ગુજરાતના વિરાટ ઉદ્યાનનું અભિન્ન અંગ દાઉદી ગુલશન

22 May, 2015
12:00 AM

mamta ashok

PC:

વહોરા હિન્દુ જાતિઓમાંથી આવ્યા છે એ વિષે મતાંતર નથી.

વહોરા તવારીખ કહે છે કે ઈજિપ્ત પર સુન્ની તુર્કોનું આક્રમણ આવ્યું ત્યારે સુન્ની અત્યાચારથી બચવા શિયા પ્રજા દક્ષિણ અરબસ્તાનના યમનમાં આવી. યમન વેરાન પ્રદેશ હતો એટલે એ શિયા ધર્મગુરૂઓ સમુદ્રમાર્ગે ખંભાત આવ્યા. એવી માન્યતા છે કે આ બે ધર્મગુરૂઓ આરંભમાં હિન્દુ બન્યા (ભારતીય ઈતિહાસમાં ખ્રિસ્તી ધર્મગુરૂ રોબર્ટ દ’ નોબીલી બ્રાહ્મણ બનીને વર્ષો સુધી દક્ષિણમાં રહ્યાનાં પ્રમાણો છે.) હિન્દુ બનેલા બંને વહોરા ધર્મગુરૂઓએ ફરી મુસ્લિમ થઈને ધર્મપરિવર્તન કર્યા. શરૂમાં પછાત જાતિઓનાં પરિવર્તન થયાં.

શિયા અને સુન્ની મતાંતર વહોરા ઇતિહાસનો એક ભાગ છે. અમદાવાદના વહોરા પર સુન્ની ઔરંગઝેબે અત્યાચાર કર્યા હતા અને કેટલાક અમદાવાદને ‘છોટે કરબલા’ પણ કહે છે. ત્યાં શહીદોની સમાધિઓ છે. વહોરા દાઈ (ધર્મગુરૂ) સૈયદના કુત્બુદ્દીનને સુન્ની પંથ ન સ્વીકારવા બદલ ઔરંગઝેબના અમદાવાદના સૂબેદારે કતલ કર્યા હતા!

દાઉદી વહોરાઓના મુખ્ય ધર્મગુરૂને ‘દાઈ’ અથવા ‘સૈયદના’ કહેવાય છે. અત્યાર સુધી 51 દાઈ થઈ ચૂક્યા છે અને અત્યારે બાવનમા દાઈ અથવા વડા મુલ્લાજી તરીકે સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન તખ્તનશીન છે. એમના પહેલાં 51મા દાઈ હતા સૈયદના તાહેર સૈફૂદ્દીન. જે 1910માં ગાદીએ આવ્યા હતા.

સૈયદનાની દાઈ સંસ્થાને સમજ્યા વિના દાઉદી વહોરાઓની સમાજવ્યવસ્થા સમજી શકાય નહીં. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતભરનાં છાપાંઓમાં વહોરા સમાજકારણના વાદવિવાદના સમાચારો છપાતા રહે છે અને સમાજકારણમાં રાજકારણ ઊતરી ચૂક્યું છે. શાંતિપ્રિય વહોરા જાતિમાં વાદ-પ્રતિવાદ, પક્ષ-વિપક્ષ આવી ગયા છે.

દાઈનું પ્રતિષ્ઠાન સુરતમાં હતું, આજે પણ છે. અત્યારે મુંબઈમાં હોર્નબી રોડ પર બદલી મહલમાં સૈયદનાની ઑફિસ અથવા પ્રતિષ્ઠાન છે. મલબાર હિલ પર સૈફી મહલમાં સૈયદના પરિવારના લગભગ 182 સદસ્યો રહે છે. એમના પરિવારના પુરૂષ સભ્યોને ‘ભાઈસાહબ’ અને સ્ત્રીઓને ‘બાઈસાહબ’નું સંબોધન કરવામાં આવે છે. 51મા દાઈ સૈયદના તાહેર સૈફુદ્દીનને ચાર પત્નીઓ અને એકવીસ સંતાનો હતાં, જેમાં 14 પુત્રો હતા. આ 14માંના એક અત્યારના સાંપ્રત સૈયદના છે, જેમને એક પત્ની છે. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન 1960 પછીના સમયથી ગાદી પર છે.

દાઈ સંસ્થા પુરાણી છે. આજથી 130 વર્ષ પહેલાં જાતિની સૌથી શિક્ષિત વ્યક્તિને દાઈ બનાવવામાં આવતી, પણ 47મા દાઈ પછી આ સંસ્થા પરિવારના વારસામાં આવતી ગઈ. હવે એક જ કુટુંબમાંથી ધર્મના વડા બનતા હોય છે. આજથી લગભગ 800 વર્ષ પહેલાં 21મા ઈમામ મૌલાના તૈયબ છ વર્ષની વયે ગુપ્તવાસમાં ગયા હતા. એવી માન્યતા છે કે આ ઈમામના વંશજ એક દિવસ પ્રકટ થશે ત્યારે દાઈ એમની સત્તા અને સંપત્તિ એમને સોંપી દેશે. 1915 સુધી ધર્મગુરૂઓ રૂપિયાનો વહીવટ કરતા ન હતા.

આ ધર્મવ્યવસ્થાના સર્વોચ્ચ શિખરે સૈયદના બિરાજે છે. એમના પછી માઝુન આવે છે જે એક વ્યક્તિ હોય છે. ત્રીજે નંબરે મુકાસિર છે, એ પણ એક જ વ્યિક્ત હોય છે. આ સિવાય આમિલ કે મુલ્લા કે અન્ય પેટા અધિકારીઓ આવતા રહે છે. વહોરા પ્રજાજનો ખાસ પ્રસંગે સૈયદનાની હાજરીમાં ત્રણ વાર સિજદા કરતા હોય છે. ‘મિસાક’ નામની એક પ્રથામાં દરેક વહોરાએ વફાદારીના શપથ લેવા પડે છે. જન્મ, લગ્ન, દફનવિધિ બધા ઉપર વડા મુલ્લાંજીનું આધિપત્ય હોય છે. દુનિયાભરના વહોરાઓ જે કરઅનુદાન આદિ આપતા હોય છે એમાંથી કરોડો રૂપિયાની આવક પ્રતિવર્ષ થતી રહે છે જે વહોરા સમાજના જરૂરતમંદ વર્ગોની મદદ માટે વપરાય એવો આશય છે.

અને એમાં જ આધુનિક સુધારકોના વિરોધનો આરંભ થાય છે. સુધારકોના મુદ્દાઓ છે: ધર્મની વ્યક્તિગત જીવનમાં આટલી દખલ ન હોવી જોઈએ, જે કરોડોનાં ફંડો એકત્ર થાય છે એનો હિસાબ રહેવો જોઈએ વગેરે. ધર્મચુસ્ત વર્ગની દલીલ પણ એટલી જ સંગીન છે: વહોરાઓ જેવી અત્યંત નાની જાતિમાં જો આ પ્રકારની સમૂહ-સહાયની વ્યવસ્થા અને સંચાલન ન હોત તો જાતિની આટલી આર્થિક પ્રગતિ થઈ શકી હોત? બંને પક્ષોની દલીલો અને તર્કવિતર્ક ઉગ્રતા સુધી ક્યારેક પહોંચ્યાં છે, હિંસક ઘટનાઓ પણ બની છે. નથવાણી કિમશને રિપોર્ટ પણ આપ્યો છે - પણ એ બાબતો આ પિરચય લેખનો વિષય નથી.

પાકિસ્તાનનું સર્જન થયું ત્યારે દાઈનું પ્રતિષ્ઠાન ક્યાં રાખવું એ ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો. સૈયદના સૈફૂદ્દીને નિર્ણય લીધો હતો કે આ સ્થાન ભારતમાં રાખવું જોઈએ. આ એક મહત્ત્વનો નિર્ણય હતો. પાકિસ્તાનમાં સૈફી ડેવલપમેન્ટ કોર્પોરેશને કરોડો રૂપિયા નાખ્યા છે. ત્રણ મોટા ઉદ્યોગ-ઘરાનાઓ એ વખતે હતા. વલીકા ગ્રુપ ફોજમાં સામાન સપ્લાય કરતું. જે પાકિસ્તાન ચાલ્યું ગયું. ત્યાં જ્યારે જ્યારે લશકરી શાસન આવ્યું ત્યારે વલીકાને ફાયદો થયો. પછી ભુત્તોએ આ ઘરાનાને પીસી નાખ્યું.

શેખ સરફઅલી મિલવાલા ઘરાના પણ પાકિસ્તાનમાં મોટા ઉદ્યોગો ધરાવે છે. મિલવાલા ગ્રુપ બાંગ્લાદેશમાં પણ છે. આઝાદી પૂર્વે કહેવાય છે કે, વલીકા અને મિલવાલા જિન્નાહની સાથે જ હવાઈ જહાજમાં પાકિસ્તાન ગયા હતા. ત્રીજું મહત્ત્વનું ગ્રુપ છે અફઘાનસ્નોના મશહૂર ઉત્પાદક પાટણવાલા, પણ એ પાકિસ્તાન ગયા નહીં. એ ભારતમાં જ રહેવાનો નિર્ણય લઈ ચૂક્યા હતા.

વહોરા જાતિએ ઉદ્યોગ-વેપારને ક્ષેત્રે ઘણી નામાંકિત વ્યક્તિઓ પેદા કરી છે. આદમજી પીરભાઈના પરિવારે નેરળ-માથેરાન રેલવે બાંધી હતી. એમની સખાવતો, દુકાળપીડિતોની સહાય, દીર્ઘદૃષ્ટિ કોઈ પણ ગુજરાતીને ગર્વ આપે એવાં છે. સર આદમજી પીરભાઈથી શરૂ કરીને આજના મુંબઈનાં ઘર ઘરમાં જાણીતા અકબરઅલીના ડિપાર્ટમેન્ટ સ્ટોર સુધી સેંકડો વહોરા પરિવારોએ ધંધાને કુનેહ અને મહેનતથી વિકસાવી જાણ્યો છે. અબ્દુલ તૈયબ મસ્કતી ધંધાક્ષેત્રે એક મોટું નામ છે.

પણ વહોરા જાતિ વ્યવસાય સિવાય અન્ય ક્ષેત્રોમાંય હવે આગળ આવતી રહી છે. ભારતના રાજનીતિક ઈતિહાસમાં બદરૂદ્દીન તૈયબજી એક સન્નિષ્ઠ નામ છે અને દેશભક્તોની સૂચિમાં એમનું નામ ઊંચું છે. એ સુલેમાની વહોરા હતા. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પક્ષીવિશારદ સલીમ અલી સુલેમાની વહોરા છે. કાયદાની દુનિયામાં જસ્ટીસ કાજીનું નામ મશહૂર છે. આજના મહારાષ્ટ્રના ગવર્નર સાદિક અલી પણ ઉદયપુર તરફના દાઉદી વહોરા છે અને એમને જાતિ બહાર મૂકેલા છે. ભારતના બીજા હિંદી ગવર્નર સર અકબર હૈદરી હૈદરાબાદના સુલેમાની વહોરા છે. દારેસલામ યુનિવર્સિટીના ચાન્સેલર સર અબ્દુલ કરીમ યુસુફઅલી જીવણજી વહોરા હતા અને આફ્રિકન શિક્ષણક્ષેત્રે એમનું માનભર્યુ સ્થાન હતું.

કટોકટી દરમિયાન કુખ્યાત બનેલા ચિત્રકાર એમ.એફ. હુસેન ભારતના પ્રથમકક્ષ ચિત્રકાર છે અને ઈન્દૌર તરફના સુલેમાની વહોરા છે. બીજા એક ચિત્રકાર તૈયબ મહેતા દાઉદી વહોરા છે. મુંબઈના પ્રસિદ્ધ આંખના નિષ્ણાત ડૉ. બદરૂદ્દીન મસ્કતી પણ દાઉદી છે. ગુજરાતી વાર્તાકાર મોહમ્મદ માંકડના મુકાબલાના લેખકો ગુજરાતીમાં બહુ ઓછા છે - એ સુન્ની વહોરા છે.

ગુજરાતી શાયરીમાં અબ્બાસભાઈ રાસી ‘મરીઝ’ નામાંકિત છે અને ગુજરાતી ભાષાના આશિકો ‘મરીઝ’ના કલામ પર ફિદા છે. મરીઝની જેમ શાયરીમાં બીજું એટલું જ પ્યારું નામ છે સૈફ પાલનપુરી. નાટકની દુનિયામાં કૈયુમભાઈ પિત્તળવાળાની એક જુદી મસ્તી હતી.

અને એક નામ - નોમાનભાઈ કૉન્ટ્રેક્ટર! વહોરા સુધારકોના આ નેાત એમની નિષ્ઠા અને ધ્યેયસાધના માટે હવે ભારતભરમાં જાણીતા થઈ ચૂક્યા છે. અસગરઅલી એન્જિનિયર અંગ્રેજી પત્રકારત્વની દુનિયામાં મજબૂત થઈ ચૂકેલું નામ છે.

વહોરા જાતિએ ગુજરાતી સંસ્કૃતિને ઘણું આપ્યું છે - એમની વસતીના પ્રમાણમાં ઘણું વધારે. ધર્મનો ઈતિહાસ જગતભરમાં વાદપ્રિતવાદ પેદા કરતો રહ્યો છે અને વહોરા જાતિ જેવી સંપન્ન અને શિક્ષિત જાતિમાં એ થાય એમાં અસ્વાભાવિક બહુ નથી. એક નવી વહોરા પેઢી આવી ચૂકી છે. ડૉક્ટર ગુલાબ અબ્બાસ મહંમદભાઈ રંગવાલા મુંબઈ યુનિવર્સિટીમાં 1976માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા હતા... અને મરિયમ જેતપુરવાલાએ મુંબઈ ટેલિવિઝન પર પ્રથમ કક્ષાના કેટલાક ગુજરાતી કાર્યક્રમો આપ્યા એ હજી ગઈકાલની વાત છે.

દાઉદી ગુલશન ગુજરાતના વિરાટ ઉદ્યાનનું એક અંગ હંમેશાં રહ્યું છે.

(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.