ફિલસૂફરાજા રાધાકૃષ્ણન્ : પોતાનાં પ્રવચનો પોતે લખનારા રાષ્ટ્રપતિ

29 Sep, 2017
12:01 AM

ચંદ્રકાંત બક્ષી

PC: brightmindsschool.ac.in

વીસમી સદીએ ડઝનો મહાન હિંદુ પ્રતિભાઓને જન્મ આપ્યો છે, જેના એક અંતિમ પર ગાંધીજી છે અને બીજા અંતિમ પર ટાગોર છે, અને આ બંને પણ તત્ત્વતઃ હિંદુચિંતકો નથી. એકનું ક્ષેત્ર રાજકારણ-સમાજકારણ હતું, બીજાનું ફલક પ્રકૃતિપ્રેમ-સાહિત્ય હતું.

આ સિવાય અધ્યાત્મના ક્ષેત્રના ધ્રુવતારકો છે : શ્રી અરવિંદ, રમણ મહર્ષિ, જિદુ કૃષ્ણમૂર્તિ, રજનીશ, મહેશ યોગી અને અન્ય, પણ વીસમી સદીની મારી દૃષ્ટિએ બે સર્વકાલીન મહાન હિંદુ પ્રતિભાઓ છે : સ્વામી વિવેકાનંદ અને સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ! વિદેશોમાં હિંદુ મેધાઓ તરીકે આ બે નામો કદાચ સૌથી સન્માનનીય નામો છે. બીજા સંદર્ભમાં જોઈએ તો રજનીશને મુકી શકાય, પણ વિવેકાનંદ કે રાધાકૃષ્ણનની ગંભીર કક્ષા રજનીશ પાસે નથી.

સપ્ટેમ્બર પાંચ, રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. આ દિવસ શિક્ષકદિન તરીકે ઊજવાય છે, પણ રાધાકૃષ્ણન વિશે બહુ ઓછું લખાય છે, કારણ કે ગુજરાતી વિદ્વાનો લખતા નથી, કદાચ વાંચતા નથી અને દૈનિક લહિયા પત્રકારનો હર્ષદ મહેતાના સાળાના સાળા વિશે હજી ઘણું લખવાનું બાકી છે એટલે ટાઈમ નથી.

કોઈ પણ બૌદ્ધિકની ધાર ઊતરી જાય એટલું બધું ગહનગંભીર એમણે લખ્યું છે અને ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ બન્યા પછી એમણે ઘણાં પ્રવચનો આપ્યાં છે. મેં 1959માં ભુવનેશ્વરની પી.ઈ.એન. કોન્ફરન્સમાં અને 1961માં કોલકત્તાના મહાજાતિ સદનમાં એમને સાંભળ્યા છે.

એમની કક્ષા અને ઊંચાઈ અને ગાંભીર્ય બેમિસાલ હતાં, એમના સમયના હિંદુસ્તાનના શ્રેષ્ઠ વક્તાઓમાં એમનું સ્થાન લગભગ પ્રમુખ હતું. સફેદ પાઘડી, સફેદ લૉગકોટ, જે ગોઠણની નીચે સુધી આવતો હતો, સફેદ ધોતી, પંપ શૂઝ, લગભગ છ ફીટ જેટલી ઊંચાઈ, અત્યંત મધુર, પણ સત્તાવાહી સ્વર, ગોરી ચામડી, તદ્દન સીધા ઊભા રહેવાની છટા, અંગ્રેજી શબ્દોનું અદ્દભુત ચયન, અસ્ખલિત વાગ્ધારા... કોઈ પુસ્તક વાંચી રહ્યા હોય એ આસાનીથી ગંભીરતમ વિષય છોડી શકતા હતા.

મને યાદ છે ભુવનેશ્વરમાં એ જવાહરલાલ નેહરુ પછી બોલવા ઊભા થયા હતા અને નેહરુના ઈલેક્ટ્રિમ ચાર્મ પછી અચ્છા અચ્છા વક્તાઓ ફ્લેટ થઈ જતા હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નેહરુની એક કલાકની તકરીર પછી ઊભા થયા હતા અને ઔપચારિક સંબોધન પછી એમનું પ્રથમ વાક્ય મને આજે પણ યાદ છે : ધ હ્યુમન ઈબીંગ ઈઝ ધ મિટિંગ પોઈન્ટ ઑફ ધ સબ્જેક્ટિવ એન્ડ ઓબ્જેક્ટિવ.... અને પછી એક કલાક સુધી ! એવો અહેસાસ થયો કે આ માણસે આપણા દિમાગોને મેસ્મેરાઈઝ કરી નાખ્યા છે !

ડૉ. રાધાકૃષ્ણન્ કદાચ એક જ એવા રાષ્ટ્રપતિ હતા, જે પોતાનાં પ્રવચનો પોતે લખતા હતા ! 1909માં 21મે વર્ષે એ મદ્રાસની પ્રેસિડેન્સી કૉલેજમાં લેક્ચરર નિમાયા, વિદ્યાર્થી અવસ્થામાં જ શિવાકમ્મુ સાથે એમનું લગ્ન થઈ ગયું હતું.

મદ્રાસથી 64 કિલોમીટર નૈઋત્યે તિરુપતિ અને તિરુત્તાની પાસે એક હિંદુ પરિવારમાં એમનો જન્મ થયો હતો, એ બીજા પુત્ર હતા. 12 વર્ષ સુધીએ ગામડામાં જ રહ્યા. શરૂનાં 20 વર્ષો લગભગ પ્રસંગહીન છે.

એ પછી પ્રગતિગ્રાફ ઊડવા માંડે છે. મદ્રાસ, મહિસુર, કોલકતા યુનિવર્સિટીઓમાં ભણાવ્યું ( એ દિવસોમાં કેવા ઉપકુલપતિઓ હતા? સર આશુતોષ મુકરજી કોલકત્તા યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા, એ બે પ્રોફેસરોને કોલકત્તા લઈ આવ્યા, ફિલસૂફી અને વિજ્ઞાન ભણાવવા. ફિલસૂફી માટે રાધાકૃષ્ણન્ અને વિજ્ઞાન માટે સી.વી. રમણ ! એ શરૂના દિવસોમાં આ બંનેની પ્રતિભાને ઓળખવી એ સર આશુતોષનો કમાલ હતો.) એ પછી આંધ્ર અને બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ બન્યા.

એ પછી ઓક્સફર્ડમાં છ વર્ષ સુધી વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. એ દિવસોમાં એમને વિશ્વભરમાંથી યશસ્વી વિદ્યાર્થીઓ મળ્યા. બેત્રણ નામો : ઇન્દિરા પ્રિયદર્શિની નેહરુ, પાછળથી ઈઝરાયલના ઉપપ્રધાનમંત્રી બનેલા યિગેલ આર્લો, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા ભૂપેશ ગુપ્તા ! પછી 1949માં રાધાકૃષ્ણન્ ભારતના સોવિયેટ યુનિયનમાં રાજદૂત બન્યા.

રશિયન સરમુખત્યાર જોઝફ સ્તાલિન કોઈને મળતો નહોતો, ખુદ નેહરુની બહેન શ્રીમતી વિજયલક્ષ્મી પંડિત રશિયામાં રાજદૂત હતી, એમને પણ મળ્યો નહોતો, પણ રાધાકૃષ્ણનને સ્તાલિને બે મુલાકાતો આપી હતી, જેનાથી પૂરું પશ્ચિમી વિશ્વ ચમકી ગયું હતું.

સન 1952માં રાધાકૃષ્ણનને દિલ્હી બોલાવી લેવાયા અને બે વાર એ ઉપરાષ્ટ્રપતિ બન્યા. છેવટે મે 11, 1962માં એમને રાષ્ટ્રપતિ પસંદ કરવામાં આવ્યા. 1966માં એમનું નિધન થયું ત્યારે એ 78 વર્ષના હતા.

રાધાકૃષ્ણનનું પ્રથમ પુસ્તક પ્રકટ થયું ત્યારે એ 21 વર્ષના હતા. એમ.એ. માટે એમણે મહાનિબંધ લખ્યો હતો : ધ એથિક્સ ઑફ ધ વેદાંત એન્ડ ઈટ્સ મેટીરિયલ એક્સપોઝિશન ! આ પુસ્તકથી જ ફિલસૂફ તરીકે એમની પ્રશસ્તિ થવા લાગી. 1918માં એમણે રવીન્દ્રનાથ ટાગોરના કૃતિત્વની પાછળના દાર્શનિકને શોધી કાઢ્યો હતો. રાધાકૃષ્ણનનાં પ્રવચનો અને પુસ્તકોનો અજસ્ત્ર પ્રવાહ વહેતો રહ્યો. તહેરાન વિશ્વવિદ્યાલયે જ્યારે રાધાકૃષ્ણનને ડી.લિટ. આપી ત્યારે રાધાકૃષ્ણને એમનાં બધાં જ પુસ્તકોનો એક સેટ તહેરાન યુનિવર્સિટીને ભેટ આપ્યો હતો.

એ વખતે ઈરાનના શાહ અને શાહબાનુના સાંનિધ્યમાં જ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલરે મજાક કરી હતી : આજે અમને સમજ પડતી નથી કે અમે એમને વધારે આપ્યું છે કે એમણે અમને વધારે આપ્યું છે!

હિંદુત્વનો ગંભીરતાથી અભ્યાસ કરવા ઈચ્છુકે રાધાકૃષ્ણનનાં પુસ્તકો અને પ્રવચનો પર નજર ફેરવી લેવી જોઈએ, માત્ર આ મહાવિદ્વાનના જ્ઞાનનો વિરાટ વ્યાપ સમજવા માટે પણ. શ્લોકો ઉદ્ધરણો, અવતરણો, વિશ્વભરના ધર્મસાહિત્યમાંથી અજસ્ત્ર, અનવરત, અસ્ખલિત વહેતાં રહે છે. અને એમાંનું ઘણુંખરું એ જ ક્ષણે, નોટ્સ કે છપાયેલી પ્રતો વિના, ખુલ્લું જાહેરમાં બોલાયેલું છે.

એમના પછી આપણે એવા નમૂનેદાર રાષ્ટ્રપતિઓ જોયા છે, જે ટાઈપ કરેલું કે લખેલું પણ વાંચતાંવાંચતાં જાતજાતની શાબ્દિક ગુલાંટો મારતા ગયા છે. રાધાકૃષ્ણને સાચું લખ્યું છે કે જ્યાં અનુસંધાનવૃત્તિ નથી, ત્યાં અધ્યાપનવૃત્તિ રહેતી નથી.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ કદાચ આપણા અંતિમ મહામેધાવી રાષ્ટ્રપતિ હતા. ફિલસૂફ પ્લેટોએ લખ્યું હતું કે એ જ દેશો વિકાસ કરે છે, જ્યાં રાજાઓ ફિલસૂફો હોય છે અને ફિલસૂફો રાજાઓ હોય છે. એ આપણા ફિલસૂફ રાજા હતા.

ક્લોઝ અપ :

જૂના જમાનાની માત્ર પ્રશંસા કર્યા કરવાનો અર્થ નથી. એ કાળમાં ગરીબો પર ભયાનક જુલમો થયા હતા અને સ્ત્રીઓએ અકથ્ય સિતમો સહ્યા હતા.

જૈન સાહિત્યસદન, દિલ્હી સમક્ષ પ્રવચનમાં : જૂન, 15, 1959

માણસના વર્તન પર જ્ઞાનનો અંકુશ હોવો જોઈએ અને પ્રેમની પ્રેરણા હોવી જોઈએ. એમણે ડૉ. આઈન્સ્ટાઈનનું અવતરણ ટાંકીને કહ્યું કે, વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો છે, અને ધર્મ વિનાનું વિજ્ઞાન લંગડું છું.

કોલકત્તામાં ધર્મ અને આધુનિક જીવનપ્રવચનમાંથી : માર્ચ 29, 1959

મને 2000 વર્ષો પહેલાં સિસેરોએ કહેલી એક વાતનું સ્મરણ થાય છે. એણે કહ્યું હતું કે, મનુષ્યજાતિ માટે સૌથી ખતરનાક એ વૃત્તિ છે, જે બીજાઓને પોતાની રીતે જ વિચાર અને વર્તન કરવાનો જુલમ કરે છે.

કોલકત્તામાં અખિલ ભારતીય લેખક સંમેલન સમક્ષ : ડિસેમ્બર 26, 1957

આજે આપણે એક અસંતુલનનું પરિણામ ભોગવી રહ્યા છીએ, જ્ઞાન અને પ્રજ્ઞા વચ્ચેનું અસંતુલન, સત્તા અને મૂલ્યો વચ્ચેનું અસંતુલન.

ઓલ ઈન્ડિયા મ્યુઝિક કોંગ્રેસ સમક્ષ : ડિસેમ્બર 26, 1957

(સમકાલીન : ઑક્ટોબર, 4, 1992)

 

(પહેચાન : ઑક્ટોબર 22, 2004)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.