સુખમાં પહેલો નંબર નથી અને પહેલો નંબર સુખી જ હોય એ જરૂરી નથી

24 Feb, 2017
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: iacpublishinglabs.com

સાઈબીરિયાનું એક નાનું બર્ફીલું ગામ છે. એક માણસ ઘેરાતી સાંજે ઊતરે છે. એક ઘોડાગાડીવાળો ચાબુક સ્થિર રાખીને સ્વાભાવિકતાથી પૂછે છે : અહીં આ ઉજ્જડ ગામમાં કેમ આવ્યા? આગંતુક મોઢામાંથી વરાળ નીકળતા સ્વરે કહે છે : અહીં મારો ભાઈ મરી ગયો હતો. એની કબર છે... અને દર્શકના દિલમાંથી એક ટીસ ઊઠી જાય છે.

ફિલ્મ : દર્સુ ઉઝાલા, દિગ્દર્શક : અકીરા કુરોસાવા. આ જાપાનીઝ રશિયન ફિલ્મનું આ પ્રથમ દૃશ્ય છે અને આ દૃશ્યથી એક વિચાર આવી જાય છે. માત્ર હિંદુઓને જ કબરો નથી, જગતની લગભગ દરેક પ્રજા મૃતદેહને દાટે છે, દફન કરે છે, સમાધિ બનાવે છે, પથ્થર કે શિલા મૂકે છે, મૃત ભાઈ કે પત્ની કે આત્મીયની યાદ માટે એની કબર પર ફૂલો મૂકવા આપણે જામનગર કે સુરેન્દ્રનગર કે આણંદ કે વલસાડ જતા નથી.... અને જીવનમાં ફીલિંગની કેટલીક જબરજસ્ત ક્ષણોનો અહેસાસ અનુભવતા નથી, વંચિત રહી જઈએ છીએ.

ફીલિંગ, ઈમોશન, પેશન... આ બધા આપણા શબ્દો નથી. દરેક માણસના જીવનમાં એ ક્ષણોને એ બીજાના જીવનમાં જુએ છે. હસવાની, રડવાની, હર્ષાશ્રુની અને સૂકી આંખોની પણ એક સાઝેદારી હોય છે. પરણાવેલી પુત્રી આજે નીકળવાની છે, પરમ દિવસે સવારે ટ્રેન આવવાની છે. તમે તમારે સાસરે જઈ રહ્યા છો એ બાળકને જોવા, પ્રથમ વાર જોવા, એ તમારું પોતાનું સંતાન છે. અથવા પિતા જીવંત હોય અને પુત્રનો મૃતદેહ સામે પડ્યો હોય અને ત્યારે જ ખબર પડે કે પુત્ર આટલો લાંબો હતો. જીવનનું આ સૌથી ભયાનક દુઃખ છે. વિશ્વસાહિત્યમાંથી એબસેલોમ માટે ડેવિડના કલ્પાંતના પ્રતિધ્વનિ પડી રહ્યા છે અને પ્રિય પુત્રી કોર્ડેલિયાના મૃત્યુ પર લિયર રાજાના છાતીફાટ રુદનને શેક્સપિયરે અમર બનાવી દીધું છે. આ એ ક્ષણો છે, જ્યારે મનુષ્ય સર્જનહારની સામે એકલો ઊભો હોય છે, પૃથ્વી અને આકાશની વચ્ચે ભીંસાઈને, અંગૂઠાની છાપની જેમ એક મનુષ્યરૂપી છાપ બનીને.

અને ચેલેન્જ નામનો પણ એક શબ્દ છે, જે પરાક્રમનો સગોત્ર છે અને અસહ્યના પ્રાંતમાંથી આવે છે. ચેલેન્જ શબ્દ પુરુષની દુનિયાનો શબ્દ છે. ચેલેન્જમાંથી ભડકે છે સ્પિરિટ અને આ બધા માટે યોગ્ય ગુજરાતી સમઅર્થી શબ્દો મળતા નથી. યુદ્ધમાંથી ઘેર પાછો ફરતો સૈનિક, જેલમાંથી મુક્ત થઈને પોતાને ગામ લોટતો કેદી, હૉસ્પિટલમાંથી એમ્બ્યુલન્સમાં નહિ, પણ ટેક્સીમાં આવી રહેલો કમજોર દર્દી... અહીં ચેલેન્જ, પરાક્રમ, સ્પિરિટ નથી, પણ એ આંખો ત્રણ કાળ, ત્રણ ગુણ, ત્રણ પરિણામો જોઈ રહેલી ત્રિકાશ ત્રિપરિણામી આંખો છે, જે સગા ભાઈને દફનાવ્યો છે એ સગા ભાઈની કબરની મુલાકાતે આવેલો ભાઈ છાતીમાં કઈ ચેલેન્જ દબાવીને આવ્યો છે? આપણા હિંદુ સમાજજીવનમાં એ ભાવ ક્યારેય નહીં આવી શકે કારણ કે આપણા મૃત ભાઈનું કોઈ સ્મારકચિહ્ન નથી, અમુક જ તારીખે જામનગર કે સુરેન્દ્રનગર કે આણંદ કે વલસાડ પહોંચવાનું કોઈ કારણ નથી. મને ઘણી વાર લાગ્યું છે કે ખ્રિસ્ત કે મુસ્લિમ કે યહૂદીની જેમ આપણા જીવનમાં કબરો હોત તો આપણી સંવેદના જુદી હોત!

'મનુષ્ય એક સામાજિક પ્રાણી છે', એવા એરિસ્ટોટલના કથનનો વારંવાર હવાલો આપવામાં આવે છે. મધમાખીઓ અને કીડીઓ અને વાંદરાઓ પણ સામાજિક પ્રાણીઓ છે, પણ મનુષ્ય રાજકીય સામાજિક પ્રાણી છે, જે ગત અને અનાગતથી કપાઈને જીવી શકતો નથી. માટે જ ઘણી બધી વસ્તુઓ હજી બરાબર સમજાતી નથી અને દરેકે પોતે પોતાની બુદ્ધિ પ્રમાણે ઉતારો શોધી લેવાનો છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ગ્રીસના ગામડાની એક ખેડૂત સ્ત્રી અને જર્મ ફોજીનો કિસ્સો આલ્બેર કામ્યુએ 'રેબેલ'માં લખ્યો છે. નાઝી ફોજી ખેડૂત માતાને કહે છે : 'જુઓ, હું સંસ્કારી માણસ છું, પણ મારે એક ફર્જ છે. તમારા ત્રણ દીકરાઓમાંથી એકને મારે મારી નાખવાનો છે. માતાજી તમે જ નક્કી કરી આપો કે મારે તમારા કયા દીકરાને મારી નાખવો?

આર્જેન્ટિનાની એદ્રિઆના દ'લાબોર્દો ભૈતિકશાસ્ત્રની પ્રોફેસર હતી.તાનાશાહી, ફોજી સરકારના અફસરોએ એને પકડી અને આંખે પાટા બાંધીને પુત્રજન્મ કરાવ્યો, એ એની ગર્ભાવસ્થાના અંતિમ દિવસો હતા. પોતાના સંતાનનો જન્મ થાય અને માતાને એ સંતાનનો ચહેરો જોવા દેવામાં ન આવે અને પછી એ જ અવસ્થામાં પાટા ખોલીને પુત્રપ્રસવ પછીની સાફસફાઈની ફરજ પાડવામાં આવે... એ તાનાશાહીનો સ્વચ્છતા પ્રેમ બતાવે છે?

મનુષ્યસંસ્કૃતિ પણ મનુષ્યવિકૃતિની જેમ જ સમજવી અઘરી છે. એક દિવસ સરકારો નક્કી કરશે કે તમારામાં કેટલા ટકા દેશભક્તિ છે? આદર્શ માતૃપ્રેમ 60થી 75 ટકા હોય છે? સુચ્ચરિત્રમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ જેવી કક્ષાઓ હોઈ શકે છે? રામાયણમાં હનુમાન શ્રીરામનું વર્ણન કરતાં અન્ય વાતોની સાથે કહે છે કે એમની છાતી ઉપર જખમો દેખાય છે! છાતી પરના જખમ વીરતાચિહ્નો છે, એ મનુષ્ય વીર છે. સુખની વ્યાખ્યા વિશે હજી વિવિધ વિદ્વાનો સમસ્વરે કહી શકતા નથી. શહેરનો ગરીબ ગામડાના ગરીબ કરતાં વધારે સુખી છે? એકલો જીવતો પુરૂષ અને પત્ની સાથે જીવતો પુરૂષ બંને સરખા સુખી છે? અને પત્ની અને સંતાનો સાથે જીવતો પુરૂષ? ગાંધીજીના ત્રણ વાંદરાઓની જેમ ખરાબ જોનાર, ખરાબ ન સાંભળનાર, ખરાબ ન બોલનાર માણસ સુખી હોય છે? કામ કરતી સ્ત્રી અને ગૃહિણી, એ બેમાંથી કોનામાં સ્ત્રીત્વ વિશેષ હોય છે?

કદાચ સુખને દર્શનના પુસ્તકમાં કે વિજ્ઞાનની ટેસ્ટટ્યુબમાં મૂલવી શકાતું નથી કારણ કે એને માટે બીજાની જરૂર પડે છે. સુખમાં પહેલો નંબર નથી અને પહેલો નંબર સુખી જ હોય એ જરૂરી નથી. પારદર્શક સુખનો એક વિસ્તાર છે : બાળપણ. નાની છોકરીઓ અને છોકરાઓની દુનિયા, ફીલિંગ, ઈમોશન, પેશન બધા જ શબ્દો બાળપણમાં સમાઈ જાય છે, જ્યાં અપમાન બોધને ખડખડાટ હાસ્યથી ધોઈ નાખવામાં આવે છે. નાની છોકરીઓ અને નાના છોકરાઓ શા માટે હસે છે? ફ્રેન્ચ દાર્શનિક લેખક ઝ્યોં પોલ સાર્ત્રે પેરિસની સોબો યુનિવર્સિટીમાં પ્રવચન આપી દીધું, વિષય હતો : 'અસ્તિત્વવાદ અને માનવતાવાદ !' અને પ્રવચન પછી એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો : બાળક હસે છે શા માટે? સાર્ત્રેએ કહ્યું : જગતની કોઈ ફિલસૂફી એ નહિ સમજાવી શકે કે બાળક શા માટે હસે છે...

કદાચ નાનપણ સ્વચ્છ સુખની પહેલી સીમા અને અંતિમ ક્ષિતિજ છે. પછી નાનપણ રહેતું નથી. ફક્ત સુખ રંગબેરંગી બની જાય છે.

મૂર્ખતારેખા અને કમીનારેખાની નીચે જીવી રહેલા કેટલાક અપુંસક અને હિસાબી અર્ધપુરૂષોની ભાષામાં છોકરી 'હૂંડી' છે અને છોકરો 'હિમાન્ડ ડ્રાફ્ટ' છે અને એ સમજે એવી ભાષામાં કહીએ તો એ પિતા કોઈ દેવાળિયા બેન્ક પરનો 'પોસ્ટ કેટેડ ચેક' છે...

વિકૃતિ, સંસ્કૃતિ, પ્રકૃતિ... ફીલિંગ, ઈમોશન... સુખ, દુઃખ, અસુખ... સંપન્ન, વિપન્ન... મરેલા ભાઈની કબર, પુત્રની લાશ, સંતાનનું પ્રથમ દર્શન... અને આ બધાથી દૂર નાની છોકરીઓ અને નાના છોકરાઓનું વિશ્વ... માણસ કેવું પ્રાણી છે?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.