દફન જૂનું થયું, દહન લેટેસ્ટ છે...
ઈન્ગમાર બર્ગમેન બોલ્ટીક સમુદ્રમાં ફારો નામના એક ટાપુમાં રહે છે અને એ 77 વર્ષીય છે, અને વિશ્વના મહાનતમ ફિલ્મ-દિગ્દર્શકોમાં સ્થાન પામે છે. પાંચ લગ્નો અને કેટલાય અફેરો પછી બર્ગમેન 'જીવનના અંતિમ ઈન્ટરવ્યૂ'માં મૃત્યુ વિશે ધીમા સ્વરે કહે છે : જવાન હતો ત્યારે મૃત્યુથી બહુ ડરતો હતો. હવે વિચારું છું ત્યારે લાગે છે કે આ એક બહુ જ સમજદાર વ્યવસ્થા છે. એક બત્તી... બુઝાવી નાખવા જેવી એ ક્રિયા છે. એમાં આટલું બધું રુદન આક્રંદ શા માટે?
મૃત્યુ વિશે જાપાનીઝ કહેવત છે : મૃત્યુ એક પીંછા કરતાં હલકું છે, અને એક પહાડ કરતાં વજનદાર છે! દરેક ચિંતકે મૃત્યુ વિષે લખ્યું છે. ચિત્રકાર પાબ્લો પિકાસોએ જિંદગીના નવમા દશકમાં લખ્યું હતું કે, મૃત્યુની તો બહુ ચિંતા હવે રહી નથી, પણ જો અપંગ થઈ જવાય તો? બસ, એનો ડર લાગી રહ્યો છે! દરેક માણસ, ઈઝરાયલી લેખક એમોસ ઓઝ કહે છે, એના શરીરમાં એક બાળક સાથે જીવે છે. એ અંદરનું બાળક જીવે છે અથવા મરી ચૂક્યું છે. માણસની આંખોમાં જુઓ, માણસનું મહોરું આંખો સંતાડી શકતું નથી. એ આંખોમાં દેખાશે કે અંદરનું બાળક જીવે છે કે મરી ગયું છે. લેખક એમોસ ઓઝ લખે છે કે ટી.વી. એ વર્તમાનકાળનું માધ્યમ છે. એને અતીત હોતો નથી, એને પરિપ્રેક્ષ્ય હોતો નથી. ટી.વી. પર મૃત્યુ બતાવવાનો અતિરેક થઈ ગયો છે. ફક્ત ટી.વી.માંથી મૃત્યુની વાસ જે દિવસે દર્શક અનુભવી શકશે, એ દિવસે ટી.વી. પરથી હિંસા ઓછી થઈ જશે. મૃત્યુની એક ભયાનક બદબૂ હોય છે જે માણસ રણભૂમિ પર ગયો છે એ મૃત્યુની વાસને જાણે છે, ભયાનક નફરત કરે છે.
મૃત્યુ આવતાં પહેલાં આત્મા જખ્મી થતો જાય છે, અને સત્ય સંજોગોને આધીન થતું જાય છે. જીવનની બદલાતી કેમિસ્ટ્રી માટે ધર્મ પાસે કોઈ ચિકિત્સા નથી. માત્ર સાંત્વન થેરપી નથી, સાંત્વન એક અસહાય સમાધાન છે. અંતિમ સંસ્કાર શું હોય છે? દફન કે અગ્નિદાહમાં શ્રેષ્ઠ શું છે એવો પ્રશ્ન જ બેબુનિયાદ બની જાય છે. અંત્યેષ્ઠિ વિધિ દરેક પ્રજામાં ધાર્મિક જ હોય છે. ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમમાં દફન છે, હિંદુમાં અગ્નિસંસ્કાર છે. અમેરિકામાં શાકાહાર વધી રહ્યો છે એવી દલીલના સમર્થકો ખુશ થાય એવી વાત એ છે કે અમેરિકામાં દફનવિધિને બદલે હવે અગ્નિસંસ્કાર પણ વધારે લોકપ્રિય બની રહ્યો છે! 1975મા અમેરિકામાં 425 સ્મશાનોમાં દોઢ લાખ અગ્નિસંસ્કાર થયા હતા, અને વીસ વર્ષ પછી 1995મા 1100 સ્મશાનોએ 4 લાખ 70 હજાર 9 સો 15 અગ્નિદાહ કર્યા હતા ! વિદેશોમાં ઝુકાવ હવે દફન તરફથી દહન તરફ થઈ રહ્યો છે. દહન અથવા ક્રિમેશન એ લેટેસ્ટ ફેશન છે....
ફ્યુનરલ અથવા દફનને બદલે ક્રિએશન અથવા દહન એ લેટેસ્ટ ફેશન બની રહી છે. દફનમાં અમેરિકામાં જગ્યા 'ખરીદવી' પડે છે. કાસ્કેટ (જેમાં મૃત શરીર રખાય છે) ખરીદવું પડે છે. કોફીન બહુ ખર્ચાળ હોય છે અને મૃતક માટેની વિધિ ઘણી વાર કલાકો સુધી ચાલતી હોય છે. સામાન્ય અગ્નિદાહ કે ક્રિમેશનનો ખર્ચ 800 ડૉલર છે, જ્યારે પારંપરિક દફનવિધિ કે બેરીઅલનો ખર્ચ 4500 ડૉલર છે. અમેરિકામાં અગ્નિસંસ્કારનું પ્રમાણ વધી ગયું છે પણ એ તરફ આપણા દેશપ્રેમીઓનું ધ્યાન હજી ગયું નથી. 1972મા 20 લાખ મૃત્યુ થયાં હતાં. જેમાંથી પાંચ ટકાને અગ્નિદાહ અપાયો હતો. 1992માં 22 લાખ અવસાનો થયાં અને 20 ટકા મૃતદેહોને બાળી નાખવામાં આવ્યા. અમેરિકામાં 2020ના વર્ષ સુધીમાં 40 ટકા શબોને અગ્નિદાહ આપવામાં આવશે એવો અંદાજ છે. હજી યહૂદીઓ, રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ અને બેપ્ટીસ્ટો દહનમાં માનતા નથી, પણ 1963મા રોમન કેથલિક ચર્ચે શબને અગ્નિદાહ આપવા પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે.
દફન માટેની જગ્યાઓ ઓછી પડવાથી મોંઘી થઈ ગઈ છે, જ્યારે અગ્નિ સંસ્કારમાં ફક્ત મૃત્યુનું સર્ટીફિકેટ જોઈએ છે અને બ્રેડ પકાવવાના ઓવન જેવું એક વિરાટ ગેસ કે પેટ્રોલ જલતું ભઠ્ઠી જેવું ઓવન વપરાય છે. જેની અંદરની ગરમી 1700 ડિગ્રી હોય છે. શરીરને કપડાં પહેરાવેલાં હોય છે. બાકી બધું ઉતારી લેવામાં આવે છે. અમેરિકામાં જે અસ્થિ વધે છે એને માટે 'એશીઝ' શબ્દ હમણાં સુધી વપરાતો ન હતો. હાડકાંના વધેલા, જલેલા ટુકડા પ્લાસ્ટિક બેગ કે પૂઠાંના બૉક્સમાં ભરીને સગાંઓને આપી દેવાય છે. આ દાટી દેવાનો રિવાજ હતો પણ હમણાં હમણાં આપણી જેમ એક બોટમાં સગાંઓ અને મિત્રો 'બે' (બી-એ-વાય) કે સમુદ્રના મુખ તરફ જાય છે, કોકટેઈલ પાર્ટી થાય છે. એક 'સ્કેટરિંગ સેરીમની' અથવા આપણા અસ્થિવિસર્જન જેવી વિધિ કરવામાં આવે છે ! આપણે જેને અસ્થિ કે એશીઝ કહીએ છીએ એને અમેરિકામાં 'ક્રિમેઈન્સ' કહેવાય છે....
દુનિયા હિન્દુ અગ્નિસંસ્કારની દિશામાં જઈ રહી છે?
ક્લોઝ અપ
મૃત્યુની સાવ લગોલગના અનુભવમાંથી પસાર થઈ રહ્યો છું. થોડા સમય પછી જ્યારે આ અનુભવોનો પ્રદેશ પાર થઈ જશે. ત્યારે આ પાર હોઈશે કે પેલે પાર એની જાણ નથી... મૃત્યુની સાવ લગોલગનો અનુભવ કોઈ નવું શાણપણ નથી આપતો. બલકે જીવનભરના વાચનમનન પછી જે કંઈ શાણપણ સંચિત થયું હોય, એ બધાને સંદેહના ધમાકાથી હચમચાવી મૂકે છે.
- હરીન્દ્ર દવે
(ફેબ્રુઆરી 23, 1995 : 'જન્મભૂમિ'
મૃત્યુ પૂર્વના અંતિમ લેખમાંથી)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર