મૌત : બે મિનિટના મૌન પછી...

09 Sep, 2016
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: brunswick.k12.me.us

મુંબઈમાં શોકસભાઓનું જોર છે, શિયાળાની મૌસમ છે. શિયાળામાં વૃદ્ધો વધારે મરે છે અને મહાન વિભૂતિઓની મુંબઈના ગુજરાતીઓમાં ક્યારેય કમી ન હતી એવું શોકસભાઓની સંખ્યા જોઈને પ્રતીત થાય છે. એક પ્રમુખ કે સભાપતિ બને છે જે શોકસભાને અંતે અથવા ક્યારેક આરંભે બે મિનિટનું મૌન જાળવવા બધાને અનુરોધ કરે છે. બધા ઊભા થાય છે અને પછી એકબીજાનાં મોઢાં જોઈને 40 સેકંડ કે એક મિનિટ કે એક મિનિટ અને 20 સેકંડ પછી બેસી જાય છે. સદ્દગતના પરિવારને મોકલવા માટે ક્યારેક ઠરાવ પસાર કરવામાં આવે છે. પણ બે મિનિટની શાંતિ, જે ભાગ્યે જ પૂરી બે મિનિટ ચાલતી હોય છે. દરેક શોકસભાને અંતે હોય એવો રિવાજ છે. ખુદ સભાપતિને પણ અનુભવ નથી કે આ બે મિનિટ શા માટે રાખવામાં આવે છે, બેસતાં પહેલાં શું વિધિ કરવી જોઈએ, અને આ બે મિનિટનું મૌન કયા કારણસર શરૂ કરવામાં આવ્યું હતું. 30મી જાન્યુઆરીએ ગાંધીજીના અવસાન દિવસે આખા હિન્દુસ્તાનમાં બે દિવસનું મૌન પળાય છે, પણ ઘણીવાર એ મૌન ક્યારે પળાઈ ગયું એ પણ ખબર પડતી નથી. એ આપણી આપણા મૃતાત્માઓને અંજલિ છે. ઉમાશંકર જોશી પ્રમુખ હતા અને એમણે એ મૌનને અંતે બે હાથ જોડીને અત્યંત ભાવુક સ્વરે આંખો બંધ કરીને, લગભગ સ્વગત પણ પૂરા સભાકક્ષને સંભળાય એ રીતે ૐ શાંતિ: શાંતિ: શાંતિ: કહ્યું હતું અને મને એ વિધિ ગમી હતી. એ દિવસથી જો મારે શોકસભાના પ્રમુખ થવાનું આવ્યું છે તો હું એ રીતે શાંતિપાઠના અંતિમ શબ્દો બોલું છું.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી આ બે મિનિટની શાંતિનો રિવાજ ઈંગ્લંડમાં દાખલ કરવામાં આવ્યો હતો. 1918ના શાંતિકરારની વરસી નિમિત્તે 11મા મહિનામાં 11મા દિવસના 11મા કલાકે આ બે મિનિટ શાંતિ પાળવામાં આવી હતી. બધી જ પ્રવૃત્તિ, ટ્રાફિક સહિત અટકાવી દેવામાં આવી હતી. દ્વિતીય વશ્વયુદ્ધ પછી આ રિમેમ્બ્રન્સ અથવા યાદ-અવસર ખસેડીને નવેમ્બર 11ની આસપાસના નિકટતમ રવિવારે લઈ જવામાં આવ્યો હતો. એ પછી નવેમ્બરનો બીજો રવિવાર નિયત કરવામાં આવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિનાં 50 વર્ષોની સંવત્સરી નિમિત્તે મે 8, 1995ને દિવસે રોયલ બ્રિટિશ લિજીઅને 1000 સ્થાનો પર આ બે મિનિટની શાંતિ રાખવાનું ખાસ આયોજન કર્યું હતું. આમાં મૃત શહીદોને અંજલિ કે મુખ્ય કાર્યક્રમ અને આશય હતા. 1945 પછી 1968 એક જ એવું વર્ષ આવ્યું જે વર્ષમાં એક પણ બ્રિટિશ સૈનિક ફૌજી સેવા કરતાં જાન ખોયો નથી.

આજે બે મિનિટની શાંતિ આપણા શોક-વ્યવહારનો એક જીવનઅંશ બની ગયો છે, જેમાં ભાવના સાથે સંબંધનિભાવ પણ છે. ડિસેમ્બર 6, 1992ના બાબરીધ્વંસ પ્રસંગ પછી એ દિવસ કેટલાક મુસ્લિમ વિસ્તારોમાં મુંબઈમાં માતમ તરીકે મનાવાય છે, પણ હિન્દુ વિસ્તારોમાં એવું થતું નથી. 1993ની 10 માર્ચે વિદેશમંત્રી દિનેશસિંહે રાજ્યસભામાં આપેલી માહિતી પ્રમાણે બાબરી મસ્જિદ ધ્વંસ પછી પાકિસ્તાનમાં 244, બાંગ્લાદેશમાં 350, ઈંગ્લંડમાં 18 અને અફઘાનિસ્તાનમાં 4 મંદિરો તોડવામાં આવ્યાં હતાં, પણ એ માટે બે મિનિટનું મૌન કે એવી કોઈ વિધિનું એલાન કોઈ પક્ષે કે સંસ્થાએ કર્યું નથી. બીજી તરફ હિન્દુસ્તાનની સંસદના સાંસદ શોક મનાવે છે. હમણાં સંસદમાં એક પછી એક સભ્યો મર્યા ત્યારે સંસદ સાત દિવસમાં ચાર દિવસ બંધ કરી દેવામાં આવી ! કામ બે મિનિટનું મૌન રાખીને કરી શકાયું હોત. એક અનામ સભ્ય મરે તો આખો દિવસ પૂરા દેશની પાર્લામેન્ટ બંધ કરી દેવામાં આવે એ ભારતવર્ષની લોકશાહીની વિશેષતા છે. આપણને સદમો પણ બહુ લાગી જાય છે અને એમાંથી સંજીદા થતાં પણ જરા ટાઈમ લાગી જાય છે.

મૌત એક એવો અનુભવ છે જે મનુષ્યની સમજમાં આવતો નથી. શૃંગારમાંથી દર્શનમાં ડૂબી ગયેલા ભર્તૃહરિએ લખ્યું : ભોગા ન ભુક્તા વયમેય ભુક્તા: ! ભોગોને ભોગવવાને બદલે ભોગો આપણને જ ભોગવી રહ્યા છે. કાલો ન યાતો વયમેવ યાતા: ! કાલ તો પસાર નથી થઈ રહ્યો, આપણે જ પસાર થઈ રહ્યા છીએ. શંકરાચાર્યે લખ્યું : પુનરપિ જનનં પુનરપિ મરણં / પુનરપિ જનની-જનની જઠરે શયનમ્ ! ફરીફરી જન્મવું, ફરીફરી મરવું, ફરીફરી માતાના ગર્ભાશયમાં સૂઈ જવું. પછી શંકરાચાર્યે ઉમેર્યું : ઈહ સંસારે ખલુ દુસ્તારે / કુપયાડપારે પાહિ મુરારે ! આ અસાર સંસારમાં આ ક્રમ ચાલ્યા જ કરે છે. હે મુરારિ, કૃપા કરીને ઉગારો મને ! કબીરદાસે વધારે ચોટદાર જનભાષામાં ગાયું : માટી કહે કુંભાર સે, તૂ ક્યાં રોંદે મોહે / એક દિન ઐસો આયેગો, મૈં રોદૂંગી તોહે ! અને ખલિલ જીબ્રાને 'ધ પ્રોફેટ'ના અંતે લખ્યું : હવાની છાતી પર એક ખામોશી, એક બીજી સ્ત્રી મને ગર્ભ તરીકે ધારણ કરશે...!

લાહોરમાં હિન્દુસ્તાનની સામ્રાજ્ઞી નૂરજહાંની સાદી કબર પર ફારસીમાં એણે સ્વયં લખેલી કવિતા કોતરેલી છે : બર મઝારે મા ગરીબન ને ચિરાગે ન ગુલે/ને પરે પરવાના સોઝાદ ને સદાએ બુલબુલે ! મારી ગરીબની મઝાર પર ફૂલ નથી, દીવો નથી, કોઈ પતંગિયું જલતું નથી, કોઈ બુલબુલ ગાતું નથી ! મૌત વલ્ગર પણ બની શકે છે. આજના હિન્દુસ્તાનના અધઃપતનને સ્પર્શે એવી ચીજ શાયરે- ઈન્કલાબ જોશ મલીહાબાદીએ લખી હતી : શયતાન ઈક રાત મેં ઈન્સાન બન ગયે / જિતને નમકહરામ થે કપ્તાન બન ગયે ! એક રાતમાં શયતાનો ઈન્સાનો બની ગયા. જેટલા નમકહરામ હતા એ નેતા બની ગયા.

ક્લોઝ અપ

જેની જે લાયકાત, એ એને મળી રહે છે.

- જર્મન સિતમ છાવણી બુકેનવોલ્ડના પ્રવેશદ્વાર પર લખેલું

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.