સંસદ સામે મૂકી શકે છે.

પ્રશ્ન : તમે રાષ્ટ્રપતિના શપથ વિશે વારંવાર કહ્યું છે, એ વિશે કંઈ સ્પષ્ટતા કરશો?

ઉત્તર : જે વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિ બને છે એ સંવિધાનમાં લખ્યા મુજબ શપથ લે છે. અહીં ક વાત ધ્યાનાકર્ષક છે : રાષ્ટ્રપતિ જે શપથ લે છે એ પ્રધાનોના કે સંસદસભ્યોના શપથથી જુદા છે. રાષ્ટ્રપતિના શપત સંવિધાનનો એક ભાગ છે. જ્યારે અન્યના શપથ પાછળના વધારામાં આપ્યા છે. સંવિધાનનું રક્ષણ રાષ્ટ્રપતિનું કર્તવ્ય છે, એક ખાસ જવાબદારી છે... રાષ્ટ્રપતિ શોભાનું પૂતળું નથી. આપણા દેશમાં સંવિધાન સવાયત્ત (સોવરેઈન) છે, પ્રજા સ્વાયત્ત છે એવું હું સમજું છું.

એ ઈન્ટરર્વ્યૂ મેં ત્રદીબબાબુને એક વાત કરી હતી. જેમાં એમને બહુ રસ પડ્યો હતો અને એમણે કહ્યું હતું : કાલે મારે ત્રિવેન્દ્રમ જવાનું છે. આ પ્રશ્ન મને લખી આપો. હું જોઈ લઈશ, નિષ્ણાતોને પૂછી લઈશ. આ મુદ્દો રસિક છે –

એ મુદ્દો હતો : પ્રધાનમંડળની સંસદમાં બહુમતી હોય પણ રાજાને લાગે કે જનતાનો ટેકો પ્રધાનમંડળને નથી તો રાજાને પ્રધાનમંડળ પણ બરતરફ કરવાની સત્તા છે. રાષ્ટ્રપતિ આ પ્રમાણે કરી શકે? આપણું સંવિધાન આ વિશે શું કહે છે? 1970માં સંવિધાનતજજ્ઞ અને ભૂતપૂર્વ મંત્રી અશોક ચંદાએ એક લેખમાં લખ્યું હતું કે, કેનેડામાં એક વાર આવી ઘટના ઘટી હતી.

આ પ્રશ્ન આજના ઝૈલસિંહ-રાજીવ ગાંધી મતભેદના સંદર્બમીં અત્યંત સ્ફૉટક બની શકે છે, અને ઘણા ઉપપ્રશ્નો ઊભા કરી શકે છે. જો સરકાર અતિભ્રષ્ટ થઈ જાય પણ સંસદમાં બહુમતી હોય અને જનમત વિરોધી થઈ ગયો હોય તો રાષ્ટ્રપતિએ સંવિધાનના સંરક્ષણ માટે શું કરવું જોઈએ?

ડિસેમ્બર 1948માં કચ્છની સંસદસભ્ય પ્રો. કે.ટી. શાહે સૂચન કર્યું હતું કે વયસ્ક મતદાનના આધાર પર રાષ્ટ્રપતિનું સીધું નિર્વાચન થવું જોઈએ. અત્યારની નિર્વાચનપદ્ધતિને લીધે રાષ્ટ્રપતિની સ્થિતિ રબર-સ્ટેમ્પ જેવી બની ગઈ છે? 1950માં સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થઈ ગયું ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદની ઈચ્છા હતી કે સરદારની સ્મશાયનયાત્રામાં હાજર રહેવું. સરદાર અને પ્રસાદ જીવનભરના સંગ્રામસાથીઓ હતા. પણ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદને મુંબઈ જવા દીધા નહીં. રાજેન્દ્ર પ્રસાદના મિલિટરી સેક્રેટરી બિમાનેશ ચેરટ્જીએ એક પુસ્તકમાં લખ્યું છે કે ડૉ. પ્રસાદની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. પણ પછી સોમનાથના મંદિરના પુનરુદ્ધારના ઉદ્દઘાટન સમયે નેહરુએ ના પાડી છતાં પણ ડૉ. પ્રસાદ ગયા હતા!

ડૉ. રાધાકૃષ્ણનના કાળમાં ત્રણ પ્રધાનમંત્રી આવી ગયા. જવહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઇંદિરા ગાંધી. આમાં પણ ઈંદિરા ગાંધી ઇંગ્લેંડમાં ડૉ. રાધાકૃષ્ણનનાં વિદ્યાર્થિની રહી ચૂક્યાં હતાં. ડૉ. રાધાકૃષ્ણન જેવી આંતરરાષ્ટ્રીય ઊંચાઈવાળી વ્યક્તિને આદેશ આપવો સરળ કામ ન હતું.

જ્યારે સંવિધાન ઘડાતું હતું ત્યારે રાજેન્દ્રપ્રસાદ બંધારણીય સભા (કોન્સ્ટિટ્યૂઅન્ટ સેમ્બલી) ના અધ્યક્ષ હતા. નવેમ્બર 26, 1949ને દિવસે એમણે આ પ્રશ્ન વિશે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. ડૉ. પ્રસાદના મંતવ્ય પ્રમાણે સંવિધાનમાં એવી કોઈ સૂચના નથી કે પ્રધાનમંડળની સલાહ રાષ્ટ્રપતિને માન્ય રાખવી જ પડે. આ પ્રકારનો રિવાજ ફક્ત ઇંગ્લેન્ડમાં છે.

સંવિધાન તજજ્ઞ સર ઈવોર જેનિંગ્સે પણ સ્પષ્ટ કહ્યું છે ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને એમના અનુગામીઓને અંગ્રેજી સંવિધાનના મોડેલનું અનુસરણ કરતા જ રહેવું આવશ્યક નથી. કનૈયાલાલ મુનશીએ આ જ સંદર્ભમાં પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો કે રાષ્ટ્રપતિ ‘નિશ્ચલ શબ’ નતી.

આજના ભારતની ઉપલબ્ધ રાજકીય પરિસ્થિતિ એક દિશાહીનતા તરફ જઈ રહી છે ત્યારે રાષ્ટ્રપતિની ભૂમિકા વિશે પ્રશ્નો ઉદ્દભવે એ સ્વાભાવિક છે. કોઈ પણ હોદ્દો અંતે તો હોદ્દેદારની શખ્સિયત પર નિર્ભર છે. ઝૈલસિંહે શપથ લીધા હતા એ દિવસો અને આજે એમના રાષ્ટ્રપતિપદનો અંતિમ મહિનો બે જુદી સ્થિતિઓ છે. ભારતના આઠમા રાષ્ટ્રપતિ માટેના તલાશ થોડા જ સમયમાં તેજ બની જશે. 1987ના જુલાઈમાં આપણે કયા માણસને ‘સંવિધાન અને કાયદાની સંભાળ અને સુરક્ષા આપીશું?’ અને એ માણસ વડાપ્રધાનની પણ ‘સંભાળ’ રાખશે? સંવિધાનના શપથમાં તો એવું લખ્યું નથી!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.