પોરસ અને કુતુઝોવ: બે ઈતિહાસો, બે વિજેતાઓ

21 Jul, 2017
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: markcnewton.com

ઈતિહાસ વિશે અવારનવાર ચર્ચાઓ થયા કરે છે. ઇતિહાસની પ્રકૃતિ જ છે ચર્ચાસ્પદ થવાની.

જાડા કાચવાળાં ચશ્માંધારકો શબ્દો છૂટા પાડીને બોલતા રહે છે કે ઈતિહાસ ઓબ્જેક્ટિવ (પરકેન્દ્રી) હોવો જોઈએ. સબ્જેક્ટિવ (સ્વકેન્દ્રી) ન હોવો જોઈએ.

ઈતિહાસને વર્તમાનકાળ હોતો નથી, માત્ર ભૂતકાળ હોય છે અને ભવિષ્યની દિશા હોય છે.

ઈતિહાસને આંસુ હોતાં નથી. ઇતિહાસનો વૃત્તાંતકાર કે લેખક ઘટના ઘટી ગયા પછી લખતો હોય છે અને દરેક ઈતિહાસમાં સબ્જેક્ટિવનું તત્વ હોય જ છે.

લંડનની ટાવર-બ્રિજની તુરંગમાં એક વિખ્યાત અંગ્રેજ વિશ્વપ્રવાસીને આજીવન બંદી રાખવામાં આવ્યો. પછી એણે વિશ્વનો ઈતિહાસ લખવાનો વિચાર કર્યો.

આ દરમિયાન નીચે સડક પર એક માણસે છરો મારીને બીજા માણસનું ખૂન કર્યું અને ભાગી ગયો. બંદી વિશ્વપ્રવાસીએ સંત્રીને પૂછ્યું : કોણે ખૂન કર્યું? સંત્રીનો ઉત્તર : ખબર નથી! પ્રશ્ન : કોનું ખૂન થયું? ઉત્તર : ખબર નથી!

વિશ્વપ્રવાસીએ વિચાર કર્યો કે જેણે ખૂન કર્યું છે અને જેનું ખૂન થયું છે, એ આંખોની સામે થયું છે છતાં પણ જો આપણને કંઈ જ ખબર પડતી નથી તો દશકો અને શતકો પહેલાં થયેલી ઘટનાઓ વિશે કેટલી અધિકૃત વાત લખી શકાય? અને એણે ઈતિહાસ ન લખ્યો!

એક પ્રાચીન ચીની કવિએ લખ્યું હતું કે હજી સુધી કોઈ મનુષ્ય સૂર્યને સાંકળ બાંધીને એની પરિક્રમા રોકી શક્યો નથી. તટસ્થ ઈતિહાસ નામની વસ્તુ નથી, નિષ્પક્ષ ઈતિહાસ નામની વસ્તુ નથી. જીતેલી પ્રજા ઈતિહાસ લખે છે, હારેલી પ્રજા કવિતા લખે છે.

જે પ્રજા પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે એ પ્રજાને ઈતિહાસ એક જ સજા કરે છે : એ પ્રજાને ઈતિહાસ ફરીથી જીવવો પડે છે! ઈતિહાસ અને સેક્સ બે જ વસ્તુઓ અમર છે, ઈતિહાસને મૃત્યુ અને ભૂતકાળ સાથે સંબંધ છે, સેક્સને જીવન અને ભવિષ્યકાળ સાથે સંબંધ છે.

સન 1191માં ભટીન્ડા પાસે તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ કે ચાહમાણ કે રાય પિઠૌરા આક્રમક શાહબુદ્દીન ઘોરીને સખતમાં સખત માત આપે છે.

જ્યારે કનોજનો રાજા જયચંદ રાઠોડ તટસ્થ રહે છે અને પૃથ્વીરાજને મદદ કરતો નથી.

સને 1761માં પાણીપતના મેદાનમાં વિદેશી આક્રમક અહમદશાહ અબ્દાલીની સામે મરાઠાઓ ઊતર્યા ત્યારે ભરતપુરનો સુરજમલ જાટ તટસ્થ રહ્યો હતો.

જયચંદ રાછોડ દેશદ્રોહી અને સૂરજમલ જાટ દેશવીર ગણાયા છે અને જયચંદ 80 વર્ષે યમુનાના કિનારે ચન્દાવરના ક્ષેત્રમાં વિદેશી શાહબુદ્દીન ઘોરી અને એના સેનાપતિ ઐબકનો મુકાબલો કરવા રણભૂમિમાં ઊતરે છે, એની આંખમાં તીર વાગે છે અને હાથી પરથી પડેલો 80 વર્ષનો જયચંદ વીરગતિ પામે છે.

મિખેઈલ કુતુઝોવ રશિયાના ઈતિહાસનો હીરો છે. નેપોલિયને રશિયા પર આક્રમણ કર્યું ત્યારે કુતુઝોવ મોસ્કોની રશિયન સેનાનો સેનાપતિ હતો. કુતુઝોવ શહેર છોડીને પાછો ખસતો ગયો, લડતો રહ્યો અને છેલ્લે નેપોલિયન થાકીને રશિયાથી પાછો ફર્યો હતો.

એલેકઝાન્ડર પંજાબ આવ્યો અને પોરસ સામે લડ્યો અને પોરસને હરાવ્યો અને પછી થાકીને પોતાના વતન તરફ કૂચ કરી ગયો.

પંજાબ તો એ વખતે ઈરાની સામ્રાજ્યનો એક ભાગ હતું અને એલેક્ઝાન્ડર ફક્ત ઝેલમના કિનારા સુધી જ આવ્યો હતો, જે હિંદુસ્તાનનો એક નૈઋત્ય ખૂણો જ હતો, જ્યારે નેપોલિયન પૂરું રશિયા ઓળંગીને છેક મોસ્કો પહોંચ્યો હતો!

એલેક્ઝાન્ડરે ઈતિહાસની દૃષ્ટિએ ભારતવર્ષની ધરતીને સ્પર્શ પણ કર્યો નથી, પણ હિંદુસ્તાનના ઈતિહાસમાં પોરસને હરાવવાની વાતો જ લખાતી રહે છે!

એક વાર મુંબઈમાં રશિયન (તત્કાલીન સોવિયેત) કોન્સલ-જનરલથી હું વાતો કરતો હતો અને એણે કહ્યું કે ગઈ રાત્રે હું ટીવી પર ક્વિઝ કાર્યક્રમ જોતો હતો અને એમાં પ્રશ્ન સંભળાયો : ભારત સૌથી પહેલાં વિદેશી આક્રમણ સામે ક્યારે હાર્યું હતું? રશિયન કોન્સલ-જનરલે કહ્યું કે અમારા દેશમાં અમે ક્યારેય શીખવતા નથી કે અમે હારી ગયા અથવા સતત હારતા રહ્યા છીએ!

તેમણે મને પૂછ્યું હતું કે તમે આવું કેવી રીતે ચલાવી લો છો? કદાચ ક્યારેક એકાદ રાજા હારી જાય એટલે આખી પ્રજા હારી ગયેલી ગણાય?

એ રશિયનની વાતે મારા દિમાગમાં વિચારનાં વમળો નહિ, પણ વિચારના વિસ્ફોટો જમાવી દીધા.

આપણે આપણી પેઢીઓને એ જ પોપટિયા રેકર્ડ સંભળાવતા રહેવું છે કે અઢી હજાર વર્ષોમાં અમે હિંદુઓ કેટલું બધું હાર્યા?

હજી એમ જ વાંચવું છે કે અંગ્રેજોએ 1947માં આપણને આઝાદી આપી?’ ઈન્ડિયાનો ઈતિહાસ પોરસને એલેક્ઝાન્ડરનો વિજેતા કેમ ગણતો નથી?

હિંદુસ્તાનનો ઈતિહાસ મુસ્લિમ યુગની વાત કરે છે, ‘ખ્રિસ્તી યુગ નામની વસ્તુ નથી. પોર્ટુગીઝ, વલંદા (ડચ), ફ્રેંચ, અંગ્રેજ આપસમાં હિંદુસ્તાનની ભૂમિ પર સતત લડતા રહ્યા છે, અને બધા જ ફિરંગી ખ્રિસ્તી હતા.

ડેન અને જર્મન પણ આવ્યા હતા, ફક્ત સ્પેનિશ આવ્યા નહિ, એ લેટિન અમેરિકા ગયા, કારણ કે પોતે વિશ્વને પોર્ટુગીઝ અને સ્પેનિશ વચ્ચે વિભાજિત કરી આપ્યું હતું!

હિંદુસ્તાનનો ઈતિહાસ આ દૃષ્ટિએ કેટલો જાતીય કે વંશીય કે ધાર્મિક છે? બિનકાસિમ આરબ હતો, મોહમ્મદ ગઝની તાતાર હતો, ચંગેઝ ખાન મંગોલ હતો, નાદિર અને અહમદશાહ અબ્દાલી ઈરાનના રાજાઓ હતા, પણ અફઘાન હતા.

હિંદુસ્તાનના મુસ્લિમ ઈતિહાસકારો ચંગેઝ ખાન અને હલાકુ ખાનની મુસ્લિમ ગર્વગાથાઓ ઊછલી ઊછળીને કહેતા હોય છે અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ એક વાર હિંદુસ્તાનને ચેતવણી આપી હતી કે અમે અમારા હીરો ચંગેઝ કાનની જેમ ઈસ્લામનો ઝંડો ફરકાવીશું...!

ચંગેઝ ખાન અને એનો પુત્ર હલાકુ ખાન મુસ્લિમ નહોતા, પણ મંગોલ હતા. ખાન શબ્દ મંગોલ છે, મુસ્લિમ નથી. એ જ રીતે બહાદુર શબ્દ પણ મંગોલ છે. તેમુજીન નામને મંગોલ ચંગેઝ નામ ધારણ કરે છે.

ચીંગીઝ નામનો એક ફિરશ્તો હતો જે નગ્ન થઈને સફેદ ઘોડા પર બેસીને સ્વર્ગ તરફ ઊડી ગયો હતો એવી માન્યતા મંગોલ જાતિઓમાં હતી. ચીંગીઝ એટલે અજેય યોદ્ધો.

પ્રથમ સંગ્રામ જીત્યો ત્યારે ચંગેઝ કાને 70 મોટા દેગડાઓમાં પાણી ગરમ કરાવ્યું અને પાણી ઊકળવા લાગ્યું ત્યારે 70 શત્રુઓને પ્રથમ માથાં અને મોઢાં ડૂબે એ રીતે ઊકળતા પાણીમાં ડુબાડી દીધા.

ચંગેઝ ખાને ઈસ્લામી સંસ્કૃતિ, નગરો, ગામો ખતમ કરી નાખ્યાં અને કાસ્પીઅન સમુદ્રથી સિંધુ નદી સુધી જે શેષ કરી નાખ્યું એ પુનર્જીવિત કરતાં ઈસ્લામી વિશ્વને 500 વર્ષ લાગ્યાં.

ખીવાના સુલતાને મોહમ્મદ પાછળ ચંગેઝ ખાન ટ્રાન્સઓક્ષીઆ, ખીવા, ખોરાસાન ઓળંગીને સિંધુ સુધી આવ્યો હતો. બોખારાની મસ્જિદમાં એના ઘોડાની ખરીથી કુર્રાન ફાડી નાખ્યું હતું. મંગોલોને કોઈ ધર્મ નહોતો, એ બર્બર હતા.

યુરોપમાં મંગોલ ખ્રિસ્તા બન્યા, તિબ્બત અને પૂર્વના પ્રદેશોમાં બૌદ્ધ બન્યા, પશ્ચિમ એશિયામાં મુસ્લિમ બન્યા. સન 1280માં હલાકુ અને બગદાદ જીતીને અનુમાનતઃ 8 લાખ બાળકો, સ્ત્રી-પુરૂષોની કતલ કરી હતી. જે મુસ્લિમ હતાં.

મસ્જિદો, મહેલો, શહેરો જલાવીને ખાક કરી દેવામાં આવ્યાં. લિગ્નીત્ઝના યુદ્ધમાં ખ્રિસ્તીઓને હરાવીને માત્ર કાપીને ભેગા કરેલા જમણા કાનથી 9 કોથળા ભરાઈ ગયા હતા.

ચંગેઝ કાન અને હલાકુ ખાનની ઘણીખરી કતલોનાં બલિ બેઝુબાન, નિર્દોષ મુસ્લિમ જનતા હતી. ઈતિહાસને પૂર્ણ હદ સુધી તોડી મરોડી શકાય છે એનું આ બે ક્રૂર ખાન પિતાપુત્ર પ્રમાણ છે.

ક્લોઝ અપ :

બા-ખુદા દીવાના બાશ ઓ, બા-મુહમ્મદ હોશિયાર.

સુફી ઉક્તિ

 

(અર્થ : ખુદાની સાથે તો દીવાનાપણું કરી શકો છો, પણ રસૂલનું નામ લેતી વખતે સાવધાન રહેવું જોઈએ.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.