અનાવિલ ક્યારેય માગવા ન નીકળે
અનાવિલ : (સંસ્કૃત શબ્દ) = દોષરહિત, સ્વચ્છ, એ નામની એક જ્ઞાતિ (સાર્થ ગુજરાતી જોડણીકોશ)
અનાવલા : આ જાતિ મસ્તાન અને ભાથેલાના નામે પણ ઓળખાય છે. એમની વસતી 40,334 છે. સુરત જિલ્લામાં અને પાસેના વડોદરા વિસ્તારમાં એ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના આ શ્રેષ્ઠ ખેડૂતો છે. અનાવલા નામ અનાવલ પરથી આવ્યું છે, જે સુરતથી ચાળીસેક માઈલ દૂર આવેલું ગાયકવાડી ગામ છે અને ત્યાંના ગરમ પાણીના ઝરા મશહૂર છે. મસ્તાન અને ભાથેલાની ઉત્પત્તિ વિશે સ્પષ્ટતા નથી. (ગેઝેટિયર ઑફ બૉમ્બે પ્રેસિડન્સી, પુસ્તક 9, ભાગ 1, પ્રકાશન વર્ષ 1901).
અનાવિલ દોષરહિત છે, સ્વચ્છ છે, મસ્તાન છે, ભાથેલા છે, મોરારજી રણછોડજી દેસાઈના જ્ઞાતિભાઈઓ છે, અનાવિલ માથાભારે કોમ છે. અનાવિલ એંટીલા છે, અનાવલાની જબાનને મિજાગરો ની મલે, ચારે બાજુ ફરે, એની ભાષા કરાડાફાડ, ભેજાના ફાટેલા, ભેજાખોર, એનો તોર હોય. બોલવામાં આખાબોલા, લાંઠ, ડાંડાઈ ખરી, જિદ્દી પણ ખરા - એવા જિદ્દી કે ખુવાર થઈ જાય. ‘હામે શિંગડાં ભેરવે.’ ‘ગમે તેને ધોધ પણ ગણે’ (મતલબ કે એ ભલે ધોવાઈ જતો) : તળેઉપર કરે.
જુદી તરી આવે એવી આ એમની કેટલીય વિશિષ્ટતાઓ, એમની અનાવિલ ભાષામાં! અન્ય ગુજરાતીઓને કેટલીક વાર અનાવિલો સમજાતા નથી, પણ દક્ષિણ ગુજરાતના લોકોને એ બરાબર સમજાય છે.
અનાવિલ સુરત તરફના છે. મુંબઈથી પાસેમાં પાસે રહેતા ગુજરાતીઓ અને મુંબઈમાં સૌથી મોડા આવેલા ગુજરાતીઓ! દમણગંગાના વલવાડા ગામથી સુરત સુધી અથવા વાપીથી તાપી એ અનાવિલ દેશની ભૂગોળ. અનાવલ નામનું ગામ બીલીમોરાથી ચાળીસેક કિલોમીટર દૂર છે. એમની માતા અંબામાતા અને સ્થાનક બગવાડા. ખોડિયાર માતા પણ આરાધ્ય કુળદેવી ગણાય છે. અનાવિલ જવાન પેઢી માતાના ગરબા ગાય ખરી, પણ લય-લહેકો જુદો હોય, તાળીઓ પણ જુદી રીતે પાડે! બૂટ પહેરીને પણ ગરબા ગાય. લાક્ષણિકતા પ્રજાની રગેરગમાં છે.
આ જુદાઈ કે લાક્ષણિકતાનું કારણ પણ છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર આવેલો આ પ્રદેશ છે. ઉમરગાંમથી વલસાડ સુધી ઉચ્ચારણ પર મરાઠી અસર પણ જોવા મળે - ‘શું કહે?’ ને બદલે ‘કાય કહે?’ સંભળાય, ઘણી બધી જબાનોની ભેળસેળને કારણે ગુજરાતી ભાષા વધારે મધુર થઈ ગઈ છે! ‘કિયારે આવવાનો?’ અથવા ‘કાં ફરફર કરયા કરે?’ કે ‘એને જો ની લીધો હોય ને તો ઊંધું મારયા કરે!’ આ શુદ્ધ અનાવિલી ભાષા છે.
અનાવિલ માટે જૂના મુંબઈ રાજ્ય ગૅઝેટિયરમાં માહિતી આપી છે કે એમને માટે મસ્તાન કે ભાથેલા પણ વપરાય છે. મસ્તાન શબ્દનાં બે મૂળ હોઈ શકે એમ અનુમાન કરવામાં આવ્યું છે, એક તો મસ્તાન શબ્દ મસ્ત ઉપરથી અથવા ગર્વિષ્ઠના અર્થમાં બીજું અનુમાન એમ છે કે મૂળ શબ્દ મહાસ્થાન હતો, એમાંથી મસ્તાન આવ્યું! ભાથેલા ભાટ પરથી આવ્યા હશે અથવા ભાત પરથી કારણ કે ગુજરાતના સૌથી સફળ ડાંગર ઉગાડનારા અનાવિલ હતા! આ શબ્દ જરા ઊતરતો છે અને એક અનુમાન એવું પણ છે કે ભ્રષ્ટ થયેલા પરથી ભાથેલા આવ્યું છે. આજથી એંસી વર્ષ પહેલાના સરકારી રેકોર્ડમાં આવી બાતમી મળે છે.
પણ એમ માથું ખંજવાળતાં ખંજવાળતાં ગૅઝેટો વાંચીને અનાવિલ જાતિના મિજાજની સમજ ની પડે! એમની કહેવતો એમની ભાષા. એમના સંવાદોનો પરિચય કરવો જોઈએ.
અનાવિલ ભાષામાં બધા જ સ્વાદ મળે - મીઠો, ખાટો, ખારો, કડવો. તૂરો અને તીખો તો ખરો જ. એમાં રંગ લાવવા માટે સુરતી ગાળો ઉમેરવાની? ગુજરાતી ગાળોના વિકાસમાં સુરતનું બહુ યશસ્વી યોગદાન છે, એ સાલો દરેક ગુજરાતી જાણે છે! દક્ષિણ ગુજરાતમાં પુરૂષ બહુ સાહજિકતાથી ગાળો બોલે છે. પુત્રી, પુત્રવધૂ, પત્નીની હાજરીમાં પણ નિરાંતથી બોલી શકે. દોસ્તોમાં તો દિવાળીમાં ફૂલઝરી છૂટતી હોય એમ ગાળોથી બધું ઝળાંહળાં થતું રહે. આ પ્રજા માનસિક રીતે બહુ તંદુરસ્ત (અથવા મનદુરસ્ત) અને જબરી ખેલદિલ. આ ‘ખેલદિલી’માં સ્ત્રીઓ કંઈ પાછી પડે નહીં.
થોડા નમૂના જોવા જ પડે : ‘બિહાઉ’ની બીવા સીખેલી જ ની મલે... આવો ફાટ્ટી મુવાવ! આવો મોંબળ્યાવ! આવો તમારું સામટું સરાધ કરું!’
વાતવાતમાં તળપદી કહેવતો છૂટતી જાય - સાંભળનારો નવે રસમા તરબોળ થતો જાય! ધારિયા વડે હાથ કાપી વાઢવો એ સામાન્ય. ઓરતો ભલા ભુજને હડપચી ઝાલીને ધુણાવે. કહી દે : ‘મગજમાં રાઈ ઘાલીને ફરે છે, તે કરી મેલસું પાધરો દોર!’ જીભ છૂટે એટલે ઝડપાવતી જાય: ‘લખ્ખોદિયો, ફાટી મૂવો, જીવતાંનો જાનૈયો ને મૂવાંનો ખાંધિયો, હમ્મેસનો !’ વોર્નિંગ પણ આપી દે: ‘બોચીએથી ઝાલીને દાંત પાડી નાખવાની!’ ગુસ્સામાં આવે ત્યારે બાકીના બધા નાન્યેતર જાતિના બની જાય. નાક ચાર આંગળ ભરીને કાપી લે? (ગણિત સારું.)
ભાષા બોલાતી વખતે થોડી ખાસિયતો ધ્યાન ખેંચે એવી છે. ‘શ’ ને ‘સ’ બોલે પણ ‘સ’ ને પાછો ‘હ’ બોલે! ‘શું’ને ‘સું’ કહે અને વલસાડને ‘વલહાડ’ કરી નાખે. ‘પડ્યા છે’ એ બોલાય ‘પઈડા છે!’ કેટલાક પ્રદેશોમાં ‘ત’ને ‘ટ’ અને ‘થ’ને ‘ઠ’ પણ બોલાય.
ને તમે ક્યાંય કંય ની બોલતા!
હું બોલો? આમાં તમારું કેથે ની ચાલે!
ધરતીનો જબરો પ્યાર, લગભગ પાટીદાર જેવો જ, પાટીદાર જેવા અનાવિલ માથાભારે ગણાય છે, પણ આશ્ચર્યની વાત એ છે કે મુંબઈ માટે એમને બહુ મોડી માયા જાગી. આને માટેનો અનાવિલ તર્ક એમની દૃષ્ટિએ જ જોવા જેવો છે: શાહુકાર નાખે તેના સવાયા કરે, દોઢાબમણાં કરે, પણ એકના હજાર કરીને દેનારી ધરતી જેવો શાહુકાર બીજો જોયો? (એક દાણો વાવો અને હજાર લણો એ અર્થમાં) આવી માની ચાકરી કરવી છોડીને અભાગિયો હોય તે જ મુંબઈ જાય, કાં વરણાગિયો જાય.
અને અનાવિલ આજે પણ મુંબઈમાં બેઠો હોય તોય ધરતીનો સાદ ભૂલે નહીં. હવે અનાવિલ મુંબઈ જ નહીં, પણ પૃથ્વી પર ઘણી જગ્યાએ ફેલાઈ ચૂક્યા છે, વિવિધ ક્ષેત્રોમાં આજે દેસાઈ એક નાયક ડંકો વગાડે છે. એક અનાવિલ દેસાઈ ભારતના સન્માનીય પ્રધાન મંત્રી પણ બની ચૂક્યા છે. એ દરિયાકિનારાની ખારાશ અને એ આંબાનાં વૃક્ષોની ખુશબૂ અને એ ચોખાના રોટલાનો સ્વાદ અને એ જબાનની ખટમિઠ્ઠી તાજગી આજે પણ અનાવિલ અસ્તિત્વમાંથી ખસ્યા નથી.
પ્રોફેસર મહાદેવ દેસાઈ અર્થશાસ્ત્રી છે, બિઝનેસની થિયરી વિષે ચર્ચા કરે છે. ઈકોનોમિક્સના ‘ઝીરો ગ્રોથ’ પર પિસ્તાલીસ મિનિટ ભાષણ આપી શકે છે. યુવાન છોકરીઓ થર્ડ યર કૉમર્સના વર્ગમાં આંખો ફાડીને આંખોથી સાંભળતી હોય એટલી તન્મય થઈ જાય છે! પણ એ કોમનરૂમમાં આવીને પગ ફેલાવીને નેસ-કાફેવાળી કૉફી પીતાં પોતાની જાતિ વિષે વાત શરૂ કરે ત્યારે તમે એમના ખૂબસૂરત ચહેરા પર અસલી રંગ ઊભરતો જોઈ શકો છો, એ કહે છે એક ડાળી બચાવવા માટે અમે પચાસ ઝાડ વેચાવી દઈએ! છોડીએ નહીં. લડીએ તો જ લોહી ગરમ રહે, તબિયત સારી રહે. જેવું વેકેશન પડ્યું કે સીધા ગામના ખેતર પર. એક એક ઝાડને હાથ અડાડી આવે ત્યારે ચેન પડે. એક કેરી પણ કોઈ ચોરે તો જીવસટોસટનો ખેલ જામી જાય. ઘરની બાલકની બહાર વરસાદ પડતો જુએ તો હજી પણ એમને એમની વાડી યાદ આવી જાય. ચીકુ મોટાં થઈ ગયાં હશે. અથવા હાફુસ મહોરી હશે....
અનાવિલ અયાચક બ્રાહ્મણ છે. માગવા ન નીકળે. પૂરેપૂરા શાકાહારી પાતરાં, વાલની દાળ, ચોખા અને તુવેરની દાળ મેળવીને બનાવેલાં વડાં આ એમનો ખાસ ખોરાક. સુરત તરફ ચોખા અને જુવારના રોટલા ખવાય, વલસાડ તરફ ચોખાના રોટલા. કહેવાય છે કે દારૂબંધી પછી જવાન છોકરાઓમાં દારૂ પીવાની ફેશન વધી ગઈ છે. દમણ ટ્રિપ મારી આવવાનો શોખ પણ વધ્યો છે.
(વધુ આવતા અંકે)
(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર