સ્ત્રી : અન્યાયબોધની પરંપરા
શ્રીમતી ઇન્દિરા ગાંધીને અંગ્રેજ પત્રકારોએ પૂછ્યું કે અમારે તમને શું સંબોધન કરવું, અને શ્રીમતી ગાંધીએ તરત કહ્યું : સર! શ્રીમતી ગાંધી કહેતાં કે સ્ત્રી એ પુરૂષની જૂનામાં જૂની કૉલોની કે ઉપસંસ્થાન છે. પુરુષ વિધુર થાય તો એના વિશે કોઈ કવિતા લખતું નથી પણ હિન્દી કવિ નિરાલાએ વિધવા વિશે લખ્યું છે:
દુઃખ રૂખે-સુખે અધર ત્રસ્ત જીવન કો
વહ દુનિયા કી નઝરોં સે દૂર બચા કર
રોતી હૈ અસ્ફૂટ સ્વરમેં
દુઃખ સુનતા હૈ આકાશ ધીર
નિશ્ચલ સમીર
સરિતા કી વે લહરેં ભી ઠહર-ઠહર કર....!
સંસ્કૃતમાં નાટકનું નામ પણ ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ હોય છે, અભિજ્ઞાન દુષ્યન્તમ્ નથી. સ્ત્રીને થતો અન્યાય લગભગ એક સ્વીકૃત પરંપરા છે, જગતના ઘણાખરા સમાજોમાં.
અલ્જિરિયાથી અફઘાનિસ્તાન અને ઈરાનથી સુદાન સુધીના પૂરા ઈસ્લામિક વિશ્વમાં સ્ત્રીએ શું પહેરવું, કેટલી મર્યાદા રાખવી, વાળ ઢાંકવા કે નહીં વિશે સખ્ત સામાજિક-ધાર્મિક નિયમો છે, જેને કોઈ ઈસ્લામી સરકાર સ્પર્શ કરી શકતી નથી. નાઈજિરિયાના ઉત્તરમાં શરીઆ ન્યાયાલયો છે જે સ્ત્રીને દુશ્ચરિત્ર માટે કોડાના ફટકાઓ અને પથ્થરો મારી મારીને ખતમ કરે છે. ઈજિપ્તમાં પતિ વિદેશ હોય અને સંતાન થાય તો એને નાગરિકત્વ અપાતું નથી, કારણ કે નાગરિક અધિકાર માત્ર મર્દો જ આપી શકે છે. ઘણાખરા આરબ દેશોમાં પાસપોર્ટ લેવો હોય કે વિદેશપ્રવાસ કરવો હોય તો પિતા, પતિ કે પાલક પુરૂષની સ્પષ્ટ અનુમતિ વિના એ શક્ય નથી. સાઉદી અરબમાં મહિલા દ્વિચક્રી વાહન કે સાઈકલ કે મોટરકાર ચલાવી શકતી નથી, કારણ કે કાનૂનન નિષેધ છે. મધ્ય એશિયાના કિરગીઝસ્તાનમાં પત્ની ગર્ભવતી હોય કે એને એક વર્ષથી નાનું સંતાન હોય તો તલાક આપી કે લઈ શકતી નથી. યમનમાં સરકારી કાયદો છે કે સ્ત્રીએ પુરુષના તાબેદાર થવું, એની સાથે સહશયન કરવું અને એની રજા વિના ઘરની બહાર નીકળવું નહીં. સ્વાઝીલેન્ડમાં પરણેલી સ્ત્રી કાનૂનની દૃષ્ટિએ નાબાલિગ કે માઈનોર ગણાય છે.
સ્ત્રી પર પ્રતિબંધો અમુક ગૈર-ઈસ્લામી દેશોમાં પણ વત્તા-ઓછા પ્રમાણમાં છે. વેનેઝુએલામાં એવો કાયદો છે કે પુરુષ જો પોતાની પરિચિત સ્ત્રીને રેપ કરે અને એને સજા થાય એ પહેલાં જો એ પરણી જાય તો પુરુષને સજા થતી નથી. કોંગોમાં સ્ત્રીને જો બેન્કમાં ખાતું ખોલાવવું હોય કે નોકરી લેવી હોય તો પતિની રજા લેવી જરૂરી છે. યુગાન્ડાની અમુક જાતિઓમાં પુરુષને એના બધા જ મરેલા ભાઈઓની પત્નીઓ ‘વારસા’માં પત્નીઓ તરીકે મળે છે. કુવૈતમાં સ્ત્રીઓને હજુ મતદાનનો અધિકાર નથી. થાઈલેન્ડમાં દેશની આંતરિક આવકનો 14 ટકા હિસ્સો વેશ્યાલયો અને સેક્સ-ઉદ્યોગ દ્વારા આવે છે.
અને 20મી સદીના ઉત્તરાર્ધમાં સ્ત્રીઓની પ્રગતિ પણ અમર્યાદ થતી રહી છે. આજે દેશની રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી તરીકે સ્ત્રી કેટલાક દેશોમાં છે અને એ દેશોનાં નામો : સેનેગાલ, ફિનલેન્ડ, લાતાવિયા, બાંગ્લાદેશ, ફિલિપિન્સ, ઈન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ! અને જે દેશોમાં સ્ત્રી પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ તરીકે આવી ચૂકી છે એ દેશોનાં નામો : આઈસલેન્ડ, ઈંગ્લંડ, નોર્વે, ઈઝરાયલ, હિન્દુસ્તાન, શ્રીલંકા, પાકિસ્તાન! સ્ત્રીની પ્રગતિ અને વિગતિ, બંનેના છેડાઓ આત્યંતિક છે....!
સ્ત્રીને અન્યાયબોધ થવો પરંપરાએ સ્વીકારેલી એક સામાન્ય સ્થિતિ છે. ઇતિહાસમાં પંડિતરાજ જગન્નાથની ઘટના છે. મુઘલ શાહજાદા દારા શિકોહને સંસ્કૃત શીખવવા આંધ્રપ્રદેશથી વારાણસી આવીને વસેલા પંડિતરાજ જગન્નાથને દારાને શીખવવા માટે દિલ્હી દરબારમાં આવવા આમંત્રણ આપ્યું. ત્યાં જગન્નાથને એક મુસ્લિમ સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો, પરણ્યા અને અત્યંત વિરોધી હવામાનમાં પણ અટલ રહ્યા. અંતે જીવનના અંતિમ દિવસોમાં ‘ગંગાલહરી’ લખી. કહેવાય છે કે જગન્નાથ અને એમની ‘યવન’ પત્ની કાશીમાં ગંગા નદીને કિનારે પગથિયાં પર બેસી ગયાં. કવિરાજ એક એક પદ ગાતા રહ્યા અને ગંગામૈયાનું પાણી એકએક પગથિયું ચડતું ગયું. ‘ગંગાલહરી’નું પઠન શેષ થયું અને ગંગામાં બંનેની જલસમાધિ થઈ ગઈ. સંસ્કૃતમાં પ્રકાંડ પંડિતની ભાર્યાનો આ અંત આવ્યો. દક્ષિણના તિરુપતિના ભગવાન વ્યંકટેશ્વર અને એમની પત્ની પદ્માવતી વિશે બધાને ખબર છે. પણ એમને બીવી નાન્ચારી નામની એક મુસ્લિમ પત્ની હતી, અને એને માટે એક જુદું મંદિર છે....!
સ્ત્રીને થતા અન્યાયની પરંપરા કદાચ મહાભારતનાં કેટલાક પ્રમુખ સ્ત્રીપાત્રોની સંવેદનાઓ અને યાતનાઓથી શરૂ થાય છે. રાજા શાન્તનુની પત્ની સત્યવતી પોતાના જ જીવન દરમિયાન કેટલાં સ્વજનોનાં અવસાનો જુએ છે? પતિ શાન્તનુ, પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય અને પૌત્ર પાંડુ! પુત્ર વેદવ્યાસ કદાચ અંતિમ આશ્રય હતો. અંતે વિરક્ત થઈને સત્યવતી તપોવનમાં ચાલી જાય છે. ગાંધારીનો વિષાદયોગ પ્રસિદ્ધ છે. જીવનભર આંખ ઉપર પટ્ટીઓ બાંધીને અંધ પતિ સાથે જીવનયાપન કરવું એ પ્રથમ વિષમતા હતી. બધાં જ સંતાનો મૃત્યુ પામે છે, અને નિશ્ચલ ગાંધારી પુત્ર દુર્યોધનને વિજયના આશિષ પણ આપતી નથી.
કુંતી મહાભારતનું એક અત્યંત મહત્ત્વપૂર્ણ પાત્ર છે. કૌમાર્ય દરમિયાન જન્મેલો કર્ણ કુંતીને અંત સુધી એક કસક આપે છે અને સપત્ની માદ્રીના પુત્રો સહદેવ અને નકુલને એ પોતાના ગણીને રાખે છે. શ્રી કૃષ્ણની માતા દેવકીનાં સાત સંતાનોની મામા કંસ દ્વારા હત્યા થાય છે. કારાવાસમાં વાસુદેવ અને દેવકીને અમાનવીય યંત્રણાઓ સહન કરવી પડે છે. પણ એ શ્રી કૃષ્ણ જેવા ઈતિહાસપુરૂષ અને યુગપુરુષની માતા છે. દ્રૌપદીએ સહન કરેલા અન્યાયબોધથી સંપૂર્ણ મહાભારત છલકી રહ્યું છે. હિંદુધર્મનાં બે આદર્શતમ સ્ત્રીપાત્રો : સીતા અને દ્રૌપદી, જીવનભર સંઘર્ષરત રહે છે. યંત્રણાઓ અને યાતનાઓ, ક્રમશઃ સતત આવતી રહે છે. કદાચ માટે જ એ ભારતીય નારીના આદર્શો છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે....
(આ લેખ લખાયાને એક દાયકાથી પણ વધુ સમય થઈ ગયો છે.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર