મૌનની એક ક્વૉલિટી હોય છે...
સેલ્ફ-ઈમ્પ્રૂવમેન્ટ અથવા સ્વ-સુધાર કે સ્વ-વિકાસનાં પુસ્તકો અત્યારે વધારે વેચાય છે. વ્યક્તિત્વ કેવી રીતે શાનદાર બનાવવું, વક્તવ્ય કેવી રીતે ચોટદાર બનાવવું, બૉડી-લેંગ્વેજ કેવી રીતે અસરદાર બનાવવી, એવા વિષયો માટે યુવાપેઢીને ખબરદાર કરવી આજે એક ઉદ્યોગ બની ગયો છે. સ્પર્ધા લગભગ દરેક પ્રોફેશનલ કે વ્યાવસાયિક ક્ષેત્રમાં વધી ગઈ છે અને સ્પર્ધકો વધારે આબદ્ધ અને આક્રમક બન્યા છે. ત્યારે દરેક જવાન છોકરી અને છોકરો પોતાનું શ્રેષ્ઠ વધારે ધારદાર કરીને પ્રસ્તુત કરવા પ્રયત્ન કરે એ બરાબર છે અને આવકાર્ય છે. બજારમાં પ્રકાર પ્રકારનાં પુસ્તકો પ્રાપ્ય છે અને દરેક પુસ્તકનું ધોરણ સમાન ન હોય એ સ્વાભાવિક છે. જોકે દરેક વસ્તુ પુસ્તક વાંચીને શિખાતી નથી. રોટરી બનાવવી કે ઘોડેસવારી કરવી કે તરવું... આને માટે આગ, ઘોડો, પાણી જોઈએ. ચુંબન કરવા માટે પણ સામે વિરુદ્ધ સેક્સવાળું પાત્ર જોઈએ છે! જ્યોર્જ બર્નાર્ડ શૉએ કહી દીધું છે કે ગોલ્ડન રૂલ (સ્વર્ણ નિયમ) એ છે કે કોઈ ગોલ્ડન રૂલ હોતો નથી...!
જ્હોન હાઈડરના ‘ધ તાઓ ઑફ લીડરશિપ’ પુસ્તકમાં ફિલસૂફ લાઓ-ત્ઝૂની જીવનવ્યવહારની ફિલસૂફી વિશે સ્પષ્ટતા છે અને આ ફિલસૂફી ચીની છે. ચીનાઓની જીવનને જોવાની રીત આપણાથી તદ્દન ભિન્ન લાગે છે. ચીના માને છે કોઈ પાસે બધા ઉત્તરો નથી. એ જાણવું કે તમે બધું જાણતા નથી, એ ડહાપણ છે. એ કહી શકવું કે 'હું જાણતો નથી' બહુ રાહત આપે છે. જે લોકો બહુ સૈદ્ધાંતિક ચર્ચાઓ કરી શકે છે એમની સાથે કામ કરવું બહુ અઘરું છે. સાફ જોઈ શકવું એમને માટે કઠિન છે. એ લોકો અન્ય લોકોને ગોટાળે ચડાવી શકે છે અને અન્ય લોકોનાં માથામાં અભિપ્રાયો ભરી દે છે.
નેતામાં સ્ત્રીત્વ હોવું જોઈએ, એ સ્ત્રીત્વ ખુલ્લું, ખાલી, સ્વીકાર માટે તૈયાર અને નીચે હોવું જોઈએ. સમુદ્ર નદી કરતાં હંમેશાં નીચે હોય છે, માટે નદીઓ, દોડતી દોડતી, સમુદ્રમાં ડૂબી જાય છે. નારી નરને હંમેશાં સ્વીકારવાની ભૂમિકામાં હોય છે (સમુદ્રને નારી અને નદીને નરના પરિપ્રેક્ષ્યમાં મૂકવાં એ ચીની દર્શનની એક વિશેષતા છે!) નીચા રહેવાથી તમે હંમેશાં જીતી શકો છો.
રાજ ચલાવવું એ નાની માછલી પકાવવા જેવું જટિલ કામ છે. વધુ તાપ ચાલે નહીં, ઓછો તાપ ચાલે નહીં, પ્રમાણસર તાપ રાખવો પડે છે. બહુ હલાવાય નહીં અને તદ્દન સ્થિર પણ રહેવા દેવાય નહીં. એમાં એક અંકુશિત સંતુલન રાખવું પડે છે. લોકોની ભાવનાઓ, લોકોના તણાવ, લોકોની આંતરિક શક્તિઓ અને બાહ્ય આશંકાઓ પર સતત ધ્યાન રાખવું પડે છે.
દરેક કાયદો એક કાયદો તોડનારો જરૂર પૈદા કરે છે. જેટલા ઓછા નિયમો એટલી સરળતા રહે છે. કેટલુંક બાકાયદા થતું રહેતું હોય છે, કેટલુંક બાકાયદા કરવામાં આવે છે. કાયદાને માટે એક હવામાન ઉત્પન્ન કરવું પડે છે. જ્યારે રાજા કાયદો બેસાડતો નથી ત્યારે લોકો પોતાની અંદરૂની સારાઈથી સુશાસન ચલાવે છે. દ્વૈત, દ્વન્દ્વ, વિરોધિતા, ધ્રુવીકરણ દરેક નવસર્જનના પાયામાં હોય છે. બે વિરોધી પરિબળો સમાન હોય ત્યારે સંતુલન કે બેલેન્સ ઊભરે છે. નર-નારી, સરવાળો-બાદબાકી, ગરમ-ઠંડું, અંધકાર-પ્રકાશ... સતત, શાશ્વત છે, મનુષ્યો અને વસ્તુઓ અને વિચારો આવશે અને જશે. દરેક બદલાવ પોતાનો વિરોધી કાલક્રમે પૈદા કરી લેતો હોય છે.
અસ્તિત્વ બે ઘટનાઓનું બનેલું છે, જીવન અને મૃત્યુ એ બંને વચ્ચે અસ્તિત્વ ઝૂલતું રહે છે. જીવન અને મૃત્યુ બે વિરોધી ઘટનાઓ છે. પણ પારસ્પરિક પૂરક ઘટનાઓ છે, એ અવિભાજ્ય છે, જવન છે તો મૃત્યુ અવશ્યંભાવી છે. જીવન બંધન છે, મૃત્યુ મુક્તિ છે, એ સાચી ફિલસૂફી છે પણ અસ્તિત્વ એ સ્વીકારવા તૈયાર નથી.
નવી થિયરીઓ અને નવી ટેકનિકો જરૂરી છે પણ એનાથી મગજ વિકલ્પોથી ઊભરાઈ જાય છે. મનને સાફ રાખવું એ તાલીમ માંગી લે છે, કામનું સરલીકરણ કરવું જોઈએ. સંકલ્પ કરતાં પહેલાં નિર્વિકલ્પ થઈ જવું પડે છે. વિકલ્પોને કારણે દ્રષ્ટિકોણ ધૂમિલ થઈ જાય છે. કોઠાસૂઝ કે જન્મજાત સમજદારી સિદ્ધાંતોને અતિક્રમી જાય છે. જ્યારે તમે ઠરવા માંડો છો ત્યારે હાથ હલાવો છો, શરીરને ગરમ રાખવા અને જ્યારે તમે બહુ ગરમ થઈ જાઓ છો ત્યારે તમે એકદમ નિશ્ચેષ્ટ અને શાંત થઈ જાઓ છો. આને સામાન્ય બુદ્ધિ કહે છે. માલિકી અને ગુલામીની સમજ પડતી નથી. મેળવો એ સારું છે કે ખોઈ નાંખો એ સારું છે? જેટલી વધારે માલિકી, એટલી વધારે સમસ્યાઓ. તમારી પાસે વધારે છે અને તમને વધારે અને વધારે મળતું રહે છે, અને તમારે વધારે અને વધારે પર ધ્યાન આપતા રહેવું પડે છે. વધારે હોય તો ખોવાની શક્યતાઓ વધતી જાય છે. આ માલિકીની સ્થિતિ છે કે ગુલામીની સ્થિતિ છે? તાઓ કહે છે : શાંત થઈ જાઓ ! જ્યારે કંઈ જ ઘટતું નથી, ત્યારે શું બનતું હોય છે? જ્યારે તમે પ્રકૃતિને શરણે ઝૂકી જાઓ છો, ત્યારે સ્વતંત્ર્ય પ્રકટે છે. આખી પ્રકૃતિમાં બધા જ એકબીજા સાથે સંકળાયેલા છે.
દરેક વર્તનની વિરુદ્ધ એક આવર્તન કે વિપરીત વર્તન હોય છે. બહુ તાકાત બતાવનારો માણસ અસલામતી બતાવે છે. જે ઉપર ચડે છે, એણે નીચે પડવું જ પડે છે. તમારે સમૃદ્ધ થવું છે તો ઔદાર્ય બતાવવું પડશે. સ્ત્રીત્વ પુરુષત્વ કરતાં વધારે ટકી જાય છે. નારીત્વ ઝૂકી જાય છે અને છવાઈ જાય છે. પાણી ખડકમાં કાણું પાડી શકે છે. સશક્તને અશક્ત અસ્થિર કરી શકે છે. વસ્તુઓને પાછળથી, ઉપરથી, અંદરથી, ઉલટાવીને જોતાં શીખો. નેતૃત્વ એ જીતી લેવાની વાત નથી.
બીજાઓને સમજવા માટે બુદ્ધિ જોઈએ, પણ પોતાને સમજવા માટે ડહાપણ જોઈએ. બીજાઓની જિંદગી મેનેજ કરવા માટે સત્તા જોઈએ, પણ પોતાની જિંદગી મેનેજ કરવા માટે સત્ત જોઈએ. જો સમૃદ્ધિની સાથે સાથે સમયનો પણ ઉપભોગ કરવો હોય તો સાદગીથી જીવો. જો મેં છોડી દેવાનું શીખી લીધું છે તો મારે મૃત્યુનો ડર રાખવાની જરૂર નથી (આ વિચાર જૈન ‘અપરિગ્રહ’નો સમાનધર્મી છે.) શિક્ષક પ્રકાશ ફેંકે છે ત્યારે એ રક્ષાત્મક છે કે આક્રમક છે? દરવાજાઓ, આગળાઓ, તાળોં, એલાર્મ લગાવેલું ઘર સલામત છે?
ડાહ્યો માણસ થોડું બોલે છે અને ટૂંકું બોલે છે. વરસાદનું ઝાપટું પડીને અટકી જાય છે, આકાશમાં ગર્જના થઈને અટકી જાય છે. મનુષ્યની ખામોશીની માત્રા એના લાંબા વ્યાખ્યાન કરતાં વધારે અર્થપૂર્ણ હોય છે. મૌનની એક ક્વૉલિટી હોય છે, મૌનની માત્રાઓ હોય છે. મૌન એ રહસ્યમય શક્તિ છે. સ્ત્રીત્વ પાસે એક સિદ્ધિ પ્રાકૃતિક છે. એ છોડીને મેળવી શકે છે. પ્રાપ્તિ માટે ત્યાગએ મહત્વૂપૂર્ણ ચરણ છે. કોઈ શિક્ષક તમને સુખી, સ્વસ્થ, સમૃદ્ધ, શક્તિમાન બનાવી શકશે નહીં. કોઈ ડૉક્ટર તમારો ખોરાક પચાવી આપશે નહીં. જો તમારે સુધાર કે વિકાસ જોઈએ તો મૌનનો પ્રયોગ કરો અથવા કંઈક સ્વચ્છ કરે એવી શિસ્તનો આગ્રહ રાખો અને તમારો સ્વ બહાર આવશે. ચાલાકીની ભુલભુલામણીમાંથી બહાર આવો. ભૂતકાળની યાદો અને ભવિષ્યનાં ખ્વાબોની વચ્ચે વર્તમાનની ક્ષણ છે, તાકો નહીં, માત્ર જુઓ. પુરસ્કાર અને તિરસ્કારથી પર થઈને ફક્ત સાંભળો. સર્જનની પ્રક્રિયાના સાક્ષી બનો.
ક્લોઝ અપ :
જે ગમે એ કરો, નહીં તો જે કરશો એ ગમવા માંડશે.
જ્યોર્જ બર્નાર્ડ શૉ
(અભિયાન : જુલાઈ 24, 2004)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર