ગાંધી બાપુને યાદ કરવાની સીઝન...

20 Jan, 2017
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: inc.in

અમેરિકામાં એક વાર સ્પીરો ટી. એગન્યુ નામના એક લગભગ અજ્ઞાત રાજકારણી ઉપરાષ્ટ્રપતિપદ માટે ઊભા રહ્યા. અમેરિકામાં ભાગ્યે જ કોઈએ એમનું નામ સાંભળ્યું હતું. તરત જ ત્યાંનાં છાપાંઓમાં રમૂજમાં પુછવા માંડ્યું : સ્પીરો...હૂ (સ્પીરો કોણ?) પછી તો સ્પીરો હૂ ચૂંટાયા અને ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા (અને પૈસા ભેટ લેવાના આરોપ નીચે એમને ત્યાગપત્ર પણ આપવું પડ્યું. એ આડવાત છે.)

અજ્ઞાત માણસની મજાકરૂપે આ પ્રયોગ હવે પ્રસિદ્ધ થઈ ગયો છે. ગાંધીજીને સદેહે જોયા હોય એવા મારા જેવા બૂઢીયાઓ હજી જીવે છે. એ દીનબંધુ હતા. દીનબંધુ એટલે ગરીબોના બેલી ! એમના સંપર્કમાં ચિત્તરંજન દાસ જેવા એ સમયના અત્યંત ધનાઢ્ય માણસો આવ્યા અને ખાદીનાં કુર્તા-ધોતિયાં પહેરીને દેશબંધુ થઈ ગયા. હવે દીનબંધુ કે દેશબંધુ રહ્યા નથી અને મોહનદાસ ગાંધી પણ રહ્યા નથી!

ઉત્તમચંદ ગાંધીના પુત્ર કરમચંદ ઉર્ફે કબા ગાંધીની ચોથી વારની પત્ની પૂતળીબાઈના પુત્ર મોહનદાસે આખી જિંદગી થર્ડ ક્લાસના ડબાઓમાં પ્રવાસ કર્યો (એ વખતે હિન્દુસ્તાનની ટ્રેનોમાં ફર્સ્ટ, સેકન્ડ, ઈન્ટર અને થર્ડ એમ ચાર વર્ગ હતા. થર્ડ ક્લાસ સૌથી કનિષ્ઠ વર્ગ હતો.) સરોજિની નાયડુ હસીને કહેતાં કે બાપુને થર્ડ ક્લાસમાં પ્રવાસ કરાવવો એમને બહુ મોંઘો પડી જાય છે! શા માટે? કારણ કે દરેક સ્ટેશને હજારો ભારતવાસીઓ બાપુનાં દર્શન માટે ઊમટી પડતા.

એ લોકો મોટરોમાં નહિ, પણ માઈલો દૂરથી ચાલતાં કે ગાડામાં આવતા. અહમદ પટેલે સ્વયં મોહનદાસ ગાંધીએ પ્રબોધેલા સિદ્ધાંતો અને મૂલ્યોને જીવનમાં ઉતરાવનો પ્રયત્ન કરવો જોઈએ અને થર્ડ ક્લાસ તો નથી, પણ આજના સેકન્ડ ક્લાસમાં પ્રવાસ કરવો જોઈએ ! સ્ટેશનો પર ભીડ નહિ થાય અને જે આવશે એ પોતપોતાની મારુતિ કે ફિયાટ કે સરકારી જીપો-વેનોમાં આવશે, એટલે ગાંધીજીને પડી હતી એવી તકલીફ એમને નહિ પડે.

ગાંધીજીના જીવનમાંથી કયા સિદ્ધાંતો અને મૂલ્યો શોધીશું? ગાંધીજી લંડનમાં રોમન લો લેટિનમાં ભણ્યા હતા. 1922માં જેલમાં બયાન આપતાં એમણે કહ્યું કે, મારો વ્યવસાય ખેડૂતનો અને વણકરનો છે. 60 વર્ષે 24 દિવસમાં 241 માઈલ ચાલીને એમણે દાંડીકૂચ કરેલી. એ વખતે નિમક પરનો કર દરેક હિંદુસ્તાનીને ભાગે વર્ષે ફક્ત પાંચ પૈસા આવતો હતો!

સાદગી કહો કે દેશપ્રેમ કહો, પણ ફાંસી પહેલાંના અંતિમ ચાળીસ દિવસ ભગતસિંહે અંગ્રેજી સરકારનો નિમક વિનાનો ખોરાક ખાધો હતો! વાત સિદ્ધાંતની હતી, વાત મૂલ્યની હતી...

ગાંધીજીની તબિયત બગડી એટલે કસ્તૂરબાની સલાહથી ગાંધીજીએ બકરીનું દૂધ પીવાની શરૂઆત કરી (બાય ધ વે, કસ્તૂરબા એ ગાંધીજીનાં બા નહિ, પણ ધર્મપત્નીનું નામ છે.) એક વાર મદુરાઈમાં એક સભામાં એક વિદ્યાર્થીએ શિકાયત કરી કે ખાદી બહુ મોંઘી પડે છે એટલે ગાંધીજીએ ઉત્તર આપ્યો, ખાદી મોંઘી લાગતી હોય તો ઓછાં કપડાં પહેરવાં. એ સભામાંથી ઘેર આવીને ગાંધીજીએ કહ્યું,  હવે હું એક લોઈન-ક્લોથ (પોતડી) જ પહેરીશ. અહમદ પટેલે હાકલ કરી છે એ બરાબર છે : શક્ય એટલી સાદગીથી જીવો!

એક વાર એક સભામાં એક ગરીબ વૃદ્ધાને અત્યંત ગંદી સાડીમાં જોઈને ગાંધીજીએ સ્વચ્છતા વિશે ટકોર કરી. ગરીબ હોશીએ કહ્યું કે એની પાસે એક જ સાડી છે ! આ ભયાનક ગરીબીએ ગાંધીજીની આંખો ખોલી નાખી. એમણે કોટ, પાઘડી, ટોપી, કુર્તા આદિનો ત્યાગ કરીને ધોતી અને ચાદર અપનાવી લીધાં.

ગાંધીજી ઈંગ્લેન્ડ ગયાં ત્યારે એક ખ્રિસ્તી પાદરી બિશપ ફિશરે અમેરિકાથી ગાંધીજીએ ટ્રંકકોલ કર્યો. લંડનથી ટ્રંકકોલ પતી ગયો પછી ગાંધીજીએ ઑપરેટરને ખર્ચ વિશે પૂછ્યું. ઑપરેટરે કહ્યું 120 ડૉલર ! અને ગાંધીજીએ તરત કહ્યું, એક ધર્મગુરુએ આટલા બધા પૈસા એટલેંટિક મહાસાગરમાં ન ફેંકી દેવા જોઈએ!

ગાંધીજી ક્યારેય અમેરિકા ગયા નહોતા.

ગાંધીજીના સિદ્ધાંતો અનુસરવાની હાકલ કરવામાં એક ભયસ્થાન પણ છે. ગાંધીજીએ કેટલું બધું લખ્યું છે એ ગાંધીવાદીઓને પણ ખબર નથી! 1898માં ગાંધીજીએ હિંદુસ્તાની માટે ગાઈડ ટુ લંડન લખી હતી. અને 1948ની 30મી જાન્યુઆરીએ એમની હત્યા થઈ ત્યાં સુધી એ પ્રવૃત્ત રહ્યા હતા. બે હાથે લખી શકતા હતા. એમના વિચારો એટલા બધા ફેલાયેલા છે કે અહમદ પટેલથી ઝીણાભાઈ દરજી સુધી (ગુજરાતી રાજકારણના ‘એ’ થી ઝેડ સુધી) ગમે તે માણસ ગાંધીજીના નામે ગમે તે હાકલ કરી શકે છે.

ગાંધીજીના સિદ્ધાંતો અને મૂલ્યો માટે હિંદ સ્વરાજ, ઈન્ડિયન હોમરૂલ નામનું લગભગ ભુલાયેલું પુસ્તક જોવું પડશે. ઈન્ડિયન ઓપિનિયનમાં એ ધારાવાહિક પ્રકટ થયું હતું. લેખક અનેવાચક વચ્ચેના સંવાદરૂપે ગાંધીજીએ 14મી ઑક્ટોબર, 1909ને દિવસે એચ.એસ. પોલોકને લખેલા પત્રમાં હિંદ સ્વરાજ વિશેનો સારસંક્ષેપ પોતાના શબ્દોમાં જ આપ્યો છે. પુસ્તકમાં પણ એમનાં વિચારો ફેલાયેલા છે.

ગાંધીજી પાર્લમેન્ટને વાંઝિયણ અને વેશ્ય કહે છે. એમનું કહેવું છે કે વકીલોએ ભારતને ગુલામીની જંજીરોમાં જકડી રાખ્યું છે. હૉસ્પિટલો પાપને ટકાવી રાખવા માટે છે. મશીન એ સૌથી મોટું પાપ છે, એનાથી ઘણાં દૂષણો ઉત્પન્ન થાય છે. એ આધુનિક સંસ્કૃતિનું પ્રતીક છે. ગાંધીજીના મતે મનુષ્ય શરીર એ સર્વશ્રેષ્ઠ મશીન છે.

ગાંધીજીએ સ્વયં પોલોકને લખેલા સંક્ષેપમાં આ વિશે સ્પષ્ટતાઓ છે. મુંબઈ, કોલકાતા અને અન્ય નગરો પ્લેગનાં કેન્દ્રો છે. અંગ્રેજો ભારત પર રાજ ચલાવતા નથી, પણ આધુનિક સંસ્કૃતિ રાજ ચલાવી રહી છે – રેલવે, ટેલિગ્રાફ, ટેલિફોન અને આધુનિક શોધો દ્વારા ! મેડિકલ સાયન્સ એ બ્લેક મેજિકનો અર્ક છે.

ઉચ્ચ કક્ષાની મેડિકલ ક્ષમતા કરતાં તો ઊંટવૈદું (ક્વેકરી) વધારે સ્વીકાર્ય છે. હૉસ્પિટલો શયતાનનાં ઉપકરણો છે. જાતિગત રોગો (વેનીરીઅલ ડીસીઝીસ) માટે હૉસ્પિટલો ન હોત તો આપણામાં એ રોગો પણ ઓછા હોત. રેલવે, ટેલિગ્રાફ, હૉસ્પિટલો, વકીલો, ડૉક્ટરો અને એમના જેવા બધાએ જવું પડશે અને તથાકથિત બધા જ ઉચ્ચ વર્ગોએ સભાન થઈને ધાર્મિક અને સાદું જીવન જીવવું પડશે.  ભારતે મશીનોમાંથી બનેલાં કપડાં નહિ પહેરવાં જોઈએ, એ મશીનો યુરોપિયન હોયકે ભારતીય હોય, બંને વર્જ્ય છે.

ગાંધીજીના વિચારો અનુસરવાનું કહેવું એક ખતરનાક ધંધો છે. ગાંધીજીના સેક્સ વિશેના વિચારોથી જવાહરલાલ નેહરુ પણ ચમકી ગયેલા ! સપ્ટેમ્બર, 1919માં ગાંધીજીએ નવજીવન શરૂ કર્યું ત્યારે અમારો ઉદ્દેશ નામનો એક લેખ લખ્યો હતો. એ લેખમાંથી એક લીટી આ પ્રમાણે હતી : … જન્મ અને કર્મથી ગુજરાતી હોઈ હું ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થઈ જાઉં તો જ હું હિંદની શુદ્ધ સેવા કરી શકું.

ગુજરાતની વિધાનસભાની મોંઘી મોંઘી દીવાલો બગડી જવાનો ભય ન હોય તો આ વાક્ય સભાકક્ષમાં મોટા અક્ષરે કોતરી લેવા જેવું છે!

ગાંધીજી વિશે વિદેશી પત્રકારો અને વિચારકોએ હંમેશાં લખ્યું છે અને આદરભાવથી લખતા રહ્યા છે. જ્હોન ગંથરે ઈનસાઈડ એશિયામાં લખ્યું છે : એ માણસે કિસ્મત સામે યુદ્ધ કર્યું.. અને જે કિસ્મતથી પણ વધારે સમર્થ છે એવા બ્રિટિશ સામ્રાજ્ય સામે યુદ્ધ કર્યું (પૃષ્ઠ 384). એ એક અસામાન્ય આપખુદશાહ છે, જે પ્રેમથી રાજ ચલાવે છે (પૃ. 384). આત્મકથાને અંતિ મિ. ગાંધી લખે છે કે મારે મારી જાતને શૂન્ય બનાવી દેવી છે. જ્હોન ગંથરે ચીનની માઓત્સે તુંગની લોંગ માર્ચ અને ગાંધીજીની દાંડીકૂચની તુલના કરી છે. એ લેખ છે : (ગાંધીજીની) દાંડીકૂચ, એ ચીનના રેડ આર્મીની લોંગ માર્ચના એક અપવાદને બાદ કરી દઈએ તો આધુનિક ઈતિહાસની સૌથી યશસ્વી ઘટના હતી. દાંડીકૂચને અંતે ગાંધીજીએ કહ્યું હતું : હું કુત્તાને મોતે મરીશ, મારા હાડકાં કુત્તાઓ ચાટી જાય એ કબૂલ છે, પણ હું તૂટેલો, ભગ્નહૃદય પાછો નહિ આવું! અંતે પૃષ્ઠ 409 પર પત્રકાર જ્હોન ગંથર ગાંધીજીને અંતિમ અંજલિ આપે છે : અને કેવી ભવ્ય, જાજ્વલ્યમાન કારકિર્દી (ગાંધીજીની) હતી! એમની મહાનતમ સિદ્ધિ એ છે કે એમણે હિંદુસ્તાની પ્રજાનો નવો સ્પિરિટ, નવી એકતા આપ્યાં, એમનો ઈશ્વર, જે પણ હોય, જ્યારે ગાંધી આવશે ત્યારે એનો બહુ પ્યારથી સ્વીકાર કરશે.

ડેલ કાર્નેગીના હાઉ ટુ સ્ટોપ વરીયિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગમાં પ્રાર્થના વિશે એક પ્રકરણ છે અને એમાં ડેલ કાર્નેગીએ ગાંધીજી અને એમની પ્રાર્થનાસભાઓ વિશે બહુ અહોભાવથી લખ્યું છે. ગાંધીજીનું એક ઉદાહરણ પણ ટાંક્યું છે : હું પ્રાર્થના ન કરતો હોત તો ક્યારનોય મરી ગયો હોત ! નેપોલિયન હીલની થિંક એન્ડ ગ્રો રિચ એક એવી કૃતિ છે, જેણે લાખો વાચકોને માર્ગદર્શન આપ્યું છે. એમાં નેપોલિયન હીલે બે પાનાં ગાંધીજી વિશે લખ્યાં છે અને તે બે પાનાં ખૂબ જ પ્રશંસાત્મક છે. શ્રદ્ધા (ફેઈથ)નો વજય જોવો હોય તો ગાંધીજીનું જીવન જુઓ ! આ નિઃશસ્ત્ર, નાના માણસે બ્રિટિશ મહાસત્તા સામે શ્રદ્ધાથી કેટલી વિરાટ અને અહિંસક સેના ઊભી કરી છે... જે સેના માટે લાખો ડૉલર ખર્ચ્યા હોત તો પણ નિષ્ફળ જાત.

લૂઈ ફિશરે હિંદુસ્તાન આવીને ગાંધીજી સાથે સેવાગ્રામમાં રહીને ગાંધીજી વિશે એક પુસ્તક લખ્યું હતું, પર્લ બક અને એડગર સ્નોએ ગાંધીજી વિશે ભાવુક આદરથી લખ્યું છે. નવેમ્બર 13, 1950 ટાઈમ સાપ્તાહિકે જ્યોર્જ બર્નાર્ડ શોને અંજલિ આપતાં નોંધ કરી હતી : એ અર્થશાસ્ત્રના ગાંધી બની ગયા ! અને કદાચ સૌથી પ્રવાહી આદરાંજલિ રાષ્ટ્રપિતા પુસ્તકના આમુખમાં જવાહરલાલ નેહરુએ આપી છે, જે હિંદી પત્રિકા આજકાલના ઑક્ટોબર, 1950ના અંકના બાવનમાં પૃષ્ઠ પર છે (એ અંજલિ નેહરુના શબ્દોમાં) હર જગહ ગાંધીજી કા નામ પહૂંચા થા, ગાંધીજી કી શોહરત પહૂંચી થી. ગૈરોં કે લિયે ગાંધી હિંદુસ્તાન ઔર હિંદુસ્તાન ગાંધી. હમારે દેશ કી ઈજ્જત બઢી, હેસિયત બઢી. દુનિયાને તસલીમ કિયા કિ અજીબ ઊંચે દર્જે કા આદમી હિંદુસ્તાન મેં પૈદા હુઆ. ફિરસે અંધેરે મેં રોશની આઈ...

ક્લોઝ અપ :

સંત અને પાપી વચ્ચે એક જ ફરજ છે. દરેક સંતને એક ભૂતકાળ હોય છે અને દરેક પાપીને એક ભવિષ્ય હોય છે.

ઓસ્કાર વાઈલ્ડ

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.