ફક્ત જિંદગી એક મિનિટ આગળ દોડતી રહે છે...
એ એક અમેરિકન ફિલ્મ છે, અને એનું નામ બડું મૌજું છે : ‘સૂર્યાસ્ત પહેલાં!’ જિંદગીના આઠમા દશકનો જન્મદિવસ એક એવો સમય છે જ્યારે તમે વિચાર કરતા થઈ જાઓ છો કે સૂર્યાસ્ત અડી શકાય એટલો પાસે છે, હવે અસ્ત થતા સૂર્ય સામે આંખો રાખીને જોઈ શકાય છે, ક્ષિતિજની ઉપરનું આકાશ ઈલેક્ટ્રિક ગુલાબી રંગ પકડી રહ્યું છે, પછી સોનેરી ગુલાબી, પછી ધુમ્મસી સુરમઈ રંગ, જે આસમાનને ઢાંકી રહ્યો છે. સૂર્યની ઉપરી ધારથી પાણી સળગી રહ્યું છે એવો આભાસ થાય છે. એ દિવસના મૃત્યુની અને રાત્રિના જન્મની ક્ષણ છે, આઠમા દશકના જન્મદિવસનો એહસાસ આવો જ છે. સૂર્યાસ્ત પહેલાંની જિંદગીની પર્તો અન્યમનસ્ક ખૂલતી જાય છે. તમે પ્રેમ કરો છો, નિકટતા અનુભવો છો, પછી ખોઈ નાંખો છો, પછી અવકાશ, જે વિરહ કે વિયોગ નથી, વિરહ અને વિયોગ બહુ નાના શબ્દો છે, હૃદયના શાંત દર્દ માટે, તૂટેલી કરોડરજ્જુની ઊઠતી ટીસ માટે, હું નિઃશબ્દમાંથી અશબ્દ બની જાઉં એ સ્થિતિ માટે. અને મનને સંતુલિત રાખવાનો આયાસ કરું છું.
સ્મૃતિ શું છે? સ્મૃતિની ખુશ્બૂ હોવી જોઈએ, સ્મૃતિનું વજન ન હોવું જોઈએ. અને હું વિસ્મૃતિનો સહારો માગતો નથી, વિસ્મૃતિના પલાયનવાદમાં મને રુચિ નથી. વેદનાની જાહોજલાલી મૃત્યુ સુધી ઝળહળતી રહે એ અભિપ્સા છે, લિપ્સા છે, ઈપ્સા છે...
મૃત્યુની છાયામાં આવેલો જન્મદિવસ. છેલ્લા દિવસો આપણે હાથ પકડીને ચાલતા હતા, આંખો ઝાંખી પડી રહી હતી અને પગ તૂટી રહ્યા હતા ત્યારે, અને શરૂના દિવસોમાં આપણે હાથ પકડીને ચાલ્યા હતા, આંખોમાં આવતી કાલની ચમક હતી અને પગમાં જવાન રવાની હતી. આપણી બે હથેળીઓની વચ્ચે જિંદગીના કેટલા દશકો દબાયા હતા? આજે તું નથી, એ દબાતી, દબાવતી હથેળી નથી, સમય પસાર થતો જાય છે, શરૂમાં ધીરે ધીરે, પછી તેજ ગતિથી, અને હું વિસ્મયના પ્રાંતમાં બેહોશ થતો જાઉં છું. ભૂતકાળનું વજન વધતું જાય છે અને ભાર ઓછો થતો જાય છે. ભૂતકાળ વર્તમાનકાળમાં સ્પંદન પેદા ન કરે એ જોવાનું છે અને વર્તમાનકાળ ભૂતકાળમાં ખલેલ ન પાડે એ વિચારવાનું છે, અને એ શક્ય નથી, 33મે કે 53મે વર્ષે પણ શક્ય ન હતું. 73મે વર્ષે પણ શક્ય નથી. પણ હવે બુઝાતી આંખો વધારે સાફ થઈ ગઈ છે, ‘સારો’ અને ‘સારી’થી વધીને જગતમાં કોઈ વિશેષણ નથી.
એ જ ડબલ બેડ છે, રેશમી રૂના બે તકિયા, મખમલી લિહાફ છે, સ્પ્લીટ એ.સી.નું લાલ ઈલેક્ટ્રિક બિંદુ ઝબકી રહ્યું છે, અને ડબલ બેડ સિંગલ બેડ હવે થશે નહીં, અને એ ખાલી જ રહેશે. પહેલાં સિંગલ બેડ હતો, બે માથાં હતાં, બે સ્વપ્નો હતાં, હવે ડબલ બેડ છે, એક માથું છે, એક જ સ્વપ્ન છે. દીવાલ પરનો ફોટો જૂનો છે, સુખડનો હાર નવો છે. ફોટાને ભીના કપડાથી લૂછતો રહું છું. ફોટાની ક્યારેય બંધ ન થનારી આંખો ચમકે છે, ગમે છે. બહાર નીકળતી વખતે એ જ સંવાદ થતો હતો : વહેલો આવજે! હવે વહેલો જ... આવી જાઉં છું! ફક્ત એકવાર વધારે વહેલા આવીને ભૂલથી મારી આંગળી ડૉર-બેલ પર ચાલી ગઈ હતી.
સેફના વોલ્ટમાં વર્ષોથી સાચવી રાખેલા પીળા પડી ગયેલા ડૉક્યુમેન્ટ્સમાંથી એનું નામ ભૂંસાતું જાય છે, વસ્તુઓ ઓછી થતી જાય છે, આકાશની સામે એક મરેલું વૃક્ષ ઊભું હોય એ દૃશ્ય હું જોઈ શકું છું. એ મરેલા વૃક્ષની પાછળ આકાશ મેઘધનુષી રંગોમાં ઝિલમિલાતું રહે છે, અને હું એકલતાના ઘેરાતા અંધકારને સૂંઘી શકું છું. ખાલીપણાને આંસુઓથી ભરી દેવાનો આશીર્વાદ બધા પાસે નથી હોતો. જ્યારે માણસનો પોતાનો પડછાયો માણસની અંદર જ સંતાઈ જાય છે ત્યારે અસહાયતાની એ કઈ કક્ષા હોય છે? વિચારો ભૂતકાળમાં ડૂબી જાય ત્યારે હાલતું પ્રતિબિંબ ઊભરે છે એ સ્મૃતિ છે, જલછબિ જેવી અ-શાશ્વત, ક્ષણભંગુર નહીં પણ ક્ષણાર્ધભંગુર. એકલતા એ સ્થિતિ છે જ્યાં મન સુષુપ્ત નથી, મન સ્થિર કે જડ નથી, ફક્ત વેદનાને વાચામાં ઢાળવાની શક્તિ રહી હોતી નથી. વેદનાને શબ્દોના શિલ્પમાં સમજાવી શકાતી નથી અને અંધકારનો દુનિયાભરમાં એક જ રંગ હોય છે.
જન્મદિવસ પ્રેમ, ઉષ્મા, હૂંફ શોધવાનો દિવસ છે. પ્રેમને માત્ર ઉપભોગના જાડા કાચમાંથી જોનાર માણસ ફક્ત કાટમાળ ખંખેરી રહ્યો છે. રેલવેના સીધેસીધા દોડતા બે પાટાઓને પણ હૂંફ હોય છે, એકબીજાની. સિતારના બે તાર એકબીજાને સ્પર્શતા નથી, પણ એક રડે છે ત્યારે બીજો તાર થર્રાવા લાગે છે. જન્મદિવસ હૂંફને રિ-ચાર્જ કરવાનો અવસર છે, કારણકે જન્મદિવસ વર્તમાનકાળમાં તરે છે. ગુઝિશ્તા જિંદગી એક તરફ છે, આજનો દિવસ આવતી કાલ તરફ જોવાનો છે. ગઈકાલની આવતી કાલો, અને આજની આવતી કાલો.... સુબહ હોતી હૈ, શામ હોતી હૈ / ઝિંદગી યૂં હી તમામ હોતી હૈ! જન્મદિવસોથી જન્મદિવસો સુધી... ના-તમામ ને તમામ થતી અનુભવવાની પ્રક્રિયા, સુખદ અને દુઃખદની આરપાર... પ્રેમ નામના શબ્દનો અર્થ ઝળહળાટ...
હજી વાતવાતમાં તારું નામ બોલાઈ જાય છે, જે નામ 47 વર્ષો બોલ્યો છું. થોડો ધક્કો લાગે છે, પછી બધું જ શાંત થઈ જાય છે, પૂર્વવત ફક્ત જિંદગી એક મિનિટ આગળ દોડતી રહે છે. સંબંધનો લગાવ દુઃખ આપે છે, ભગવાન બુદ્ધથી ભગવાન રજનીશ સુધી બધા જ કહી ગયા છે, અને અનાસક્તિયોગ ક્યારેય આવતો નથી. પ્રેમ વિચાર કરીને થતો નથી, અને ઉષ્માભાવ એ વિચાર અને આચાર, તર્ક અને મર્મથી પર એવી એક ફિલિંગ છે. વિચાર કરીને ફિલ થતું નથી. ખુશ્બૂનું પૃથક્કરણ થતું નથી. ખુશ્બૂ અર્થ કે વ્યાખ્યામાં બંધ કરી શકાતી નથી. ખુશ્બૂની સ્પેસિફિક ગ્રેવિટી માપી શકાતી નથી. અને જીવનની ખુશ્બૂ ઉપર મૃત્યુની બદબૂ હાવી થઈ જાય છે ત્યારે, ઈલેક્ટ્રિક ક્રિમેટોરીઅમમાં સળગતી જ્વાલાઓ શરીરને લપટમાં લઈ લે છે ત્યારે, આંસુઓ સ્થિર થઈ જાય છે ત્યારે, કાનમાં દબાતા અવાજે બોલાયેલું ‘નમો અરિહંતણં’ સંભળાય છે ત્યારે... ત્યારે સમય અટકી જાય છે, એ ક્ષણો આત્મા પરના જખમની જેમ ક્યારેય ભૂંસાવાની નથી. ખલિલ જિબ્રાન, કબીર, ટાગોર બધા જ અપ્રસ્તુત બની જાય છે. પ્રાર્થના અંતિમ કવિતા છે.
હવે સ્પર્શ નથી, હવે ભૂતકાળની ભાષા નથી, હવે મૌનનો એ અશબ્દ સંવાદ પણ નથી. હવે કદાચ સ્વગતોક્તિ જન્મી શકે છે. જ્યાં માણસ સ્વયં પોતાના અવાજના પડઘા સાંભળે છે. બે શ્વાસોની હૂંફ, અને હવે એક શ્વાસની એકલતા. પણ સત્યના કૈદી બનવું નથી. આદર્શની પાછળ શહીદ થવું નથી, કારણ કે શહાદતને માફક આવે એટલો જીવનનો ફલક રહ્યો નથી. સત્ય શું છે?... જેવા પ્રશ્નનો ઉત્તર સાંભળવાની પણ ઈચ્છા રહી નથી. અસ્તિત્વ ઓગાળીને જીવવું નથી, અને જ્ઞાન અને શક્તિની ઉપર પણ એક તત્ત્વ છે, એ સમજાય છે : કિસ્મત! કાર્લ જેસ્પર્સે લખ્યું છે : આપણે ઈશ્વરની જેમ બહાર ઊભા રહીને એક જ નજરમાં આખું વિશ્વ જોઈ શકતા નથી....
ક્લૉઝ અપ :
આપણે નર્તકને નૃત્યથી જુદા ક્યારે સમજીશું?
- વિલીયમ બટલર યેટ્સ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર