એ પત્નીઓ, અને એમનું નમકીન, પ્રવાહી, સેક્સી લાવણ્ય...

10 Jun, 2016
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC:

ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ કહેતા કે દેશના રાજદૂતની પત્ની સુરૂપી, સ્માર્ટ, ચાર્મિંગ હોવી જોઈએ, કારણકે એ પણ દૂતની સાથે સાથે દેશનું પ્રતિનિધત્વ કરે છે. એ ભારતીય પણ હોવી જોઈએ અને આધુનિકા પણ હોવી જોઈએ. આવી સ્ત્રીની મારી વ્યાખ્યા સ્પષ્ટ છે : એ વાઈન પીતી પીતી ભગવદ્ગીતા વિશે બોલી શકે, ચોપસ્ટીક્સથી સ્વીટ એન્ડ સાવર ફિશ ખાતી ખાતી રવીન્દ્રનાથ ટાગોરની કવિતાઓ સમજાવી શકે, આંખોથી હસીને વિદેશીને હિંદુસ્તાન આવવા લલચાવી શકે! આજે નેહરુની હિદાયત અપ્રસ્તુત નથી, પણ એ વિશે ઉદાસીનતા છે. સરદાર મનમોહન સિંઘ આજે પ્રધાનમંત્રી છે અને એમના વિદેશમંત્રી કે. નટવરસિંહ (કંવર નટવરસિંહ) છે, અને કંવરસા’બ ચોવીસે કલાક એવું મોઢું રાખી શકે છે કે હમણાં જ કોઈને કરડીને આવ્યા હોય! દુનિયાના પ્રમુખ દેશોના વિદેશમંત્રીઓ હંમેશાં પ્રસ્તુત્ય (પ્રેઝન્ટેબલ), સૌમ્ય, સહજસ્મિત, શાલીન હોય છે, અને શરૂનાં 17 વર્ષો પંડિત નેહરુ સ્વયં દેશના વિદેશમંત્રી હતા. જ્યારે હિંદુસ્તાન પાસે કંઈ જ ન હતું, ત્યારે નેહરુએ દુનિયાભરમાં હિંદુસ્તાનને મહાસત્તાકક્ષાની પ્રતિષ્ઠા અપાવી હતી...! એ નેહરુનો ચાર્મ હતો, ચમત્કાર હતો.

આજે પણ વિશ્વના રાજકારણના ફલક પર દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીની પત્ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઇંગ્લંડના પ્રધાનમંત્રી ટોની બ્લેરની પત્ની ત્યાંની બહુ સફળ બેરિસ્ટર છે, અમેરિકામાં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની પત્ની વિશ્વવિખ્યાત છે. એ પણ મોટી વકીલ છે, ન્યૂ યોર્ક રાજ્યથી ચૂંટાયેલી સેનેટર છે, અને ‘લિવિંગ હિસ્ટરી’ પુસ્તકની લેખિકા હિલેરી રોધેમ ક્લિન્ટન છે! અમેરિકામાં રાષ્ટ્રપતિ થવું હોય તો શરીર ચુસ્ત જોઈએ, અને પત્ની મસ્ત જોઈએ, એવી એક રમૂજી ફોર્મ્યુલા છે! પત્નીને જાહેરમાં ચુંબન કરતો ફોટો છાપામાં કે દૃશ્ય ટીવી પર આવવું જોઈએ, તો અમેરિકન જનતા સમજે છે કે એમનું લગ્નજીવન સુખી છે! પત્ની જો ગુડ્ઝ ટ્રેઈનના ચોથા ડબ્બા જેવી હોય તો કોઈ અમેરિકન નેતા ચૂંટાઈ શકે નહીં. ગુજરાતમાં જો પત્ની ગુડ્ઝના છઠ્ઠા કે સાતમા ડબ્બા જેવી હોય તો એ નેતાની પ્રગતિની ઝડપ વધી જવાની મજબૂત સંભાવના છે....

મુરારિદાસ હરિયાણીએ આપણને રામની એટલી બધી સારી સારી વાર્તાઓ કહી દીધી છે કે હવે કોઈ પુરુષ દુશ્ચરિત્ર હોય એવી કલ્પના જ થઈ શકતી નથી. આપણા ગુજરાતના નેતાઓનાં ટાઈટ ચારિત્ર્યોનો આપણને ગર્વ છે. પણ ફ્રાંસના નેતાઓનું એવું નથી. ફ્રાંસમાં રાષ્ટ્રપતિ ઝાક શિરાક 71 વર્ષના છે, અને ભવિષ્યમાં એમની સામે ભીડી જનાર, ચેલેન્જ કરનાર, સ્પર્ધી નિકોલસ સારકોઝી 49 વર્ષના છે. રાષ્ટ્રપતિ શિરાકની પત્ની બર્નાડેટ રઈસ પરિવારની છે, પેરિસના પ્રસિદ્ધ ફ્રેંચ સામયિક ‘પેરિસ-મેચ’માં આ વિશે ચર્ચા, ઈન્ટરવ્યૂ છે. પત્ની બર્નાડેટ પતિની તારીફ કરતાં કહે છે કે ઝાકની સેક્સલાઈફ રંગીન છે અને ‘રેપ્યુટેશન ફૉર મિસ્ટ્રેસીસ’ (સુ-મિત્રાઓ માટેની સુપ્રસિદ્ધિ)ના શીર્ષક નીચે એ કહે છે કે કોઈ સ્ત્રી ઝાકનો વિરોધ ન કરી શકે! સામે હંગેરિયન રક્તનો ફ્રાંસનો અર્થમંત્રી સારકોઝી છે, એની સ્પેનિશ રક્તની બીજી પત્ની સીસીલીઆ છે, જે એના મધ્યવયસ્ક ટીવી કલાકાર પતિને છોડીને સારકોઝીને પરણી છે. સારકોઝીની પણ આ બીજી પત્ની છે. સીસીલીઆને પતિ વિશે પૂછ્યું, એણે કહ્યું : એ જબરો ચાર્મર (સ્ત્રીઓને ઘાયલ કરી નાંખે એવો ) છે, પણ અત્યારે એ સંપૂર્ણ મારો, અને મારો જ છે! સારકોઝી ઠીંગણો છે, એની દાદી યહૂદી છે, પણ એની પારદર્શક આંખો ખતરનાક છે, એ એની ડિવૉર્સી માતા માટે મોટો થયો છે. સારકોઝીની પત્ની સીસીલીઆમાં બહુ નમકીન, પ્રવાહી, સેક્સી લાવણ્ય છે, ફ્રેંચ મતદાતાઓને ઝુમાવી દે એવું...

ગ્રીસના પ્રધાનમંત્રીની પત્ની નતાશા કેરેમેનલીસનું શરીર મૉડલ જેવું સપ્રમાણ, સૌંદર્ય જીવલેણ, અને ચર્મ ભૂમધ્ય સમુદ્રના તડકામાં પુખ્ત થયેલો છે! ગ્રીક સ્ત્રીઓની વિષકન્યાઓ જેવી કાતિલ ખૂબસૂરતી રાજ્યકર્તાઓને હંમેશાં નચાવતી રહે છે. ‘નેવર ઑન અ સન્ડે’નું વિશ્વપ્રસિદ્ધ ગીત ગાનારી, હોલિવૂડની સેક્સી એક્ટ્રેસ મેલિના મરક્યૂરી ગ્રીસના મંત્રીમંડળમાં સંસ્કૃતિમંત્રી હતી! ગાંધીનગરમાં સંસ્કૃતિમંત્રી કોણ છે, મિસ્ટર મોદી?

લેટિન અમેરિકાની સ્પેનિશભાષી નેતાઓની પત્નીઓ અત્યંત સ્વરૂપવાન અને અત્યંત મહત્વાકાંક્ષી હોય છે. આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ વાન પેરોનની પત્ની એવિટા એક દંતકથા બની ગઈ છે. એ તદ્દન ગરીબ પરિવારમાંથી આવતી હતી, બ્યુટી ક્વીન કે સૌંદર્ય-સામ્રાજ્ઞી બની, રાષ્ટ્રપતિ પેરોનને પરણી, એ એના ગરીબ ભૂતકાળને ભૂલી નહીં, અને ‘ખમીસ વિનાના’ (સ્પેનિશમાં ‘ડેસકેમીડોસ’) લોકોના હક માટે સંઘર્ષ કરતી રહી. કદાચ જવાનીમાં 33 વર્ષે એ અવસાન પામી હતી, એને ઘાતક કેન્સર થયું હતું. પણ એવિટા સિંહાસનની પાછળ અને આગળ, અને રાજકારણથી ઉપર, જનતાના દિલોમાં એક દેવી બની ગઈ હતી. કોફીનમાં સૂતેલો એનો ચહેરો એટલો જ ખૂબસૂરત લાગતો હતો જેટલો જિંદગીમાં હતો. આ જ કક્ષાની બીજી એક અત્યંત સ્વરૂપવાન અને અત્યંત મહત્વાકાંક્ષી સ્ત્રી ફિલીપીન્સના તાનાશાહ માર્કોસની પત્ની ઈમેલ્ડા માર્કોસ હતી, જે હજી જીવે છે. એનું રક્તબીજ પણ સ્પેનિશ છે! એ એણે પોતાને માટે ભેગાં કરેલાં 3000 જોડી શૂઝ (જૂતાં) માટે મશહૂર થઈ ગઈ હતી. એ પણ ફિલીપીન્સની સૌંદર્યસ્પર્ધાની બ્યુટીક્વિન હતી, અને ફર્ડીનાન્ડ માર્કોસને પરણી હતી.

મેક્સિકોના રાષ્ટ્રપતિ વિન્સેન્ટ ફોક્ષની પત્ની માર્ટા શાહગુન દ ફોક્ષ મેક્સિકોની ‘ફર્સ્ટ લેડી’ છે, અને એને લોકો માર્ટીટા કહે છે. 1970માં એ મેન્યુઅલ ગોડોય નામના જાનવરોના ડૉક્ટરને પરણી, ત્રણ સંતાનો થયાં, સન 2000માં છૂટી પડી ગઈ, 2001માં રાષ્ટ્રપતિ ફોક્ષને પરણી, અને આ બંનેએ પોતપોતાનાં લગ્નોના ડિવૉર્સ લીધા ન હતા. માર્ટીટાએ ‘વામોસ મેક્સિકો’ (‘લેટ્સ ગો, મેક્સિકો’) નામની સંસ્થા સ્થાપી, જેનું મુખ્ય કામ ગરીબોની તકલીફો દૂર કરવાનું હતું. માર્ટીટા આર્જેન્ટીનાની એવિટાના માર્ગે જઈ રહી છે, અને 2006ના રાષ્ટ્રપતિ નિર્વાચનમાં ઊભી રહેવા માગે છે. મેક્સિકો એના પ્રથમ ‘પ્રેઝીડેન્ટા’ (સ્ત્રી-રાષ્ટ્રપતિ) માટે તૈયાર થઈ રહ્યું છે. ‘વામોસ મેક્સિકો’ શબ્દો, લેબલો, સ્ટીકરો લગભગ દરેક સાઈકલ, દરેક સ્કૂલબસ, દરેક થેલા ઉપર લગાડેલાં મળે છે. માર્ટીટા લેટિન અમેરિકાની સ્પેનિશભાષી અત્યંત ખૂબસૂરત, અત્યંત મહત્વાકાંક્ષી સ્ત્રીઓની પરંપરામાં છે.

એક ઈટાલીઅન કહેવત છે કે જેને અત્યંત ખૂબસૂરત પત્ની હોય અને દુશ્મનો મળી રહે છે! ગુજરાતના મુખ્યમંત્રીઓ, જીવરાજ મહેતાથી નરેન્દ્ર મોદી સુધીના મુખ્યમંત્રીઓ, આ બાબતમાં કિસ્મતવાળા હતા, અને છે! દુશ્મનો નથી.

ક્લૉઝ અપ :

મેં ઑર્ડર આપી દીધા છે કે રાષ્ટ્રીય કટોકટી હોય ત્યારે મને ગમે ત્યારે જગાડી દેવો, કેબિનેટની મિટિંગમાં હોઉં તો પણ!

- પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન

(આ લેખ વર્ષ 2004માં પ્રકાશિત થયો હતો)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.