પ્રોહિબીશન ટોરીઝમ : ચીનાઓ ગુજરાતમાં ક્યારે આવશે?
આપણે 4,50,000 વધારે ‘સાચા વિદેશી પ્રવાસીઓ’ મેળવી શકતા નથી. વાસ્તવમાં પ્રતિ વર્ષ હિંદુસ્તાનમાં 25 લાખ પ્રવાસીઓ આવે છે અને ચીનમાં પ્રતિ વર્ષ 25 મિલીઅન (2 1/2 કરોડ) પ્રવાસીઓ જાય છે. થાઈલેંડમાં આ આંકડો 80થી 90 લાખનો છે. મલેશિયામાં પણ આ જ આંકડો છે. આ માહિતી ઓબેરોઈ ગ્રુપની હોટેલોના ચેરમેન પી.આર.એસ. ઓબેરોઈએ આપી છે. પ્રવાસીઓની બાબતમાં આપણા તકદીરમાં 25 લાખ છે અને ચીનમાં અઢી કરોડ છે.
પ્રવાસન નકશા પર દુનિયાભરની આંખો ચીન પર મંડાયેલી છે. યુરોપના દેશોએ ચીન સાથે પ્રવાસન કરારો કર્યા છે (ઇંગ્લંડ, ડેનમાર્ક અને આયર્લેન્ડ બાદ કરતાં, અને ઇંગ્લંડ ‘એપ્રુવ્ડ ડેસ્ટીનેશન સ્ટેટસ’ મેળવવા ઊછળી રહ્યું છે. એ વખતે ચીનના માનવાધિકારના રેકર્ડને સિફતથી અને સગવડથી ભૂલી જવામાં આવે છે!) સન 2002માં 6,45,000 ચીનાઓ યુરોપિયન યુનિયનના પ્રવાસે આવ્યા હતા, અને 13 લાખ યુરોપિયનો ચીનના પ્રવાસે ગયા હતા. ચીન આર્થિક મહાસત્તા બની રહ્યું છે અને વિદેશપ્રવાસમાં જાપાનનું સ્થાન લઈ જશે. ચીના પ્રવાસીઓના સૌથી પ્રિય લક્ષ્યદેશો છે : ફ્રાંસ, ઈટલી અને સ્વિટઝર્લેન્ડ! ફ્રાંસમાં ગયે વર્ષે 3થી 4 લાખ ચીના પ્રવાસીઓ આવ્યા હતા, આવતે વર્ષે 6થી 8 લાખની અપેક્ષા છે, અને પાંચ વર્ષમાં આ પ્રવાસી સંખ્યા 10 લાખના આંકડાને વટાવી જશે. વિશ્વમાં પ્રવાસ માટે સર્વપ્રથમ ફ્રાંસ પસંદ કરાય છે. ફ્રાંસ ચીના પ્રવાસીઓને આકર્ષવા માટે હૉટેલોના કેટલાક સ્ટાફને મેંડેરીન (ચીની ભાષા) શીખવી રહ્યું છે. નકશાઓ ચીની લિપિમાં પ્રકટ કરી રહ્યું છે. હૉટેલો ભેટ રૂપે ટી-સેટ આપે છે, ચીની છાપાં મંગાવે છે, બ્રેકફાસ્ટમાં કોન્ટિનેન્ટલની સાથેસાથે એશિયન પ્રકારનો નાસ્તો આપે છે. ચાઈનીઝ નૂતન વર્ષનો રંગ લાલ છે, માટે પેરિસમાં એફિલ ટાવરને પૂરી લાલ લાઈટોની રોશનીથી શણગારવામાં આવે છે! સન 2020માં વિશ્વમાં 10થી 20 કરોડ ચીના પર્યટકો ફરતા હશે, એવું અનુમાન છે.
અત્યારે ફ્રાંસ આવનારા વિદેશી પ્રવાસીઓમાંચીનાઓનો નંબર ચોથો છે. ફ્રેંચો માને છે કે એક-બે વર્ષોમાં એ પહેલે નંબરે ચોથો છે. ફ્રેંચો માને છે કે એક-બે વર્ષોમાં એ પહેલે નંબરે આવી જશે. એરપોર્ટથી હૉટેલો સુધી અને એર-હૉસ્ટેસોથી વેઈટ્રેસો સુધી બધાની ચીની ભાષા તરફ લગાવ વધી રહ્યો છે. ફ્રેંચ હૉટેલોમાં ચીની ટીવી ગોઠવાતાં જાય છે. જર્મન પ્રવાસીઓ ઓછા થતા જાય છે, અને જાપાનીઝ પ્રવાસીઓની સંખ્યા વધતી નથી. ફ્રાંસ માને છે કે આર્થિક શક્તિથી છલકાતા ચીનાઓ ફ્રાંસને વિદેશી મુદ્રાથી છલકાવી દેશે.
વિશ્વમાં ફ્રાંસ પછી સૌથી વધારે સહેલાણીઓ અને પર્યટકો સ્પેન જાય છે. સ્પેન પણ ચીની પ્રવાસીઓની ગજબનાક ખર્ચશક્તિ માટે તૈયાર થઈ રહ્યું છે. નેધરલેન્ડની ટોરિઝમ બોર્ડની પ્રતિનિધિ મિઝ ક્લોડેટ ડેડીસ કહે છે કે 2004 અને 2008 સુધીમાં નેધરલેંડ 60,000થી 5,00,000 સુધી પ્રવાસી-ધસારા માટે તૈયાર છે. નેધરલેન્ડના હીરાના વેપારીઓ મેંડેરીનના જાણકાર સેલ્સમેનોને અત્યારથી ભર્તી કરી રહ્યા છે.
સ્વિટઝર્લેન્ડ ચીની મનોવૃત્તિનો અભ્યાસ કરીને એ રીતે અનુરૂપ થવાની બધી જ કોશિશો કરી રહ્યું છે. ત્યાંની હૉટેલો કોઈ ચીના પ્રવાસીને 4થે માળે કે 4 નંબરવાળો સ્વીટ આપતી નથી, કારણ કે મેંડેરીન ચીની ભાષામાં 4નો ધ્વનિ ‘મૃત્યુ’ જેવો થાય છે. આ એક વહેમ છે, પણ સ્વિટઝર્લેન્ડ કોઈ જોખમ લેવા માંગતું નથી.
યુરોપના દેશોએ ટોરિઝમ અથવા પ્રવાસનને એક ઉદ્યોગની કક્ષા આપી દીધી છે. અને ઘણા દેશોમાં બજેટ આ પ્રવાસનને કારણે તરી ગયાં છે. પ્રવાસન પર હિંદુસ્તાનમાં ધ્યાન અપાતું નથી, અને જે મંત્રીઓને ધ્યાન રાખવાનું કામ સોંપવામાં આવે છે એમનું ધ્યાન અન્યત્ર હોય છે. એ પ્રોફેશનલ અભિગમથી નિર્દોષ રીતે મુક્ત છે. હવે ટોરિઝમની અનેક શાખા-પ્રશાખાઓ વિશ્વભરમાં વિકાસ પામી રહી છે. અને ટોરિસ્ટનો એક જ મિજાજ રહ્યો નથી. હેરીટેજ-ટોરિઝમ, ટેમ્પલ-ટોરિઝમ, વાઈલ્ડ-લાઈફ ટોરિઝમ, ઈકો-ટોરિઝમ, મેડિકલ-ટોરિઝમ, હેલ્થ-ટોરિઝમ જેવી ડઝનો લાઈનો છે. પ્રવાસનના નિષ્ણાતો માને છે કે મેડિકલ અને હેલ્થ એ બે તદ્દન જુદા વિષયો છે, મેડિકલમાં પેશન્ટ (દર્દી) આવે છે, હેલ્થમાં ટોરિસ્ટ (શોખીન પ્રવાસી) આવે છે. અમેરિકા કે યુરોપ કરતાં છઠ્ઠા ભાગના ખર્ચે અહીં મેડિકલ સુશ્રૂષા થઈ શકે છે. એક સૂત્ર જગતભરને આકર્ષે છે : ‘ફર્સ્ટ વર્લ્ડ ટ્રીટમેન્ટ એટ થર્ડ વર્લ્ડ પ્રાઈસીઝ’, પ્રથમ વિશ્વકક્ષાની સેવા-શુશ્રૂષા, અને તૃતીય વિશ્વના ભાવે ! જાણકારોનું માનવું છે કે મધ્ય પૂર્વના અરબ દેશોમાંથી એક બહુ મોટો પ્રવાસીવર્ગ ભારતમાં ગર્ભપાત કરાવવા આવે છે કારણ કે ગર્ભપાત એ દેશોમાં નિષિદ્ધ છે. આ પ્રવાસીઓ મિત્રોને અને સગાંઓને મળવાનું કારણ આપીને આવતા રહે છે.
અને લાખ રૂપિયાનો સવાલ રહી જાય છે. દુનિયાના પ્રવાસનમાં ચીનાઓ નંબર વન થઈ રહ્યા છે. યુરોપ એ માટે તૈયાર થઈ રહ્યું છે. ચીનાઓ ગુજરાતમાં ક્યારે આવશે? આપણે એક ‘પ્રોહિબીશન ટોરિઝમ’ શરૂ કરવું જોઈએ...?
ક્લોઝ અપ :
વર્ષો પહેલાંની ચીનની એક કથા છે. ‘કી’ નામના રાજ્યનો ‘યાન્ઝી’ નામનો દૂત ‘ચુ’ નામના બીજા રાજ્યમાં ગયો. યાન્ઝી ઠીંગણો હતો એટલે ચુ લોકોએ મોટા દરવાજાની પાસેનો એક નાનો દરવાજો ખોલીને એને એમાંથી પ્રવેશ કરવા કહ્યું. રાજદૂત યાન્ઝીએ કહ્યું : જો મને કૂતરાઓના રાજ્યમાં દૂત તરીકે મોકલ્યો હોત તો હું કૂતરાઓ માટેના દરવાજામાંથી પ્રવેશ્યો હોત. પણ હું ચુ રાજ્યમાં આવ્યો છું એટલે મોટા દરવાજામાંથી જ પ્રવેશ કરીશ. ચુ રાજ્યના અફસરો પાસે એને અંદર લેવા સિવાય બીજો માર્ગ ન હતો.
દૂત યાન્ઝી ચુ રાજા પાસે ગયો ત્યારે રાજાએ મજાકમાં કહ્યું : તારા કી રાજ્યમાં તારા સિવાય કોઈ દૂત એમને મળ્યો નહીં? યાન્ઝીએ ઉત્તર આપ્યો : મારા કી દેશમાં માણસો તો ઘણા છે, પણ અમારા રાજ્યમાં નિયમ છે કે બુદ્ધિમાન રાજાઓ માટે બુદ્ધિમાન રાજદૂતો મોકલાય છે, અને ફાલતુ રાજાઓ પાસે ફાલતુ રાજદૂતો મોકલાય છે.
ચુ રાજાએ દૂત યાન્ઝી માટે એક મિજબાની રાખી હતી, એમાં બે સૈનિકો એક ચોરને પકડી લાવ્યા. રાજાએ પૂછ્યું : આ કોણ છે? સૈનિકોએ કહ્યું : આ માણસ કી રાજ્યનો છે અને એણે ચોરી કરી છે. ચુ રાજાએ દૂત યાન્ઝી તરફ જોઈને પ્રશ્ન કર્યો : તારા રાજ્યમાં બધા જ માણસોને ચોરી કરવાની આદત છે? યાન્ઝીએ જવાબ આપ્યો : કેટલાંક વૃક્ષો એક જમીનમાંથી બીજી જમીનમાં વાવો તો એનાં ફળો બદબૂદાર થઈ જાય છે. હવાપાણીની અસર હોય છે. અમારા કી લોકો કી રાજ્યમાં ચોરી કરતા નથી, પણ ચુ રાજ્યમાં આવીને ચોરી કરે છે. હવાપાણીની અસર થાય છે! ચુ રાજા મુસ્કુરાયો, ને બોલ્યો : બુદ્ધિમાન માણસની મજાક નહીં કરવી જોઈએ...
‘ચાઈના ટુ-ડે’ બિજિંગ : એપ્રિલ 1994
(અભિયાન : નવેમ્બર 27, 2004)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર