શું હોય છે લેખક પાસે? બસ, એક જ જિંદગી...

26 Aug, 2016
12:59 AM

ચંદ્રકાંત બક્ષી

PC: khabarchhe.com

પ્રથમ દૃશ્ય યાદ છે. ઉંમર કેટલી હતી યાદ નથી. કોલકાતાનો સત્યનારાયણ પાર્ક હતો, જે આજે નથી. આજે એક વિરાટ શૉપિંગ કૉમ્પલેક્સ ઊભું છે. વર્ષ કદાચ 1941નું હશે, લડાઈ પહેલાંના દિવસો હતા. પર્યુષણ વ્યાખ્યાનમાળા હતી અને અમે સાંભળવા જતા હતા. એક દિવસ અમૃતબજાર પત્રિકાના તંત્રી તુષાર કાન્તિ ઘોષ હતા, બીજે દિવસે ગાંધીવાદી દાદા ધર્માધિકારી હતા, ત્રીજે દિવસે કાકા કાલેલકર હતા. એ મેં જોયેલા પ્રથમ ગુજરાતી લેખક. સભા પછી એમના હસ્તાક્ષર લીધા હતા. એમણે હિંદીમાં આપ્યા હતા. યાદ આવે છે કે મેં પૂછ્યું હતું. હિંદીમાં? એમણે કંઈક ઉત્તર આપ્યો હતો, રાષ્ટ્રભાષા છે! એમના ઓટોગ્રાફમાં અક્ષરો પર હિન્દીની જેમ માથાં બાંધ્યાં ન હતાં, દરેક અક્ષર ખુલ્લા માથાનો હતો, ગુજરાતીની જેમ.

છેલ્લું દૃશ્ય, મુંબઈની ભાટિયા હૉસ્પિટલ, ત્રીજો માળ, જ્યાં હું બે વાર રહી આવ્યો છું. જ્યાં મોતનો રંગ સફેદ છે. હું મળવા ગયો હતો મિત્ર હરીન્દ્ર દવેને, જે અસ્વસ્થ હતા. હૉસ્પિટલનો બેડ, સવારનો સમય, કોઈએ કહ્યું કે ડૉક્ટર વિઝિટ પર આવશે. હાથ મિલાવ્યો, મેં પૂછ્યું : ઊંઘ આવે છે રાત્રે...? હરીન્દ્રએ અત્યંત મંદ સ્વરે લગભગ સ્વગત કહ્યું : નથી આવતી ! મારાથી ઔપચારિક પૂછાઈ ગયું : કેમ...? બહુ પેઈન થાય છે! પછી શું વાર્તાલાપ થયો, યાદ નથી. આ માણસના ચહેરા પરથી ચમકી ઊડી ગઈ હતી. એક મુર્દની ઘેરાઈ હતી એ હું જોઈ શકતો હતો. મને મોતની થોડી સમજ પડે છે. કદાચ મારી માતાનો વારસો છે. કોલકાતામાં અમારા ફેમિલી ડૉક્ટર મારી માતાને મરણાસન્ન દરદીઓ પાસે ઘણી વાર લઈ જતા અને પછી પૂછતા : ભાભી, તમને શું લાગે છે, કેટલો સમય કાઢશે? મારી બા બે, ચાર, છ કલાકથી અડતાલીસ કલાક જેવું અનુમાન કરતાં અને ઘણી વાર એ સાચાં પડતાં. શ્વાસનું શાસ્ત્ર માણસ અનુભવથી શીખે છે.

કાકા કાલેલકરથી હરીન્દ્ર દવે સુધી, 1941 સુધી, એક અર્ધ શતક સુધી, હું ગુજરાતી સાહિત્યનાં સર્વકાલીન મહાન નામોના વધતા-ઓછા સંપર્કમાં આવ્યો છું. એક પછી એક એ નામોનો કાફલો અતીતમાં ડૂબતો ગયો છે. જેમને મેં મારી જિંદગીમાં પાસેથી અથવા દૂરથી જીવતા જોયા છે, ઘણાની સાથે હું અંતરંગ પરિચયમાં આવ્યો છું એ નામો આજે નથી. કાકા કાલેલકર, કનૈયાલાલ મુનશી, ગુણવંતરાય આચાર્ય, ચંદ્રવદન ચીમનલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે, સુન્દરમ્, જયંતિ દલાલ, ગની દહીંવાલા, શૂન્ય પાલનપુરી, ઈશ્વર પેટલીકર, મરીઝ, પન્નાલાલ, પટેલ, સૈફ પાલનપુરી, સુરેશ જોષી, બરકત વિરાણી 'બેફામ', ઉમાશંકર જોશી, ચુનીલાલ મડિયા, વેણીભાઈ પુરોહિત, સારંગ બારોટ, જયંત ખત્રી, શિવકુમાર જોષી, સરોજ પાઠક, શેખાદમ આબુવાલા, કરસનદાસ માણેક, હરીન્દ્ર દવે, બધાં જ હયાત નથી. આ બધાએ ગુજરાતી ભાષાને અને સાહિત્યને અને સંસ્કારને એક શૃંગ પર મૂક્યાં છે. જીવતા માણસ પાસે માત્ર શરીર હોય છે. મૃત લેખક પાસે યશઃ શરીર હોય છે. આ નામો મર્ત્ય નથી, આ શરીરો મર્ત્ય હતાં. એક રંજિશ રહી ગઈ છે દિલમાં મારા, કે મેં ગુજરાતીમાં કેવાં મહાન નામોને જોયાં જ નથી, કારણ કે હું કોલકાતામાં હતો અને મારા જીવનમાં ગુજરાતી એક બીજી ભાષા જેટલી બિનમહત્ત્વની હતી. દૂરનાં છાપાંઓમાં હું વાંચતો રહ્યો, એક પછી એક મૃત્યુ વિશે : બ. ક. ઠા., નાનાલાલ, રામનારાયણ વિ. પાઠક, રમણલાલ વસંતલાલ દેસાઈ, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, કિશોરલાલ મશરૂવાલા, પંડિત સુખલાલજી...! મેં એમને જોયા નથી.

આજે મુંબઈનાં બજારોમાં અસ્મિતાના સોલ-સેલિંગ એજન્ટ્સ ઘૂમી રહ્યા છે. જેમને ત્રણ લીટીઓ સીધી ગુજરાતીમાં લખતાં આવડતી નથી એવા લોકો ગુજરાતી પત્રકારત્વમાંથી હજારો રૂપિયા નિચોવી રહ્યા છે. બારમા ધોરણના પ્રશ્નપત્રમાં ફેઈલ થઈ જાય એવા મનુષ્યો તંત્રીઓ છે. ધીરે ધીરે સાહિત્યને લુપ્ત કરી નાખવાનો પ્લોટ ઘેરો બનતો જાય છે. ટકે શેર ખાજાં વેચાય છે, પણ ગુજરાતી સાહિત્યમાં અને પત્રકારત્વમાં સવા ટકે શેર ભાજી વેચાય છે. કોઠા પર બેઠેલા તબલિયાની કક્ષાના માણસો સભાઓ અને સંમેલનો અને મુશાયરાઓનાં સંચાલન કરે છે. આજે ઉમાશંકર નથી, મરીઝ નથી, વેણીભાઈ નથી. કવિતાની એક રિયાસત ઊજડી ગઈ હોય એવું લાગે છે. જયંત ખત્રી અને જયંતિ દલાલ અને સુરેશ જોષીની વાર્તાઓ નથી. પન્નાલાલ અને મડિયાની નવલકથાઓ નથી. જ્યોતીન્દ્ર દવેની રમૂજ, ચંચીની નાટકસૂઝ, શૂન્ય અને બેફામના તરન્નુમ પણ નથી. કામચોર ઘાટિયાઓ એકબીજાનાં બહુમાનો કરીને, અથવા શોકસભાઓ અને સ્મૃતિસભાઓ ભરીને, છાપાંઓમાં ફોટાઓ છપાવીને છૂ... થઈ જાય છે. શેઠિયાઓને, નવી શક્તિવર્ધક ભસ્મોનું સેવન કરતાં હોય એમ સાહિત્યનું અને સાહિત્યકારોનું સેવન કરવાની આદત પડી રહી છે. ગુજરાતી શબ્દવિશ્વમાં મીડિઓક્રીટીની મોસમ છલકી રહી છે, ત્યારે એ સદ્દગત મુરબ્બીઓ અને મિત્રો યાદ આવી જાય છે. જે સાહિત્યને ગંભીર સમજતા હતા, અને આજીવન સર્જન કરતા રહ્યા હતા. ઝિન્દગી હોતી હૈ ચાર દિન કી યારોં....! બહોત હોતે હૈં ચાર દિન ભી, યારોં....!

કાકા કાલેલકરને બીજી વાર પી.ઈ.એન.ની અમદાવાદની સભામાં સાંભળ્યા ત્યારે સ્મૃતિભ્રંશ શરૂ થઈ રહ્યો હતો. આજોલના જ્ઞાનસત્રમાં કાકા કાલેલકર આવ્યા ત્યારે સ્મૃતિભ્રંશ સંપૂર્ણ હતો. સાહિત્યકારોની સભાને એ શિક્ષકોની સભા સમજીને પૂરું પ્રવચન શિક્ષણ પર આપી ગયા!

મુનશીના બહુ નિકટના પરિચયમાં હું આવ્યો નથી. એ મારે માટે પિતામહ જેટલા દૂર જ રહ્યા છે. કોલકાતાની વેલેસ્લી સ્કવેરની એક રાજકીય સભામાં એમને અંગ્રેજીમાં બોલતા સાંભળ્યા. ઠીંગણું શરીર, ઊંચી દીવાલની સફેદ ખાદીની ટોપી, અત્યંત ગોરી ચામડી, સાફ અવાજ. પછી 1961માં વિલેપાર્લેની ગુજરાતી સાહિત્ય પરિષદના એક સત્ર પછી રાત્રે અમે ટોળામાં ઊભા હતા અને મુનશી આવ્યા, દરેકને નમસ્કાર કર્યા. એમના હાથ પાર્કિન્સન્સ ડિઝીઝને કારણે સતત કાંપતા રહેતા હતા. જોકે સ્વર કાંપતો ન હતો. કોલકાતાથી આવીને હજી બરાબર સ્થાયી થયો ન હતો તે અરસામાં મુનશીનો મુંબઈમાં દેહાંત થયો ત્યારે ભારતીય વિદ્યાભવનની એમની શોકસભામાં સાત-આઠ વક્તાઓમાં એક હું પણ હતો. મેં એમના રસરુચિ વૈવિધ્ય વિશે વાત કરી હતી. મુનશીનું મૃત્યુ થયું ત્યારે અંગ્રેજ કવિ ટી.એસ. એલિયટના મૃત્યુ પણ એક કવિએ આપેલી અંજલિ યાદ આવી ગઈ : વાદળ પસાર થઈ ગયું અને ખાબોચિયું ખાલી થઈ ગયું...! મુનશીના અવસાનથી મુંબઈના ગુજરાતી સાહિત્યનું ખાબોચિયું ખાલી થઈ જવું સ્વાભાવિક હતું. મુંબઈ જેવા ભૌતિક ઉત્પાદનના નગરમાં બૌદ્ધિક સર્જન આટલું વિપુલ કરી શકાય એ પ્રેરણા મને મુનશીમાંથી મળી છે.

અમે ટ્રેનમાં કચ્છ માંડવી જઈ રહ્યા હતા ત્યારે જ્યોતીન્દ્ર દવે સહપ્રવાસી હતા. એમની રમૂજમાં ક્રમશઃ અશ્લીલતા વધતી જતી હતી કારણ કે અમારા જેવા શ્રોતાઓ હતા. એ સંસ્કૃતના અને ફિલસૂફીના જ્ઞાતા હતા - મને ઘણી વાર લાગ્યું છે કે જ્યોતીન્દ્ર દવેની કુશાગ્ર બુદ્ધિ પર રમૂજનું ટિન્ઝેલ છંટાઈ જવાથી એ બુદ્ધિ ઢંકાઈ જતી હતી. પછી એક નારસિસીઝમ અથવા સ્વપ્રેમભાવ ફૂટી નીકળ્યો અને કોશેટો પોતાના જ મોઢામાંથી નીકળેલા રેશમના તારના મોહમાં... રેશમનું ઘર બનાવીને અંદર બંધી થઈને મરી જાય છે. એમ જ જ્યોતીન્દ્ર દવેનું થયું. મોહભંગ થવાની એમની ઉંમર, હું મળ્યો ત્યારે ગુજરી ચૂકી હતી. છતાં પણ વિનોદ અને હાસ્ય પર એમણે આપેલું ગંભીર પ્રવચન હતપ્રભ કરી શકે એવું હતું.

જયંત ખત્રી સાથે પરિચય કઈ રીતે થયો એ આજે યાદ નથી. પણ અમે અંગ્રેજીમાં લાંબા લાંબા પત્રો લખતા હતા અને 1950ના દશકનાં અંતિમ વર્ષો હતાં. ખત્રી માર્કસિસ્ટ હતા અને હું માર્કસિસ્ટ હતો, એટલે અમારા પત્રોમાં ડાયાલેક્ટીક્સ વારંવાર આવી જતું હતું. અમે બંને ઘનિષ્ઠ મિત્રો બની જઈએ એવી ઘણી સમાનતાઓ હતી, જોકે એ મારાથી મોટા હતા. મારા સંતાનનો જન્મ થયો ત્યારે ખત્રીએ લખ્યું હતું કે સંતાનના જન્મ સાથે જ એક પિતાનો જન્મ થઈ જાય છે! અમારા પત્રોમાં વિશ્વભરનું સાહિત્ય અત્યંત સાહિત્યિક કક્ષાએ ચર્ચાતું હતું.

એ દિવસોમાં 1963માં વિલેપાર્લેમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાઈ અને ખત્રીએ અને મેં નક્કી કર્યું કે અમારે મળવું. એ કચ્છથી આવ્યા, હું કોલકાતાથી અને અમે લગભગ અઠવાડિયું સાથે રહ્યા. પહેલી વાર અને છેલ્લી વાર. ખત્રી બહુ ખુલ્લા મિજાજના ઈન્સાન હતા. સાહિત્ય પરિષદના મંચ પરથી પીતાંબર પટેલ લેખકોના પરિચય આપવા માટે નમો બોલતા હતા અને એ લેખકો મંચ પર હાજર થઈ જતા હતા. ત્રણ નામો આવ્યાં નહીં, અને એ ત્રણ આ ખુલ્લા અધિવેશનમાં છેલ્લે લગભગ અંધકારમાં બેઠા હતા : જયંત ખત્રી, સારંગ બારોટ અને ચંદ્રકાંત બક્ષી ! ખત્રી કહેતા જતા હતા. આ ગધેડા આપણો પરિચય આપશે?

એ પરિષદની એક જ ફલશ્રુતિ મારી પાસે છે, અમે પડાવેલો એક ગ્રુપ ફોટો. એ ફોટો પડી રહ્યા પછી મેં કહ્યું : ગ્રુપ ફોટોની ત્યારે જ મજા છે જ્યારે આમાંથી એકાદ ન હોય ! અમે બધા જ આવી બ્લેક હ્યુમર સહી શકીએ એટલા નિકટ હતા. એ ફોટામાં કેટલા લેખકો હતા? પાછળ ઊભેલા ઘનશ્યામ દેસાઈ, આગળ ક્રિકેટરની જેમ બેઠેલા મધુ રાય, વચ્ચે ખુરશીઓ પર અમે, એટલે કે જયંત ખત્રી, સારંગ બારોટ, હું. જયંત ગાંધી, મોહમ્મદ માંકડ, સરોજ પાઠક! આ સિવાય હીરાલાલ ફોકળીઆ અને જયંતીલાલ મહેતા અને શિવજી આશર હતા. બીજા હતા. આજે ખત્રી નથી, બારોટ નથી, સરોજ નથી, આજે એ ફોટો કીમતી બની ગયો છે.

ખત્રીને કેન્સર થઈ ગયું, પત્ર આવ્યો. એ વખતે મને કેન્સર વિશે બહુ સમજ ન હતી. મેં વિષાદભાવથી લખ્યું. ખત્રીનો ઉત્તર આવ્યો : સર્જક છું, લખ્યું છે અને જીવ્યો ચું, એટલે હવે નો રિગ્રેટ્સ! ફરગેટ ઈટ...! થોડા દિવસો પછી સમાચાર આવ્યા કે ડૉક્ટર જયંત ખત્રીનો દેહાંત થઈ ગયો છે. મુંબઈ આવ્યા પછી કચ્છમાં માંડવીમાં એમને ઘેર જઈને બેઠો ત્યારે મને સમજાયું કે એ વર્ષોમાં, એ માહૌલમાં, એ સમાજમાં ખત્રીએ કેવી સશક્ત વાર્તાઓ લખી હતી? ખત્રી આલા દર્જાના દોસ્ત હતા.

ગુણવંતરાય આચાર્યને એક જ વાર મળ્યો છું. આર.આર. શેઠની પ્રિન્સેસ સ્ટ્રીટની જૂની ઑફિસમાં આર્મ-ચેર પર ગુરુજી લેટેલા-બેઠેલા હતા અને હું અને સારંગ બારોટ એમની વાતો સાંભળી રહ્યા હતા. પડછંદ શરીર, પાછળનો કુર્તાવાળો હાથ ઊંચો કરીને, આચાર્યસાહેબ કંઈક વાર્તાનુમા કહી રહ્યા હતા. એમની એક દરબારી સ્ટાઈલ હતી, શ્રોતાને રસિક કરી મૂકે એવી. નવલકથા લખવાની એમની ઝડપ વિશે ઘણી કિંવદન્તીઓ સાંભળી છે. એમની આંખોમાં દરિયાલાલ દેખાતો હતો.

ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઊર્ફે ચંચી કોલકાતા આવ્યા. ખૂબ સરસ પ્રવચન આપ્યું. દૂરથી મુગ્ધભાવે જોયા. કારણ કે મુગ્ધાવસ્થા હતી. મારો દોસ્ત જીવરાજ એમને પત્ર લખતો. કોલકાતા આવો ત્યારે મારે ઘેર ચોક્કસ આવવાનું છે એમ આમંત્રણ આપતો રહેતો હતો. એક દિવસ ચંચી કોલકાતા આવ્યા. જીવરાજને ઘરે આવ્યા. હું પણ સેવામાં હાજર હતો. એમને બેસાડીને, સ્વસ્થ કરીને, મેં સ્વાભાવિકતાથી પૂછ્યું : સાહેબ, કોલકાતા કેવું લાગ્યું? ચંચી મારી સામે જોઈ રહ્યા રુક્ષતાથી, કોઈ છોકરાએ મસ્તી કરી હોય અને શિક્ષિકા જુએ એ રીતે. પછી બોલ્યા : કેવી લાગ્યું એટલે? કેવું લાગ્યું એટલે શું...? એમણે લગભગ ખખડાવતા સ્વરે મારી સાથે વાત કરી. હું સ્તબ્ધ થઈ ગયો. નાસ્તો થઈ ગયો, ચંચી ગયા. જીવરાજે હું કહું એ પહેલાં જ કહી દીધું : સાલો ચક્રમ લાગે છે! એક જ સેકંડમાં મને એ માણસની બધી જ ગઠરિયાં જુઠ્ઠી લાગી. ચંચી માટે મને જિંદગીભર માન ન થયું.

જયંતિ દલાલ કોલકાતા પ્રવચન માટે આવ્યા હતા. નાટક વિશે બોલ્યા. સભા અંતે પ્રશ્નોત્તરી થઈ. એમણે પ્રવચનમાં કહ્યું હતું કે, ગ્રીક નાટકમાં મંચ પર આત્મહત્યા થતી નથી. મેં કહ્યું : સોફાક્લેસના એજક્ષ નાટકમાં સમુદ્રકિનારાની રેતીમાં તલવાર ઊભી કરીને એજક્ષ એના પર કૂદીને આત્મહત્યા કરે છે! શિવકુમાર જોષી સભાધ્યક્ષ હતા. એ પેંગ્વીનની આવૃત્તિઓની વાત છેડવા લાગ્યા. ગરમાગરમી થઈ જવી લાઝમી હતી. પણ મારું જયંતિ દલાલ માટે માન વધી ગયું. આ માણસે ગુજરાતી સાહિત્યને જબરદસ્ત અનુવાદો આપ્યા હતા. આ માણસમાં વિરોધ પ્રતિવાદને સાંભળી શકવાની ક્ષમતા હતી. મને એમની વાતો ગમતી હતી. મર્દાઈનાં બધાં જ અગુજરાતી લક્ષણો આ ગુજરાતી મર્દમાં હતાં. અમદાવાદમાં 1969ના કોમી હુલ્લડ વખતે હું સવારના એક કલાકની કર્ફ્યુ-મુક્તિમાં મારતે રિક્ષે એમને ઘેર મળવા ગયો હતો. કદાચ સાંકડી શેરી હતી! એ બેઠા હતા, બાજુમાં એમનાં પ્રભાવી પત્ની સામ્રાજ્ઞીની અદાથી બેઠાં હતાં. એક તખ્ત હતો, બાજુમાં સિલિંગ સુધી જતી વાસણોની ઊતરેવડ સજાવટ હતી. અમારા જેવી રૈયત માટે સામે એક સોફો હતો. હું બેઠો અને એમને જોઈને ખુશખુશ થઈ ગયો. એ મને જોઈને ખુશખુશ થઈ ગયા. કર્ફ્યુ ફરીથી શરૂ થાય એ પહેલાં મારે ભાગી જવાનું હતું. આ પહાડ જેવા માણસના મોતના સમાચાર સાંભળ્યા ત્યારે દુઃખ થયું હતું. મારે માટે જયંતિ દલાલ એ મિસ્ટર અમદાવાદ હતા.

પાલનપુરમાં સ્કૂલમાં હતો અને આઝાદી પહેલાંના દિવસો હતા, 1946 હશે કદાચ. કે આઝાદી આવી એ પછીના મહિનાઓ હશે કદાચ. મારા મિત્ર શમીમે કહ્યું કે, આપણે સૈફને મળવા એમના વહોરવાડના ઘેર જઈશું. મને ખબર ન હતી કે સૈફ કોણ છે. વતનના તંત્રી છે, મુંબઈથી આવ્યા છે. વતન એ દિવસોમાં પાકિસ્તાન તરફી અને મુસ્લિમોમાં અત્યંત લોકપ્રિય પત્ર હતું અને એના સ્થાપક કાઈદે-આઝમ મહમ્મદ અલી જિન્નાહ સ્વયં હતા. સૈફ પાલનપુરી નામથી એ શાયરી લખતા હતા. હું અને શમીમ એમને ઘેર ગયા, મળ્યા. એક ખૂંખાર ચહેરાને બદલે એક સૌમ્ય ચહેરો મળ્યો. સૈફ એ વખતે પણ જાડા હતા, મૃદુભાષી હતા, શાલીન હતા. મેં પૂછ્યું : સૈફ એટલે? તલવાર, સૈફે કહ્યું. મને સૈફ તલવાર કરતાં ઢાલ જેવા વધારે લાગ્યા.

સૈફ મારા હમવતન હતા. ઉંમરમાં મોટા હતા. મને તું કહેતા એ ગમતું. અનગિનત કલાકો, અનગિનત પ્રસંગોની સ્મૃતિઓ ઝલઝલી રહી છે. સૈફ કોલકાતા આવ્યા. બારમાં એમના એક મિત્ર સાથે અમે બે બેઠા, યાર, સરૂર કો ગુજરાતી ક્યા? હું કહેતો, ગુજરાતી કો, સૈફ, સરૂર થોડે હી આતા હૈ? મારી પ્રથમ નવલકથા પડઘા ડૂબી ગયા વાંચીને સૈફ ઝૂમી ગયા હતા. આજે યાદ નથી પણ કોઈ બહેનના પાત્રની વેશ્યા થવાની વાત હતી. મુંબઈ આવ્યો હતો એક વાર, અને સૈફે લેમિંગ્ટન રોડ પર નાઝ સિનેમા પાસે એક ઑફિસમાં મારે માટે શરાબની મહેફિલ રાખી હતી. અમીરી હતા. સૈફ હતા. છ-સાત મુસ્લિમ દોસ્તો હતા. મારી પણ કસરતબાજ બદમાશ જવાનીના દિવસો હતા. મારી સાથે જયંત ગાંધી (એ એક અમેરિકન સ્ત્રીને પરણીને અમેરિકામાં સેટલ થઈ ગયો છે.) અને શિવજી આશર હતા. દૌર ચાલ્યા, શરાબના અને શાયરીના, રાત ડૂબતી ગઈ, બે-ચાર ગબડતા ગયા, હવસ ગુમ થતા જતા હતા અને ગિલાસ કાયમ હતા. લાંબા ટેબલ પર અમે સામસામે બેઠા હતા, અને રાત્રે બે, અઢી વાગે આ મહેફિલનો મુખ્ય ખેલાડી ઊભો થઈ ગયો. અમદાવાદના જમાલપુરની કાંચ મસ્જિદના વિસ્તારનો એ કોઈ દાદો હતો. હું ધારું છું નામ ઉસ્માન કે એવું કંઈક હતું. એણે ખેલદિલીથી કહ્યું : યાર, ઘણા હિન્દુઓને પીતા જોયાં છે, પણ તારા જેવો પીનારો જોયો નથી! હું ઊભો થયો, બોલ્યો : એમાં યાર, તેં હિન્દુઓને પીતા જોયા જ ક્યાં છે? હજી તો તેં જૈનને પીતા જોયો છે...! કહકહાની એક લહર દોડી ગઈ. એ રાતે બહાર નીકળીને શિવજી આશરે મારો કબજો લઈ લીધો. મને સંભાળીને ટેક્સીમાં એને ઘેર પાર્લા લઈ ગયો.

અને એ સૈફને જનશક્તિની બેંચ પર અનુવાદ કરતા જોયા, તૂટતા જોયા, અપની મહેફિલ કા રિન્દ પુરાના... શું શું ગુજરી ગઈ એ દિલેર માણસ પર? છેવટે ડોંગરી પાસે એમની શોકસભામાં હું અને ડૉક્ટર પ્રકાશ કોઠારી ગયા હતા. બિરયાનીનું સહભોજન હતું. એક નિવાલા લઈને, પ્રસંગની તમીઝ સાચવીને અમે નીકળી ગયા : મને દોસ્તોના અનુભવ ન પૂછશો, હવે દુશ્મનો પર ભરોસો કરું છું... એ ચીજ શરૂમાં એમને મોઢે સાંભળી હતી.

પન્નાલાલ પટેલને ઘણીવાર મળવાનું થતું હતું. પણ આત્મીય થવાનું કોઈ કારણ ન હતું. એમને સાંભળવાની તકલીફ હતી. એટલે એ એક ભૂંગળી રાખતા હતા. મારી આંખોમાં એ આજીવન ગ્રામીણ અને પારદર્શક રહ્યા. તમે આદરથી એમને જોઈ શકો, પણ વાતોનો વ્યાપ સીમિત રહેતો. એમની રમૂજની એક જુદી જ સુવાસ રહેતી. પન્નાલાલ જૂની સ્કૂલના એક સશક્ત નવલકથાકાર હતા. ગ્રંથિને એમણે નમ્રતામાં રૂપાંતરિત કરી દીધી હતી. મારી આંખોમાં એમનું ચિત્ર એક સજ્જનનું છે. એમના મૃત્યુ પછીના સ્લોટ ગુજરાતી સાહિત્યમાં હજી ખાલી છે.

ચુનીલાલ મડિયાને પ્રથમ વાર મળ્યો ત્યારે બચુભાઈ રાવતની સાથે હું યુસીસમાં ગયો હતો. અમેરિકન માહિતી વિભાગમાં મડિયા નોકરી કરતા હતા. મડિયા કાઠિયાવાડી લહેકામાં, વચ્ચે વચ્ચે મારી તરફ નિરીક્ષક આંખે જોતા જોતા, બચુભાઈ સાથે વાતો કરતા રહેતા હતા. એ કોલકાતા પ્રવચન આપવા આવ્યા અને મારા મિત્ર જયંતીભાઈ મહેતાને ત્યાં ઊતર્યા હતા. બે કાઠિયાવાડીઓને બહુ જામી ગઈ. મને મડિયાની કલ્પના દેશી, કર્કશ કટાક્ષ કરનારા બથ્થડ લેખકની હતી અને મડિયાની આંખોમાં મારું ચિત્ર એક તીરછા ફંટાનાર ટેઢા માણસનું હતું. એક દિવસે સાંજે અનાયાસ જ હું એમને પાર્ક સ્ટ્રીટના એક બારમાં લઈ ગયો. મને હતું કે એ કંઈક સોફ્ટ ડ્રિંક લેશે અને અમે વાતો કરીશું. મડિયા મદ્યપાન ખુશીથી કરે છે એ સત્ય મારે માટે આશ્ચર્ય હતું. ધીરેધીરે અમે બંને ખૂલતા ગયા. અને પારસ્પરિક ગલતફહમીનો અમારો પડદો ચિરાઈ ગયો. પછી અમે ત્રણ-ચાર વાર એ જ બારમાં ગયા, મડિયા કોલકાતા રહ્યા ત્યાં સુધી! એમણે રુચિ શરૂ કર્યું. મેં એરિસ્ટોફેનસના ફ્રોગ્સ નાટક પરથી ગુજરાતી લેખકોની દિલ્લગી કરતું એક લાંબું નાટક દેડકાં એમને મોકલ્યું. એમણે છાપ્યું. કેટલાંક મોટાં નામો ઘવાયાં. અમને બંનેને મજા પડી ગઈ. મુંબઈ આવ્યો. મડિયાને ઘેર જમ્યો. અમે નિકટ આવતા ગયા. અમદાવાદમાં એક કૉન્ફરન્સ હતી, મારે પેપર વાંચવાનો હતો. રાત્રે એક સભા હતી અને કોઈ ગુજરાતી લેખક બકવાસ કરી રહ્યો હતો. ખોવાયેલા મડિયા બહાર એકલા એકલા ફરી રહ્યા હતા. મેં પૂછ્યું : કેમ મડિયાસાહબ! એકલા એકલા? મડિયાએ કટાક્ષથી કહ્યું : શું સાંભળવાનું છે આમાં? એ અમારો છેલ્લો સંવાદ. એ પાછા મુંબઈ આવવાના હતા. રાત્રે મધુ રાયને ઘેર અમે સૂતા હતા. સવારે સ્કૂટર પર કોઈ કહેવા આવ્યું : ચુનીલાલ મડિયા ગુજરી ગયા ! અમે તૈયાર થયા. દોડ્યા સ્મશાન પર. પહોંચ્યા ત્યારે ચિંતા બળી ચૂકી હતી, ડાઘુઓ ચાલ્યા ગયા હતા. મુંબઈમાં એક મૌલિક અવાજ જો હું મિસ કરતો હોઉં તો એ અવાજ ચુનીલાલ મડિયાનો છે.

શિવકુમાર જોષીની શોકસભામાં આખા મંચ ભરાઈ જાય એટલા વક્તાઓ બોલી રહ્યા હતા કે અમારે અને શિવકુમારને ઘર જેવો સંબંધ, બહુ જ ઘનિષ્ઠ સંબંધ. મારે શું કહેવાનું હતું મારે શું સંબંધ હતો? 1952-1953 આસપાસ રમણીકભાઈ મેઘાણીની દુકાને શિવકુમાર મારી રાહ જોઈને બેઠા હતા, જ્યારે હું પહોંચ્યો. અમદાવાદમાં બચુભાઈ રાવતે શિવકુમારને કહ્યું હતું કે, કોલકાતામાં ચંદ્રકાંત બક્ષી નામનો એક છોકરો બહુ સરસ લખે છે, તમે મળ્યા છો? હું કોઈ લેખકને ઓળખતો ન હતો. માત્ર અમરતલ્લા સ્ટ્રીટમાંથી સ્કૂલે જતો ત્યારે રમણીકભાઈ મેઘાણીને દુકાન બેઠેલા જોતો, એ મને ઓળખતા હતા. અમે મળ્યા, ખાદીનું કુર્તું. ખાદીનું ધોતિયું, ઘૂંટાયેલા સ્વરે ધીમે ધીમે બોલવું. એમનું મને ચંદ્રકાંત તરીકે શરૂનું એ સંબોધન. પાંચાગલીમાં હું એમની દુકાને ક્યારેક જતો. ત્યાંથી પસાર થતો હોઉં ત્યારે.

એમની પ્રથમ નવલકથા કંચુકીબંધ લખાતી હતી ત્યારે લેકમાં એમને ઘેર હું રાત્રે રહ્યો હતો, અને એમણે બે-ત્રણ પ્રકરણો વાંચ્યાં હતાં. એ દિવસોમાં હું બેઘર હતો, રાત્રે ગમે ત્યાં સૂઈ જતો, દિવસે કામધંધો કરતો. એકવાર હરીન્દ્ર દવેએ વાત કરતાં કહ્યું હતું, બક્ષીબાબુ, જે દિવસોમાં આપણી પાસે કાગળ ન હતા, પેન ન હતી, ટેબલ-ખુરશી ન હતાં, જગ્યા ન હતી, ત્યારે આપણે કેટલું સરસ લખી નાખ્યું? હરીન્દ્રબાબુ, વાત સાચી છે. જ્યારે જેબમાં પૈસા ન હતા, અને ક્યારેક પેટમાં રોટી ન હતી, ત્યારે શું ઝનૂનથી શબ્દો ફાટ્યા હતા?

શિવકુમાર સાથે દિવસો, વર્ષો, દશકો ગુજાર્યા છે. ખૂબ લડ્યા, થોડી મહોબ્બત કરી. અમારી જુદાઈઓ બહુ મોટી હતી. ક થી જ્ઞ સુધી. અમારી વચ્ચે વિરોધિતા હતી, પણ એ ખાનદાન શત્રુ હતા. સ્વાર્થી હતા, બહુ સામાન્યબુદ્ધિ હતા, સરસ ગાતા, સરસ ફોટા પાડતા, ચિત્રો ચીતરતા, અભિનય કરતા, ફાલતુ વક્તા હતા, ભાગ્યે જ વાંચતા, તેજસની ઈર્ષ્યા કરતાં, પૈસાદારોના ગલૂડિયા થવાના રોલને સિદ્ધિ સમજતા, કોલકાતાને નસેનસમાં જીવ્યા, સ્ત્રીઓની સાથે પ્યાર કરવામાં જબરદસ્ત સફળ. આ બધું હોવા છતાં એ કોલકાતાના હતા. 1984માં હું, મધુ (રાય) અને શિવકુમાર (જોશી) અમેરિકામાં ન્યુ યોર્કમાં ફિફથ એવન્યુ પર મળ્યા. છેલ્લે અમે ત્રણે કોલકાતામાં 1967માં બાલમંદિરની બહાર મળ્યા હતા. જ્યારે મધુ કોલકાતા છોડીને જઈ રહ્યો હતો, 17 વર્ષ પછી, 17000 કિલોમીટર દૂર, અમે ફરીથી મળી રહ્યા હતા. 1967માં મધુ 25નો હતો, હું 35નો હતો, શિવકુમાર 51ના હતા. 1984માં મધુને 42 થયા હતા. હું 53એ પહોંચ્યો હતો. શિવકુમાર 68 ઉપર આવી ગયા હતા. ગાળો, પ્યાર, વલ્ગર મજાકો, નોંકઝોંક, શિવકુમાર એક કાળી છોકરીનો ફોટો પાડવા લાગ્યા. મેં કાળી છોકરીનો ફોટો પાડતા શિવકુમારનો ફોટો પાડી લીધો. એટ્રીઅમમાં ગયા, ક્રિસોં ખાધું, મધુએ ઠંડીને લીધે એનો મખમલનો કોટ શિવકુમારને પહેરવા આપી દીધો. મેં કહ્યું : પેન્ટ આપું? સાલા દોસ્તો માટે શું શું કુરબાન નથી કર્યું...? એ સવારે છૂટા પડ્યા ત્યારે અમે નક્કી કર્યું કે આપણે ત્રણેએ આ મિટિંગ વિશે અલગ-અલગ લખવું. મારાં સંસ્મરણનું શીર્ષક હતું : એક હી રંગ હૈ તીનોં કા તેરે શહરમેં...!

શિવકુમારને પેરેલિસિસનો અટેક આવ્યો. હૉસ્પિટલમાં મળવા ગયો. લથડતા, લરજતા અવાજે શિવકુમાર કહેવાની કોશિશ કરી રહ્યા હતા. ચહેરા પરની વેદનાને રમૂજથી ભૂંસવાની એક પરિશ્રમી કોશિશ હું જોઈ શકતો હતો. બક્ષી, તમે પેરેલિસિસ લખ્યું અને... આવી ગયો મને ! હું આર્દ્ર થઈ ગયો. હાથ પકડી લીધો. એ હાથ જ મરી રહ્યો હતો. ભૂલ થઈ ગઈ દોસ્ત. મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે દિલ ખિન્ન થઈ ગયું. હવે આ ઉંમરે નવા દુશ્મનો ક્યાં શોધીશ? આખિરકાર, એ મારા કબીલાનો આદમી હતો.

સ્નેહરશ્મિ અને સોપાન બંને મને સરખા જાડા લાગતા હતા. જ્યારે જ્યારે મળ્યો છું (સોપાનને વધારે, સ્નેહરશ્મિને ઓછો), કોઈ જ બૌદ્ધિક અસર વિના અક્ષુણ્ણ પાછો આવ્યો છું. કિશનસિંહ ચાવડા પ્રવચન માટે આવ્યા હતા. જોયા હતા, સારું બોલતા હતા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને સુરત એમને ઘેર મળવા ગયો હતો ત્યારે બારીબારણાં બંધ કરીને શાલ લપેટીને બેઠા હતા. મરીન ડ્રાઈવ પર મારા મામાના મિત્ર રજની પટેલે દૂરથી બતાવતાં કહ્યું હતું : આ ઈશ્વર પેટલીકર! કરસનદાસ માણેક કીર્તનકાર હતા ત્યારે થોડી વાતો કરવાનો એક વાર મોકો મળ્યો હતો. પ્રિયકાંત મણિયારની સાથે માણેકચોકમાં આઈસ્ક્રીમ ખાવા ગયા હતા, અને દરેક આઈસ્ક્રીમ અડધો અડધો બે વાર ખાધો હતો. બહુ નર્મદિલ કવિ હતા. મરીઝ જેવી કક્ષાના કવિઓ બહુ ઓછી ભાષાઓને મળે છે. એક વાર જયહિંદ કૉલેજમાં 14 ઑગસ્ટની રાતના આઈ.એન.ટી.ના મુશાયરાની હું સદારત કરતો હતો ત્યારે મરીઝની મુલાકાત થઈ હતી. એમની સાથે ક્યારેય પીવા ન મળ્યું એ વાતનો જરા ગમ રહી ગયો છે. હીરાબહેન પાઠક સાથે કૉન્ફરન્સોમાં મુલાકાત થતી. બે-ત્રણ દિવસો સાથે રહેવાનું થતું. હું એમને મમ્મી કહેતો. શેખાદમ આબુવાલાને એક જ વાર મળ્યો છું. વિનોદ ભટ્ટને ઘેર સાંધ્ય ભોજનમાં, પણ એની દિલદારી સ્પર્શ કરી ગઈ છે. એની એક આંખમાં હેમરેજ થઈ ગયું હતું. મેં પૂછ્યું : શા માટે? એણે કહ્યું : જર્મનીમાં હતો ત્યારે બિયર પીતા, અને શીર્ષાસન કરતા ! મને આશ્ચર્ય થયું, પણ શા માટે? શેખાદમે કહ્યું : શા માટે? અરે યાર, મિયાંભાઈ હે....! માણસ બહુ ગુલાબી તબિયતનો હતો. મનસુખલાલ ઝવેરી સૂટ પહેરતા, એકલા ફરવા નીકળી પડતા, બસમાં મળતા, જૂના લેખકોની જેમ બહુ રખડ રખડ કરતા નહીં, અડધું વર્ષ અમેરિકા રહેતા, અડધું ઈન્ડિયામાં. એમના અવસાનની રીતે મને ગમી હતી. આત્મીયોને રાત્રે કહી દીધું, બત્તી બંધ કરી દો, એ સૂઈ ગયા. બધા વિદાય થયા. એમની સુપુત્રી ઉષા સટ્ટાવાળાએ આ વાત કહી ત્યારે ઈર્ષ્યા થઈ ગઈ. કોઈના મૌતની ઈર્ષ્યા થવી...? બરકત વિરાણીને પ્રથમ મુંબઈમાં ઓલ ઈન્ડિયા રેડિયોની ઑફિસમાં એક સરકારી ટેબલ-ખુરશીમાં જોયા હતા. ખરજનો નીચો અવાજ, અને તરન્નુમની ઊંચાઈ. ઘરથી કબર સુધીનો રસ્તો ટૂંકો નીકળ્યો. ગની દહીંવાલાને સુરતની એમની ઊંચી દરજી દુકાનમાં પેન્ટનું માપ લેતા જોયા હતા. પછી ગનીભાઈની કવિતાની ગહરાઈ વધતી ગઈ. કવિતામાં નિખાર આવ્યો, માણસ ખીલતો ગયો...

સરોજ પાઠક (અને રમણ પાઠક) અને મુંબઈના ઘણાબધા લેખકો સાથે એક ચાંદની રાતે બોટમાં સમુદ્રવિહાર કરીને એલિફન્ટા તરફ ગયાં હતાં. એ સરોજનો પ્રથમ પરિચય. પછી પાર્લાની સાહિત્ય પરિષદમાં મળ્યાં. આટલી ફાસ્ટ ઝુબાન, આટલી બિન્દાસ ગુજરાતી લેખિકા ઓછી જોવા મળી છે. મોટી આંખો, લાંબો કાળો ચહેરો, લગભગ વિરૂપ નાકનક્શ, પણ અફલાતૂન કંપની. વર્ષો સુધી મળવાનું થયું નહીં. એક વાર સુરત ગયો હતો. રાત્રે એક ઘરમાં મિત્રો સાથે બેઠો હતો. પગથિયાં ચડીને સરોજ આવી. અમે બંને ભેટી પડ્યાં. એકદમ, વર્ષોની ઉષ્માથી. એ રાતે બે-ત્રણ વાગ્યા સુધી ખૂબ દિલકશ વાતો કરી. એ નિવૃત્ત થઈ હતી. હું મુંબઈ આવ્યો અને સમાચાર મળ્યા કે સરોજ પાઠકનું અવસાન થઈ ગયું છે. મૌત કેવાં કેવાં મન્ઝર બતાવે છે?

સુન્દરમ્ સાથે મેં ચાર-પાંચ વર્ષ પત્રવ્યવહાર કર્યો છે. હું કોલકાતા હતો, એ પોંડિચેરી હતા. એમનું પ્રિય ભાઈ સંબોધન, એમના ઝીણા ઝીણા અક્ષરો, સામે મારું ઊભરાઈ જવું. એ મને અરવિંદના સુપ્રા-મેન્ટલ વિશે લખતા. હું ઉત્તર આપતો કે ઈશ્વરે આપેલા આ દેહની આનંદ કરવાની શક્તિનો તમને અંદાજ નથી! પત્રોનો વ્યવહાર ચાલતો રહ્યો. 1967માં અમદાવાદમાં પી.ઈ.એન.ની એક કૉન્ફરન્સમાં મારે પેપર વાંચવાનો હતો. સુન્દરમ્ પણ આવ્યા હતા. જોયા, થ્રીલ થઈ ગયો, મળ્યો. પરિચય આપ્યો. એ માણસ મુડદા જેવી બર્ફીલી, થીજેલી દૃષ્ટિથી મને જોઈ રહ્યો. કોઈ જ સ્પંદન નહીં, કોઈ જ ભાવ નહીં! વર્ષો સુધી આ જ માણસ સાથે મેં પત્રવ્યવહાર કર્યો હતો? મારી અંદર કંઈક જોરથી તૂટી ગયું. ખતમ થઈ ગયો સંબંધ. એમના અવસાનના સમાચાર મેં ઉદાસીનતાથી વાંચ્યા. હજી હું સમજ્યો નથી આવું કેમ થતું હશે?

વેણીભાઈ પુરોહિત ગુલાબી બંડી, જાડા ચશ્માં, વિષાદી રમૂજ. પણ કન્વેયર બેલ્ટ પરથી સતત સરકતી રહેતી હોય એવી રમૂજ. આખું જીવન શોષણ થવા માટે સર્જાયો હોય એવો કવિ. મેં પૂછ્યું : વેણીભાઈ! તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી...ની એક જ કડી લખી? કવિની સાથે લૉજિકની વાત નહીં કરવી. ઘણી સાંજો સાથે ગુજારી છે. ઊડી ઊડીને એ માણસ ધરતી પર પરત આવી જતો હતો. અમારી દોસ્તી અનાયાસ શરૂ થઈ હતી. એ કોલકાતા આવ્યા હતા અને હું એમને રવિવારે સવારે એક ઉર્દૂ મુશાયરામાં લઈ ગયો હતો. બસ, સાથે ઝૂમવાનું શરૂ થઈ ગયું. ખુશ થવા માટે, બાળકની જેમ એ બહુ ઓછું માગતા હતા. વેણીભાઈ ગુજરી ગયા ત્યારે પ્રબોધ પરીખ અને હું ઘાટકોપર સ્મશાન પર ગયા હતા. હું સ્મશાન પર જવું પસંદ કરતો નથી. રોગથી ફૂલેલું મૃત શરીર જોવું મને ગમતું નથી. મને એ જ ચહેરો અને શરીર ગમે છે, જે મારા પરિચિત છે. માણસ અને કવિ ઘણી વાર વિરોધી શબ્દો બની જાય છે. વેણીભાઈ શુદ્ધ કવિ હતા, ખાલિસ કવિ હતા અને માણસ હતા, ઓલિયા માણસ હતા.

વર્ષ 1958 કે 1959નું હશે. હું કોલકાતાથી મુંબઈ આવ્યો હતો અને ચોપાટી પર રાડિયાઝ ફ્લોટીલા ક્લબમાં હું. હરકિસન (મહેતા) અને (સારંગ) બારોટ એરિસ્ટોક્રેટ વ્હિસ્કીની મોટી બૉટલ લઈને સમુદ્રધારે ખુરશીઓ લગાવીને બેઠા હતા. એ બારોટની પ્રથમ મુલાકાત. કૉલેજમાં હતો ત્યારે કુમારમાં એમની વાર્તાઓ વાંચી હતી. એ વખતે એ વાર્તાઓએ હલાવી નાખ્યો હતો. પછી સારંગ બારોટ રોટીજીવી નવલકથા બની ગયા. સૂટ પહેરવાના શોખીન, ધીમા સ્વરે ઓછું બોલવાનું. દબાયેલું સ્મિત જેને હાસ્ય કહી શકાય એવું હસવાનું, વેસાડેલા વાંકડિયા વાળ, દોસ્તીના શોખીન, વર્ષો જતાં ગયા અને બારોટ એમની શેલમાં બંધ થતા ગયા. એમની સાથે ફિલ્મ સ્ટુડિયોમાં શૂટિંગ જોવા ગયો હતો. એમના મૃત્યુમાંથી આશ્ચર્યનું તત્વ પણ શેષ થઈ ચૂક્યું હતું. એક યુગ હતો જ્યારે રમણલાલ દેસાઈ પછી સારંગ બારોટે નવલકથાને અગ્રસર કરી હતી.

લેખકો-કવિઓ કહેતા રહેતા કે શૂન્યને અને અમારી જૂની દોસ્તી, 1950-1952થી શૂન્ય પાલનપુરીને અમે ઓળખીએ છીએ. એમની વાત સાચી હતી. હું 1941-1942માં પાલનપુરની અમીરભાઈ મિડલ સ્કૂલમાં અલીખાન બલોચ સરનો વિદ્યાર્થી હતો અને અંગ્રેજી બીજા ધોરણમાં એક વાર એમણે ઈંગ્લિશ રીડિંગમાં મને ઓછા માર્ક આપ્યા હતા ! હું કોઈ પણ સભામાં બોલવાનું હોય તો પ્રથમ શૂન્યને જરૂર શાબ્દિક સલામ કરતો, અને શૂન્યનો ચહેરો આભાર હાસ્યથી ફાટી જતો. સબા પછી એ સપ્રેમ કહેતા, પાલનપુરી ગુજરાતીમાં, યાર, આપણે આપણે મેં યે સબ કરને કી ક્યા જરૂર થી? એક વાર મુશાયરાના સદર તરીકે મેં શૂન્યને ફરમાઈશ કરી હતી એમની ઉર્ધૂ નજમની... ક્યાં સુનાઉં, ક્યાં સુનોગે, દાસ્તાને ઝિંદગી/ગમઝકોં કા તલ્ખ હોતા હૈ બયાને ઝિંદગી...! આ નઝમની ભાગ્યે જ કોઈને ખબર છે અને શૂન્યે શરૂ કર્યું, મેં કહ્યું : શૂન્યસા'બ ! તરન્નુમમેં ! અને શૂન્ય પાલનપુરીએ એ નઝમ તરન્નુમમાં સંભળાવી.

શૂન્ય પાસે અદ્દભુત અવાજ હતો, અદ્દભુત મંચભાન (સ્ટેજ પ્રેઝન્સ) હતું. પાલનપુરમાં શૂન્યએ આખી રાત, માત્ર યાદદાશ્ત પર, એમનો જે કલામ સંભળાવ્યો, એની શબે-મહેફિલ અનુભવી નથી. એ પછી મેં લખ્યું હતું કે, મુશાયરામાં દાદ પાલનપુરીઓ જેવી કોઈને આપતાં આવડતી નથી! શાયરી એ માણસની સુલતાની હતી. સૈફ માણસ તરીકે ઉમદા, શૂન્ય માણસ તરીકે કમજોર, પણ બંનેને, અને અમે ત્રણે મળીએ ત્યારે પાલનપુર માટે એક હમવતની હતી. એક વાર ભાઈખાન બલૂચ, શૂન્ય અને હું ઊભા ઊભા વાતો કરતા હતા, અને શૂન્યએ કહ્યું : ભાઈખાન ! મીરા કે ગેટ કે બાહર અપણી કબર કા ભી ઈન્તજામ કરીજો! છેલ્લે અમે પ્રિન્સેસ સ્ટ્રીટમાં મળી ગયા ત્યારે મને હાર્ટ અટેક વિશે ઘણું પૂછી નાખ્યું. કદાચ છેલ્લો હાર્ટ અટેક પાસે આવી ગયો હતો. કબર કા ઈન્તજામ.

હીરાલાલ ફોફળીઆનો આગ્રહ હતો કે અમારે વડોદરા જવું અને સુરેશ જોષીને મળવું. મને હતું કે ટ્રેનમાં સફર થઈ જશે, પિકનિક જેવું થઈ જશે. સુરેશ જોષીનો યુનિવર્સિટીના સ્ટાફ ક્વૉર્ટરનો ફ્લેટ હતો. આસપાસ ભક્તોનું વૃંદ. એ દિવસે કયા વિષયોની ચર્ચાઓ થઈ હતી યાદ નથી, પણ ખૂબ જ ચર્ચાઓ થઈ ગઈ હતી. સુરેશ જોષીનો તકિયા કલામ સાયકીક ડિસ્ટન્સ વારંવાર વપરાતો હું નોંધી શક્યો. અમારી પ્રથમ મિટિંગ જ લોહીલુહાણ થઈ ગઈ. વિશ્વ સાહિત્યનાં મોટાં નામો ઊછળતાં રહ્યાં, અત્યંત ઉચ્ચ સ્તરની પોલેમિક્સ ફેંકાતી રહી. સુરેશ જોષી આટલો બધો બંધ માણસ હતો. એ વાતનું મને સખત આશ્ચર્ય હતું. ચંદ્રકાંત બક્ષી જિવાતી અસ્તિત્વવાદી જિંદગીને આટલું બધું સ્થૂળ મહત્વ આપે છે, એનું એને આશ્ચર્ય હતું. વચ્ચે, નિત્શે, સ્પિનોઝા, ઈરેઝમસ, ક્રોપોટકીન, ફ્યુઅરબાક, પ્રુધોં, વ્હાઈટહેડ, સન્ટાયન - જેવાં નામો બંને તરફથી આવતાં ગયાં. એક હતપ્રભ ઑડિયન્સે, ખામોશ અને વિસ્મિત થઈને, આ યોજા કરવા સિવાય બીજો કોઈ જ માર્ગ ન હતો. અમારું પ્રથમ મિલન અમારા આજીવન અંતર માટે બિલકુલ પર્યાપ્ત હતું. અમારો વિચારભેદ બે ક્ષિતિજોનો હતો. ટોળી લઈને ફરનારા માણસનું અભિમાન અને હાથ ઊંચા રાખીને એકલા લડવા ઊતરનાર માણસના ગુમાનનો એ ટકરાવ હતો. અને એ ટકરાવ સુરેશ જોષીના અવસાન સુધી રહ્યો.

અમે એક જ મંચ પરથી પ્રવચન આપ્યાં. અને કોલકાતાની ગુજરાતી સાહિત્ય પરિષદ (1961)માં ગદ્યકારોની પાછળ અમને બંનેને પાસે પાસે બેસાડવામાં આવ્યા હતા. એ અમારો પહેલો પરિચય. પ્રમુખ ચીનુલાલ વર્ધમાન શાહ હતા અને દરેક લેખકના પરિચય વખતે એ લેખકને કેટલાં ઈનામો મળ્યાં છે એની સૂચિ બોલી નાખતા હતા. સુરેશે મને કહ્યું : બક્ષીબાબુ ! આપણે સારા લેખકો નથી, આપણને ઈનામો મળ્યાં નથી ! મને યાદ છે મેં કહ્યું હતું : સુરેશબાબુ ! તમે તો પ્રોફેસર છો, તમને બોલતા આવડે છે. મને તો બોલતાં પણ આવડતું નથી...!  મેં સોના ગાછીના વેશ્યા વિસ્તારોમાંથી મને કેવી રીતે પ્લૉટ મળે છે, એની ઉટપટાંગ વાતો કરી હતી અને મહાન વૃદ્ધ લેખકો અભડાઈ ગયા હોય એવા આતંકિત થઈ ગયા હતા. એ દિવસોમાં હું આકારનો પ્લૉટ બનાવી રહ્યો હતો, જેની પૃષ્ઠભૂમિ સોનાગાછી હતી.

સુરેશ જોષી કેલકાતા આવ્યા, કોલકાતામાં આવનાર દરેક લેખકને હું મારે ઘેર ડ્રિંક પાર્ટી આપતો. સુરેશમાં વિપરીત અસર થતી, જેમ જેમ પિવાતું જાય એમ એમ એ ગંભીર બની જતો હતો. ભરપૂર પીધા પછી અમે ગાડીઓમાં ઘૂસીને ફોર્ટ વિલિયમની સામે રિવરસાઈડ ગયા. હું કુર્તુ અને લુંગી પહેરીને જ બેસી ગયો હતો. એ રાતે ખૂબ મજા આવી. વડોદરા જતો ત્યારે સુરેશ જોષીને મળતો, પણ વડોદરા બહુ જ ઓછું જવાનું હતું. એને દમનો વ્યાધિ હતો. વધતો ગયો, દેહાંતના સમાચાર સાંભળ્યા ત્યારે રંજિશ એક જ વાતની થઈ કે ગુજરાતી સાહિત્યમાં એ મારી પેઢીનો એક જ બરાબરી પ્રતિસ્પર્ધી હતો. હવે નથી. હવે કોઈ રહ્યો નથી.

ઉમાશંકર જોશી સાથે એમના અવસાન સુધી લવ-હેટ સંબંધ રહ્યો. ઘણાં સ્વરૂપોમાં, ઘણાં પ્રસંગોએ, ઘણાં વાતાવરણોમાં મેં એમને જોયા છે, સાંભળ્યા છે, એમની સાથે દીર્ઘ ગપ્પાંગોષ્ઠિ કરી છે. કોલકાતાના મહાજાતિ સદનમાં ઉમાશંકર જોશીનું પ્રવચન હતું. પ્રવચન પછી હું મંચ પર જઈને એમને મળ્યો, એમણે 1950ના દશકના મધ્ય તરફ મારી એક વાર્તા એક અધૂરી વાર્તા એમના સંસ્કૃતિમાં છાપી હતી, પીઠ થાબડી, સરસ વાર્તા લખી છે. પ્રસન્નતા થઈ. એ દિવસોમાં ઉમાશંકર વારંવાર કોલકાતા આવતા અને કોલકાતાના પૈસાદારો ભમરડાઓની જેમ એમની આસપાસ ઘુમરાતા રહેતા. ઉમાશંકર બધાને ખુશ કરતા રહેતા હતા. એ સાહિત્યના ધર્મગુરુની ભૂમિકામાં બહુ ઝપાટાબંધ સરકી રહ્યા હતા અને બહુ સતર્ક રહેતા હતા. એમને ખબર પડી ગઈ હતી કે બક્ષી બહુ વાંચે છે. અને પછી જ્યારે જ્યારે અમે મુકાબિલ થતા, પ્રથમ પ્રશ્ન આવતો બક્ષી, આજકાલ શું વાંચો છો? આ પ્રશ્ન અંત સુધી રહ્યો.

કોલકાતામાં એ દિવસોમાં હિન્દી જ્ઞાનોદય નીકળતું હતું અને મારો દોસ્ત રમેશ બક્ષી એનો તંત્રી હતો. હું હિન્દીમાં દેશભરની પત્રપત્રિકાઓમાં છપાતો હતો અને એક વાર એક હિન્દી સાહિત્યિક ગોષ્ઠિમાં મારો પરિચય આપવામાં આવ્યો હતો. બક્ષીજી હિન્દી કે પ્રમુખ કથાલેખક તો હૈ હી, લેખિન ગુજરાતી મેં ભી ઈતના હી અચ્છા લિખતે હૈં! હું સીધું હિન્દીમાં જ લખતો હતો અને મારા મરોડ પણ હિન્દીભાષી જેવા જ રહેતા હતા એટલે આવું વિધાન તદ્દન અસંબદ્ધ ન હતું. એક વાર રમેશ બક્ષીએ મને ઉમાશંકરના બે કાવ્યસંગ્રહો આપ્યા (કદાચ ગંગોત્રી અને નિશીથ) અને કહ્યું કે તને આમાંથી શ્રેષ્ઠ લાગે એવી પંદર-વીસ કવિતાઓના હિન્દી ગદ્યમાં અનુવાદ કરી આપ! કોઈને કહેવાનું નથી, પણ કવિતાઓ તારી દૃષ્ટિએ શ્રેષ્ઠ હોવી જોઈએ. મેં મારા મિત્ર જયંતીભાઈ મહેતાને કહ્યું. અમે બંનેએ વીસ-વીસ કવિતાઓ એકબીજાથી અજાણ પસંદ કરી, પછી ટેલી કરી. રમેશ બક્ષી અમારા બંનેનો મિત્ર હતો. હિન્દી અનુવાદ અપાઈ ગયા, ભુલાઈ ગયા. એ દિવસોમાં આવાં કામો માટે પુરસ્કાર આપવાનો રિવાજ ન હતો. એક દિવસ મેં જયંતીભાઈને કહ્યું કે, આપણા ઉમાશંકર જ્ઞાનપીઠ પુરસ્કારની સ્પર્ધામાં લાગે છે કારણ કે લક્ષ્મીચંદ જૈન અને રમા જૈન આની સાથે સંકળાયેલાં છે ! એ વર્ષે ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા (કન્નડા લેખક સાથે) થયા.

વાત ભુલાઈ ગઈ. આ વાત જયંતીભાઈ મહેતાએ ચુનીલાલ મડિયા કોલકાતા આવ્યા ત્યારે મડિયાને કરી. મડિયાએ જઈને ઉમાશંકરને વાત કરી. ઉમાશંકર વારંવાર કોલકાતા આવતા રહેતા હતા. હું ક્યારેય એમને મળવા જતો ન હતો. જે પૈસાદારો એમને ઘેરી લેતા હતા એ મને ગમતા ન હતા. એક દિવસ ઉમાશંકરે જયંતીભાઈને કહ્યું : મારે બક્ષીને મળવું છે! જયંતીભાઈએ કહ્યું, બક્ષી મારે ત્યાં આવશે, તમે ઊતર્યા છો ત્યાં નહીં આવે ! મને સમાચાર આપવામાં આવ્યા, ગયો. ઉમાશંકરે પહેલું વાક્યું કહ્યું : ઈફ મહમ્મદ ડઝ નોટ કમ ટુ ધ માઉન્ટન... માઉન્ટ વિલ કમ ટુ મહમ્મદ ! હું હસી ગયો. સ્કૂલમાં તમારી ભોમિયા વિના મારે ભમવા છે ડુંગરા ગોખી છે. હક છે તમારો મને હુકમ કરવાનો ! એમણે કહ્યું : તમે ન આવ્યા હોત તો જયંતીભાઈને લઈને તમારે ઘેર આવવાનું નક્કી કર્યું હતું...

પણ અમારી દૂરી કાયમ રહી. મેં ગુજરાતી સાહિત્યના મારી પેઢીના અને પૂર્વ પેઢીના ઘણા ચમરબંધીઓને સાંભળ્યા છે, પણ ઉમાશંકર જોશી જેવો પ્રચંડ વક્તા મેં ગુજરાતી સાહિત્યકારોમાં જોયો નથી, સાંભળ્યો નથી. ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશી જેવો પ્રકાંડ સાહિત્યભાષી આજે એક પણ નથી. એક પણ નહીં ! 1974માં પી.ઈ.એન.ની અમૃતસરની ઓલ ઈન્ડિયા કૉન્ફરન્સમાં ડિસેમ્બરની ઠંડીમાં ઉમાશંકરના રૂમમાં લગભગ પોણો ડઝન ગુજરાતી સાહિત્યકારો ભેગા થઈ ગયા હતા. વાતો શરૂ થઈ અને થોડી મિનિટોમાં ગ્રીક નાટક પર આવી ગઈ. ઉમાશંકર અને હું લગભગ સામસામે બેઠા હતા. પોણો કલાક સુધી અમે ગ્રીક નાટક વિશે વાતો કરતા રહ્યા અને ગુજરાતી સાહિત્યના ઉપસ્થિત પોણો ડઝન મહાન લેખકોની આંખો બોલબેરિંગની જેમ અમારા બે તરફ ફરતી રહી. ચર્ચા કરવાની એવી મજા બહુ ઓછી આવી છે. ઇસ્કિલસ અને એનાં નાટકો, સોફોક્લેસ, યુરીપીડીસ અને એરીસ્ટોફેનસ, ગ્રીક પાત્રાલેખન, હમાર્શીઆ અને હ્યુબ્રીસ, ટ્રેજેડીના સિદ્ધાંતો અને યુનીટીઝ, કેથાર્સીસ... ઉમાશંકર જબરદસ્ત ખીલ્યા. એ ગ્રીક નાટકના પુરસ્કર્તા હતા, હું ગ્રીક ટ્રેજેડીનો આશિક હતો. અમે ભૂલી ગયા કે બીજા પોણો ડઝન મહાન લેખકો પણ ઉપસ્થિત છે. અમૃતસરથી આજોલ (ગુજરાત) અમે સાથે આવ્યા. જ્ઞાનસત્ર હતું જેમાં મને રસ ન હતો પણ બધા સાથે હતા એટલે બેમુરવ્વત થવાની હિંમત થઈ નહીં. પંગતમાં હું જમવા બેઠો હતો અને ઉમાશંકર ચુપચાપ મારી બાજુમાં બેસી ગયા. હું હસ્યો : પ્રભુ ! તમે અહીં? ઉમાશંકર બહુ ખુશખુશાલ હતા : બક્ષી ! કાલે મને મારી દીકરીએ ખૂબ ધમકાવ્યો! હું જોઈ રહ્યો : કેમ ? એણે કહ્યું કે તમે અને બક્ષી જ વાતો કરતા હતા ! બાકી બધા ચૂપ હતા !... હું સમજ્યો, વાત તદ્દન સાચી હતી. મેં કહ્યું : પછી... તમે શું કહ્યું? ઉમાશંકર સસ્મિત બોલ્યા : મેં કહ્યું કે... જેને જેવું આવડે એ બોલે. આપણે ક્યાં કોઈને રોક્યા હતા?

ઉમાશંકરે સંસ્કૃતિ બંધ કર્યું ત્યારે મારી પાસે એક સર્જક તરીકે મારી કેફિયતનો લેખ માગ્યો. મુંબઈ ફોન કર્યો, પત્ર લખ્યો. મારો જવાબ હતો, સર્જક તરીકે મારી કોઈ જ કેફિયત નથી. હું આવતીકાલને બદલે આજે ભુલાઈ જઉં તોપણ શું ફર્ક પડે છે? કોઈ ફર્ક પડતો નથી ! ઉમાશંકર આગ્રહી હતા. એ કહેતા હતા : બક્ષી મેં બધાના લેખો મંગાવ્યા છે. જ્યાં સુધી તમારો લેખ નહીં આવે ત્યાં સુધી હું આ વિશેષાંકો નહીં કાઢું. બક્ષીની કેફિયત જોઈએ... અને ફર્કની વાત આવતી પેઢીઓ પર છોડી દઈએ તો? જિંદગીમાં છેલ્લી વાર આ માગી રહ્યો છું...! હું ગમગીન થઈ ગયો. ઉમાશંકરભાઈ, ક્યારે જોઈએ? સામેથી એમનો અવાજ : તમે બહુ ડિસિપ્લિન્ડ રાઈટર છો... મેં એમને આગળ બોલવા દીધા નહીં. ચાર દિવસ પછી તમને મળી જશે! અને પ્રસ્તાવનામાં ઉમાશંકરે માત્ર મારા લેખનાં જ અવતરણો લીધાં ત્યારે એક વિચિત્ર વિષાદાનંદ થઈ ગયો.

ઉમાશંકરે જોશીથી હું જીવનભર દૂર રહ્યો. મારી આંખોમાં એ ક્યારેય કૃષ્ણ બની શક્યા નહીં, માત્ર ધૃતરાષ્ટ્ર બનીને રહી ગયા. એક જ જીભથી બે ભાષા બોલી શકવાની મહારત એ હાસિલ કરી શક્યા હતા. એ રહસ્યમય હતા. મારી વંશ નવલકથા છપાતી હતી ત્યારે એક પ્રસંગે મળ્યા, ક્હયું : પાકિસ્તાની ગુજરાતી જીવન તમે જ આટલું સરસ લખી શકો! આપણા નવલકથા સાહિત્યમાં આ એક ઊણપ હતી ! મેં પૂછ્યું : ઉમાશંકરભાઈ, તમને આટલો સમય મળે છે? ઉત્તર : જોઈ લઉં છું ! આવી મેધા, આવી પ્રતિભા, આવો વિરાટ વ્યાપ અને સાથે સાથે આટલા સક્રિય, અક્ષમ પેરેસાઈટ્સને સહન કરવા, આ માણસ કેવી રીતે કરી શક્યો હતો? મેં એમને દિલ્હીમાં સંસ્કૃતમાં પ્રવચન આપતા સાંભળ્યા છે, અને એ જ સમયે એમણે મામકા:નો કેટલો ખ્યાલ રાખ્યો હતો? ઉમાશંકર જોશીઓ પૈદા થતા નથી, એકાદ શતકમાં એકાદ ઉમાશંકર જોશી આવી જાય તો એ સાહિત્ય ખુશકિસ્મત હોવું જોઈએ. હું જિંદગીભર એમની આંખોમાં કદાચ ગુજરાતી સાહિત્યનો એક તોફાની શૂદ્ર હતો. મારી બદકિસ્મતી હતી કે મારી લાલઘૂમ ઈમાનદારીને લીધે મારું સ્થાન એમના દરવાજાની બહાર હતું. ખેર, હિ વોઝ ધ ગ્રેટેસ્ટ...

હરીન્દ્ર દવેના મોતને એક જ વર્ષ થયું છે. કોલકાતાથી આવ્યો હતો અને જનશક્તિમાં હરીન્દ્ર દવેએ મારી પ્રથમ નવલકથા પડઘા ડબી ગયાની સમીક્ષા લખી હતી અને એમાં આલ્બેર કામ્યુની એક નવલકથા વિશે લખ્યું હતું. અમે પહેલીવાર મળ્યા. જર્જરિત ખુરશીઓ હતી, બેંચો પણ હતી. વર્ષ 1956-1957 હશે. પછી તો દશકો ઉપર દશકો ગુજારતા ગયા.

1989માં મારાં પચીસ પુસ્તકો એકસાથે પ્રગટ થયાં. હરીન્દ્રે ઑગસ્ટ 20, 1989ને જન્મભૂમિ-પ્રવાસીમાં એક ખુલ્લો પત્ર મને સંબોધીને લખ્યો : 'પ્રિય બક્ષીબાબુ... ગુજરાતમાં જ નહીં, ભારતના સાહિત્યમાં એક જ મહિનામાં એકસાથે પચીસ પુસ્તકો પ્રગટ કરવાનો વિક્રમ કરી રહ્યા છો ત્યારે જાહેરમાં તમારી સાથે અંગત ગોષ્ઠિ કરી લેવાનું મન થાય છે... તમે અને હું મુંબઈમાં છીએ. પણ મુંબઈની આબોહવા મિત્રો કે પ્રેમીઓને માટે માફક નથી.... બક્ષીબાબુ, તમારી પચીસ કૃતિઓ એકસાથે સામે પડી છે ત્યારે, તમને રકીબ (પ્રતિસ્પર્ધી) તરીકે યાદ કરું કે રફીક (મિત્ર) તરીકે? આપણા સંબંધોમાં આ બંને ભાવ દિલોજાનથી રહ્યા છે... જે સામયિકમાં પહેલી વાર તંત્રી તરીકે મારું નામ છપાયું એ સમર્પણના 1962ના એપ્રિલના અંકમાં તંત્રી તરીકેના મારા પ્રથમ અંકમાં જે હમદમ મિત્રોએ મને સાથ આપ્યો હતો એમાં ચંદ્રકાંત બક્ષી, તમે પણ એક હતા.... મારી પહેલી નવલકથા અગનપંખી પૂરી કરી તેના ખબર મેં તમને લખ્યા ત્યારના તમારા પત્રના શબ્દો બરાબર યાદ છે! 'તમારી નૉવેલ પૂરી થઈ છે. વાંચી ખરેખર આનંદ થયો... બીજાઓ કરતાં ધ્યાનથી જ વાંચીશ - રકીબની ચીજ છે...!' ઉર્દૂ કવિતાના રંગ પર જ આપણી પહેલી રૂબરૂ મુલાકાત થઈ હતી. મસ્જિદ બંદર નજીકના કોઈ હૉલમાં રાત્રે થોડાક મિત્રો એકઠા થયા હતા ત્યારે તમારી પાસે ઉર્દૂ શેરો-શાયરીના રંગો સાંભળવા મળ્યા હતા. ત્રણ દાયકા થયા એ વાતને ! એ પછી તો નિકલે જો મયકદે સે તો દુનિયા બદલ ગઈ જેવો ઘાટ છે. મુંબઈ સમાચારમાં મેં છ-આઠ વર્ષ કલમની પાંખેની કટાર લખી ત્યારે દર વખતે રણજિતરામ સુવર્ણચંદ્રક કે રાષ્ટ્રીય અકાદમી પારિતોષિકની જાહેરાત વખતે મેં સુરેશ જોષી તથા ચંદ્રકાંત બક્ષી બે નામો યાદ કર્યા હતાં... છતાં બક્ષી, પારિતોષિકોનો ક્યાં મહિમા છે? મહિમા લખતાં રહેવાનો છે. વાચકો સ્વીકારે પછી બીજા સ્વીકારે કે ન સ્વીકારે, બહુ ફરક પડતો નથી... તમે અને મેં આવા ઘણા ઘૂંટ જીરવ્યા છે. પણ સર્જકતાને આંચ આવવા દીધી નથી. તમે લખતા જ રહ્યા છો. તમારી સાથે ઘણી વાર અસંમત થયો છું, પણ તમારા લખાણ માટે મને હંમેશાં આદર રહ્યો છે. તમારાં કેટલાંક કોન્ટ્રેડીક્શન્સથી રમૂજ અનુભવી છે... તમે માર્ચ 6, 1966ના રોજ લખેલા પત્રનો અંત જે શબ્દોથી કર્યો હતો એ જ શબ્દોથી હું અંત કરું? દિલથી, સચ્ચાઈથી, કમિટમેન્ટથી લખનાર હમદમ માટે માન છે જ, પછી એ હમદમ પણ હોય કે ન હોય, કોઈ ફર્ક પડતો નથી... બસ, સપ્રેમ... હરીન્દ્ર.'

હરીન્દ્રના પત્રનો મેં આપેલો ઉત્તર સપ્ટેમ્બર 3, 1989ના જન્મભૂમિ પ્રવાસીમાં એણે પ્રકટ કર્યો હતો : 'પ્રિય હરીન્દ્રબાબુ... તમારો પ્રેમપત્ર વાંચ્યો. ખુશખુશ થઈ જવાની વાત નથી, ભીનાભીના થઈ જવાની વાત છે. આભાર શબ્દ લખવાનું ભૂલીને ખામોશ થઈ જવાની વાત છે. એ મારો જન્મદિન હતો. સપ્ટેમ્બર 19 તમારો જન્મદિવસ છે. મને 58મું તમને આવતે મહિને 59મું બેસશે. તૂટતા તૂટતા પણ આપણે લાંબું જીવી રહ્યા છીએ એવી આશંકા રહ્યા કરે છે ! ખેર, એડવાન્સમાં જન્મદિન મુબારક. ખુશહાલ રહો એવી બસ, એક દોસ્તની દુઆઓ... 1956-1957માં તમે મારી પહેલી નવલકથા પડઘા ડૂબી ગયાની સમીક્ષા લખી હતી... આજે તમે મારા 91માં પુસ્તક વિશે લખ્યું છે. વચ્ચેથી ફક્ત 90 પુસ્તકો જ પસાર થઈ ગયાં છે, જેનું મહત્ત્વ દોસ્તી કરતાં ઓછું છે. આંખો લડતી રહેશે પણ દિલની ધડકનોની મદ્વિમ-મદ્વિમ થાકની લયને, ગુલાબી દોસ્તાનાની તર્જને હવે આપણે જખ્મી નહીં થવા દઈએ... તમે મને ફૈઝની કેસેટ ફૈઝના અવાજમાં આપી હતી. આપણે માત્ર છાપાના પત્રકારો નથી, આપણે દિલના બાદશાહો છીએ. સરસ ચહેરો, સરસ ગદ્યખંડ, સરસ ધૂન જોઈ, વાંચી, સાંભળીને આકાશને સલામ કરીએ એવા કૃતજ્ઞ ઈન્સાનો છીએ, જેને દુનિયા કલાકારો કહે છે... જ્યાં જ્યાં ગયો છું કેસેટોનો ઢગલો લઈ આવ્યો છું... જ્યારે દિલ થાય, હરીન્દ્રબાબુ, મારું ઘર ખુલ્લું છે. બારીઓ બંધ કરી દઈશું. દુનિયાભરના અવાજો છોડી મૂકીશું... ખેર, જખમો સહન કરવાનું તો કિસ્મતમાં લખાવીને લાવ્યો છું. એટલે હવે મને શિકાયત કરવાનો હક પણ રહ્યો નથી... એ શરૂનાં વર્ષો એ આપણી મુવેબલ ફિસ્ટ હતી. એ વખતે આપણી સામે ગુજરાતી સાહિત્યના દેવતાઓનાં નામો ઝળહળતાં હતાં : કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી...! અને આપણને શિંગડાં ઊગી રહ્યાં હતાં...'

1984માં તમે અને હું બંને ન્યૂયોર્કમાં હતા. દોઢ માસ બંને પૂરા અમેરિકામાં ફર્યા પણ મળ્યા નહીં. ફક્ત ઈંડિયા એબ્રોડમાં આપણે એકબીજા વિશે વાંચતા રહ્યા ! જિંદગીમાં આવી કોમેડી પણ છે. અને મુંબઈમાં પણ એકબીજાને પત્રો લખીએ છીએ... હવે મહેફિલો ઊજડી રહી છે. તું કહેનારા પણ જિંદગીમાંથી ઓછા થઈ ગયા છે. બેગમ અખ્તરની લાઈનો યાદ આવી જાય એવી ખામોશી છે.

હમારે બાદ અંધેરા છાયેગા મહેફિલમેં

બહોત ચરાગ જલાઓગે રોશની કે લિયે...

સપ્રેમ... બક્ષી

શું હોય છે લેખક પાસે? બસ, એક જ જિંદગી !

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.