ક્વોલિટી ટાઈમ, ક્વોલિટી લાઈફ...

22 Jul, 2016
12:00 AM

mamta ashok

PC:

ક્વૉલિટી ટાઈમ અને ક્વૉલિટી લાઈફ જેવા શબ્દો ગુજરાતી ભાષામાં નથી, એના પર્યાય પણ નથી. સંતર્પક સમય અને સંતર્પક જીવન જેવા શબ્દપ્રયોગો ચાલી શકે પણ એ એટલા લક્ષ્યવેધી નથી. ક્વૉલિટી ટાઈમ એટલે એ સમય જેનો તમે બરાબર, પ્રવૃત્ત, સંતોષકારક ઉપયોગ કરો છો. તમારો શ્રેષ્ઠ, સર્જક, ઉત્પાદક સમય. ક્વૉલિટી લાઈફ એટલે એ વર્ષો જ્યારે તમે અપંગ કે નિરાધાર કે દેવાદાર થયા વિના, 100 ટકા ઊર્જા સાથે, તમને ગમે છે એ કાર્યો ખુશી અને સ્વસ્થતાથી કરો છો અથવા કરવાનું આયોજન કરો છો. નાના હતા ત્યારે ઈચ્છા હતી કે 85, 90, 95, 100 વર્ષ જીવવું છે. જીવવું શું છે એ સમજી લીધા પછી ખબર પડી કે જિંદગી સીધી લીટીમાં દોડતી નથી પણ ઈલેક્ટ્રોકાર્ડિઓગ્રામના ગ્રાફની જેમ ઊછળે છે, પટકાય છે, ધ્રૂજતી દોડે છે, ઠોકર ખાય છે, અટકે છે, ફેંકાય છે. જિંદગીની ગતિ સમતલ નથી. અસ્થિર છે. દીપની શિખાની જેમ કે ધ્વજના ફડફડાટની જેમ. એ જ જિંદગીની પ્રકૃતિ છે. 80 કે 85 વર્ષ જીવવાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ દેહના જીવવાની વાત છે અને દેહ છે, ત્યાં દેહાંત પણ છે જ. મૃત્યુ વિના કહાની સમાપ્ત થતી નથી, મૃત્યુ જીવનનું પૂર્ણવિરામ છે.

80 કે 85 કે 90 વર્ષ શરીર ટકે છે. જિંદગી જીવાય છે? કદાચ 50 કે 60 સુધી બધી પ્રવૃત્તિઓ થઈ શકે છે, પછી શરીરમાં અસંતુલન આવતું જાય છે. કાન ઓછું સાંભળતા થઈ જાય છે, એક કાન બીજા કરતાં ઓછું સાંભળે છે, એક આંખ બીજી આંખ કરતાં વધારે ખરાબ થઈ જાય છે. લિવર 50 ટકા કામ કરે છે, હૃદયમાં માયોકાર્ડિઅલ ઈન્ફેક્શન થઈ જાય છે. કરોડરજ્જુની નીચે વચ્ચે વચ્ચે યંત્રણા થાય છે. ફેફસાંમાં પાણી ભરાવું શરૂ થાય છે, ખેંચાતી જતી ચામડી પર કાળા ડાઘ ઊફરતા જાય છે... લાઈફની ક્વૉલિટી બગડતી જાય છે. તમે 39 વર્ષના હો અને અસ્થમા થઈ જાય કે 49 વર્ષના હો અને ડાયાબિટીસને કારણે કોમામાં સરકી જાઓ તો ઉંમર ગૌણ બની જાય છે. વર્ષોના ટોટલને જિંદગી કહેતા નથી. જિંદગી જીવવાની (જીવતા રહેવાની નહીં) ક્ષમતાને કહેવાય છે. એવું પણ બની શકે કે એક જ શરીરમાં આંખો 35 વર્ષની હોય, અને દાંત 45ના હોય, અને કાન 55ના હોય, અને પગ 65ના થઈ ગયા હોય અને બે કિડનીઓમાંથી એક કિડની 100 વર્ષ જેટલી બૂઢી થઈ ગઈ હોય. આ ક્વૉલિટી ઑફ લાઈફ નથી. બધાં જ અંગોપાંગ વ્યવસ્થિત ક્રિયાઓ કરતાં હોય, બધી જ ઈન્દ્રિયો પોતાનો ધર્મ બજાવતી હોય, તંદુરસ્તી અને મનદુરસ્તી સમાંતર વેવલેંગ્થ પર ચાલતાં હોય એ જિંદગીની ક્વૉલિટી ઊંચી છે. શરીર ખાઈ શકે, પી શકે, સૂઈ શકે, થાકી શકે, આનંદનો ભોગ કરી શકે અને દુઃખને સહી શકે તો જીવવાનો કંઈક અર્થ થાય છે. બાકી વેજીટેબલની જેમ સડતા રહેવાને માટે ક્વૉલિટી ઑફ લાઈફ નથી.

ક્વૉલિટી ટાઈમ પણ આ જ પ્રકારની વિભાવના છે અને વધારે ભયાવહ વિભાવના છે. તમે સરેરાશ હિંદુસ્તાનીની જેમ 61 વર્ષ જીવવાના હકદાર છો, કારણ કે 1992ના આંકડાઓ પ્રમાણે ઔસત હિંદુસ્તાની માણસ 61 વર્ષ જીવે છે. ઉંમર એ ગણિતની રમત છે. પશુ અને મનુષ્યનો ફર્ક એ છે કે મનુષ્ય નિવૃત્ત થાય છે, પશુ નિવૃત્ત થતું નથી. પશુ એનો શિકાર કરતું રહે છે. મનુષ્યે પણ પોતાની પ્રવૃત્તિ કરતા રહેવું જોઈએ, એ પશુના દૃષ્ટાંત પરથી અભિપ્રેત છે. સ્ત્રી પુરુષ કરતાં શા માટે દરેક સમાજમાં લાંબુ જીવે છે? કારણ કે સ્ત્રી જીવનના અંત સુધી શારીરિક પ્રવૃત્તિ કરતી રહે છે, જ્યારે પુરુષની છેલ્લી કસરત સોફામાં બેસીને છાપું વાંચવાની હોય છે. પુરુષ પાસે ક્વૉલિટી ટાઈમ પ્રમાણમાં ઓછો રહે છે. તમે 61ના છો અને જો 71 સુધી જીવવાના છો તો તમારે માટે 10 વર્ષ બાકી છે. જીવન પાસે અમર્યાદ સમય નથી, જિંદગીની એક કટ-ઑફ લાઈન છે, અને એ જ રીતે ક્વૉલિટી ટાઈમ માટે પણ એક કટ-ઑફ લાઈન છે. આ દસ વર્ષમાં તમે બેશુમાર ધન ઉપાર્જન કરી શકો છો, પણ જિંદગી એકએક કલાક ઓછી જ થતી જાય છે. તમારી નિર્ધારિત આયુષ્યમર્યાદામાં તમે એક સેકંડ ઉમેરી શકવાના નથી. આ 10 વર્ષમાં પણ ક્વૉલિટી ટાઈમ કેટલો? કદાચ 66 સુધી તમે સ્વસ્થ પ્રવૃત્ત રહી શકો, પછી કંઈક બીમારી આવી જાય તો તમારા ક્વૉલિટી ટાઈમને બ્રેક લાગી જાય છે! જિંદગી જીવવાની મજા ક્વૉલિટી ટાઈમમાં જ છે. ખાંસી ખાતાં ખાતાં, દિવસમાં છ ટેબ્લેટો લઈને, બંધકોષની કે પાઈલ્સની ચિંતામાં જીવ્યા કરવું એ સુખી જિંદગી નથી, જિંદગી પણ નથી.

જો તમારી જિંદગીનાં 10 વર્ષ બાકી રહ્યાં છે તો તમારે આ ક્વૉલિટી શબ્દની ચિંતા શરૂ કરી દેવી જરૂરી છે. 10 વર્ષ એટલે 120 મહિના એટલે 3650 દિવસો એટલે 87,600 કલાકો... બસ, એટલું જ તમારે જીવવાનું છે. એમાંથી એક એક કલાક, એક એક દિવસ, એક એક મહિનો, એક એક વર્ષ તમે તમારી આંખો સામે ઓગળતું જોઈ રહ્યા છો ! આ 87,600 કલાકોમાંથી ઊંઘના 30 ટકા એટલે કે 26,580 કલાકો બાદ કર્યા પછી આંખો ખુલ્લી છે એવું જાગ્રત જીવન 61,020 કલાકોનું જ રહેશે ! હવે જે કંઈ કરી લેવું છે એ આવતાં દસ વર્ષોના આ 61,020 કલાકોમાં જ કરી લેવું છે. ક્વૉલિટી ટાઈમ અને ક્વૉલિટી લાઈફ બસ આજ કલાકોમાંથી બચાવી લેવાની છે...

ક્લોઝ અપ

માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો
ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે...
ઘટના એટલે લોહી, એટલે વહેવું
એટલે ખરી જવાની ઘટના ઉર્ફે...
વજ્જરની છાતી ના પીગળે, આંસુ
જેવું પાંપણને કૈ' અડકે તો પણ
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો,
એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે...
પગમાંથી પગલું ફૂટે ને પગલામાંથી
રસ્તાના કૈં રસ્તા ફૂટે
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર
અથવા ઊગી જવાની ઘટના ઊર્ફે...
મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલા
ને પડછાયા હાલે ચાલે
પડછાયા તો જાણે ચ્હેરા, ચ્હેરા જાણે
ભૂલી જવાની ઘટના ઉર્ફે...

- નયન દેસાઈ

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.