સત્ય એ છે... કે નથી, અને નથી એ જ સત્ય છે...
બે પુસ્તકો, બે વિરોધી વિચારધારાઓ, એક જ વિષય, અશ્રદ્ધાને શ્રદ્ધામાં પલટાવી શકે એવાં એકબીજાનાં પૂરક, ધીરગંભીર અને સરળ, મૃત્યુને જીવનના અંતરંગ અંશ રૂપે સ્થાપિત કરતાં. એકનું નામ : ‘વ્હેન યૂ લૂઝ સમવન યૂ લવ : અ જર્ની થ્રુ ધ હાર્ટ ઑફ ગ્રીફ’, જેને ચાહો છો એને ખોઈ દો છો ત્યારે : વિષાદયોગની યાત્રા... અને બીજું : ‘અ જર્ની હેન્ડ ઈન હેન્ડ : સેલિબ્રેટિંગ ઑલ ધ વે’, હાથ મિલાવીને કરેલી યાત્રા : ઉત્સવોત્સવ ! પ્રથમ પુસ્તકની લેખિકા છે સુઝન સ્ક્વેલાટી ફ્લોરેન્સ, બીજું પુસ્તક ઓશો રજનીશના કેટલાક વિચારો છે. બંનેમાં કેન્દ્રસ્થાને છે જીવન, પ્રેમ, મૃત્યુ. અત્યંત ગંભીર વાત અત્યંત સહજ ભાષામાં બંને પુસ્તકોમાં કહેવાઈ છે. આ ‘યાત્રા’ પુસ્તકોમાંથી પસાર થઈ ગયા પછી વાચકની પોતાની યાત્રા, પથ અને પાથેય, ‘હોતા હૈ જાદા-પૈમાં અબ કારવાં હમારા’, ‘સનસેટ એન્ડ ઈવનિંગ સ્ટાર’, બધું જ ઊમડતી આંધીની જેમ મગજમાં છવાઈ જાય છે...
લેખિકા સુઝન ફ્લોરેન્સ લખે છે : જેને પ્રેમ કરો છો એનો દેહાંત થાય છે ત્યારે આપણા પોતાના સ્વનો પણ એક ટુકડો મરી જાય છે. તૂટન શરીરની હોય છે. એ મૃત્યુ સ્વીકારવા માટે સમય અને એક હજાર આંસુઓ જોઈએ છે. તમારાં આંસુ પવિત્ર જલ છે. સંવેદનામાં આપણે બધા જ જોડાયેલા છીએ... તમે બંને એકબીજામાં ખોવાઈ ગયેલાં બે વૃક્ષો જેવાં હતાં. ( કયું પાંદડું કોનું હતું?)
સત્ય એ છે... કે નથી, અને નથી એ જ સત્ય છે...
તારી દુનિયા અને મારી દુનિયા હવે બે અલગ દુનિયાઓ થઈ ગઈ છે. પણ વેદના સેતુ બાંધી આપે છે. ગુજરતો સમય હવે હૃદયની ધબકને લયબદ્ધ કરી રહ્યો છે. જીવન જે આપે છે, અને જીવન જે લઈ લે છે, એ સ્વીકારવાની યોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે. લેખિકા સુઝન ફ્લોરેન્સે બહુ નાનાં નાનાં વાક્યોમાં બહુ મોટાં મોટાં સત્યો કહી દીધાં છે. મિત્ર અને સાહિત્યપ્રેમી દિનકરભાઈ પારેખનો આ પુસ્તક મને આપવા માટે આભાર માનું છું, એટલા માટે કે હું થોડો નિર્ભાર થઈ રહ્યો છું....
ઓશો રજનીશની દુનિયા જુદી છે, એ સેલિબ્રેશનમાં માને છે, ઉત્સવમાં, ઓચ્છવમાં, હાથ પકડીને, કદમ મિલાવીને, ઉત્સવોત્સવ કરતા રહેવાનું છે. અને એ જ યાત્રા છે, અથથી ઈતિ સુધીની. કદાચ એમની વિચારધારામાં ઈતિ અને અથના અર્થોની પણ અદલાબદલી થઈ ગઈ છે. તર્ક કરીને સુખની માનસિકતા સર્જવાની વાત છે.
ઓશો રજનીશ તર્ક દ્વારા શ્રદ્ધા સુધી જવાના ઉત્સવમાર્ગી છે, અને સ્વાભાવિક રીતે જ પ્રેમ નામના તત્ત્વના સમર્થક છે. એ લખે છે : જિંદગી જે પણ લાવે છે એ બધું જ બરાબર છે. દર્પણની આ જ તાસીર છે. કંઈ સારું નથી, કંઈ ખરાબ નથી, બધું જ દૈવી છે. સ્વીકારી લો જીવનને જેવું છે એવું... સ્વીકારી લેવાથી આનંદ થશે, અકારણ આનંદ. જો આનંદ માટે કારણ હશે, તો એ આનંદ લાંબો નહીં ટકે. જ્યારે આનંદને માટે કારણ નહીં હોય તો એ આનંદ શાશ્વત હશે.
પ્રેમ રજનીશ-દર્શનમાં કેન્દ્રસ્થાને રહે છે. બધી જ યાતનાઓ પી જાઓ અને બધા જ આશીર્વાદો વરસાવી દો. પ્રેમ અને અહં બે જુદા છે. પ્રેમ ઝૂકે છે, અહં ટટાર રહે છે. પ્રેમ આપીને ખુશ થાય છે, અહં લઈને ખુશ થાય છે. વહેંચાતો નથી ત્યારે પ્રેમ વિષાદી બની જાય છે.
બંને પુસ્તકોમાંથી એક ઊપજ સપાટી પર આવી જાય છે. પ્રેમ જીવનનો આધાર છે. મૃત્યુ એ પ્રેમની ભૌતિક સમાપ્તિ છે, એક અવધિનું અંતિમ બિન્દુ છે. મૃત્યુ અલગાવ લાવે છે, જુદાઈ લાવે છે, જે જુદાઈ ક્રમશઃ વધતી રહે છે. અને ઉષ્માની ઉત્કટતા ધીરે ધીરે ઠંડી પડતી જાય છે. બંને પુસ્તકો પ્રેમ અને મૃત્યુને બહુ જ નજીક લાવીને લખાયાં છે. જીવન અને પ્રેમનો પાર્થિવ સંબંધ જોઈ, અનુભવી, જીવી શકાય છે, પણ મૃત્યુ અને પ્રેમનો સંબંધ હૃદયસ્થ બની જાય છે. જીવન અને પ્રેમનો સંબંધ સામે દેખાતા સરોવરના હાલતા પાણી જેવો છે, મૃત્યુ અને પ્રેમનો સંબંધ આકાશના વાદળમાં રહેલા ભેજ જેવો છે...
જ્યાં સ્વર નથી, જ્યાં ખામોશી છે, ત્યાં પારદર્શક સંવેદના પ્રેમનો પર્યાય બની જાય છે. ફૂલના મૃત્યુ પછી શું રહી જાય છે? રંગ અદૃશ્ય થઈ જાય છે, આકાર ગાયબ થઈ જાય છે, ફક્ત ખુશ્બૂ, ફક્ત મહેક રહી જાય છે, અને એ ખૂશ્બુની યાદ આવતી રહે છે. ખુશ્બૂની યાદનું એક દર્દ હોય છે. જે દેખાતી નથી એ આંખો કહી રહી છે, હું ચાલી ગઈ છું. નહીં આવું ફરીથી, ક્યારેય, પણ તું બહાદુર છે, થોડું રડવાનું શીખી જાય, માય લવ...
ધ્વનિ, ભાષા, શબ્દ, સ્વરની હવે કોઈ જરૂર નથી. સંશય અને સમાધાનની હવે કોઈ જરૂર રહી નથી. જીવવાનું વજન ભૂતકાળમાં ડૂબાડી દીધું છે. વિશ્વાસની ધાર પર જીવી શકાય છે. દિવસો મહિનાઓમાં બદલાતા જાય છે. આત્માના સૌંદર્ય માટે પ્રેમ શબ્દ બહુ નાનો પડી જાય છે. મને ખબર પડી રહી છે કે મૌન એ શાંતિ નથી, મૌનની અશાંતિ શારીરિક બનતી જાય છે. તેં મને એક ભરપૂર જિંદગી આપી દીધી, અને તારી જિંદગીને બુઝાતી જોવાનું મારા કિસ્મતમાં હતું. મને ભૂલવાનો, વિસ્મૃતિનો આશીર્વાદ મને નથી. બાકી જિંદગી યાદોનો ગુબાર ઊઠતો રહેશે. મારી સવાર શરૂ થઈ જાય છે, યાદોથી.
મારો પહેલો જન્મદિવસ આવશે, લગ્ન પછીનો, તારી સાથેનો, જ્યારે હું નહીં હોઉં તારી સાથે. કેલેન્ડરનાં પાનાં સૂર્યના ઉદયઅસ્ત પ્રમાણે ફરતાં નથી. સાંજે તું શું કરીશ સાંજે થોડી તકલીફ પડે છે? તારી સાથે, મારે માટે દર અઠવાડિયે એકાદ દિવસ તો મારો જન્મદિવસ જ હતો. આપણે હોટલમાંથી ડિનર લઈને પાછા આવતાં હતાં. આપણો ડ્રાઈવર બૈજુ મારી તરફનો દરવાજો ખોલીને દર વખતે કહેતો હતો : મંમી! જરા સંભાલ કે... અને તું આવીને મારો હાથ પકડી લેતો હતો. ડ્રાઈવર બૈજુ કારની હેડલાઈટ્સ ઓન રાખતો હતો, અને એ હેડલાઈટ્સના પ્રકાશમાં આપણે હાથ પકડીને આપણા બીજા માળ તરફ જતા હતા... તું શું કરશે, મારા આ જન્મદિવસે? બોલ ને.
સવાર પડે છે, તારા અવાજ વિનાની, અને કિચનની નાની બત્તી, જે તું એટલા માટે જલાવતી હતી કે મને ડિસ્ટર્બ ન થાય, હવે કોઈ જલાવતું નથી. હું ઊઠું છું, સ્વિચ ઓન કરું છું અને જિંદગી રિ-વાઈન્ડ થવા માંડે છે. હું તને રોજ સવારે ‘જય શ્રી કૃષ્ણ’’ બોલતો હતો, વર્ષોથી, દક્ષિણ આફ્રિકાથી પાછો આવ્યો હતો એ દિવસથી, કેટલાં... 18 વર્ષો થઈ ગયાં? હવે મનમાં જ બોલી લઉં છું, અને એનો વિસ્ફોટ મારા આખા શરીરમાં ફેલાઈ જાય છે, અને મને કેમ એવું જ લાગ્યા કરે છે કે હું ‘શ્રી કૃષ્ણઃ શરણં મમ’ બોલી ગયો છું...? ખબર નથી પડતી, પણ હું મરીશ ત્યાં સુધી તું મારામાં જીવતી રહેશે. ક્યારેક છાતીમાં જરા દર્દ જેવું થાય છે, અને એ વાતની ખુશી થાય છે. કેમ? બાથરૂમમાં જઉં છું અને આયના ઉપર તેં ચોંટાડેલી બિન્દી હજી એમ જ છે. તને ગુસ્સો કરતો હતો. હવે નહીં કરું. એ જોઉં છું. બંધ બાથરૂમમાં એકલો હોઉં છું ત્યારે ઝળઝળિયાં આવી જાય છે, ક્યારેક, અને તારી બિંદી બરાબર દેખાતી નથી.
ચાલ, ચા પી લે, ઠંડી થઈ રહી છે.
ક્લૉઝ અપ :
શમ્આ હર રંગ મેં જલતી હૈ સહર હોને તક - ગાલિબ
(અર્થ : મીણબત્તી સવાર થતાં સુધીમાં બધા જ રંગોમાં જલતી રહે છે.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર