મૌસમ મૃત્યુની : જિંદગી, તારી નર્મ બાંહોમાં, હું કેટલું બુઝાઈ શકું છું?
શિયાળો અમેરિકાથી ત્રણ અઠવાડિયાં માટે ઊડીને આવતા લગ્નોત્સુક મુરતિયાઓ અને મમ્મીને મળવા આવતી પરિણીતા પુત્રીઓની ઈન્ડિયા આવવાની સીઝન છે. શિયાળો જલદી જલદી પરણવાની અને ધીરે ધીરે મરવાની ઋતુ છે. જવાનો પરણે છે, બૂઢા લેખકો આ દિવસોમાં મરે છે. શોકસભાઓમાં નાના નાના માણસો મોટી મોટી વાતો કરી શકે એ મૌસમ છે. 1988-1989ના શિયાળામાં એટલી બધી સંવત્સરીઓ, મૃત્યુશતાબ્દીઓ, પુણ્યતિથિઓ, દેહવિલય તારીખો આવી છે કે એક ગૃહીત સ્પષ્ટ થાય છે : હિન્દુસ્તાનમાં શિયાળો મરી જવા માટે શ્રેષ્ઠ કાળ છે. આટલા બધા મહાનુભાવોએ એમની જીવનલીલા સંકેલી હતી એ આ ઋતુ છે. ગોવર્ધનરામથી ઉમાશંકર સુધી આ ડિસેમ્બર-જાન્યુઆરીમાં કાળધર્મ પામ્યા છે. આ સીઝનમાં વર્ષભર વિમોચનસભાઓમાં જનારા શ્રોતાઓ બંડીઓ પહેરીને શોકસભાઓમાં આગળ બેસી જાય છે. ટી.વી.ના કેમેરાને લીધે શોકસભાઓની આગળની ખુરશીઓ હવે ભરાઈ જાય છે.
અને મૌત, જેને આપણે અવસાનોત્સવ બનાવી દીધો છે. પ્રતિભાવ આપો. સાઠ વર્ષ પૂરાં થયાં છે, પ્રતિભાવ આપો, તમારો અભિપ્રાય આપો. ઈનામ મળ્યું છે, બે લાઈનમાં તમારો પ્રતિભાવ આપો. હજી સુધી કોઈ લેખિકાને દીકરી જન્મી હોય એ વિષે છાપાવાળા આપણો પ્રતિભાવો પૂછતા નથી એ સારું છે. ગુજરાતી સાહિત્ય (મુંબઈ બ્રાંચ) હવે કંઈક વધારે દરેક પ્રસંગ કે ઘટના વિષે રિ-એક્ટ કરી રહ્યું છે. સાહિત્યનું કામ છે એક્ટ કરવાનું. રિ-એક્ટ કરવાનું નહીં, પણ સાહિત્યમાં તાંત્રિક પરિવર્તનો થતાં હું જોઈ રહ્યો છું. નવા નવા વર્ગો ઊભરી રહ્યા છે : સભાકારો, શોકસભાકારો, વિમોચન-સભાકારો વગેરે. હવે કદાચ શોકસભાઓ પહેલાં જેટલી નીરસ નહીં હોય. સદામૂર્ધન્ય ઉમાશંકર જોશીની શોકસભામાં હેમરાજ શાહ બોલવાનો છે. એ ખબર હોત તો હું ચોક્કસ જતો, કારણ કે 'ઉમાશંકર અને કાગળ' વિશે પ્રતિભાવ જાણવાની મારી એક દિલી તમન્ના છે. શોકસભાઓમાં હવે નવા-નવા ઉત્સાહી વક્તાઓ ફ્રેશ વિચારો સાથે આવવા જોઈએ. વેલકમ, હે. શા ! હવેથી શોકસભાઓ વિષે ઉદાસીન થવું નહીં પોસાય.
ખરે, મૃત્યુ બધાને સમાનતા આપી દે છે અને કોઈકનું મૃત્યુ એકાએક આપણા શરીર પરના દરેક સફેદ વાળમાં જીવનનો વિદ્યુત પ્રવાહ વહાવી દે છે. લાશને માટે કોઈ વિશેષણ નથી હોતું. બેકફન લાશ બેકફન લાશથી વિશેષ કંઈ જ હોતી નથી. જાતસ્ય હિ ધ્રુવં મૃત્યુ... જન્મે છે એનું મૃત્યુ નક્કી છે એવું શ્રીભગવાને ગીતામાં કહ્યું છે, અને ગીતામાં ન કહ્યું હોત તો પણ એ ધ્રુવસત્યની આપણને ખબર હતી. દુઃખ, આઘાત, વજ્રપાત જવાનીના મૃત્યુનો હોય છે. વૃદ્ધાવસ્થાનું મૃત્યુ એક મુક્તિ છે, કારણ કે દેહપીડા ટકાવી રાખવી એ જીવન નથી. ડૉ. જયંત ખત્રીને કેન્સર હતું એ ખબર હતી અને એમના એક પત્રમાં એમણે એ વાત ઉડાવી દીધી હતી પણ એમનું મોત શોક આપી ગયું હતું. જયંતિ દલાલને ઘેર સાંકડી શેરીમાં કરફ્યુની બે કલાકની છૂટમાં પણ મળવા ગયો હતો. એમના મૃત્યુના સમાચાર શોકિંગ હતા. અમદાવાદમાં ચુનીલાલ મડિયાને આગલી સાંજે પી.ઈ.એન. સભ્યોની પાર્ટીમાં મળ્યો હતો. પૂછ્યું હતું : કેમ મડિયાસાહેબ? એકલા એકલા? અને મડિયાએ કટાક્ષથી પ્રવચનકાર તરફ જોઈને કહ્યું હતું : આમાં છે શું સાંભળવાનું? બીજી સવારે એમના દેહાંતની ખબર પડી, સ્મશાન તરફ દોડ્યા ત્યારે ચિતા જલી ચૂકી હતી, કોઈ ન હતું, ભસ્મને પ્રણામ કર્યા, શોકસભામાં બેસી ગયા, ગુલાબદાસ બ્રોકર ચુનીલાલ મડિયાને ભાવાંજલિ આપવા ઊભા થયા, બોલ્યા, સાંભળ્યું. આ પૂર્વે વર્ષો સુધી બંનેને એકબીજા વિષે પ્રતિભાવ આપતાં એકથી વધારે વખત સાંભળ્યા હતા. મૌત, જિંદગી, માનવસંબંધો, વ્યવહારવિશ્વ બધું જ આંખો સામે ઝિલમિલાઈ ગયું. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, ઝિંદગી યૂં હી તમામ હોતી હૈ... વાળો શેર એના સર્જક શાયરે આવી એકાદ શોકસભામાંથી ઘેર ગયા પછી જ લખ્યો હશે.
મૃત્યુનો વ્યવહાર હજી સમજાતો નથી. 'પ્રભુને ગમ્યું તે ખરું' એ કદાચ સૌથી ઉપયુક્ત લીટી છે. પણ ન પુરાય એવી ખોટ ખરેખર પડતી હોય છે? દરેક ખોટ પુરાઈ જાય છે, કારણ કે પ્રકૃતિ ખાલી જગ્યા રાખતી જ નથી. ચોરો ક્યારેય નિર્વશ જતો નથી. એવી એક જૂની ડહાપણસભર ગુજરાતી કહેવત છે. એકનો એક જવાન દીકરો કે આઠ વર્ષની બેબી મરી જાય એ ખોટ એક જખમ છે, રુઝાય છે, પણ એ ઘા રહી જાય છે. માતા કે પિતાનું અવસાન પણ કાળક્રમે પુરાઈ જતી એક ખોટ હોય છે. બાઈબલમાં લખ્યું છે એમ એક પેઢી જાય છે, બીજી પેઢી આવે છે, સૂર્ય રોજ ઊગતો રહે છે...! ચક્રવત્ બધું પરિવર્તન પામતું રહે છે. મારા એક ઘનિષ્ઠ મિત્રના ભાઈને લગ્ન પછી અગિયાર-બાર વર્ષે પુત્ર જન્મ્યો હતો, એ એકવીસ વર્ષનો થયો, સરસ તેજસ્વી વિદ્યાર્થી અને સ્પોર્ટસમેન હતો. અને ગયે મહિને એ એક પિકનિકમાં પૂરીના દરિયામાં ડૂબી ગયો. સાંભળનારાઓનાં દિલ તૂટી જાય એવી વાત હતી. પણ બીજા એક મિત્રે એ શોકાગ્નિમાં તડપતાં માતા-પિતાનું વર્ણન કરતાં કહ્યું : ક... ની હિંમત જબરી હતી. એ એની વાઈફને બહુ જ શાંતિથી કહી રહ્યો હતો. ભગવાને આપણને પુત્ર આપ્યો, એકવીસ વર્ષ એણે આપણને આનંદ, સંતોષ, પ્રેમ આપ્યાં, ભગવાને લઈ લીધો ! ભગવાનની સામે નતમસ્તક થવાનું છે. પ્રશ્નો પૂછવાના નથી. બહુ જ છાતીવાળો મજબૂત મર્દ માણસ આવા કારી જખમ પછી પણ સીધો ઊભો રહી શકે છે. આવા પિતાને આશ્વાસનનો પત્ર લખવા માટે શબ્દો ખરેખર સૂઝતા નથી, કારણ કે આપણો લખેલો દરેક શબ્દ આપણને જૂઠો વ્યવહાર લાગ્યા કરે છે, કારણ કે આપણા રક્તબીજના મૃત્યુનું કરાલ વાસ્તવ આપણાં આંસુઓથી પણ પલળતું નથી.
પ્રાચીન ગ્રીકોમાં એક કહેવત હતી કે માણસ મરી ન જાય ત્યાં સુધી કહેવું નહીં કે એ સુખી હતો! ન મરી જવાની ચિંતા અને જીવતા રહ્યા કરવાનો દુરાગ્રહ ઘણી વાર માણસનું મૌત અત્યંત કષ્ટદાયક કરી મૂકે છે. મરવાનો નિર્ણય લઈ શકવાનું સામર્થ્ય દરેકમાં હોતું નથી અને એ નિર્ણય આપણે લઈએ તો પણ પ્રિયજનો-આપ્તજનો લેવા દેતા નથી. જ્યારે આપણા જ શરીરનાં અંગો પર આપણો કાબૂ કે અંકુશ ન રહે. જ્યારે સમાજ અને જગત આપણી સતત ઉપેક્ષા કરે, જ્યારે આપણાં પોતાનાં સંતાનો માટે આપણે અસહ્ય થવા લાગીએ ત્યારે સમજવું કે, દેહધર્મ અને જીવનલીલા શેષ કરવાનો પ્રહર આવી ગયો છે. મૃત્યુને કદાચ જૈનો સૌથી વિશેષ સમજ્યા છે. જૈનોમાં સંથારો છે, સંથારો એટલે ખાદ્ય, પેય, ઔષધિ આદિ લેવાં બંધ કરવાં, દેહજ્યોતિ બુઝાતી જાય. નિર્વાણ થઈ જાય. આ શબ્દ નિર્વાણમાં 'વાણ' એટલે દિવેટ. જ્યારે તેલ સમાપ્ત થઈ જાય ત્યારે જ્યોતિ બેસતી જાય અને બુઝાઈ જાય. બસ એ જ નિર્વાણ, એ જ દેહાંત, એ જ દેહાવસાન! મહાનિર્વાણ અને પરિનિર્વાણ ને એવું બધું નહીં.
વિનોબા ભાવેએ સંથારો કર્યો હતો. ગોપીચંદ વાલેચા નામના એક વેપારીએ મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેંચમાં રિટ પિટિશન ફાઈલ કરી હતી કે વિનોબાની જિંદગી બચાવવામાં આવે, કારણ કે એમણે ખોરાક અને પાણીનો ત્યાગ કર્યો હતો. કોર્ટે દખલ કરી નહીં અને વિનોબાનો દેહાંત થઈ ગયો. કે.પી.એસ. મેનન આઈ.સી.એસ. હતા, ભારતના સોવિયેટ યુનિયનના રાજદૂત હતા. એમણે પાલઘાટના એમના ઘરમાં જ દેહત્યાગ કર્યો, દવા લીધી નહીં. એમણે કહ્યું કે હું હૉસ્પિટલ જઈશ નહીં. મારા ઘરમાં જ મારા પરિવારની વચ્ચે જ મરવા માગું છું ને અંતે આવ્યો ત્યાં સુધી એમને હોશ હતા, એ ઘરમાં જ મર્યા. પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ફિલ્મ અભિનેત્રી એલિઝાબેથ ટેલરનું કેલિફોર્નિયાની બેટી ફોર્ડ ક્લિનિકમાં ઑપરેશન કરવામાં આવ્યું. હૉસ્પિટલે જ્યારે એને કહ્યું કે એનું ઑપરેશન સફળ થયું નથી અને દુખાવો ચાલુ રહ્યો હતો ત્યારે એલિઝાબેથ ટેલર કંટાળી ગઈ. એને ખબર પડી કે એ હવે ચાલી શકશે નહીં ત્યારે 56 વર્ષીય એલિઝાબેથ ટેલરે કહ્યું : મારે હવે જીવવું નથી.
જીવન પર અંકુશ રાખવો સરળ કામ નથી. વીસમી સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક-ગણિતજ્ઞ ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈનની અંતિમ બીમારી વખતે એરોટાએન્યુરીઝમ માટે ઑપરેશન કરવાનું હતું. મહાન આઈન્સ્ટાઈને કહ્યું : બનાવટી રીતે જિંદગીને લંબાવ્યે રાખવી અર્થહીન છે. મેં મારું કર્મ કરી લીધું છે, હવે વિદાયનો સમય થઈ ગયો છે. ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈનને કોઈ જ વિધિ વિના અગ્નિદાહ કરવામાં આવ્યો. એમની ભસ્મ એક અજ્ઞાત સ્થાને ફેંકી દેવામાં આવી કે જેથી એમની સમાધિ યાત્રાસ્થળ ન બની જાય.
જીવતાં આવડવું એ એક વાત છે. મરતાં આવડવું એ બીજી વાત છે. ઘણાને એક પણ વાત આવડતી નથી. ઘણાને શોખથી જીવતાં આવડે છે, શાનથી મરતાં આવડે છે.
ક્યારેક મૃત્યુના સમાચાર એકાએક આવે છે, ગાલ પર એક કરારી ચપત મારીને ગાયબ થઈ જાય છે. ચુનીલાલ મડિયાનું અવસાન એવી ચપત હતી. વ્યારામાં પ્રવચન આપીને સુરત આવ્યા હતા અને મેં સાંભળ્યું કે પ્રવીણ જોષીનું એની બાલ્કનીમાંથી પડી જવાથી અવસાન થઈ ગયું છે. પ્રવીણ જોષીના ઘરની મહેફિલોનો મને અનુભવ છે. એ બાલ્કની મેં જોઈ હતી. અમે ઘણી વાર સાથે બેઠા હતા. મદ્યપાન કર્યું હતું. પ્રવીણ જોષીનું અવસાન એક જબરદસ્ત શોક હતો. એ વખતે વેણીભાઈ પુરોહિતે કહ્યું હતું : પ્રવીણે એક્ઝિટ પણ ડ્રામેટિક કરી અને એક દિવસ અમારા વેણીકાકાએ પણ ડ્રામેટિક એક્ઝિટ કરી નાખી. હું અને પ્રબોધ પરીખ એક સવારે મીઠીબાઈ કૉલેજથી ટેક્સી કરીને ઘાટકોપર સ્મશાન પર ગયા. અર્થી પર પડેલું એમનું શરીર જોયું. મન ખિન્ન થઈ ગયું. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી... અહીં અર્થી પર સૂતો હતો. અહીં શબ્દો ખરેખર સૂઝતા ન હતા. વેણીભાઈ સાથે મેં અને 'ચિત્રલેખા' તંત્રી હરકિસનદાસ લાલદાસ મહેતા ષષ્ટિપૂર્તિ વાળાએ એક જમાનામાં કેટલી બધી સાંજો ગુજારી હતી? એ ગુલાબી બંડી પહેરેલો કવિ, એ ખુશદિલી, એ ખ્વાબી વ્યક્તિત્વ, એ મસ્તી... પછી જોઈ નથી આ મુંબઈ શહેરના કવિઓમાં.
ઉમાશંકર જોશીનું અવસાન થઈ ગયું ત્યારે થયું કે ગુજરાતી સાહિત્ય આખું હાલી ગયું છે. ઘણાંબધાં સ્મરણો છે. મને જવાહરલાલ નેહરુએ સરોજિની નાયડુના અવસાન પર કહેલું વાક્ય યાદ આવી ગયું : કેપ્ટન્સ એન્ડ કિંગ્સ ઑફ માય જનરેશન ડિપાર્ટ ! (સરદારો અને સમ્રાટો, મારી પેઢીના વિદાય લઈ રહ્યા છે!) પણ ઉમાશંકર જોશીનું અવસાન જરા પણ સ્પંદનો મૂક્યાં વિના પસાર થઈ ગયું. નાના નાના માણસોએ સરસ આંસુઓ પાડ્યાં પણ ઉમાશંકર જોશીની વિદાય સાથેએક આખો યુગ સમાપ્ત થઈ ગયો છે એ અહેસાસ થયો નહિ. વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં.... એકલો અટૂલો ઝાંખો પડ્યો !.....
મૃત્યુ પણ એક સામાજિક વ્યવહાર બની જાય છે. જિંદગી, તારી નર્મ બાંહોમાં, હું કેટલો બુઝાઈ શકું છું?
ક્લોઝ અપ
ફરીથી ચંદ્ર
ફરીથી ઝાંખાં વાદળો પસાર થઈ રહ્યાં છે
પણ ગયા વર્ષનો પ્રવાસી નથી
દૂ શીહનું ચાઈનીઝ હાઈકુ
(આ લેખ વર્ષ 1989માં પહેલી વાર પ્રકાશિત થયો હતો.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર