વહોરા (ભાગ એક)

15 May, 2015
08:11 AM

mamta ashok

PC:

દુનિયામાં વહોરાઓની વસતી દસ લાખ જેટલી છે. જોકે એક માહિતી પ્રમાણે દુનિયામાં સાત લાખ વહોરા છે. આમાં 40 ટકા અર્થાત્ ચાર લાખ વહોરા વિદેશોમાં છે. આ ચાર લાખમાં પાકિસ્તાનના એક લાખ જેટલા આવી જાય છે. વિદેશોમાં પાકિસ્તાન સિવાયના દેશ-પરદેશોમાં પૂર્વ આફ્રિકા, ગલ્ફના આરબ દેશો હોંગકોંગ, સિંગાપુર, ઇંગ્લેન્ડ, અમેરિકા, થાઈલેન્ડ વગેરે પરદેશોમાં જે વહોરા વસ્યા છે એમાં કચ્છ તરફના વિશેષ છે. પાકિસ્તાનમાં વહોરા વસતીનાં કેન્દ્ર છે કરાંચી, રાવલપિંડી અને ક્વેટા. ભારતમાં વહોરાના મુખ્ય કેન્દ્રો ગોધરા, રાંદેર, કાઠિયાવાડના વિસ્તારો અને મુખ્યત્વે મુંબઈ, ઉદયપુર અને ઈન્દોર બીજા મહત્ત્વપૂર્ણ કેન્દ્રો છે. હૈદરાબાદમાં પણ વહોરાની વસાહત છે જે ગુજરાતી ભાષી નથી. ઉદયપુરમાં ગુજરાતી વહોરાઓનું પ્રમાણ સારું છે, પણ એમની ભાષા હિન્દી છે. જે સ્વાભાવિક છે. બાંગલાદેશમાં પણ એક હજાર જેટલા વહોરા સ્થાયી થયા છે.

ગુજરાતની વ્યાપારી મુસ્લિમ જાતિઓમાં મુખ્ય છે : વહોરા ખોજા અને મેમણ. વર્ષ 1891ના વસતીપત્રક પ્રમાણે ગુજરાતમાં બે પ્રકારના મુસ્લિમો હતા. પ્રથમ જે બહારથી આવ્યા હતા - સૈયદ, શેખ પઠાણ અને મુગલ. બીજા બે હિન્દુ જાતિઓમાંથી ધર્મપરિવર્તન થવાને કારણે મુસ્લિમ બન્યા - મેમણ, વહોરા, ખોજા વગેરે. 1891માં ગુજરાતી મુસ્લિમ વસતી 11 લાખ 13 હજાર અથવા કુલ વસતીના 10.07 ટકા હતી! આમાં વહોરાવસતી 1 લાખ 42 હજાર જેટલી. એ પછીનાં એંસી જેટલાં વર્ષોમાં વહોરાવસતી વધી છે, પણ આમાં ધર્માંતર નથી. હિન્દુઓમાંથી વહોરા બનવાની પ્રવૃત્તિ દાયકાઓ પહેલાં જ અટકી ગઈ છે.
હિન્દુસ્તાનમાં બહુ ઓછી જાતિઓ એવી છે જેમનો 40 ટકા જેટલો વર્ગ પરદેશમાં હોય. વહોરા મુખ્યત્વે વેપારી કોમ છે. વ્યવસાય-બુદ્ધિ એમનામાં સહજ છે. જેને કારણે એ ટકી શક્યા, ફેલાયા અને પુષ્કળ આર્થિક પ્રગતિ પણ કરી. સ્ત્રીશિક્ષણ પણ અન્ય મુસ્લિમોની તુલનામાં પ્રમાણમાં વધારે છે. બહુમતી વહોરા ઈસ્માઈલિયા ધર્મશાખાના શિયા છે, પણ પાછળથી વહોરાઓમાં ચાર પેટાજાતિઓ થઈ જે જાફરી, સુલેમાની, ચીલિયા અને નાગોશી નામે ઓળખાય છે. શિયા વહોરાઓનો બહુ મોટો વર્ગ જેમને આપણે ઓળખીએ છીએ એ દાઉદી વહોરા છે અને મુખ્યત્વે એ ગુજરાતી છે. દાઉદી વહોરા લોટિયા તરીકે પણ ઓળખાય છે કારણ કે જૂના જમાનામાં એમની પાઘડીનો આકાર લોટા જેવો હતો. જૂના પુસ્તકમાં આ શબ્દનો ઉલ્લેખ પણ મળે છે.

વહોરાઓ પ્રસિદ્ધ છે એમનાં ઘરો માટે. ઘરમાં ફર્નિચર ઉમદા હોય છે. આર્થિક દૃષ્ટિએ લગભગ સુખી હોવાથી એમનાં ખાનપાનમાં વૈભવ ઠાઠ છે. સો વર્ષ પહેલાંનાં વર્ણનોમાં પણ આ વિશે નોંધ લેવાઈ છે. કહેવત પણ છે કે વહોરાનો માલ રોડામાં જવાનો... એટલે કે ઘર તૂટે ત્યારે ઈંટ પથ્થર, રાચરચીલું આ બધું મળવાનું. વહોરા જાતિ દરિયો ખેડનારી છે. વાણિયો કસર કરીને કમાઈ લે, વહોરા કસર કરીને લઈ આવે. એવા અર્થની એક કહેવત છે : વહોરો દુનિયા ખેડીને જે કમાઈ લાવે એટલું વાણિયો કંજૂસાઈ કરીને ભેગું કરી લે! બિઝનેસ મેનેજમેન્ટના ક્લાસમાં જઈને વહોરા જુવાનો બિઝનેસ શીખતા નથી. જરૂર પણ નથી. એમના રક્તમાં જ બિઝનેસની સૂઝ અને સમજદારી છે. એ દૂરનું ભવિષ્ય જોઈને આજની બાજી માંડી શકે છે અને દુનિયાના ગમે તે હવામાનમાં પણ એમના હાથમાં જીતની બાજી જ હોય છે.

સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ કોઈ પણ પ્રજાના મિજાજની તાસીર સમજવી હોય તો બે વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ : એમનો ખોરાક અને એમની સ્ત્રીઓ! વ્હોરા સ્ત્રીઓનાં સૌન્દર્યમાં અન્ય જાતિની સ્ત્રીઓનાં સૌન્દર્ય કરતાં જે જુદાઈ છે એમની નજાકત અથવા કમનીયતા, ઉચ્ચવર્ગની ચમક, સ્વચ્છ ઓલીવ રંગની મુલાયમતા! અન્ય ગુજરાતી સૌન્દર્ય કરતાં એમનું સૌન્દર્ય આ રીતે જૂદું પડે છે. પરિવારની અંદર જ લગ્ન અને વર્ષોનું સુખી જીવન તથા સુખી જીવનની બેફામ કુટેવોથી દૂર રહી શકવાની એમની આંતરિક શક્તિ આનાં કારણો હશે. અવાજનું માધુર્ય પણ ધ્યાનાકર્ષક હોય છે જેમાંથી ખાનદાની ખુશબૂ આવતી રહે છે.

વહોરા શબ્દ ક્યાંથી આવ્યો? વહોરા પણ નાગરની જેમ બહારથી આવેલા છે અને અહીં આવીને ગુજરાતી બન્યા છે? આ વિષે મતૈક્ય નથી અને જુદાં જુદાં પ્રમાણો તેમજ આધારો આપવામાં આવે છે.

ભાષાશાસ્ત્રીઓ વહોરાઓની ઉત્પત્તિ એમની બોલાતી ભાષા પરથી શોધવા પ્રયત્ન કરે છે. એક માન્યતા એવી છે કે વહોરા નાગરોમાંથી પરિવર્તન થયેલા છે. હું એ માનતો નથી કારણ કે નાગરોના ઉચ્ચારો બહુ જ સ્પષ્ટ અને અતિ શુદ્ધ છે, જ્યારે વહોરાની ગુજરાતી ભાષામાં એક જુદી જ લાક્ષણિકતા છે. એ નાગરોમાંથી આવ્યા હોત તો એમની ભાષા આવી તદ્દન જુદી ન હોત!

વહોરા બહારથી આવીને અહીં સ્થાયી થયા છે અને ઘણાખરા હિન્દીભાષી પ્રદેશોમાંથી મધ્યકાળમાં ગુજરાતમાં આવીને મુસ્લિમ બન્યા હશે. વહોરા ‘ટ’ ને બદલે ‘ત’ અને ‘ત’ સ્થાને ‘ટ’ બોલે છે. (દા.ત. ‘તમારું’ ને ‘ટમારું’ અને ‘ટટ્ટાર’ને ‘તતાર’) આજ રીતે ‘ઢ’ ને સ્થાને ‘ધ’ અને ‘ધ’ને બદલે ‘ઢ’ બોલે છે. (દા.ત., ‘ઢગલો’ને ‘ધગલો’ અને ‘બધા’ને ‘બઢા’). આ ખાસિયત ઉચ્ચારશાસ્ત્ર (ફોનેટીક્સ)ની દૃષ્ટિએ અભ્યાસ માગી લે છે. કારણ કે દુનિયાની બહુ ઓછી પ્રજાઓ એક અક્ષરનો બીજો ઉચ્ચાર કરે છે અને બીજા ઉચ્ચારને ફરીથી મૂળ અક્ષર પ્રમાણે બોલે છે! તાલબદ્ધ ઉચ્ચારો - ટ, ઠ, ડ, ઢ, ણ વહોરાઓની વિશેષતા છે.
આ સિવાય ‘ણ’ ને ‘ન’, ‘ડ’ ને ‘ર’, ‘ળ’ને ‘લ’ કે ‘શ’ને બદલે ‘સ’ બોલાય છે. હિંદી અસર વિશે ભાષાની દૃષ્ટિએ જોતાં સ્પષ્ટતા થાય છે. ‘સ્કૂલ’ને ‘ઈસ્કૂલ’ બોલાય છે જે ઉત્તર ભારતીય રીતનું ઉચ્ચારણ છે. વ્યાકરણની દૃષ્ટિએ પણ ઉત્તરની અસર સાફ દેખાય છે. ‘હું એ કીડું’ ‘તું’ અથવા મેં કહ્યું હતું. ‘મેં સૈફીથી વાટ કીઢી’ મૂળ હિંદી ‘મૈંને સૈફી સે બાત કી’ના અનુવાદ જેવું લાગે છે. ભાષા ઉચ્ચારણ અને વ્યાકરણમાં વહોરા જાતિનાં મૂળ ઉત્તર તરફનાં દેખાય છે.

વોરા અટક ગુજરાતી હિંદુઓમાં છે અને એ ઘણાખરા વેપારીઓ છે. ઉત્તર ભારત તરફ અને ખાસ કરીને રાજસ્થાનમાં ‘બોહરા’ અટક પ્રચલિત છે. ઉડીસામાં ‘બેહરા’ છે. રાજસ્થાનમાં ‘બ્યોહાર’ અને ગુજરાતમાં ‘વ્યવહાર’ વપરાય છે જે વેપારના પાયામાં છે ગુજરાતી શબ્દ ‘વહોરવું’ પણ વહોરાની પાછળ હોય એમ અનુમાન છે. રાજસ્થાનથી ગુજરાત આવીને ધીરધારનો વ્યવસાય કર્યો હોય એ શક્યતા છે.

કાઝી શાહબુદ્દીનનું અનુમાન છે કે ફારસી શબ્દ ‘બહિર’ પરથી વહોરા શબ્દ આવ્યો હશે. બહિર એટલે વ્યાવસાયિક પણ થાય. કહેવાય છે કે યમનમાં એક ગામ હતું. જેનું નામ હતું ‘બહરીનાહ’ જે વહોરા ધર્મપ્રવર્તક અબ્દુલ્લાનું જન્મસ્થાન હતું.

(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતા કેટલાક આંકડા જે-તે સમયના છે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.