સાચી કહેવતો, આખી કહેવતો, અડધી કહેવતો...
ઉંમર વધે છે એમ અક્કલ વધે છે. અક્કલ વધે છે એટલે લાંબી વાતને ટૂંકમાં કહેતાં આવડે છે. એ આવડે છે એટલે કહેવતોમાં રસ જાગે છે. વિશ્વભરમાં દરેક પ્રજા પાસે કહેવત છે. કહેવત બુદ્ધિ કરતાં ડહાપણનો વિષય છે. મોટામાં મોટી વાતને નાનામાં નાની બંદિશમાં કહેવી હોય તો કહેવત અનિવાર્ય છે. કહેવત જીવનની તદ્દન નિકટ હોય છે. એનો લેખક હોતો નથી. એ જનતાની જબાન પર ઊગે છે અને માણસના દિમાગમાં સ્થિર થાય છે. ઘણીવાર થાય છે કે એક કહેવથી વધારે સારી રીતે વાત કહેવાનો બીજો કોઈ માર્ગ છે? એક સ્પેનિશ કહેવત છે : 'મૂછ વિનાનું ચુંબન એ નિમક છાંટ્યા વિનાના ફૂલ બોઈલ્ડ ઈંડા જેવું છે!'
આપણે ઘણી કહેવતો વાપરીએ છીએ, જે અધૂરી છે અથવા ખોટી છે. મૂળ શબ્દો ક્યારેક જુદા હોય છે, ક્યારેક એ શબ્દો સદીઓથી ઘસાઈ ઘસાઈને આપણી પાસે આવે છે. અર્થહીન બની જાય છે અથવા અનર્થ કરે છે અથવા દ્વિતીય અર્થ કરે છે. અહીં થોડી કહેવતો લખી છે, જેમાં એક ભાગ કે એક અંશ આપણે ખોટો બોલીએ છીએ. થોડાં દૃષ્ટાંતો : (કૌંસમાં છે એ ભાગ ભુલાઈ ગયો છે.)
તમાશાને તેડું નહિ (ને બાવળિયાને ખેડું નહિં)
પારકે પૈસે પરમાનંદ (ને ખાઈપીને કરો આનંદ)
(અણવીધેલું મોતી) નીવડે વખાણ.
આવ બલા પકડ ગલા (એ બલાસે ભાગના ભલા)
અશક્તિમાન ભવેત સાધુ (અને કુબ્જા નારી પતિવ્રતા)
ઈન મીન ને સાડા તીન (આધા રહ્યા સો લિયા છીન, ફિર તીન કે તીન)
એક નૂર આદમી ને દસ નૂર કપડાં (હજાર નૂર ઘરેણાં ને લાખ નૂર નખરાં)
(કસાઈને ઘેર કુશળ)ને ધર્મીને ઘેર ધાડ
કાશીનું કરવત (આડુંએ વહેરે ને ઊભુંએ વહેરે)
(ખરી બપોરે બમગું ને) પોપાંબાઈનું રાજ.
ખાટલે મોટી ખોડ (એ કે પરથમખોયો જ નહીં).
ખાધું પીધું તે આપણું (હાકળને ભર્યા ફોક, જીવ લઈ ગયો જમડો ત્યારે ખાઈ ગયા લોક).
નામ તેનો નાશ (ને કાગડા પામે વાસ)
દુકાળ ને વળી અધિક માસ (ભૂખ્યો ને વળી ટાઢી છાશ)
દિગ લગા ગધ્ધી સે તો (પદ્મિની કુબ્જા) (અથવા પરિ ક્યા ચીજ હૈ).
ઢમ ઢોલ માંહે પોલ (ઉપર વાઘા ને માંહે નાગા).
ડુંગરા દૂરથી રળિયામણા (ને પાસ જાય તો બિહામણા).
ટકાના તેર (ને ઉપર બે માગ્યા)
ઝાઝા હાથ રળિયામણા (ને ઝાઝા મોં અદીઠ).
જંગલમાં મંગલ (ને વસતિમાં કડાકા)
ઠંડા પહોરના ચટાકા (કેટલાક ખાટા ને કેટલાક મીઠા).
(ધોલ્યા!) ધાડ આવા તો કે' ધણીને ઘેર.
ન બોલ્યામાં નવગુણ (ને બોલે તો થાય અવગુણ) (કે બોલે તેમાં થાય ખૂન?)
જ્યાં ધણી-ધણિયાણી રાજી ત્યાં શું કરે (કોતવાલ ને) કાજી?
(ગરીબમાં ગરીબ બે) દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય.
ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગેય તેલંગ (ગાંગો તેલી નહીં).
ચોરનો ભાઈ ગંઠી ચોર (ઘંટી ચોર નહીં).
ન કરે નારાયણ (તે ગઢવી ગાડે ચડે).
છોરુ કછોરુ થાય (પણ મા-બાપથી કઠોર ન થવાય).
ગામ ત્યાં ઢેડવાડો (નદી ત્યાં ઓવારો).
નદી નાવ સંજોગ છે (કોઈનું છે ન કોઈ).
ગોળાને મોઢે ગળણું બંધાય (ગામને મોઢે ન બંધાય).
ગાંડી ગુજરાત (આગે સે લાત, પિછે સે બાત).
નાકા લીટી તાણી (કે નાક લીટી?)
જે જાય જાવે તે (દાંતે દહીં ચાવે ને) કદી નહીં પાછો આવે.
(ચાર બેસે પાઘડી તો વાત કરે પાધરી), ચાર બેસે ચોટલા તો વાળી ઊઠે ઓટલા.
મા મૂળી (મૂળો નહિ)ને બાપ ગાજર
બાંધી મુઠ્ઠી લાખની (ને ઉઘાડતાં વા ખાય).
બોડી બામણીનું ખેતર (ને બાવો ટોયો).
રાઈના પાડ રાતે ગયા (કે ભાવ?)
સોંઘી સુખડી ને સિદ્ધપુરની જાત્રા (સસ્તું ભાડું ને...?)
ખાલી ચણો વાગે ઘણો (ને તે ચણા પર દમામ ઘણો).
ઘઉં ખેત મેં, બેટા પેટ મેં (ને લગન પાંચમનાં લીધાં).
ઘરમાં હાંલ્લેહાલ્લાં લડે (ને બહાર તો લાલજી મણિયાર).
ખોટો રૂપિયો ચમકે ઘણો (અને ભૂંડો ભૈયો ભડકે ઘણો).
ઘરડી ઘોડી ને લાલ લગામ (ને કોઈ નહીં આપે બે બદામ ને જુઓ રે ઘરડીના દમામ).
ધરમના કામમાં ઢીલ નહીં (ને અડબોથનો ઉધારો નહીં).
ધૂળધાણી (ને વા પાણી).
ધોબીનો કૂતરો નહીં ઘરનો, નહીં ઘાટનો (કે નહીં બહારવટનો).
નવી વહુ નવ દહાડા (ને તે જ કરે ત્રણ દહાડા).
ધુળ પર લીંપણ (ને કાગળ પર બીબાં).
(તીન બોલાયે તેર આયે, હૂઈ રામકી બાની, રામભગત એમ ભણે કે) દે દાલ મેં પાની.
નહીં લેવા નહીં દેવા (ને કરો વાઘોડિયે વિવાહ).
વાતનું વતેસર કરવું (અને કાંટાનું કટેસર કરવું).
ખરી વાતમાં શાનો ખાર (માંગતું આપે તો શાને પાડ)?
(કબાડા ટાણે) તેરી બીચૂપ ઔર મેરી બી ચૂપ.
જૈસી કરની વૈસી ભરની (હુી, ન હુી, કર દેખે).
કમજોર ઔર ગુસ્સા બહોત (માર ખાને કી નિશાની).
(કણબી પછવાડે કરોડ, ને કણબી કોઈ પછવાડે નહીં, પણ મૂળમાં મોટી ખોટ કે) ઉહુંનું ઓસડ નહીં.
અંધેર નગરી ગંડુ રાડા (બાર કોહરાં ને તેર દરવાજા) (અથવા ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા).
અંધારી રાતે મગ કાળા (ને નહીં જણાય સસરા કે સાળા).
એક મ્યાનમાં બે તલવાર નહીં માય (અને એક મુલકમાં બે બાદશાહ નહીં સમાય).
અલેલ ટપ્પુ (ઘેર મુકામ).
(અચ્છે દિન પીછે ગએ, ઔર હરસૂ કિયો ન હોત, અબ પછતાએ ક્યા હોવે કે) ચીડિયાં ચુન ગઈ ખેત.
(જો મેં એસો જાનતી કે પ્રીત કિયો દુઃખ હોય, નગર ઢંઢેરો પીટતી કે) પ્રીત ન કિજો કોઈ.
આંધળા સામે આરસી (હિંદ ઘેર પારસી, માંદા પાસે લાપસી, બહેરાની વાતે ટાપસી, સંન્યાસી પાસે નાલસી, ખોટા સામે ખલાસી).
જાન કોઈ જાણે નહીં ને હું બી વરની ફૂઈ (ગાડામાં કોઈ લિયે નહીં ને દોડી દોડી મૂઈ).
આવી કહેવતો બેશુમાર છે, જેનો એક જ ભાગ કે હિસ્સો વધારે વપરાય છે અને બાકીનો હિસ્સો અવપરાશને લીધે કે કાળક્રમે લોપ પામ્યો છે. જોકે હવે પહેલો ભાગ કે હિસ્સો પણ ધીરેધીરે લોપ થતો જાય છે...!
ક્લોઝ અપ :
ગમે તેટલું ઊંચું વૃક્ષ હોય, નાનામાં નાની કુહાડી ઉપર સુધી પહોંચી શકે છે. (ચાઈનીઝ કહેવત).
જે ગુસ્સે થઈ શકતો નથી એ મૂર્ખ છે, જે થતો નથી એ ડાહ્યો છે. (ઇંગ્લિશ).
મૃત્યુ પીંછા કરતાં હલકું છે, જીવન પહાડ કરતાં વજનદાર છે (જાપાનીઝ).
જરાક બુદ્ધિવાળા મૂર્ખ સૌથી વધારે તકલીફ આપે છે (ફ્રેન્ચ).
લડાઈ કરવાની કેપરણવાની કોઈને સલાહ આપવી નહીં. (સ્પેનિશ).
ધોળા વાળ ઉંમરની નિશાની છે, ડહાપણની નહીં. (ગ્રીક).
એક વાર પરણવું ફર્જ છે, બીજી વાર ભૂલ છે, ત્રીજા વાર પાગલપણું છે (ડચ).
સ્ત્રી લગ્ન પહેલાં રડે છે, પુરૂષ પછી (પોલેન્ડની પોલીશ).
કિસ્મતવાળાને દરિયામાં ફેંકી દો તો મોઢામાં માછલી પપકડીને એ ઉપર આવશે. (આરબ).
ખીલેલું ફૂલ દસ દિવસથી વધારે રહેતું નથી, જીવતો માણસ દસ વર્ષથી વધારે સત્તા પર રહેતો નથી. (કોરિયન).
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર