એક હતો રાજા...

17 Nov, 2017
12:05 AM

ચંદ્રકાંત બક્ષી

PC: youtube.com

એક હતો રાજા. એનું નામ શી-હૂઆંગ-ટી1. એ ચીનનો હતો. દુનિયામાં કોઈ ન કરે એવું બધું એ કરતો હતો. એક વાર એણે નક્કી કર્યું કે દુનિયાનો ઈતિહાસ મારાથી જ શરૂ થવો જોઈએ એટલે એણે ચીનમાં જેટલાં પુસ્તકો અને લાઈબ્રેરીઓ હતાં એ બધાં બળાવી નાખ્યાં! ઘણા વિદ્વાનોને કતલ કર્યા.

એક વાર ઝિયાંગ નામના પહાડ પર ઉજાણી માટે એ જવાનો હતો અને હવાનું તોફાન આવી ગયું. એટલે ઉજાણી રદ કરવી પડી. હૂઆંગને એવો ગુસ્સો આવ્યો કે એણે પહાડ પરનાં બધાં જ વૃક્ષો કપાવી નાખ્યાં અને પછી આખો પહાડ લાલ રંગથી રંગાવી નાખ્યો !

અને પછી એને વિચાર આવ્યો કે ઉત્તર તરફથી મંગોલ જાતિ વારંવાર આક્રમણ કરીને હેરાન કરે છે માટે કંઈક કરવું જોઈએ – અને એણે ચીનની મહાન દીવાલ બંધાવી, જે હજારો કિલોમીટર લાંબી છે અને વિશ્વનું એક આશ્ચર્ય છે. કહેવાય છે કે ચંદ્ર ઉપરથી જો માણસનું સર્જન જોવું હોય તો ચીનની દીવાલ જ જોઈ શકાય!

જીવનની શરૂઆતમાં જ એને વિચાર આવ્યો, કે પોતાને માટે એક આલીશાન કબ્રસ્તાન બનાવવું જોઈએ. એની બનાવેલી કબર હમણાં ચીનમાં ખોદાઈ. સાત લાખ મજૂરોને એ બનાવતાં છત્રીસ વર્ષો લાગ્યાં હતાં! કબરમાં મહેલો, ટાવરો, રહેવા માટેની વ્યવસ્થા, વાસણો વગેરે છે.

આ ઉપરાંત એમાં મનુષ્યના કદની મોટી સાત હજાર સૈનિકોની મૂર્તિઓ છે, રથો છે, ટેરાકોટાના બનાવેલા સેંકડો ઘોડાઓ છે ને સાચા ઘોડાઓ જેટલા ઊંચા છે ! આ વિચિત્ર કબર ચાર માઈલની દીવાલથી ઘેરાયેલી છે અને અઢીસો ફીટ ઊંચા ટેકરાની નીચે દબાયેલી છે.

રાજાઓ દુનિયાની દરેક પ્રજામાં ઈતિહાસમાં મળે છે – અને એ અસામાન્ય માણસો હોય છે. સત્તરમી-અઢારમી સદમાં આમજનતાનો યુગ શરૂ થયો ત્યાં સુધી રાજાઓ જ નાટકો અને કથાઓના હીરો હતા. ચિત્રો પણ એમનાં જ બનતાં, કવિતાઓ અને ઈતિહાસો રાજાઓ લખાવતા.

દરેક ભાષામાં રાજાઓ વિશે જ વિચિત્ર કહેવતો છે. આપણે ત્યાં ‘રાજા, વાજા અને વાંદરા’ કહેવત પ્રચલિત છે. એ ક્યારે શું કરે ખબર ન પડે ! ઈરાનમાં તો એમ કહેવાતું કે રાજા દિવસને રાત કહે તો, કહેવું જોઈએ કે કેવો સરસ ચાંદ ઊગ્યો છે ! રાજાઓ પથારીમાં પણ તાજ પહેરીને સૂતા અને સ્ત્રીને પ્રેમ કરતી વખતે પણ ‘હું’ કહેતા નહિ – પણ ‘અમે’ વાપરતા ! ઈતિહાસમાંથી રાજાઓની રંગીની કાઢી નાખીએ તો શું બાકી રહે?

બ્રહ્મદેશનો રાજા મહાબંદુલ કલકત્તાની અંગ્રેજ ફોજ સામે લડવા ગયો ત્યારે સોનાની સાંકળો લઈ ગયેલો. એની ઈચ્છા અંગ્રેજ સેનાપતિને સોનાની સાંકળમાં બાંધીને રાજધાની માંડલેમાં લઈ આવવાની હતી, પણ અંતે એને જ સાંકળોમાં બંધાવું પડ્યું.

દક્ષિણ અમેરિકાના હૈટી ટાપુ પર ક્રિસ્તોફે નામનો ગુલામ રાજા બની ગયો. એણે સમ્રાટ હેન્રી પ્રથમ નામ ધારણ કરીને દસેક વર્ષ સુધી રાજ કર્યું. પછી બળવો થયો અને બળવાખોરોને શરણે જવાને બદલે એણે આત્મહત્યા કરવાનું પસંદ કર્યું. એણે પોતે જ પોતાને ગોળી મારી દીધી, પણ એ ગોળી લોખંડની નહિ, ચાંદીની હતી ! સમ્રાટ હેન્રી પ્રથમ ચાંદીની ગોળીથી જ મરી શકે !

રાજાઓ કદાચ એટલા એકલા પડી જતા હશે કે સનકી અને અસંતુલિત બની જતા હશે. સારા સારા રાજાઓમાં વિચિત્ર લક્ષણો જોવામાં આવે છે.

સ્પેન પર રાજ્ય કરનાર મુર રાજાઓએ એમને માટે જે મહેલ કે એશગાહ બનાવેલો એમાં એક ભાગ આનંદ કરવા માટે હતો. ચળકતી બ્લ્યુ દીવાલો અને થાંભલા હતાં, વચ્ચે એક રંગીન ફુવારો અલગ-અલગ ધારાઓમાં ઊડતો રહેતો હતો, ઉપર પહેલા માળે આરસની બાલ્કની અથવા ઝરૂખા રહેતા. નીચે ફુવારાની આસપાસ જે છોકરીઓ રાજાનું મનોરંજન કરવા આવતી તે તદ્દન નગ્ન રહેતી.

નૃત્યો થતાં, આમોદપ્રમોદ થતાં, અને ઉપર ઝરૂખાઓમાં સંગીતકારો રાતરાતભર એમનાં વિજંત્રો વગાડતા. આ સંગીતકારો આંધળા જ રહેતા અથવા એમને આંધળા કરવામાં આવતા ! અંધ સંગીતકારો અને નગ્ન નર્તકીઓ અને રંગીન ફુવારાઓની ઠંડકમાં રાત ધબકતી રહેતી...

આફ્રિકાના ઘણા રાજાઓના દરબારમાં એક મંત્રી રહેતો, જેનું કામ રાજાને આવેલાં સપનાંનો અર્થ સમજાવવાનું રહેતું. એ ભવિષ્યકાળ માટેના મિનિસ્ટરો હતા. ઈટાલિયન પ્રવાસી માનુકીએ લખ્યું છે કે, ઔરંગઝેબના દરબારમાં એક મંત્રી એવો હતો, જેનું કામ હતું દાઢીઓની સાઈઝ જોતાં રહેવાનું. દરેકની દાઢી માપતો, વધેલી લાગે તો કાયદેસર ગણાય એટલી કપાવતો, મૂછ જો હોઠ ઢાંકી દેતી હોય તો પણ લાઇનસર કપાવવાની જવાબદારી આ દાઢીમુછ મંત્રીની રહેતી !

રશિયાનો પિટર ધ ગ્રેટ છ ફીટ આઠ ઈંચ ઊંચો જાનવર હતો. અને એ પણ મહેલને દરવાજે ઊભો રહીને આ પ્રમાણે વધેલી દાઢીઓ કપાવતો. જો કોઈ દારૂડિયો મળી જાય તો તેની ગરદન પર વજનદાર લોખંડનો ક્રોસ લટકાવીને તેને ફેરવવામાં આવતો. રસિયાના ઝાર એલેક્ઝાન્ડરના સમયમાં જો કોઈ તમાકુ પીતો પકડાઈ જાય તો એનું નાક કાપી નાખવામાં આવતું. હિંદુસ્તાનમાં અકબરના સમયમાં તમાકુનો વપરાશ શરૂ થયો, અફીણ પીનાર અકબરને તમાકુ માટે સખત નફરત હતી અને તમાકુ વાપરનારને એ દરબારમાં આવવા દેતો નહિ.

જહાંગીરે તમાકુ પર પ્રતિબંધ મૂકેલો – જોકે એ પોતે પ્રથમ કક્ષાનો શરાબી હતો. અંગ્રેજ-પ્રવાસી હોકિન્સે જહાંગીર વિશે લખ્યું છે કે, બાદશાહને એક સોનાની સિસોટી અથવા સીટીની ભેટ આપવામાં આવી અને એ એનાથી એટલું ખુશ થઈ ગયો હતો કે કલાકો સુધી સીટી વગાડ્યા જ કરતો!

તૈમુરલંગને હિંદુસ્તાનમાંથી મળેલા બે સફેદ પોપટ એટલા પ્રિય હતા કે રોજ સવારે કલાકો સુધી એ એમની સાથે રમ્યા કરતો ! અકબરે એના પ્રિય હરણના મૃત્યુ પર એક મિનાર બંધાવેલો, અને એ ગુલામ સ્ત્રીઓ સાથે શતરંજ રમ્યા કરતો. ઇંગ્લંડનો રાજા ચાર્લ્સ પ્રથમ દરબારીઓને ઈલકાબ અને નાઈટહૂડ એનાયત કરતો અને કોઈ એ અસ્વીકાર કરે તો સખત દંડ કરતો !

પણ રાજાઓ માત્ર આવી ગમ્મત જ કરી શકતા એવું નથી. રોમના મહાન જુલિયસ સીઝરનો સાથી ક્રેસસ ખૂબ પૈસાદાર હતો અને સોનાનો બહુ શોખીન હતો, એણે ખૂબ સોનું ભેગું કર્યું હતું ! પાર્થીઅનોની સામે યુદ્ધમાં એ પકડાઈ ગયો ત્યારે પાર્થીઅન પ્રજાએ એના સુવર્ણ પ્રેમને ધ્યાનમાં રાખી, એનું મોઢું ખોલીને, ધગધગતું ઓગાળેલું સોનું રેડ્યું હતું...!

(ગુજરાત ટાઈમ્સ : જુલાઈ 12, 2002)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.