ગાવું એ છેલ્લી ભાષા છે, રડવાના પહેલાંની અને રડી લીધા પછીની

10 Feb, 2017
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: discovermagazine.com

યુદ્ધ થાય છે ત્યારે મોત સસ્તું થઈ જાય છે. ત્રાસવાદમાં પણ એ જ સ્થિતિ હોય છે. સમગ્ર વિશ્વમાં ત્રાસવાદ સાથે સંકળાયેલો શબ્દ છે, મુસ્લિમ. જગતની લોકશાહીઓનાં સમાચારપત્રોમાં મુસ્લિમ ને મુસ્લિમ જ લખાય છે. હિંદુસ્તાની લોકશાહીમાં મુસ્લિમ લખવાનો રિવાજ નથી, લઘુમતી અથવા એક જ કોમના, એવું બધું ગોળમટોળ લખાય છે.

આપણે સેક્યુલર છીએ એટલે હિંદુ શબ્દ પણ હિંદુસ્તાનમાં લખતા નથી, બહુમતી લખીએ છીએ. ધીરે ધીરે આપણે બહુમતીસ્તાન અને બહુમતી ધર્મ પણ કહેવા માંડીશું, હિંદુસ્તાન અને હિંદુ ધર્મને બદલે.

થોડાં વર્ષ પહેલાં સારાયેવો નગરમાં 35 વર્ષીય સ્વેતલાના પાન્સેતોવિકના પતિ ગોળીનો શિકાર બની ગયા હતા. સ્વેતલાનાને બે પુત્રીઓ છે, એક ચાર વર્ષની બીજી બે વર્ષની અને અપંગ. પતિ ગણિતના પ્રોફેસર હતા. સ્વેતલાનાએ કહ્યું : જે સ્ત્રીએ એ પુરૂષને ખોઈ નાખ્યો છે, જેને આ પૃથ્વી પર એ સૌથી વધુ ચાહતી... એ પુરૂષને ખોઈ નાખ્યા પછી પણ એ સ્ત્રી એનાં બાળકોને માટે ગીત ગાઈ શકે છે...!

ગાવું, ફૂટતી બંદૂકોના પડઘાતા અવાજોની વચ્ચે ગાવું, એ કઠિન છે, યુવા વિધવા માટે ! ગાવું કઠિન છે, અને ગાવું એક જ સૌથી આસાન છે. ફૂટતી બંદૂકોના પડઘાતા અવાજોની વચ્ચે પણ એક વિધવા એની અપાહિજ બેટીને માટે ગાઈ શકે છે. ગાવું આસાન છે, કારણ કે ઈશ્વરદત્ત છે, ગાવું એ છેલ્લી ભાષા છે, રડવાના પહેલાંની અને રડી લીધા પછીની.

ગાવું, ઈશ્વરની જેમ, દુઃખમાં અને સુખમાં, બંનેમાં સ્ફુરી શકે છે. જો સ્વયંને લક્ષ્ય કરીને ગાવું હોય તો મધુર સ્વર નામની કોઈ વસ્તુ નથી. એમ પણ જેને પોતાના ઉલ્લાસ કે વિષાદ માટે ગાવું છે એને માટે કર્ણપ્રિય નામનું કોઈ વિશેષણ નથી. માણસનો અવાજ, આફ્રિકનો માને છે એમ, લયમાં જ આવે છે.

મહાન ઓપેરા ગાયક પાવરોટ્ટી કહે છે એમ બાળકનું રુદન પણ લયમાં જ હોય છે. બાળક આખી રાત રડે છે, પણ સવારે એનું સ્વરતંત્ર ખરાબ થયેલું હોતું નથી કારણ કે પ્રકૃતિએ બાળકના રુદનને લય, રિધમ, પોઝ બધું જ આપ્યું છે. બાળકના રુદનને આરોહ-અવરોહ છે, કદાચ આલાપ અને અસ્થાયી અને અંતરા પણ હોય છે ! ધ્વનિનું મોડ્યુલેશન બાળકના ગળામાં મૂકીને ઈશ્વરે બાળકને કળાકાર બનાવી દીધું છે?

ઓશો રજનીશે કહ્યું છે કે ગીત બજારમાં વેચાતાં નથી.. જો પક્ષીઓ ગાઈ શકે છે, જો પૌધાઓ ધ્વનિઓ છોડી શકે છે, જો પાણી ખળખળી શકે છે તો તમે મનુષ્ય તરીકે એટલા નકામાં છો કે એમની સાથે ઊભા ન રહી શકો? પક્ષીઓ ગાયનો શીખવા કૉલેજમાં જતાં નથી અને ગાવામાં અન્યનો પ્રતિભાવ પ્રથમ મહત્ત્વનો નથી, પ્રથમ મહત્ત્વનો છે તમારો ભાવ...

સંગીતની, ગીતની, ગાવાની આપણી પરંપરા સામવેદથી પણ પ્રાચીન છે. ચાર પ્રકારનાં વાદ્યો હતાં, સ્ત્રીવાદ્યો હતાં, સંગીત એ ભારતીય 'વાદ્ય' છે? પણ શંખ સંપૂર્ણત: ભારતીય છે. શિવના ડમરુને ન ઓળખતો હોય એવો હિંદુ નથી. એ ડમરુમાંથી ધીરેધીરે વિકાસ થઈને મૃદંગ જન્મ્યું. પ્રતિઘાત દ્વારા વગાડવામાં આવતાં વાદ્યોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિએ મૃદંગ શ્રેષ્ઠ છે એવો ભૌતિકશાસ્ત્ર ડૉ. ચંદ્રશેખર વ્યંકટરમણનો મત હતો અને શાસ્ત્રોમાં મૃદંગને 'કન્યાપ્રિય' કહ્યું છે...

ભારતીય પ્રણાલિકામાં સંગીત, નૃત્ય અને નાટક ત્રિપાર્શ્વ કાચની જેમ એક જ કલાનાં અભિન્ન પાસાં છે. સંગીતના આપણા શબ્દો હતા. ગાઈ શકાતી વસ્તુ ગેય હતી, ગાનને ગીતિ કહેતા હતા. ગાયક ગાયન ગાતો હતો અને સ્ત્રી ગાયિકાઓને ગાયિકા અથવા ગાયની કહેતા હતા. વાદક વાદ્ય વગાડતો હતો અને મૂળ ધાતુ 'વદ્દ' હતી. ભાષ્યકારોએ મૃદંગ જેવાં વાદ્યોના નિર્માતા અને વાદક બંનેને શિલ્પી કહ્યા છે!

અભિનેતા માટે નટ શબ્દ હતો, અભિનેત્રી માટે નટી શબ્દ હતો અને એમનાં સંતાનોને નાટેર કહેતા હતા. એ દિવસોમાં પણ નટીઓ નટોની પત્નીઓ બહુધા રહેતી હતી. સંગીત નાટકનું એક અંગ હતું, અને લગભગ અનિવાર્ય અંગ હતું. પતંજલિએ 'કળા' શબ્દનો પ્રયોગ માત્ર સ્ત્રીઓના સંબંધમાં જ કર્યો છે. કલા સ્ત્રીઓની વસ્તુ હતી. ગીત-નૃત્યમાં પ્રવીણ સ્ત્રીઓને અપ્સરા કહેતા હતા. ધીરેધીરે અપ્સરાઓ પૂરા સમાજની વસ્તુ બની ગઈ અને સમસ્ત ગણની સામૂહિક સંપત્તિ ગણાવાલાગી. એ સમયે વિચક્ષણ કલાવતી સ્ત્રી નર્તકી હતી, પણ ગાયિકા કહેવાવા લાગી, કારણ કે એ પૂરા ગણની હતી. લિચ્છિવી ગણરાજ્યની આમ્રપાલી ઈતિહાસનું એક અમર દ્રષ્ટાંત છે, પણ આ ગણિકા (ગાયિકા-નર્તકી)નું કેટલું ઊંચું સ્થાન હતું એ ભરત મુનિએ બતાવ્યું છે. સંસ્કૃત નાટકોમાં પુરુષપાત્ર સંસ્કૃત બોલે છે, પણ સ્ત્રીપાત્ર પ્રાકૃત બોલે છે. કાલિદાસનું શાકુન્તલ પણ આમાંથી મુક્ત નથી. એમાંથી એક સંવાદ : દુષ્યંત : ક્ષોભ શા માટે? આ આરાધના કરનારો તારી પાસે જ છે (રાજા : અલમાયેગેન, નન્વયમારાધયિતા જનસ્તવ સમીપે વર્તતે). શકુન્તલા : માનનીય હોય એમનો મારે હાથે અપરાધ નહિ થવા દઉં. (શકુન્તલા : ણ માગણીએસુ અત્તણં. અવરાહઇસ્સં). દુષ્યંત : સુંદરી ! હજી દિવસ નમ્યો નથી અને તારા આ હાલ છે? (રાજા : સુન્દરી, અનિર્વાણો દિવસ : ઈવં ચ તે શરીરાવસ્થા).

સંસ્કૃત નાટકમાં સ્ત્રીપાત્ર પ્રાકૃતમાં બોલે છે, જે સંસ્કૃતની તુલનામાં ક્લિષ્ટ ભાષા છે. પણ ભરત મુનિએ નારીપાત્રોને પ્રાકૃતમાં બોલવાની આજ્ઞા સાથે એક અપવાદ મૂક્યો છે. ગણિકા સંસ્કૃતમાં બોલી શકતી હતી ! ગણિકાનો આટલો ઊંચો આદર હતો, કારણ કે પૂરા ગણની ગાયિકા-નર્તકી હતી, સુસંસ્કૃત હતી.

વાદ્યની સંગત વિના પણ અવાજ દિલકશ લાગે એ બહુ ઓછા ગાયકોના નસીબમાં હોય છે. જગજિત સિંહ એક મુન્નીબેગમના સ્વરો જ એટલા બધા સુપ્રિય છે કે દરેક વાદ્ય એક તાનપૂરો બની જાય છે. આનાથી તદ્દન વિરોધી એક કાર્યક્રમ ચીનમાં થાય છે, જેમાં એમના એથ્લીટો અને સ્પૉર્ટ્સમેનમાંથી જે સારું ગાય છે એમની સ્પર્ધા થાય છે અને એ સ્પર્ધાને અંતે પ્રથમ, દ્વિતીય, તૃતીય એવા ક્રમાંકો અપાય છે.

ચીનમાં સ્પૉર્ટ્સ સ્ટાર્સ કારાઓક કોમ્પિટિશનમાં 300 જણે ભાગ લીધો હતો. એમાં કેવાં કેવાં નામો હતાં ને સરસ ગાઈ શકતાં હતાં? જિમ્નેસ્ટિક્સના પેરેલલ-બારનો વિશ્વ ચેમ્પિયન લિ-જેંગ, વૉલીબૉલની સ્ત્રીસ્ટાર લિ-ગુઓજુન, વિશ્વની ટેબલ ટેનિસની સ્ત્રી-ચેમ્પિયન દેંગુ-યાપિંગ, અંગકસરતની ચેમ્પિયન લુ-મેઈજુઆન, સ્ત્રી ફૂટબૉલ પ્લેયર દોંગ-કિયુયાન,  બેડમિન્ટન સ્ટાર લિ-યોંગઓ આ સ્પર્ધામાં પણ ઈનામ વિજેતાઓ હતાં! આપણા દેશમાં રમતવીરોની ગાનસ્પર્ધા કરવાનો કોઈકને વિચાર કરવો જોઈએ, કારણ કે દરેક સ્ત્રી અને દરેક પુરુષની અંદર એક ગાયિકા અને એક ગાયક રહેલાં જ છે.

ધ્વનિનાં બે રૂપો છે : નાદ (મ્યુઝિક) અને કોલાહલ (સાઉન્ડ) અને ધ્વનિના ત્રણ ગુણો છે : વ્યાપ (મેગ્નિટ્યુડ), સેકંડનાં આંદોલનોની સંખ્યા (પીચ), ગુણજપતિ (ટિમ્બર). નાદના બે વિભાગ છે : અનાહત, જે બ્રહ્મથી સંબંધિત છે અને ઑમકાર સ્વરૂપ છે, અને આહત, જે મનુષ્યે સર્જેલા પાંચ પ્રકારના અવાજો છે. આ પાંચ પ્રકારના અવાજો છે : તંતુ કે તાર (સિતાર કેવીણા), શુશ્ર કે પવન દ્વારા (બંસી, ક્લેરીનટ) પરક્શન કે થાપા (તબલાં), ઘનવાદ્ય (મંજીર) અને અંતિમ કંઠસંગીત (મનુષ્યગાન). આ પછી કદાચ સિન્થેટિક કે ઈલેક્ટ્રોનિક અવાજ આવી શકે. આમાંથી કંઈ જ ખબર ન હોય તો પણ માણસ આકાશ સામે જોઈને ઊંડો શ્વાસ લઈને ગાવું શરૂ કરી શકે છે...!

 

ક્લોઝ અપ :

મારા જીવનનો આશય સમાધાન નથી, સત્ય છે.

- જ્હૉન કેનેથ ગોલબ્રેઈથ

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.