વિજ્ઞાન જીવજ્ઞાન અને જંતુજ્ઞાન સુધી પહોંચે છે!

19 May, 2017
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: griffinpest.com

સન 1982માં ન્યુ દિલ્હીમાં એશિયન રમતોત્સવ વખતે ઊંચે કૂદવાની રમત માટે એક ચીનો એથ્લીટ આવ્યો હતો, જે વિશ્વવિજેતા હતો. એ ત્રાંસ દોડતો આવીને જરા અટકીને, સ્પ્રિંગની જેમ ઊછળતો હતો અને શ્વાસ રોકાઈ જાય એટલું ઊંચું કૂદતો હતો. એની રનિંગ-હાઈ-જમ્પની ટેકનિક જ જુદી હતી!

પાછળથી એના વિશે એક સોવિયેત પત્રિકામાં વાંચ્યું. એ છોકરો ચીનની શાંઘહાઈ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો અને હૉસ્ટેલમાં રહેતો હતો. ત્યાં એ હાઈ-જમ્પમાં ભાગ લેતો હતો.

એક વાર એણે એની રૂમમાં એક બિલાડી આવેલ જોઈ. એ બિલાડીનું નિરીક્ષણ કરતો રહ્યો. બિલાડી દોડતી આવી, સંકોચાઈ, સ્પ્રિંગની જેમ પાછલા પગ દબાવીને ઊછળી, બારીમાં પહોંચીને બહાર નીકળી ગઈ.

દિવસો સુધી આ એથ્લીટે આ બિલાડીની હાઈ-જમ્પની ટેકનિકનો અભ્યાસ કર્યો અને એ ટેકનિક અપનાવી. એના કોચે એને બિલાડીની જેમ હાઈ-જમ્પ કરવાની તાલીમ આપી! અને એ વિશ્વચેમ્પિયન બન્યો.

અજ્ઞાની માણસ એ છે, જેને ખબર નથી એ કેટલો જ્ઞાની છે. જ્ઞાની માણસ એ છે, જેને ખબર છે કે એ કેટલો અજ્ઞાની છે.

લેનિનની પ્રગતિ માટેની એક પ્રખ્યાત વ્યાખ્યા છે : બે કદમ આગળ કૂદવું હોય તો એક કદમ પાછળ જાઓ! આજનું વિજ્ઞાન અને તંત્રજ્ઞાન પ્રકૃતિ અને પ્રાણીઓનો ગંભીરતાથી અભ્યાસ કરે છે કે જેથી નવી વસ્તુઓ અને સાધનોની ડિઝાઈનો અને તેને બનાવવાની ટેકનિક સુધરે! આધુનિક હાઈ-જમ્પની ટેકનિક મનુષ્ય બિલાડી પાસેથી શીખી રહ્યો છે.

જ્ઞાનપ્રાપ્તિ માટે ઈશ્વરે બનાવેલી સૃષ્ટિ હજી પણ મનુષ્યને માર્ગદર્શન આપી શકે છે. એક એક રહસ્ય ખૂલતું રહે એ પણ પ્રગતિની દિશા છે.

માણસનું શરીર અદ્દભુતનો ભંડાર છે. તમારી ચામડી વૉટરપ્રુફ છે. બહાર વરસાદ હોય કે બરફ હોય કે રૌદ્ર તડકો હોય, પણ શરીરનું તાપમાન આપોઆપ 98.4 ડિગ્રી જ થઈ જાય છે.

ડાબું મગજ જમણા શરીરનું સંચાલન કરે છે. તમે જે જુઓ છો એનું પ્રતિબિંબ આંખમાં ઊંધુ પડે છે, તમારા તોડવાના અને ચાવવાના દાંત જુદા છે. કાન એક જ ક્ષણે સેંકડો અવાજો સાંભળે છે, પણ આપણે જે સાંભળીએ છીએ એડિટ થયેલું સાભળીએ છીએ?

કાન સ્વર અને વ્યંજનનો ભેદ કઈ રીતે પારખે છે? જીભ છએ છ સ્વાદોને સમજે છે, પણ દાંત સ્વાદથી પર છે. વિવિધ વાસોને સમજવા માટે નાક પાસે સેન્સરી સેલ્સ છે.

હવે વિજ્ઞાન માને છે કે મનુષ્યનું નાક એક કમ્પાસ જેવું છે, નાકનીઅંદર જે સાઈનસનું હાડકું છે એનાથી પૃથ્વીનું લોકચુંબકીય ક્ષેત્ર સમજી શકાય છે. ગ્લેન્ડ અને હોર્મોન અને નર્વસ-સિસ્ટમ જેવાં શરીરનાં આંતરિક પરિમાણોની કિતાબના પ્રથમ પ્રકરણમાં જ હજી મનુષ્ય પહોંચે છે. મનુષ્યદેહ ખરેખર વિરલ છે...

કબૂતરો અને ડોલ્ફિન માછલીઓ દિશા ભૂલ્યા વિના કઈ રીતે સેંકડો માઈલો ઊડી કે તરી શકે છે? ઘેર પાછા ફરવા માટે એમની પાસે કયું દિશાયંત્ર છે? રણોમાં રખડનારી આદિજાતિઓ કઈ રીતે પૃથ્વીનું ચુંબકીય તત્ત્વ સમજતી હતી? એમની પાસે દિશાસૂઝ હતી.

ઉપ્યુલુરી ગણપતિ શાસ્ત્રી ભારતવર્ષના એક પ્રકાંડ વેદાચાર્ય છે અને એમની વય 96 વર્ષની છે. એક જિજ્ઞાસુએ એમની સાથે કરેલી પ્રશ્નોત્તરી રસિક છે. પ્રશ્ન થયો : પક્ષીઓ રાત્રે ભૂમિ પર શા માટે બેસતાં નથી? શાસ્ત્રીજીએ ઉત્તર આપ્યો : સૃષ્ટિના ઉદ્દભવ સમયે દેવતાઓએ પાણીની સપાટી પર એક આહુતિયજ્ઞ કર્યો, જેનું નામ અગ્નિ છે. વેદશાસ્ત્રો કહે છે કે પૃથ્વી પર સ્વાદિષ્ટ આહાર પાથર્યો હોય તો પણ પાંખોવાળા જીવો રાત્રિના અંધકારમાં વૃક્ષોની ઘટાઓમાં પોતાના આવાસ છોડતા નથી. કારણ? દૂરદર્શી પક્ષીઓને એ સમયે પૃથ્વીની સપાટી ભડકે બળી રહેલા આહુતિયજ્ઞની ધરતી જેવી દેખાય છે !

અદ્દભુતના વિશ્વમાંથી મનુષ્ય સહજજ્ઞાન પ્રાપ્ત કરે છે અને સંશોધનમાંથી વિજ્ઞાન પ્રકટે છે. ઓટો લિલિયેનથેલે ઊડતાં પક્ષીઓની પાંખોના ફડફડાટનો અભ્યાસ કરીને પ્રથમ વિમાનોની ડિઝાઈન બનતી હતી. માખી જ્યાં બેઠી હોય ત્યાંથી જ સીધી ઊંચી ઊડી શકે છે. એના પરથી હેલિકોપ્ટર કે ચોપરની કલ્પના સાકાર થઈ હતી. ચકલી હવામાં જ પાંખો ફફડાવીને સ્થિર રહી શકે છે.

માખીઓ, મધમાખીઓ, પતંગિયાં, તીડોનો વૈજ્ઞાનિકોએ એરોનોટિક્સ કે વિમાનવિષયક ક્ષેત્ર માટે અભ્યાસ કર્યો છે.

માખી પોતાની લંબાઈથી અઢીસો ગણું અંતર એક સેકંડમાં ત્રણસો વખત પાંખો ફફડાવીને કાપી શકે છે. એરક્રાફ્ટ એન્જિનિયરોએ મિની-ઈલેક્ટ્રોડ લગાવીને માખીના સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા માપી છે. એની પાંખો બહાર કડક અને અંદરની તરફ જતાં નરમ અને લચીલી થતી જાય છે.

રોબો અથવા યંત્ર સહાયક આજે અત્યાધુનિક ઔદ્યોગિક દેશોમાં વપરાવા લાગ્યા છે. એ રોબોટના સર્જન માટે જંતુઓની નર્વસ-સિસ્ટમનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

સેન્સર દ્વારા સંચાલિત રોબો તૈયાર કરવા માટે વંદા કે કોકરોચની નર્વસ-સિસ્ટમનો અભ્યાસ સહાયક થયો છે. બીજા જંતુઓ કરતાં વંદાની નર્વસ-સિસ્ટમ પ્રમાણમાં સરળ છે. બદલાતી પરિસ્થિતિ સામે એની પ્રતિક્રિયા ત્વરિત હોય છે એટલે રોબોના મૉડેલ રૂપે વંદો ઉપયોગી છે.

આપણે 21મી સદીની ફાલતુ વાતો કરી કરીને આપણી જાતને અને આપણી પ્રજાને ઠગી રહ્યા છીએ.

જે દેશો અત્યંત ઔદ્યોગિક છે એ રોબો અને ઑટોમેશનનું મહત્ત્વ સમજે છે. રોબો એટલે મનુષ્યને બદલે કામ કરી આપતું મશીન અને ઑટોમેશન એટલે મનુષ્ય વિના થતું સ્વનિયંત્રણ અને રોબોટિક્સ અથવા યંત્રસહાયશાસ્ત્ર પણ કોઈ સ્થિત કે સ્થગિત થઈ ગયેલું શાસ્ત્ર નથી.

જાપાનની નિસ્સાન કંપનીએ 1985ના ટોકિયોના રોબોસ-શો પ્રદર્શનમાં એવા રોબો બતાવ્યા હતા, જે એમની કંપનીમાં અન્ય રોબોના કામ પર ધ્યાન રાખવા માટે વપરાય છે ! તંત્રજ્ઞાનની ભાષામાં રોબોજગતમાં અત્યારે બીજી પેઢી ચાલી રહી છે.

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને દાર્શનિક ડૉ. રાધાકૃષ્ણન્ હંમેશાં મનુષ્યના મગજનું દૃષ્ટાંત આપતા હતા – મગજની રચના બે લોબ્ઝ અથવા શાખાઓમાં વહેંચાયેલી છે. (અખરોટની અંદરનો ગર્ભ અકબંધ રહે તો એ કંઈક અંશે આકારમાં મગજ જેવો લાગે.)

આ બંને શાખાઓ બે જુદાં કામો કરે છે, ભિન્ન છે, પણ વિરોધી નથી, પૂરક છે, ઉપકારક છે – ધર્મ અને વિજ્ઞાનની જેમ, પરંપરા અને આધુનિકતાની જેમ, વિચાર અને આચારની જેમ વિજ્ઞાનનું સંતાન તંત્રજ્ઞાન કે ટેકનોલોજી વિજ્ઞાનની પૂર્વજ પ્રકૃતિ કે ઈશ્વરદત્ત સૃષ્ટિ પાસેથી આજે પણ રહસ્યો ખોલીને માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે.

ક્લોઝ અપ :

ધીમાનાં દહેરાં, ને ઉતાવળાના પાળિયા.

(જૂની ગુજરાતી કહેવત)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.