કાચું સોનું પકાવનાર, એ છે ગુજરાતનો પાટીદાર

19 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

ઉત્તર ગુજરાતના આંજણા પાટીદારો મુખ્ય જાતિની એક પેટાજાતિ છે. એમની અટક ચૌધરી હોય છે. એ માંસાહાર અને મદ્યપાન પણ કરતા. રાજપૂતોની જેમ એમના નામમાં ‘સિંહ’ આવતું હતું. ચૌધરી જૂના જમાનામાં સફેદ સાફા પહેરતા. લગ્નોમાં લાલ સાફા બાંધતા. આજે પણ ચૌધરીઓ ઉત્તર તરફ છે.

માટીઆ મૂળ લેઉવા પાટીદારોની એક પેટાજાતિ છે અને સુરતના બારડોલી તરફ એમની વસતી હતી. અમદાવાદ, વીરમગામ અને પાટડી તરફ ચાંલ્લીઆ પાટીદારો વસે છે. લગ્નમાં લેવાતા ચાંલ્લા અથવા ચાંદલા પરથી આ નામ પડ્યું છે. ચાંલ્લીઆ પાટીદારોમાં બહુપત્નીવ્રત જેવી જૂની પ્રથાઓ ચાલતી.

કડવા પાટીદારોમાં સમૂહલગ્નની એક પ્રથા ચાલતી, હજી પણ ચાલે છે. દર દસ વર્ષે અખાત્રીજ અથવા વૈશાખ સુદ ત્રીજને દિવસે પુષ્કળ લગ્નો થઈ જાય. આ સમય માંડવરાત તરીકે પણ ઓળખાય છે. પંદરેક દિવસના ગાળામાં બીજો પણ એક દિવસ નક્કી થાય, જ્યારે ન પરણી શકેલાઓનાં લગ્ન થાય. જો મુરતિયો ન મળ્યો હોય તો ફૂલના દડા સાથે લગ્ન થાય, પછી એ દડાને તળાવમાં પધરાવી દેવાય, કન્યા વિધવા ગણાય અને પછી એનું લગ્ન થઈ શકે. એમનામાં વિધવાવિવાહ હતો, સ્ત્રીસ્વાતંત્ર્ય હતું પણ પ્રતિષ્ઠિત મધ્યમવર્ગના લોકોમાં નાતરું કે પુનર્લગ્ન ખાસ થતાં નહીં. લગ્નવાળો દર દસ વર્ષે જ આવે એ આ પ્રથાની વિશિષ્ટતા છે.

જેમ કડવા પાટીદારોની કુળદેવી ઊંઝામાં સ્થાપિત છે એમ લેઉવા પાટીદારોની કુળદેવી અમદાવાદ પાસેના અડાલજમાં છે. લગભગ 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું ત્યારે ગંગા-જમનાના દોઆબમાંથી 1800 પરિવારો આવીને ગુજરાતમાં સ્થાયી થયાં. પ્રથમ એમની વસાહત પાટણમાં બની. કાળક્રમે એ અડાલજ આવ્યા, ધીરે ધીરે એ ફેલાતા ગયા અને ચરોતરમાં જામી ગયા. એમનાં સંતાનો એટલે આજના લેઉવા પાટીદારો.

બીજા વિશ્વયુદ્ધ પછી, એટલે કે છેલ્લી એક પેઢીથી, ખુદાએ છપ્પર ફાડીને ધન વરસાવ્યું છે ચરોતરના પાટીદારો પર! ચરોતર આજે બિહાર, બંગાળના ‘કોલસા ક્ષેત્ર’ કે પંજાબના ધાન્યથી સભર વિસ્તારો કરતાં પણ વધારે ધનવાન બની ગયું છે. આ ધનવર્ષાની સાથે દૂષણો પણ આવ્યાં, જે સ્વાભાવિક છે. પહેલાં કોદરી અને બાજરી થતાં, હવે તમાકુ ઊતરે છે. સોજીત્રા પાસેનું એક નાનું ગામડું ગાડા 1947 પહેલાં એક જ લખપતિ ધરાવતું હતું. એ વખતે ગાડામાં 1200 થી 1500 પાટીદારો હતા. આજે 3000 ઉપર વસતી થઈ ગઈ છે. આજે ગાડાની યુવાન પેઢી વિદેશોમાં ચાલી ગઈ છે. ઈંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડામાં નાનાં ચરોતરો વસી ગયાં છે. આજે ગાડા ગામમાં અનેક લખપતિઓ છે અને ચારપાંચ તો કરોડપતિઓ હોવાનું કહેવાય છે! જે ગતિ અને માત્રામાં ધન આવ્યું છે એ ગતિ અને માત્રામાં ઉચ્ચ શિક્ષણ આવ્યું નથી.

લેઉવા પાટીદારોની પટેલ, અમીન કે દેસાઈ અટકો હોય છે, પણ પટેલ 95 ટકા છે. બે પેઢી પહેલાં ‘પા. જયંતિભાઈ શિવાભાઈ’ એમ લખાતું. આમાં ‘પા.’ એટલે પાટીદાર. પછી જયંતીભાઈ શિવાભાઈ પટેલ એવો પ્રયોગ આવ્યો. આજે તે જયંતી પટેલ થઈ ગયું છે. ચરોતરના લેઉવા પાટીદારોએ આફ્રિકા ખેડ્યો, અમેરિકા ગયા. પણ આશ્ચર્યની વાત એ છે કે સમુદ્રકિનારાના પટેલો પ્રમાણમાં ઓછા દૂર વિદેશોમાં ગયા છે, એ મુંબઈમાં વધારે આવ્યા છે. પરદેશમાં ગુજરાતના અંદરના ભાગના પટેલો ગયા છે. ઈંગ્લેન્ડમાં આજે એ રીટેલ બિઝનેસ કબજે કરી રહ્યા છે. એ લોકો અમેરિકામાં એક પછી એક મોટેલો ખરીદતા જાય છે. મિસ્ટર પટેલ અમેરિકામાં મોટેલમાલિક બની ગયા છે. આખો પરિવાર પરિશ્રમ કરે છે. રાતદિવસ મહેનત કરે છે. ત્યાંની સરકાર પણ વિચાર કરતી થઈ ગછી છે કે મિસ્ટર પટેલ પાસે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી?

ચરોતરમાં પટેલોમાંથી મુસ્લિમ કે ખ્રિસ્તી થયેલા ભાગ્યે જ જોવામાં આવે છે. એક કારણ એ લાગે છે કે ભૂમિ સાથે સંકળાયેલા હોવાથી તેમને રોટીનો પ્રશ્ન રહ્યો નથી. એમને પ્રલોભનો આપીને ધર્મપરિવર્તન કરાવવાની શક્યતા ન હતી. ખાધેપીધે એ સામાન્ય રીતે સુખી હતા. જેમણે આ વિસ્તારમાં ધર્મપરિવર્તન કર્યું છે એ અવિકસિત જાતિઓના સભ્યો હતા, કદાચ આર્થિક દૃષ્ટિએ સંપન્ન ન હતા.

આજે યુગાન્ડાના 80 ટકા જેટલા પાટીદારો ઈંગ્લેન્ડ, અમેરિકા અને કૅનેડામાં સેટલ થઈ ગયા છે. બાકીના ફીજી, મધ્ય અને પૂર્વ આફ્રિકામાં સ્થાયી થયા છે. દિક્ષણ આફ્રિકામાં પણ પાટીદારોની સારી સંખ્યા છે.

ચરોતરમાં જે ક્ષત્રિય બારૈયા કે ધારાળા કોમ છે - ઠાકોર, સોલંકી, વાઘેલા વગેરે - એમની આર્થિક સ્થિતિ પૂર્વવત્ છે. એમની સમાંતર આર્થિક પ્રગતિ ન થવાને કારણે એક શાંત વર્ગવિગ્રહ જેવી સ્થિતિ છે.

જો પાટીદાર સૌથી વિશેષ લેખે ચડ્યા હોય તો એમના કુરિવાજોને કારણે! લેઉવાઓમાં છોકરો જન્મે તો ખુશી થાય. છોકરીઆવો તે મન જરા ઉદાસ થઈ જાય. કારણ કે દહેજ (પૈઠણ) એ પાટીદાર જીવનવ્યવસ્થાનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. પાટીદારની કંકોતરીમાં ચાંલ્લો કે ભેટ ન લાવવાની વિનંતી ભાગ્યે જ જોવા મળે છે. છોકરીને આપવાનું હોય છે, છોકરામાં લઈ લેવાનું હોય છે. આ આપ-લેથી સમાજનું સંતુલન રહે છે - આર્થિક સંતુલન!

પાટીદાર સમાજમાં લગ્ન એક બહુ મોટી ઘટના છે. બહેનની પુત્રી-પાટીદાર ભાષામાં ‘ભાણી’નું લગ્ન કરાવી આપનાર ગૃહસ્થો પણ ચાંલ્લો, કપડાં, ભાણેજવરને સૂટ બધું જ આપે. દહેજ એ કક્ષાએ છે કે પુત્રીને સાબુ, તેલ, તેલનું વાસણ અર્થાત્ સ્ટીલની બરણી, કિચનસેટ એટલે કે સાણસી, ચમચા, ચીપિયો પણ આવી જાય. ગેસની ટાંકી અને પાછળથી ઘઉં દળવાની ઘંટી પણ અપાય છે. સોનું, ફ્રિજ, ટી.વી. સેટ, ફિયાટ કાર આપવાની વાત સાંભળવી એમાં આશ્ચર્ય નથી. ક્યાંક સુધારક પ્રવૃત્તિ આવી છે, જેમ કે એકસો જાનૈયા જ જાય અથવા પંદર તોલા સોનું જ અપાય અથવા વાજાં પણ ન વાગે! પણ બંધારણમાં રહીને આ પ્રવૃત્તિ કરવાની વાત ઓછી છે. લખલૂટ ખર્ચ કરવો પડે એ ઉચ્ચ મધ્યમવર્ગની સ્થતિ છે.

એક તેજસ્વી અને ઉદ્દામ પાટીદાર જવાને પ્રશ્ન કર્યો કેઃ લાખ્ખો રૂપિયાના લગ્નના કુરિવાજો પાછળ વટાવી નાખનારી માતબર પાટીદાર જાતિ મુંબઈમાં સખાવતો કે દાન શા માટે કરતી નથી! એમણે કૉલેજો, રૂગ્ણાલયો, બગીચાઓ, મ્યૂઝિયમો, સ્કૉલરશપોમાં રસ લીધો છે ખરો? જે સમાજમાં રહ્યા છે એ સમાજને એમણે કેટલું આપ્યું છે? ગામમાં પાણીની ટાંકી નંખાવવી અને બહુજનસમુદાયને ઉપકારક કોઈ પ્રવૃત્તિ કરવી એ બે જુદી વસ્તુઓ છે. આ પ્રશ્નોનો ઉત્તર પાટીદાર સમાજના મુરબ્બીઓ જ આપી શકે.

ભવાઈના વેશોને અને પાટીદારોને સંબંધ છે. હેમાળા પટેલે એમના ગુરુ અસાઈતને ઊંઝા લાવીને જમીન અને ઘર આપ્યાં હતાં. એમને ત્રણ દીકરા થયા એટલે ત્રણ ઘરો બન્યાં. નવી વાત ઊભી થઈ જે ત્રિઘરા કહેવાઈ. પાછળથી આ શબ્દ અપભ્રંશ થઈને તરગાળા બન્યો. હેમાળા પટેલે અસાઈતને વચન આપ્યું હતું કે મારું કુળ રહેશે ત્યાં સુધી તમારું ભરણપોષણ કરશે. ભવાઈપ્રકાર ઉપહાસ અને કટાક્ષ દ્વારા પરોક્ષ રીતે સુધારાપ્રવૃત્તિ કરતો હતો. અસાઈત ઠાકોરે ઘણા વેશ લખ્યા પણ પાટીદાર કે કણબીનો વેશ લખ્યો નથી! કદાચ પાટીદારોના આશ્રિત હોવાને કારણે. ભવાઈની ઉત્પત્તિ સાથે આ હેમાળા પટેલનો સંબંધ છે.

પાટીદારોએ વિવિધ ક્ષેત્રોમાં મહાન વિભૂતિઓ ઉત્પન્ન કરી છે. સર્વ પ્રથમ સરદાર - કરમસદના લેઉઆ પાટીદાર વલ્લભભાઈ પટેલ. ભારતના બિસ્માર્ક જે ઈતિહાસમાં અમિટ સ્થાન પામી ચૂક્યા છે એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ લેજિસ્લેટીવ એસેમ્બલીના પ્રથમ સ્પીકર હતા. સોજીત્રાના ભાઈકાકા અથવા ભાઈલાલભાઈ પટેલ, વલ્લભ-વિદ્યાનગરના જન્મદાતા, લેઉવા પટેલ હતા! મફતલાલ ગગલભાઈનું મફતલાલ ઉદ્યોગ ઘરાણું ભારતમાં ત્રીજે નંબરે છે. એ પરિવારના અરવિંદ મફતલાલ ભારતના પ્રથમકક્ષ ઉદ્યોગપતિઓમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એ ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર છે. અમદાવાદના મેયર જયકૃષ્ણ હરિવલ્લભદાસ પણ કડવા પાટીદાર. રાજકારણના અઠંગ ખેલાડી અને વિખ્યાત ધારાશાસ્ત્રી રજની પટેલ સારસાના લેઉવા પાટીદાર છે. ભૂતપૂર્વ ગૃહમંત્રી હીરુભાઈ પટેલ ધર્મજના છે અને લેઉવા છે. જૂના આઈ.સી.એસ. અફસરોમાં આઈ.જી.પટેલ અને બી.આર.પટેલ આવે છે. આઈ.જી. પટેલ રિઝર્વ બેન્કના ગવર્નર હતા.

નડિયાદના લેઉવા પાટીદાર બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના સન્માનનીય મુખ્યમંત્રી હતા. સોજીત્રાના લેઉવા પાટીદારોમાં ભાઈકાકા સિવાય બે મોટાં નામો : વડોદરાના ડૉ. ઠાકોરભાઈ પટેલ અને ભારતીય ક્રિકેટના બ્રિજેશ પટેલ ન્યૂઝેલન્ડની ટીમના વિશ્વવિખ્યાત હૉકી ખેલાડી રમેશ પટેલ મૂળ પેટલાદ તાલુકાના લેઉવા પાટીદાર છે! પલાણાના ડો. સી. એસ. પટેલ ઓલ ઈન્ડિયા મેડિકલ કાઉન્સિલના પાંચ વર્ષ પ્રમુખ હતા. હવે સ્વર્ગવાસ પામ્યા છે. રાજનીતિના મોતીભાઈ અમીન વસોના હતા. ગુજરાત વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ ઈશ્વરભાઈ પટેલ પણ લેઉવા પાટીદાર છે. ઈશ્વર પેટલીકર પેટલી ગામના લેઉવા છે, પણ અન્ય બે પટેલ લેખકો સ્વ. પીતાંબર પટેલ અને પન્નાલાલ પટેલ આંજણા છે. ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર છે. પીતાંબર મહેસાણા તરફના હતા. પન્નાલાલ ઈડરના છે.

મુંબઈ શહેરમાં બેસુમાર પટેલો પ્રખ્યાત ડૉક્ટરો છે. વ્યવસાયમાં પટેલોનાં નામો ગણાવવા બેસીએ તો ઘણાં નામો રહી જવાનો સંભવ છે, પણ પટેલ નામો વિવિધ ક્ષેત્રોમાં ચમક્યાં કરે છે. ક્રિકેટના જશુ પટેલ, ચિત્રકલાના જેરામ પટેલ, રંગલા-રંગલીના જયંતિ પટેલ જે લેઉવા કે કડવા કરતાં મીઠા પાટીદાર હોવાનો સંભવ વધારે છે!

પણ પટેલો મશહૂર થયા છે પૈસા કમાવા માટે. કદાચ જૂની કહેવત સાચી હતી: કાચું સોનું પકાવનાર, એ છે ગુજરાતનો પાટીદાર! અને... કાચું સોનું પકવવા માટે આ દર્દ કોમન હવે કોમને હવે દુનિયા નાની પડતી જાય છે.

(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.