વંદેમાતરમ્ : ધરતીમાતાની વંદનાનું ગીત

28 Jul, 2017
12:01 AM

ચંદ્રકાંત બક્ષી

PC: bhmpics.com

હવેથી સંસદનાં બધાં જ સત્રોના આરંભમાં ‘વંદેમાતરમ્’ ગવાશે અને અંત ‘જનગણમન...’થી થશે. મહારાષ્ટ્રી વિધાનસભામાં આ જ પરંપરા છે અને આ જાહેરાતે એક ચર્ચા છંછેડી દીધી. મુસ્લિમોના કેટલાં લીડરોએ કહ્યું કે મુસ્લિમ અલ્લાહ સામે જ ઝૂકે છે, બીજા કોઈ સામે નહિ. આજકાલ વંદેમાતરમ્ ગીત ફરી સમાચારમાં છે. વિશ્વનાં સૌથી વધુ લોકપ્રિય ગીતોના સર્વેક્ષણમાં વંદેમાતરમ્ બીજા નંબરે રહ્યું છે. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ની વર્લ્ડવાઈડ સર્વિસ દ્વારા થયેલા આ સર્વેક્ષણમાં આયર્લેન્ડનું રાષ્ટ્રગીત પહેલા નંબરે રહ્યું છે.

સંસદસત્રના પ્રારંભે વંદેમાતરમ્ ગાવા સામેના મુસ્લિમોના વિરોધ અંગે હિંદુ પ્રતિક્રિયા સ્વાભાવિક હતી, નમ્રથી તીવ્ર સુધીની. હિંદુ પ્રિતપ્રશ્નો આવતા ગયા. વંદેપિતરમ્ હોય તો ગરદન ઝુકાવશો? ભારતમાતાની મૂર્તિ હશે તો? તમારાં માતા, પિતા, ગુરુની સામે ગરદન નહિ ઝુકાવો? રાજા, નવાબ, સુલતાન, પાદશાહના દરબારોમાં ગરદન ઝુકાવવા સિવાય બીજું કર્યું છે શું? મુસ્લિમ પુલિસ અફસર કે ફૌજી સિપાહી અને ઉપરીને સલામ નહિ કરે? જર્મનીનો મુસ્લિમ, અમેરિકાનો મુસ્લિમ, ચીનનો મુસ્લિમ કહી શકશે કે હું ધરતીમાતા સામે કે રાષ્ટ્રગીત સામે નહિં ઝૂકું?

ઈંગ્લેન્ડમાં કે અમેરિકામાં દરેક જગ્યાએ લખેલા ખ્રિસ્તી ‘ઈન ગોડ વી ટ્રસ્ટ’માં હું માનતો નથી, હું એનો અસ્વીકાર કરું છું એવું ત્યાંનો ઈંગ્લીશ કે અમેરિકન મુસ્લિમ નાગરિક કહી શકે છે? 89 ટકા પ્રજા 11 ટકા પ્રજાને ખુશ રાખવા માટે ભારતવર્ષ, ભારતમાતા અને વંદેમાતરમને પણ ભૂંસી નાંખશે?

નમ્રતમ પ્રતિક્રિયા એ હતી કે હિંદુ-મુસ્લિમ ભાઈભાઈની વાત આપણે ન ભૂલવી જોઈએ, હિંદુ મોટો ભાઈ છે અને મુસ્લિમ નાનો ભાઈ છે માટે આપણે મુસ્લિમ ભાઈઓની લાગણીઓને સાચવી લેવી જોઈએ. તીવ્રતમ પ્રતિક્રિયા એ હતી કે જો ભારતમાં રહેવું છે તો ભારતમાતા સામે ઝૂકવું પડશે અને વંદેમાતરમ્ બોલવું પડશે, નહિ તો તમારે માટે અરબ સાગર છે, બંગાળનો ઉપસાગર છે, હિંદી મહાસાગર છે, આ ધરતી પર તમારો હક નથી.

આવા તર્કવિતર્ક બંને તરફ આત્યંતિક છે અને સમર્થન યોગ્ય નથી.

વંદેમાતરમનો રક્તરંજિત ઈતિહાસ છે, જે જનગણમન... કરતાં વધારે ઈમોશનલ છે. વંદેમાતરમને રાષ્ટ્રગીત તરીકે ન સ્વીકારવા પાછળ કોંગ્રેસી નેતાઓની કાયરતા, બેવફાઈ, સ્વાર્થવૃત્તિ જવાબદાર છે, નહિ તો આ એ ગીત હતું, જે ગાતાં ગાતાં ખુદીરામ બોઝથી ભગત સિંહ અને રાજગુરુ સુધીના ક્રાંતિકારીઓની પેઢીઓ ફાંસી તખ્તે લટકી ગઈ હતી.

ઑગસ્ટ 14, 1947ની રાતે, આઝાદીની ક્ષણે, રાષ્ટ્રપતિ ભવનમાં જનગણમન... વાગતું હતું અને ઑલ ઈન્ડિયા રેડિયો પર વંદેમાતરમ્ ગવાતું હતું. જાન્યુઆરી, 25 1950ના દિવસે પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે જનગણમન... રાષ્ટ્રગીત બનશે અને વંદેમાતરમને એ જ દરજ્જો આપવામાં આવશે. 1946માં નેતાજીની આઝાદ હિંદ ફૌઝના કેટલાક અફસરો ગાંધીજીને મસૂરીમાં મળ્યા હતા ત્યારે ગાંધીજીએ કહ્યું હતું : ‘જયહિંદ તો ઠીક હૈ, પર વંદેમાતરમ્ ન ભૂલના...!’ એ દિવસોમાં નેતાજી સુભાષે આપેલો નારો ‘જયહિંદ’ અત્યંત લોકપ્રિય થઈ ચૂક્યો હતો. રાષ્ટ્રગીત નક્કી કરવા વિશે કોઈ ચર્ચા થઈ નહોતી, પણ એક કમિટીએ જનગણમન... નક્કી કર્યું હતું. એ કમિટીના સભ્યો હતા : નેહરુ, પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, આંબેડકર અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી.

જનગણમન... રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવા પાછળ મુસ્લિમોને ખુશ કરવા સિવાય બીજું પણ એક કારણ અપાયું હતું કે એમાં વાદ્યકરણ કે ઓર્કેસ્ટ્રેશન વધારે ફાવે એવું હતું. વંદેમાતરમ્ સંસ્કૃતમાં છે, જનગણમન... બંગાળીમાં છે. વંદેમાતરમ્ માં ચાર પંક્તિ છે, જેમાંથી પ્રથમ જ ગવાય છે, જનગણમન... માં પાચ પંક્તિઓ છે અને એમાં પણ પ્રથમ જ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારાઈ છે. વંદેમાતરમ્ પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો, દીવાલો પર વંદેમાતરમ્ લખવા માટે હિંદુસ્તાનના જવાનોને જેલોમાં કાળી મજૂરીની સજાઓ થઈ છે.

1937માં મદ્રાસ સ્ટેટ એસેમ્બલીમાંથી મુસ્લિમ ધારાસભ્ય લાલજાને વૉકઆઉટ કર્યો હતો કારણ કે એસેમ્બલીકાર્યના શુભારંભરૂપે વંદેમાતરમ્ ગાવામાં આવ્યું હતું. જનગણમન... માટે મુસ્લિમ ધારાસભ્યે વૉકઆઉટ કર્યો હોવાનું સાંભળ્યું નથી. જોકે રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રગીત કે સંવિધાનની પ્રતોનું અપમાન થવું એ હિંદુસ્તાનમાં સ્વાભાવિક છે કેમ કે કેન્દ્રમાં કરોડરજ્જુ વિનાની સરકાર છે એ ગલીના ગુંડાને પણ ખબર છે.

રાષ્ટ્રગીત જનગણમન...ની તવારીખ વંદેમાતરમ્ કરતાં જરા જુદી છે. એવું માનવામાં આવે છે કે એ સૌ પ્રથમ ડિસેમ્બર 27, 1911ના કોંગ્રેસ અધિવેશનમાં ગવાયું હતું. 1912માં ‘ભારતવિધાતા’ શીર્ષક નીચે જનગણમન.... રવીન્દ્રનાથ ટાગોરના ‘તત્વબોધિની’ સામાયિકમાં પ્રકટ થયું હતું. 1919માં ટાગોરે એનો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ કર્યો હતો. પણ એક ચર્ચા જનગણમન... ને છોડતી નથી, 1912ના દિલ્હી દરબારમાં પાંચમા જ્યોર્જ આવવાના હતા એટલે ટાગોરે અંગ્રેજ સમ્રાટની પ્રશસ્તિરૂપે આ ગીત લખ્યું હતું?

ટાગોરે સ્વયં આ આરોપના ઉત્તરરૂપે 1935માં એક સ્પષ્ટતા કરી છે : જે લોકો મને એટલો બધો મૂર્ખ સમજે છે કે હું ચોથા કે પાંચમા જ્યોર્જ માટે પ્રશસ્તિગીત ગાવા માંડું એ લોકોને ઉત્તર આપવાની ચિંતા પણ કરવી એ હું મારું અપમાન સમજું છું.

જનગણમન... માં ભારતના ભાગ્યવિધાતા છે, રાજેશ્વર છે (રાજાઓનો ઈશ્વર), ચિરસારથિ છે, પથપરિચાયક અને દુઃખત્રાયક છે. એની સામે ગર્દન ઝુકાવવાની મુસ્લિમોને તકલીફ નથી. બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ‘આમાર સોનાર બાંગલા, આમિ તોમાય ભાલો બાસિ’ પણ ટાગોરનું લખેલું છે, એમાં શું આવે છે? ઓ મોં ! ફાલ્ગુને તોર આમેર બન ધ્રાણે પાગલ કરે... ઓ માં ! આધ્રાણે તોર ભરા ક્ષેત્રે આઈ કી દેખેછિ મધૂરા હાસિ... (ઓ માતા ! ફાગણ મહિનામાં તારા આમ્રકુંજ પાગલ કરી નાખે છે... ઓ માતા ! માગશરમાં તારાં મેદાનો ભરેલાં છે, હું શું જોઉં છું, મધુર સ્મિત...) આ રાષ્ટ્રગીત ગવાય છે ત્યારે બાંગ્લાદેશના મુસ્લિમ બિરાદરો ગર્વથી ગરદન ઝુકાવે છે, કારણ કે આમાર સોનાર બાંગલામાતાની વાત છે, પણ હિંદુસ્તાનના મુસ્લિમ બિરાદરો ‘વંદેમાતરમ્’ સાથે ગરદન ઝુકાવવા માગતા નથી.

શા માટે ? કદાચ હિંદુસ્તાનના મુસ્લિમો જગતના શુદ્ધતમ મુસ્લિમો છે એ કારણ હોય. કદાચ અલગતાવાદનો આ જ પ્રકાર હોય. કદાચ 11 ટકા લોકો માને છે કે હિંદુસ્તાનની લોકશાહીમાં 89 ટકાનું કોઈ મહત્ત્વ નથી, કદાચ અન્ય કોઈ કારણ હોય, જેની આપણને ખબર નથી...!

પાકિસ્તાનનું કૌમી તરાના કે રાષ્ટ્રગીત મેઈડ ટુ ઑર્ડર રાષ્ટ્રગીત છે અને એમાં પણ સુજલાં સુફલાં (સુ જલવાળી, સુ ફળવાળી ધરતી) જેવી વાત છે, જે વંદેમાતરમ્ માં છે. ‘પાક સરઝમીન શાદ બાદ, કિશ્વરે હસીન શાદ બાદ’ એ રાષ્ટ્રગીતની પ્રથમ લીટી છે. અર્થ : પાકિસ્તાનની ધરતી ખુશહાલ અને આબાદ રહે, આ ધરતીની કિશ્વર કે શાનોશૌકત આબાદ રહે ! દરેક રાષ્ટ્રગીતમાં ધરતીમાતાની વાત છે. ધરતીને તમે માતા ગણો છો કે નહિ એ બીજો પ્રશ્ન છે.

ક્લોઝ અપ :

મારો અવાજ મારી તરવારમાં જ છે...

શેક્સપિયર : ‘મેકબેથ’ નાટક : 5:8

(ગુજરાત ટાઈમ્સ : જાન્યુઆરી 10, 2003)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.