સ્ત્રી અને પુરુષ : રહસ્યો ખૂલી રહ્યાં છે!
પુરુષ અશક્ત હોય છે, સ્ત્રી સશક્ત હોય છે. આ વિજ્ઞાનનું વિધાન છે. આશ્ચર્ય થાય એવી વાત છે, પણ સત્ય છે. વાંશિક રોગોનો પુરુષ વહેલો અને વધારે શિકાર બનતો હોય છે. વિકલાંગોમાં પુરુષ વધારે હોય છે. જન્મ સમયે વિકૃતિને કારણે મરતાં શિશુઓમાં નર વિશેષ હોય છે. જો ઊંચે પગથિયેથી એક બાબા અને બેબીને ગબડાવવામાં આવે તો બાબાની જાનહાનિનો સંભવ વધારે છે એવું જીવશાસ્ત્ર માને છે. સ્ત્રીઓની શરીરરચના, આંતરિક-રાસાયણિક વ્યવસ્થા અને બાયોલૉજી એવી હોય છે કે બાહ્ય કીટાણુઓનો એ વધારે સારી રીતે પ્રતિકાર કરી શકે છે. ગર્ભાધાન સમયે બેબીમાં નર અને નારી પિતામાતાના બે ‘એક્સ’ ક્રોમોઝોમ હોય છે, જ્યારે બાબામાં માતાનું ‘એક્સ’ અને પિતાનું એક નાનું ‘વાય’ ક્રામોઝોમ હોય છે માટે એ વધારે કમજોર હોય છે. પુરુષનાં હાડકાં મોટાં હોય છે, અને સ્નાયુઓ તગડા હોય છે પણ રોગ અને મૃત્યુ સામેનો એનો પ્રતિકાર ‘નામર્દ’ હોય છે! વૃક્ષ અને વેલ જેવી આ સ્થિતિ છે. હવાના તોફાનમાં વૃક્ષ ઊખડી જાય છે, વેલ પૂર્ણવત્ થઈ જાય છે...
સ્ત્રી અને પુરુષને એક જ રોગ થયો હોય તો પુરુષના મરવાના ચાન્સ વધારે છે. ગર્ભમૃત્યુના અનુપાતમાં નારીગર્ભ કરતાં નરગર્ભનું મૃત્યુપ્રમાણ 30 ટકા વધારે છે. વિજ્ઞાને આંકડાઓ મેળવ્યા છે. મધ્ય આયુષ્ય સુધીમાં 15 ટકા વધારે સ્ત્રીઓ જીવે છે, 70 વર્ષની આસપાસ પુરુષો કરતાં 20 ટકા વધારે સ્ત્રીઓ જીવતી હોય છે, અને 90 વર્ષની આસપાસ બે સ્ત્રીઓ અને એક પુરુષની સરેરાશ આવી જાય છે!
પુરુષમાં સ્ત્રી-દાક્ષિણ્ય કેવી રીતે આવી જતું હોય છે? નિમ્નતમ કક્ષાનાં પશુઓમાં પણ નર માદા સાથે લડતો નથી, પણ માદાને માટે અન્ય નર સાથે ખૂંખાર લડી લેતો હોય છે. પુરુષની સેક્સશક્તિ પણ સ્ત્રીની તુલનામાં અત્યંત મર્યાદિત છે. વેશ્યા ક્રમબદ્ધ સમાગમો કરી શકે છે, પુરુષ માટે ‘વેશ્યા’ થવું લગભગ અસંભવ છે! પુરુષની સંભોગશક્તિ અત્યંત મર્યાદિત છે.
નર અને માદા શિશુ વિકાસમાં એક-બે મહિના આગળ-પાછળ સિવાય કોઈ ફર્ક પડતો નથી. બાળકને માટે જુદું જુદું શીખવાની જુદી જુદી ઉંમરો હોય છે. બાળકનું ઊલટું પડવું, બેસવું, વસ્તુઓ પકડવી, બોલવાનો પ્રયાસ કરવો, ચાલવું એ બધી સિલસિલેવાર ક્રિયાઓ છે. જ્યારે બાળક 16 અઠવાડિયાનું થાય છે ત્યારે એ ગળામાંથી અવાજ કાઢી શકે છે. જ્યારે એ 28 અઠવાડિયાનું થાય છે ત્યારે એનું વ્યક્તિગત સ્પંદન શરૂ થઈ જાય છે. જ્યારે 40 સપ્તાહો થાય છે ત્યારે એ સમજી શકે છે.
સ્ત્રી અને પુરુષની શરીરરચનામાં જે જુદાઈઓ છે એ પૂરક છે અને વિજ્ઞાનને હવે એ જુદાઈઓનું રહસ્ય સમજાતું જાય છે. સ્ત્રીનું મન અને પુરુષનું મન એ બે જુદા ઘટકો છે એ મનુષ્ય જાતિનો જન્મ થયો ત્યારથી સમજ પડી ગઈ હતી! આજે સંશોધન એ કક્ષા સુધી પહોંચ્યું છે કે સ્ત્રીનાં આંસુની સેક્સ પણ પુરુષનાં આંસુની સેક્સ કરતાં જુદી હોય છે એ સાબિત થઈ રહ્યું છે. અને સ્ત્રીના દાંતની સ્પૈસિફિક ગ્રેવિટી પુરુષના દાંતના કરતાં ભિન્ન છે એ અનુસંધાન થશે, બે દાઢોની સેક્સની ભિન્નતા પણ પ્રમાણિત થશે! વિજ્ઞાન ચામડીનાં છિદ્રો અને પેટ પરના સુંવાળા રોમ સુધી પહોંચી ચૂક્યું છે, પણ કેટલીક સાદીસીધી વાતો હજી વિજ્ઞાનની પકડમાં આવતી નથી. પુરુષને માથામાં ટાલ પડે છે, પણ સ્ત્રીને ટાલ પડતી નથી. પુરુષની છાતીમાં વાળ ઊગે છે, પણ સ્ત્રીની છાતીમાં વાળ ઊગતા નથી. પુરુષને દાઢીમૂછ ઊગે છે, પણ માથાની જેમ દાઢીમૂછની જગ્યાએ ટાલ પડતી નથી! ગોરાઓને માથામાં ટાલ પડી જાય છે, કાળાઓને પ્રમાણમાં ઓછી ટાલ જોવામાં આવે છે અને મોંગોલીઅનો એટલે કે ચીના, જાપાની, કોરીઅનોમાં ટાલ પડી જવાનું પ્રમાણ બહુ જ ઓછું છે. સ્ત્રીના માથાના વાળ ઘણા લાંબા થઈ શકે છે, પુરુષના વાળની લંબાઈની એક સીમા હોય છે.
સ્ત્રી પુરુષ કરતાં લાંબુ જીવે છે એ બધાને ખબર છે, પણ નિમ્નકક્ષાનાં પશુઓમાં પણ નર કરતાં માદા વધારે લાંબું જીવે છે! જગતભરમાં પતિ કરતાં પત્ની ઉંમરમાં ચારપાંચ કે બે-ત્રણ વર્ષ નાની હોય એ સ્વીકૃત સત્ય છે અને સ્ત્રી પુરુષ કરતાં સાત-આઠ કે દસ-બાર વર્ષ કે એથી પણ વધારે જીવે છે એટલે દરેક સમાજમાં વિધવાઓનું પ્રમાણ વધારે હોય એ બાયોલોજી કે વંશ શાસ્ત્રના નિયમ પ્રમાણે બરાબર છે. કોણ કેટલું જીવે છે એ પણ રસિક અભ્યાસનો વિષય છે, પૃથ્વી પર સૌથી લાંબું જીવનાર વૃક્ષો છે, જે સેંકડો કે હજારો વર્ષોથી ઊભાં છે એવા ઉલ્લેખો છે. વૃક્ષોમાં સાયપ્રસ કે વડ જાતિનાં વૃક્ષો દીર્ઘ આયુષ્ય લઈને આવે છે. પશુઓની વયમર્યાદા વિશે ચોક્કસ કહી શકાતું નથી, પણ એક અંદાજ સ્વીકારવામાં આવે છે : કેટલીક માછલીઓ લગભગ 100 વર્ષ જીવે છે, કાચબા 150 વર્ષ, હાથી 70 વર્ષ, ઘોડા 35 વર્ષ, કૂતરા અને બિલ્લી 20 વર્ષ, પોપટ 45 વર્ષ બળદ 30 વર્ષ! આ આયુરેખાઓ સંશોધિત નથી અને એમાં ફેરફારને સંપૂર્ણ અવકાશ અવકાશ છે. બાઈબલમાં આદમની ઉંમર 930 અને મેથ્યુસેલાહની ઉંમર 969 વર્ષો બતાવી છે. એ પછી મોટી રેલ આવે છે અને એબ્રહમ 175 અને મોઝેઝ 120 સુધી આવી જાય છે.
સન 1940માં વૃક્ષોનો અભ્યાસ કરીને ડૉ. એન્ડ્રુએક્રોને એક નવો પ્રાચીન ‘કોડ’ શોધી કાઢ્યો અને એ કોડના ગણિત પ્રમાણે આદમની ઉંમર 96 વર્ષ ગણવામાં આવી. ખ્રિસ્તી ધર્મમાં નોઆહે જ્યારે આર્ક બનાવી ત્યારે તેની ઉંમર 600 વર્ષ ગણવામાં આવી છે, પણ આ પ્રાચીન કોડ પ્રમાણે એ વખતે નોઆહની ઉંમર 48 વર્ષ હોવી જોઈએ. જૈન તીર્થંકરોની વય સેંકડો વર્ષોમાં ગણાઈ છે. અત્યારે વિજ્ઞાનની એક શાખા માને છે કે મનુષ્યનું અધિકતમ આયુષ્ય 115 વર્ષ હોઈ શકે છે.
પુરુષ કરતાં સ્ત્રી લાંબું જીવે છે પણ આપણાં આદર્શ પાત્રોની શું ઉંમરો હતી? રામ અને સીતા વનવાસમાં જવા નીકળ્યાં ત્યારે રામ 27 વર્ષના હતા અને સીતાની ઉંમર 18 વર્ષ હતી. રામ અને સીતા વચ્ચે 9 વર્ષનો ફર્ક હતો. જ્યારે રામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે સીતા 32 વર્ષનાં હતાં અને રામની વય 41 હતી! વિદ્વાનોએ ભગવદ્દગીતાના ઉદ્દબોધન સમયે કેટલાંક પાત્રોની ઉંમરો વિશે અનુસંધાનો-અનુમાનો કર્યા છે. એ વખતે યુધિષ્ઠિર 72 વર્ષના હતા, કર્ણ 81 કે 82ના હતા, દ્રોણાચાર્ય 95ના હતા અને ભીષ્મ પિતામહ 159ના હતા. આ ઉંમરો પરથી કુન્તી અને દ્રૌપદીની ઉંમરો કલ્પી શકાય છે...!
પરણેલો પુરુષ અપરિણીત પુરુષ કરતાં લાંબું જીવે છે એવું મનાય છે (એક મસ્તરામે કહ્યું : એવું પરણેલાઓને લાગે છે!). શરાબ યોગ્ય માત્રામાં મોટી ઉંમરે લેતા રહેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, અને પુરુષો આ બાબતમાં સારા સ્વાસ્થ્યના શોખીન હોય છે! ઉંમરની સ્વીકૃત વ્યાખ્યાઓ પણ બદલાઈ રહી છે. શરીર એક પેકેજ નથી, એ જુદાં જુદાં અંગોનું બનેલું છે. એક 55 વર્ષના પુરુષને 40 વર્ષનું હૃદય અને 50 વર્ષની કીડનીઓ અને 60 વર્ષનું કલેજું અને 70 વર્ષનાં આંતરડાં હોઈ શકે છે. એક આંખ 45 વર્ષની અને બીજી 65 વર્ષની હોઈ શકે છે. આપણું શરીર પણ બ્રહ્માંડની જેમ એક પછી એક રહસ્ય ધીરેધીરે ખોલતું રહે છે...
ક્લૉઝ અપ :
મા મરી ગયા પછી બાપ પણ કાકો બની જાય છે. - તેલુગુ કહેવત
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર