રાજીવ ગાંધી વિરુદ્ધ વિપક્ષો : ચંદ્રની બીજી બાજુ અંધારું છે, દેખાય છે એ ચંદ્રમાં ડાઘા છે

19 Jan, 2018
07:01 AM

ચંદ્રકાંત બક્ષી

PC: zeenews.india.com

મુલાયમસિંહથી ભીમસિંહ સુધી બધાને થવું છે. અજિતસિંહથી જિતસિંહ સુધી બધાને થવું છે. ચંદ્રશેખર સિંહથી વિશ્વનાથ પ્રતાપસિંહ સુધી બધાને થવું છે. ભારતના વડાપ્રધાન થવા માટે બધા જ યોગ્ય છે. જો રાજીવગાંધી વડાપ્રધાન થઈ શકે અને રહી શકે તો બાકી બધા નેતાઓની શા માટે ઈચ્છા ન થાય? ઈટાલીઅન ગુચ્ચી શૂઝ અને રેબનના સનગ્લાસીસ પહેરીને તુર્કી કે સ્પેન જતાં આવડવું જોઈએ. જોકે આઈસલેન્ડ અને લિચટેનસ્ટાઈન અને લીવર્ડ આઈલેન્ડ અને મોનેકો જવાનું હજી બાકી છે અને વડાપ્રધાનપદ માટે મુરતિયાઓની કતાર લાગી છે. હવે વિપક્ષોને ચૂંટણીમાંથી વિજયની ખુશ્બુ આવી રહી છે. રાજીવ ગાંધી પછી કોણ? પછી... વી.પી.સિંહ, દેવીલાલ, અજિતસિંહ, ચંદ્રશેખર, બહુગુણા, અડવાણી, એન.ટી. રામરાવ, રામકૃષ્ણ હેગડે, જ્યોતિ બસુ, મેનકા ગાંધી, અટલ બિહારી વાજપેયી, વી.સી.શુકલ, અરીફ અહમદ ખાન, અરુણ નહેરુ, હાજી મસ્તાન, સુબ્રહ્મણ્યમ સ્વામી, સૈયદ શાહબુદ્દીન, જામા મસ્જિદના ઈમામ અબદુલ્લા બેખારી, રામ બિલાસ પાસવાન, ઈન્દુભાઈ પટેલ, હરિકેશ બહાદુર, જયલલિતા, સાહિબરાવ કદમ, વેલજી મેઘજી, ગફૂર ડાયા, સન્તા સિંહ, બન્ટુસિંહ, પિન્કુચિન્ટુ...

આ સ્વતંત્ર દેશ છે. દરેક વયસ્ક સ્થિરચિત્ત નાગરિક વડાપ્રધાન બની શકે છે. વડાપ્રધાનની દીકરી વડાપ્રધાન બની શકે છે. વડાપ્રધાનની દીકરીનો દીકરો વડાપ્રધાન બની શકે છે. દરેક નાગરિક આ દેશમાં વડાપ્રધાન બની શકે છે અને વિપક્ષો પાસે એટલી બધી ટેલન્ટ છે કે વડાપ્રધાનપદ વિશે કંઈક નવું વિચારવું પડશે. સંવિધાનના અર્થઘટનમાં કંઈક ન્યુ ટેકનોલૉજી લાવવી પડશે.

વડાપ્રધાન રાજીવ ગાંધીના વિકલ્પરૂપે વિપક્ષો પાસે શું છે? એક ઈટાલીઅન પત્રે ઈટાલીના વિપક્ષો માટે લખ્યું હતું : વિપક્ષોનો વિકલ્પ ચંદ્રની બીજી અંધારી બાજુ જેવો છે જે આપણે જોઈ શકતા નથી! આ સ્થિતિ ભારતવર્ષના વિપક્ષોને સૌથી વધુ લાગુ પડે છે. દેખાઈ રહ્યો છે એ ચંદ્ર ડાઘાવાળો છે. એનો ક્ષય થઈ રહ્યો છે, જ્યારે ચંદ્રની દૃશ્યમાન નથી એ અંધારી બાજુ વિશે કોઈ જ અનુમાન થઈ શકતું નથી! વિપક્ષોની સ્થિતિ એ પરિણીતા જેવી છે જેના ઘરમાં આઠદસ વર્ષ પછી પારણું બંધાવાના સંજોગો આવી રહ્યા છે.

સૌથી મોટી સમસ્યા એ છે કે આ 80 કરોડનાં દેશ માટે વડાપ્રધાન ફક્ત એક જ છે, અને વિપ7 મુરતિયાથી ફોજ અસ્થિર થઈ રહી છે. વિપક્ષોમાં એક પ્રસ્તાવ આવ્યો છે કે એક નેતા નહીં પણ ત્રણ નેતાઓની ત્રિમૂર્તિ કરવી જોઈએ, વિશ્વનાથ, પ્રતાપસિંહ, ચંદ્રશેખર અને અટલ બિહારી વાજપેયી! એક સૂચન કેમ કોઈને સ્ફુર્યું નથી એનું ખરેખર આશ્ચર્ય છે : આપણા દેશમાં ત્રણ વડાપ્રધાનો હોવા જોઈએ! આ દેશ એટલો મહાન અ મોટો છે કે ત્રણ વડાપ્રધાનવાળો વિચાર બિલકુલ સંગત છે.

ત્રણ રાજાઓ કે ત્રણ શાસકોવાળો વિચાર ગંભીરતા માગી લે છે, દેખાય એવો હાસ્યાસ્પદ નથી. વિપક્ષોનો જે જનતા પક્ષ દસ વર્ષ પહેલાં તૂટી ગયો એમાં ત્રણ વૃદ્ધો સહ-રાજ્ય ચલાવતા હતા અને એમનાં નામો : મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ અને બાબુ જગજીવન રામ! ત્રણે વૃદ્ધોને વડાપ્રધાન થવાની અદમ્ય, દર્દનાક ઈચ્છા હતી. બે થયા પણ ખરા, એક રહી ગયા. પણ અંદર અંદર એટલી બધી કાપાકાપી થઈ ગઈ કે આખું વહાણ ડૂબી ગયું અને “જનતા પક્ષ”માંથી પક્ષ રહી ગયો, જનતા કોંગ્રેસ પાસે ચાલી ગઈ. એ જમાનાનો સંઘ (જે આજે ભારતીય જનતા પક્ષ છે) ત્યાગમૂર્તિ મોટીબહેન જેવો હતો, એનામાં કોઈ જ સત્તાલોલુપતા ન હતી, એની બહુમતી હતી પણ એના લીડરો સતીવૃત્તિવાળા હતા. દેશપ્રેમ સિવાય એમને જગતમાં બીજો કોઈ જ રસ ન હતો. ગૃહસ્થાશ્રમી થવાનો સમય હતો ત્યારે એ હજી પણ બ્રહ્મચર્યાશ્રમના પ્રખર તેજમાં ચકાચૌંધ હતા. એ જમાનામાં રાજકારણમાં ગુડ-કૉન્ડક્ટ પ્રાઈઝ જીતી જાય એવો એક જ પક્ષ હતો.

પણ જો એટલા બધા વિપક્ષો ભેગા થઈને, જો કોંગ્રેસને હરાવી દે અને સત્તા પર આવી જાય તો એ બધાનો અત્યારે પ્રાપ્ત ખુરશીઓ પર સમાવેશ શી રીતે કરીશું એ પણ દરેક દૂરંદેશી દેશપ્રેમીની ચિંતાનો વિષય છે. આપણા દેશમાં ત્રણ વિચારધારાઓ છે. દક્ષિણપંથી ભાજપ, વામપક્ષી સામ્યવાદીઓ અને મધ્યપંથી જનતા-લોકદળ-જનમોરચા કંપની, આ ત્રણેમાંથી એક એક લઈને ત્રણ વડાપ્રધાનોની ત્રિમૂર્તિ રાજ્ય ચલાવી શકે. પણ કામ માત્ર આટલાથી જ શેષ થતું નથી. વિપક્ષોના ત્રણસો, સાડા ત્રણસો સભ્ય લોકસભામાં આવી જાય તો એમાંથી ઘણાંને મિનિસ્ટરો તો બનાવવા પડે. અર્થપ્રધાન અને અન્નપ્રધાન અને ગૃહપ્રધાન વગેરે તો જૂનાં ખાતાં થયાં. આપણે પ્રગતિ કરવી જ પડે. ચીનમાં એપ્રિલ 1988માં સરકારનું નવું વિભાગીકરણ થયું. એક રાષ્ટ્રપતિ, એક વડાપ્રધાન, ત્રણ વાઈસ-પ્રીમિયર અથવા ઉપ-વડાપ્રધાનોની, નવ ટેસ્ટ કાઉન્સિલર આપણે ત્યાં ત્રણ વડાપ્રધાનો અને છ ઉપ-વડાપ્રધાનોની વ્યવસ્થા કરવી જોઈએ! ચીનમાં મિનિસ્ટર છે અને ‘વાઈસ મિનિસ્ટર’ છે. ભારતમાં વિપક્ષો જીતીને સત્તા પર આવે પછીની રચના આ પ્રમાણે થઈ શકે છે : રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, ત્રણ વડાપ્રધાનો, છ ઉપ-વડાપ્રધાનો, મિનિસ્ટરો અથવા પ્રધાનો અને ઉપપ્રધાનો અને ઉપવડાપ્રધાનો, ક્યુબામાં તો એક કાયદેસર મંત્રાલય છે : ‘જનતા સાથે સારા સંબંધો રાખવાનું મંત્રાલય!’ એટલે ‘જનતા સાથે સારા સંબંધોના પ્રધાન’ હોવા જોઈએ. ઇંગ્લેંડનાં વડાપ્રદાન માર્ગારેટ હિલ્ડા થેચરના પ્રધાનમંડળના થોડા પ્રધાનો એમના હોદ્દા સાથે લૉર્ડ ચાન્સેલર એમ્પ્લૉયમેન્ટ સેક્રેટરી, એન્વાયરોનમેન્ટ સેક્રેટરી, સોશલ સર્વિસીઝ સેક્રેટરી વગેરે! ભારતે પોતાની આવશ્યકતા પ્રમાણે મંત્રાલયો રાખવાં જોઈએ. એક ઉદ્દઘાટન પ્રધાનનો દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં સમાવેશ થઈ શકે એટલી જગ્યા હોય જ છે. મધ્યપ્રદેશમાં એક ‘સુપર ચીફ સેક્રેટરી પણ નમાયો હતો. એક વાચકે થોડા નવા હોદ્દા સૂચવ્યા હતા જે વિપક્ષ વિજયના સંદર્ભમાં વિચારણીય છે. : ચીફ મિનિસ્ટર (સી.એમ.), મેનેજિંગ ચીફ મિનિસ્ટર (એમ.સી.એમ.), ચીફ ચીફ મિનિસ્ટર (સી.સી.એમ.) સુપર ચીફ મિનિસ્ટર (એમ.સી.એમ.) આદિ...!’ રાજ્યોમાં વિદેશપ્રધાનો પણ નીમી શકાય. અલબત્ત એને માટે સંવિધાનમાં વિધેયક લાવવું પડે.

ગાંધીનગરની વિધાનસભામાં આ વાતની હજી ખબર પડી નથી. એ સારું છે! સોવિયેત રશિયાનાં પંદર રાજ્યોને પોતાના ફોરેઈન મિનિસ્ટરો છે! જ્યારે અફઘાનિસ્તાનમાં રશિયન સેનાઓએ પ્રવેશ કર્યો ત્યારે કિરગીઝ સોવિયેત સમાજવાદી ગણરાજ્યના વિદેશપ્રધાન સાકિન બેગમાતોનાએ કહ્યું હતું : અમે અફઘાનિસ્તાની જનક્રાંતિને કોઈ દબાવી દેશે એ સહન કરીશું નહીં...!

વિપક્ષો સત્તા પર આવે પછી રાજ્યકક્ષાએ આ ફેરફાર વિચારવા જેવો છે.

અલગ-અલગ પક્ષવાળાઓ સંસદ કે વિધાનસભાઓમાં સત્તા પર આવે પછી ફાધર વાલેસની બધી પુસ્તિકાઓ વાંચીને મોટું દિલ કરીને સામેની પાટલીઓ પર બેસી જશે એવું માનવાને કોઈ કારણ નથી. આજે કોંગ્રેસી મુખ્યપ્રધાન પ્રધાનમંડળનું વિસ્તરણ કરીશું. વિસ્તરણ કરી રહ્યા છીએ, દિલ્હીથી આવ્યા પછી વિસ્તરણ થઈ જ જશે, એવું કહી કહીને, કોણીએ ગોળ-ચૉકલેટ-કટકી લગાવીને બે ચાર વર્ષ કાઢી નાખે છે અ વૈધાનિક મુનશીની નવલકથાઓમાં આવતા કાપાલિકોની જેમ લાલ આંખે પ્રધાનપદની સામે તાકતા અને જાગતા રહે છે. પણ આંકડાઓ વધારે માર્ગદર્શક છે. વિધાનસભાના કુલ સભ્યોમાંથી કેટલા મિનિસ્ટરો હોઈ શકે એ સીધુ અંકગણિત નથી! ગુજરાતના 182 સભ્યોમાંથી 19 પ્રધાનો છે એટલે કે કુલ સભ્યસંખ્યાના લગભગ સાડા દસ ટકા પ્રધાનો છે. દરેક હસમી વ્યક્તિ પ્રધાન છે.

આ આંકડાઓ દરેક ધારાસભ્યના મોઢામાં (અથવા આંખોમાં) પાણી લાવી દે એવા છે. પ્રધાનબાજીમાં કોઈ પક્ષ નથી, કોઈ વિપક્ષ નથી. સમગ્ર ભારતવર્ષની બધી જ રાષ્ટ્રીય, ક્ષેત્રિય, સ્થાનીય પાર્ટીઓ સમાન છે! અરુણાચલ પ્રદેશમાં કુલ વિધાનસભ્યો? 30! એમાંથી 7 પ્રધાનો એટલે કે 23.3 ટકા સભ્યો પ્રધાનો છે. આગળ ચાલો. આસામ, આસામ વિધાનસભાની કુલ સભ્યસંખ્યા 126, એમાંથી 29 પ્રધાનો છે. એટલે કે 23 ટકા પ્રધાનો છે. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં 76 ચૂંટાયા, એમાંથી 18 પ્રધાનો બન્યા એટલે કે 23.7 ટકાને પ્રધાન બનવાનો ચાન્સ મળ્યો (એક વાતનો ખ્યાલ રહે : આ આંકડા વિધાનસભાની કુલ સભ્યસંખ્યાના છે. બહુમતી શાસક પક્ષના નથી. જો એ ગણવામાં આવે તો પ્રધાનમહોદયોની ટકાવારીનું પ્રમાણ સારું વધી જાય. પણ એ ક્ષેત્ર અંકગણિતનું નથી. એપ્લાઈડ મેથેમેટિક્સનું છે.)

ચાલો મણિપુર. એમાં વિધાનસભ્યો 60 અને પ્રધાનો 18, એટલે કે 30 ટકા સભ્યો મિનિસ્ટરો છે. મેઘાલયમાં પણ 60 વિધાનસભ્યોમાંથી 20 પ્રધાનો છે એટલે પૂરા 33.3 અથવા 1/3 પ્રધાનો જ છે! જો આ આંકડા ધ્રુજાવનારા લાગતા હોયતો તમે બહુ નર્મદિલ દેશપ્રેમી છો. નાગાલેન્ડમાં કુલ 60 વિધાનસભ્યો છે જેમાંથી 22 પ્રધાનપદ પામ્યા હતા, એટલે કે 38.3 ટકા વિધાનસભ્યો પ્રધાન હતા! સિક્કિમના 32માંથી 11 પ્રધાનો છે. એટલે 34.4 ટકા સભ્યો પ્રધાનો! હરિયાણામાં 91 વિધાનસભ્યોમાંથી 26 પ્રધાનો, મતલબ કે 29 ટકા પ્રધાનો છે. ત્રિપુરામાં 60માંથી 13 પ્રધાનો એટલે કે 21.7 ટકા પ્રધાનો.

દેશ ચલાવવો એ સહેલું કામ નથી. મોટા મોટા કોંગ્રેસી, અન્ય ક્ષેત્રિય પક્ષો અને રાજકીય પક્ષોની સરકારો રાજ્યોમાં ચાલે છે. કુલ વિધાનસભ્યોના 11થી 16 ટકા પ્રધાનો છે...

વિરોધી પક્ષો જ્યારે દિલ્હીના સંસદભવન પર કબજો કરે ત્યારે આ ધ્યાન રાખવું જ પડસે. કોંગ્રેસ તો એકપક્ષી છે, વિરોધપક્ષો બહુપક્ષી છે. એમણે વધારે પ્રધાનોની શક્યતાઓ તરફ ધ્યાન રાખવું પડશે. એમણે આવી ઘણીબધી બાબતોનાં ધ્યાન રાખવાં પડશે.

વિપક્ષના મુલાયમસિંહથી ભીમસિંહ સુધી દરેકને વડાપ્રધાન થવું છે. કોઈ જયપ્રકાશ નારાયણ જેવાર જપુરોહિત રહ્યા નથી. જૂના જમાનામાં ગાંધીજી હતા. એમણે 1937માં પ્રથમ કોમગ્રેસી પ્રધાનમંડળોમાં પ્રથમકક્ષાના કોંગ્રેસી નેતાઓને પ્રધાન બનાવી દીધા ન હતા. દ્વિતીય કક્ષાના કોંગ્રેસી નેતાઓ રાજ્યોનાં કોંગ્રેસ પ્રધાનમંડળોના મુખ્યપ્રધાન બન્યા હતા. ગાંધીજી રિમોટ કન્ટ્રોલથી એમના ‘હરિજન બંધુ’માં લેખો લખીને એમને ધ્રુજાવતા રહેતા હતા. મિનિસ્ટર બન્યા પછી માણસ પાસેથી વધારે શુદ્ધતા અને પ્રામાણિકતાની અપેક્ષા રાખવામાં આવતી હતી. જુલાઈ 1937માં મોહનદાસ કરમચંદ ગાંધીએ એમની અનુકરણીય શૈલીમાં લખ્યું હતું : સત્તા ધારણ કરવાની બાબતમાં કોંગ્રેસ કાર્યકારી અને અન્ય કોંગ્રેસીજનોએ મારા અભિપ્રાયથી પ્રભાવિત થવાનું ચાલુ રાખ્યું છે એટલે કદાચ એ વિશે જાહેર જનતાને મારા વિચારો સમજાવવાની ફરજ બની જાય છે... આ એક અત્યંત ફિક્કો અને નિર્બળ પ્રયત્ન છે. તરવારરાજને બહુમતી રાજમાં બદલવાનો. ત્રણ કરોડ સ્ત્રીઓ અને પુરુષો મતદાતા બન્યાં છે... મંત્રાલયો તરત સતર્ક બની જશે અને દારૂબંધી લાગુ કરી દેશે. દારૂની આવકમાંથી શિક્ષણનાં અનુદાનો નહીં અપાય. જેલો સુધારક સંસ્થાઓ અને ઉદ્યોગો બની જશે. ગરીબ માણસ માટે નમક સસ્તું બનશે પણ એ બન્યું નથી. કાપડની કોઈ પણ ખરીદી એટલે ખાદીની જ હશે... પ્રધાનોની વ્યક્તિગત વર્તણૂંક વિશે કહેવું જોઈએ. કોંગ્રેસી પ્રધાનો એમની ફરજો કેવી રીતે નિભાવશે? એમનો અધ્યક્ષ, કોંગ્રેસનો રાષ્ટ્રપતિ તો રેલવેમાં ત્રીજા વર્ગમાં પ્રવાસ કરે છે.આ પ્રધાનો પ્રથમ વર્ગમાં પ્રવાસ કરશે? એમનો અધ્યક્ષ, કોંગ્રેસનો રાષ્ટ્રપતિ બરછટ ખાદીની ધોતી, કુર્તુ અને બંડી સંતોષથી પહેરે છે. કોંગ્રેસીપ્રધાનો પશ્ચિમી ધોરણો પ્રમાણે પશ્ચિમી સ્ટાઈલનો ખર્ચ કરશે? છેલ્લાં સત્તર વર્ષથી કોંગ્રીસોઓએ સખ્ત સાદગીની શિસ્તબદ્ધ જિંદગી બસર કરી છે. રાષ્ટ્ર એમના પ્રસાસનમાં પણ આ જ શિસ્તબદ્ધ સાદગીની અપેક્ષા રાખે છે. એ લોકોએ શરમાવાનું કોઈ કારણ નથી...

આ પ્રકારની ભાષા ગાંધીજી જ લખી શકતા હતા અને એમની સામે થવાનું કે વિરોધમાં જવાનું કોંગ્રેસીનું ગજું ન હતું. કારણ કે ગાંધીજી લોકપાલથી પાલક સુધી બધું જ હતા. શરમાવવું કોઈ કારણ નથી એમ એ લખી શકતા...!

અને એ વખતે ગાંધીજીના આગ્રથી નક્કી થયું હતું કે કોંગ્રેસશાસિત રાજ્યનો દરેક પ્રધાન મહિને રૂપિયા પાંચસો પગારરૂપે લેશે! આ વાતની એટલી ભયાનક અસર થયેલી કે પંજાબ અને બંગાળમાં જ્યાં ગેરકોંગ્રેસી સરકારો હતી ત્યાં પ્રતિમાસ 3000 રૂપિયા પગાર લેતા પ્રધાનોનો જનતાએ વિરોધ કર્યો અને એમને એ વિશે કદમ ભરવા પડ્યાં હતાં.

પણ વિપક્ષો આપણી પાસે રાજીવ ગાંધીની કોંગ્રેસનો વિકલ્પ છે અને આ વિકલ્પ ચંદ્રની બીજી અંધારી બાજુ જેવો છે. અત્યારે તો ચંદ્રની ઉજ્જવળ બાજુ પણ બીજના ચાંદ જેવી લગભગ પૂર્ણતઃ અંધકારમાં દબાઈ ચૂકેલી છે. ત્રણ વડાપ્રધાનો આવ્યા પછી કંઈક તેજ વધશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.