સેક્સ સમાચાર : વિદેશોનાં છાપાંમાં...

15 Apr, 2016
12:05 AM

mamta ashok

PC:

સેક્સ. અંધારામાં ખેલાતો અને અજવાળામાં ઢાંકી દેવાતો શબ્દ. એવો શબ્દ જેનો સંસ્કૃત કે ગુજરાતીમાં પર્યાય નથી, માટે આપણે એ જ વાપરવા માટે મજબૂર છીએ. હિન્દીવાળા જિન્સી પ્રવૃત્તિ જેવો શબ્દ લઈ આવ્યા છે, અથવા મેન્યુફેક્ચર કર્યો છે. આપણી ભાષા પાસે હનીમૂન, લેસ્બીઅન, ઓરગેઝમ, હોમોકેક્શુઅલ, મનોપોઝ જેવા ડઝનો સંલગ્ન શબ્દો નથી. ‘પ્રેમ’ શબ્દ પણ સંસ્કૃત નાટકોમાં દેખાતો નથી, એ શબ્દ આપણે ઈમ્પોર્ટ કરેલા અંગ્રેજી શબ્દને વટલાવીને ગુજરાતી કે ભારતીય બનાવેલો છે. પ્રેમ શબ્દ ન હોત તો ગુજરાતીના 67 ટકા કવિઓ બેરોજગાર થઈ જાત. ચુંબન શબ્દ પણ સંસ્કૃતમાંથી ખોદી કાઢવો પડે છે, માંડ માંડ મળે છે. પુસ્તક લેખની રામા, પરહસ્તે ગતા ગતા/કદાચિત પુનર્ આયાતા, ભ્રષ્ટા, મુષ્ટા ચ ચુંબિતા! અર્થ : ચોપડી, કલમ અને સ્ત્રી બીજાના હાથમાં ગઈ તો ગઈ, કદાચ પાછી પણ આવે તો ભ્રષ્ટા, મુષ્ટા અને ચુંબિતા થઈને આવે! પણ નાયક નાયિકાને ચુંબન કરે એવું દૃશ્ય આવતું નથી, આપણને આલિંગન (લિંગથી લિગંનો સ્પર્શ)માં કદાચ વધારે રુચિ હતી! બીજી વાત એ છે કે સંસ્કૃત નાટકમાં નાયિકાને જ ‘મૂર્ચ્છા’ આવી જતી હતી એટલે ટ્રેજેડી જન્મતાં જન્મતાં રહી ગઈ અને ત્રીજી વાત એ છે કે મૂર્છિત નાયિકાને ચુંબન કરવામાં મજા પણ શું આવે? નાયકને એવી સજા શા માટે?

સેક્સની વાત કરતાં કરતાં આડી લાઈને ચડી જવું એ સ્વાભાવિક છે. સેક્સના દેવતા વાત્સ્યાયન ગુજરાતી હતા એવી સેક્સવિદ્ ડૉક્ટર પ્રકાશ કોઠારીની વાત છે, અને આપણને એ વાતનો ગર્વ છે કે કામસૂત્રના જનક આપણા પ્ર-પ્ર-પ્ર પિતામહ હતા! ગુજરાતીઓ સેક્સની બાબતમાં ઉદાસીન છે એવો એક ગંભીર આરોપ છે. આવી બાબતોમાં અમેરિકનો કે યુરોપિયનોની જેમ આપણે સંશોધન કે અનુસંધાનમાં પડતા નથી. કેટલા ટકાને કેટલા ટકા સાથે પ્રેમ છે, અથવા કેટલા ટકા કેટલા ટકાથી લવ-મેરેજ કરે છે. એમાં આપણા કેટલા ટકા? સરવાળા-બાદબાકી અંકગિણતનો વિષય છે, સેક્સનો નહીં. મારો મારી પ્રિયા માટેનો પ્રેમ દુનિયાભરના પ્રેમીઓના પ્રેમના સરવાળા કરતાં વધારે છે! બસ.

19મું વર્ષ પસાર કરી લીધા પછી સમજ પડી જાય છે કે સેક્સ અને પ્રેમનો સંબંધ હિન્દીવાળા કહે છે એમ ચોલીદામનનો નથી, પણ સન-ગ્લાસીસ અને કોટ-શૂઝનો છે. બંને એક જ શરીર ઉપર છે, પણ બહુ અંતર છે એ બે વચ્ચે, અને બંનેની ઉપયોગિતા જુદી જુદી છે. આપણે સેક્સ શબ્દથી ગભરાઈને રોમાંચિત થઈ જઈએ છીએ, દુનિયા સેક્સને બહુ જ સહજતાથી લે છે અને દુનિયાનાં છાપાં જોવાથી આ સ્થિતિનો ખ્યાલ આવે છે.

ચીનની શેનઝેન યુનિવર્સિટી એના વિદ્યાર્થીઓ વિશે બહુ જ કડક નિયમો રાખે છે. ચુંબન અને આલિંગન તો વર્જ્ય છે જ, પણ છોકરો અને છોકરી હાથ પકડીને બેઠાં હોય એ પણ પ્રતિબંધિત છે. યુનિવર્સિટીનું માનવું છે કે એનાથી શિક્ષામાં અવરોધ થાય છે. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટી વિશ્વ પ્રસિદ્ધ છે. એ વિશ્વની સૌથી ધનિક યુનિવર્સિટી છે, જેની વાર્ષિક આમદાની અઢી બિલીઅન ડૉલર છે! ભણવાનો ખર્ચ વર્ષે 40,000 ડૉલર જેવો આવી જાય છે. બિલ ગેટ્સથી બેનઝીર ભુટ્ટો સુધી ડઝનબંધ વિશ્વવિભૂતિઓ અહીં ભણી ગઈ છે.

હાવર્ડમાં વિદ્યાર્થીઓનું ‘હાવર્ડ ક્રીમસન’ પત્ર નીકળે છે. લંડનના ‘ગાર્ડિયન’ દૈનિકનો ફેબ્રુઆરી 13, 2004નો રિપોર્ટ માહિતી આપે છે. હવે ‘એચ-બૉમ્બ’ નામનું સચિત્ર સામયિક પ્રકટ કરવા માટે યુનિવર્સિટીએ અનુમતિ આપી દીધી છે, જેમાં પુરુષ અને સ્ત્રી વિદ્યાર્થીઓના નગ્ન ફોટાઓ અને ઉત્તેજક લખાણો પ્રકટ થશે. મે 2004માં પ્રથમ અંક આવેલો. પણ હાવર્ડ યુનિવર્સિટીએ શર્ત મૂકી છે કે ફોટા પડાવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની 18 વર્ષની ઉપરનાં હોવાં જોઈએ અને આ નગ્ન ફોટાઓ પાડવા માટે યુનિવર્સિટીના મકાનોનો ઉપયોગ કરવાનો નહીં! અમેરિકામાં વેસ્સારની સ્ત્રીઓ માટેની કૉલેજ આ પ્રકારનું ‘સ્કવર્સ’ નામનું સેક્સી સામયિક બહાર પાડે જ છે.

જાપાનના ટોકિયોથી પ્રકટ થતા ‘ધ જાપાન ટાઈમ્સ’ના નવેમ્બર 27, 2003ના અંકમાં માહિતી છે કે અમેરિકન સર્જન ડૉ. સ્ટુઅર્ટ મીલેયો ઓરગેઝમની માત્રા માપવા માટે ‘ઓરગેઝમેન્ટ્રન’ નામનું એક મશીન બનાવ્યું છે, અને સ્ત્રી વોલન્ટીઅરો પાસે આ મશીન ટેસ્ટ કરાવે છે. આ ટ્રાયલોએ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી અનુમતિ મળી ગઈ છે. સંભોગને અંતે સ્ત્રીને ઔરગેઝમમાં કેટલો ઉત્તેજક આનંદ મળી શકે છે, અને એ આનંદ કઈ રીતે વધારી શકાય એ આ પ્રયોગનો આશય છે. આઠ સ્ત્રીઓ પર આ પ્રયોગ થશે. આમાં કરોડરજ્જુમાં ઈલેક્ટ્રોડ નાંખવામાં આવે છે અને ચામડીની નીચે મશીન મૂકવામાં આવે છે અને આ બંનેને જોડવામાં આવે છે. જે પરિણીતાઓએ આ મશીનનો ઉપયોગ કર્યો છે એમનું કહેવું છે કે આને લીધે ઔરગેઝમનો ઝણઝણતો આનંદ પ્રચુર માત્રામાં વધી ગયો છે.

સેક્સ અને સ્ત્રી વિષયક પ્રશ્નોની ચર્ચા હવે જગતભરમાં ખુલ્લંખુલ્લાં થઈ રહી છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના ડૉ. લેઝલી મિલરનું વિધાન છે કે સ્ત્રીનુ ગર્ભાશય દર મહિને રજસ્ત્રાવ થવા માટે કુદરતે બનાવ્યું નથી. એકસો વર્ષો પહેલાં સામાન્ય સ્ત્રીને એના જીવનમાં 50 કરતાં ઓછા માસિક આવતાં હતાં, આજે આધુનિક સ્ત્રીને 450 માસિક આવી શકે છે. હવે સીઝનેલ નામની ગર્ભનિરોધક ગોળી અમેરિકન બજારમાં આવી ગઈ છે. આ ગોળીથી સ્ત્રીને વર્ષમાં ફક્ત 4 વખત જ માસિક આવશે, અને પ્રતિ માસની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ડૉક્ટરોનું કહેવું છે કે એ પછી એવી દવા શોધાશે કે સ્ત્રી પોતાની ઈચ્છા પ્રમાણે માસિકસ્ત્રાવને અંકુશમાં રાખી શકશે, ઈચ્છા હોય ત્યારે લાવી કે બંધ કરી શકાશે.

સેક્સ યુરોપિયન છે અને એશિયન નથી, એ પણ એક ભ્રમ છે. થાઈલેન્ડના બેંગકોકથી દૈનિક અંગ્રેજી પત્ર ‘ધ નેશન’ પ્રકટ થાય છે. એના ઑક્ટોબર 11, 2003ના અંકમાં સમાચાર છે કે હોલેન્ડના એથલીટોને જે સરકારી અનુદાન મળતું હતું એમાં સખત કાપ મૂકવામાં આવ્યો છે, અને ઘણાખરા વિદ્યાર્થીઓ છે, એટલે એમને માટે ખરેખર પ્રશ્ન જટિલ બની ગયો છે. આમાં જે સ્ત્રી એથલીટો છે એમણે માર્ગ કાઢ્યો છે. એ વિદેશોમાં જઈને તદ્દન નગ્ન દોડે છે અને આવી 6 સ્ત્રી-એથલીટોના 250 ફોટાઓ વેબસાઈટ પર બતાવવામાં આવ્યા. જેમાંથી એટલું ધન મળી ગયું કે એમની ટ્રેનિંગ ચાલુ રહી શકી છે.

લંડનના પ્રતિષ્ઠિત દૈનિક ‘ગાર્ડિયન’ના ફેબ્રુઆરી 13, 2004ના અંકમાં ફ્રાંસમાં પ્રકટ થયેલા એક પુસ્તક ‘ધ આર્ટ ઑફ કિસિંગ’માંથી ઉદાહરણો આપવામાં આવ્યાં છે. નીચે નોટ મૂકવામાં આવી છે કે આ બધી ચુંબન ટેકનિક સાથે ગાર્ડિયન સંમત જ છે એમ માનવું નહીં. ચુંબનની કલામાં ફ્રેંચો માહિર છે અને એમની પાસે ચુંબન કરવાની વિવિધ ટેકનિકો છે. અનુવાદક હ્યુજ મોરીસે ચુંબનના ઘણા પ્રકારો વર્ણવ્યા છે, જેમાં એક ‘સોલ કિસ’ અથવા આત્માનું ચુંબન છે. એકબીજાની જીભને અડીને છૂટા ન પડવું, અને ચુંબન ન કરવું, એનાથી બે આત્માઓનું મિલન થાય છે, ફ્રેંચો આને સોલ કિસ કહે છે.

થાઈલેન્ડના બેંગકોકના અન્ય એક દૈનિક ‘બેંગકોક પોસ્ટ’ના ઓક્ટોબર 11, 2003ના અંકમાં ‘મિસ કોન્ડોમ એશિયા-પેસિફિક’ સ્પર્ધાનો રિપોર્ટ તથા ફોટો છે. એઈડ્ઝની મહાવ્યાધિની સામે જનજાગૃતિ લાવવા માટે આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં દરેક સ્પર્ધકે કોન્ડોમ કે નિરોધને ફૂંક મારીને ફુલાવવાનું હતું અને જે સ્પર્ધક આ કોન્ડોમને સૌથી વધારે ફુલાવી શકે એ મિસ કોન્ડોમ બને. આ સ્પર્ધામાં ચાર દેશોની 20થી વધારે સ્ત્રીઓએ ભાગ લીધો હતો. થાઈલેન્ડમાં આ સ્પર્ધા 20 વર્ષોથી ચાલે છે. થાઈલેન્ડમાં 1991માં 2 લાખ નવા એઈડ્ઝના કેસ નોંધાયા હતા. હવે એ આંકડો ઘટીને 2002માં 20 હજાર થઈ ગયો છે.

સેક્સ વિષયક સમાચારોની બાબતમાં જગતનાં સમાચારપત્રો 21મી સદીમાં વધારે મુક્તિ અનુભવે છે અને ગુજરાતી સમાચારપત્રોમાં પણ ધીરે ધીરે લક્ષ્મણરેખાઓ ખસી રહી છે....!

ક્લૉઝ અપ :

ઉત્તર રામચરિતમાં ભવભૂતિએ સ્ત્રીની આપેલી વ્યાખ્યા :

‘વિશ્રામો હૃદયસ્ય’ (અર્થ : હૃદયનો આરામ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.