એ કઈ ઉંમરે અવસાન પામ્યા હતા?

07 Oct, 2016
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: thehindu.com

1908ની ઑગસ્ટની 11મી તારીખ. સવારે ખુદીરામને જેલની કોટડીમાંથી બહાર કાઢવામાં આવ્યો. છેલ્લી ઈચ્છા? 'વંદેમાતરમ્ !' ખુદીરામે કહ્યું. પછી હાથમાં ભગવદ્દગીતા, ગળામાં ફાંસીનો શિકંજો અને દેશના ઇતિહાસમાં એક શહીદનું નામ ઉમેરાઈ ગયું. ખુદીરામ બોઝ. જન્મ : ડિસેમ્બર 3, 1889 ! મૃત્યુ : ઑગસ્ટ, 11, 1908 ! મૃત્યુ સમયે ઉંમર : 19 વર્ષ ! ભગતસિંહને ફાંસી મારવામાં આવી ત્યારે 1931ના માર્ચની 23મી તારીખની સાંજે ભગતસિંહની ઉંમર હતી : 24 વર્ષ ! 1858ના જૂના માસમાં અનુભવી અંગ્રેજ સેનાપતિ સર હ્યુજ રોઝની સામે ફૌજી વર્દી પહેરીને એક હિન્દુસ્તાનની સ્ત્રી મુકાબિલ થઈ ગઈ હતી અને પ્રાણની આહુતિ આપી ચૂકી હતી. નામ : લક્ષ્મીબાઈ, ઝાંસીની રાણી, મૃત્યુ સમયે ઉંમર : 22 વર્ષ અને 7 મહિના ! અને મંગલ પાંડે, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બંદૂકમાંથી પ્રથમ ભડકો કરનાર અને બગાવતની આગ પ્રગટાવનાર સિપાહી મંગલ પાંડે, ફાંસીના તખ્તા પર લટકી ગયો ત્યારે જીવનના બે જ દશકો સુધી પહોંચ્યો હતો. જિંદગી પર પૂર્ણવિરામ મૂકવાની કઈ ઉંમર હોય છે? હિન્દુસ્તાનનાં સંતાનો, કેટલાંક મહાન નામો, કેટલી નાની જિંદગી જીવીને ઈતિહાસનાં પૃષ્ઠોમાં ગર્ક થઈ ગયાં છે?

આજે જિંદગી લાંબી થઈ છે, 70, 75, 80 અને એથી ઉપરની વયવાળા લોકો કાર્યરત હોય, સ્વસ્થ હોય એવાં ઘણાં પ્રમાણો મળે છે. સિદ્ધિમાં વિલંબ નામની વસ્તુ નથી. ભારતવર્ષની પરંપરાને પ્રકાશિત કરી ગયેલાં કેટલાંક નામો જબરદસ્ત કામ કરી ગયાં છે. એમના કાર્યક્ષેત્રનો વ્યાપ વિરાટ હતો, પણ આયુષ્યક્ષેત્રનું ફલક સીમિત હતું. શ્રીમદ્દ રાજચંદ્રનું નિધન થયું ત્યારે એ 33 વર્ષના હતા. હિન્દુત્વને પુનર્જીવિત કરનાર મહામહાન શંકરાચાર્ય દૂર સુદૂરના ઉત્તરસ્થિત કેદારનાથમાં અવસાન પામ્યા ત્યારે 33 વર્ષના હતા. જિઝસ ક્રાઈસ્ટને સંલીબ પર ક્રુસિફાય કર્યા ત્યારે એમની વય 33 વર્ષની હતી, અને ઇંદિરાપુત્ર સંજય ગાંધી હવાઈ દુર્ઘટનામાં મરી ગયા. ત્યારે પણ 33ના હતા. માટે એ દિવસોમાં કેટલાક કોંગ્રેસી ખુશામતખોરોએ ઈંદિરાજીને ખુશ કરવા સંજય ગાંધીને ઈશુ ખ્રિસ્ત સાથે સરખાવ્યા હતા. કારણ કે બંને એક જ ઉંમરે અવસાન પામ્યા હતા.

મહાન તમિળ કવિ સુબ્રમણ્ય ભારતીઆર એક હાથીને નાળિયેર ખવડાવવા ગયા હતા અને હાથીએ એમનો જાન લઈ લીધો હતો. કવિ ભારતી 1939માં મૃત્યુ સમયે 35 વર્ષના હતા. સ્વામી વિવેકાનંદની જીવનલીલા સમેટાઈ ગઈ ત્યારે એ 39 વર્ષના હતા. 39 વર્ષમાં હિન્દુત્વના પ્રખરતમ પુરુષે જીવનનું સંપૂર્ણ મિશન સિદ્ધ કરી લીધું હતું. કચ્છના યુસુફ મહેરઅલી તેજસ્વી સમાજવાદી નેતા હતા. 47મે વર્ષે અવસાન પામ્યા. અને તત્કાલીન ફોર્મોસાના તાઈપેહમાં વિમાન દુર્ઘટનામાં સળગી ગયેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ 1945માં મૃત્યુ સમયે 48 વર્ષના હતા. જનસંઘના સ્થાપક અને ભારતીય જનતા પક્ષના આદિપિતા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી શ્રીનગરની જેલમાં, શેખ અબ્દુલ્લાના શાસન દરમિયાન, અવસાન પામ્યા ત્યારે 52 વર્ષના હતા.

ગોપાલકૃષ્ણ ગોખલે 1866માં જન્મ્યા. 1951માં અવસાન પામ્યા, આયુષ્ય : 49 વર્ષ. મોલાના મોહમ્મદ અલી 1931માં 53મે વર્ષે ગુજરી ગયા. દેશબંધુ ચિત્તરંજન દાસ, 1870થી 1925, જીવનયાત્રા 55 વર્ષ. ગાંધીજી જેમને પોતાનો પાંચમો પુત્ર કહેતા હતા. એ જમનાલાલ બજાજ 53 વર્ષ જીવ્યા. કોંગ્રેસી મુસ્લિમ નેતા ડૉ. અન્સારીની જિંદગી, 56 વર્ષ.

પાકિસ્તાનના પ્રણેતા અને ઉર્દૂ શાયર ડૉ. મહમ્મદ ઈકબાલનું 1938માં અવસાન થયું ત્યારે એ 61 વર્ષના હતા. દલિતોના મસીહા ડૉ. ભીમરાવ આંબેડકર ઉર્ફે બાબાસાહેબ 1956માં 65 વર્ષે નિધન પામ્યા. મૌલાના શૌકતઅલી અને બેરિસ્ટર આસફઅલી બંને 65 વર્ષે અવસાન પામે છે. કોંગ્રેસી હકીમ અજમલ ખાન 64 વર્ષ જીવે છે.

ભારતના રાજકીય ઇતિહાસનાં શીર્ષસ્થ નામો કેટલું જીવ્યા હતા? સરોજિની નાયડુ 70 વર્ષ. મૌલાના અબુલ કલામ આઝાદ 70 વર્ષ. કાશ્મીરના શેરે-કાશ્મીર શેખ મોહમદ અબ્દુલ્લાનો 1982ની 8મી સપ્ટેમ્બરે 77મે વર્ષે ઇત્તકાલ થયો. ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસની વિશ્વસંઘ ત્રિમૂર્તિ 70થી 80ની વચ્ચે વિદાય લે છે. રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી છાતીમાં ગોળીઓ અને હોઠો પર 'હે રામ!' સાથે 79મેં વર્ષે અમર થઈ જાય છે. પંડિત જવાહરલાલ નેહરુનું આયુષ્ય : 75 વર્ષ, સરદાર વલ્લભભાઈ પટેલ ઑક્ટોબર 31, 1975થી ડિસેમ્બર 15, 1950 સુધી, એટલે કે 75 વર્ષનું જીવન. મોહમ્મદ અલી જિન્નાહ સપ્ટેમ્બર 12, 1948ને દિવસે ગુજરી ગયા ત્યારે 72 વર્ષના હતા. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિરહુસેન પણ 72 વર્ષ જીવ્યા, મોતીલાલ નેહરુ 70 વર્ષ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ 79 વર્ષ.

ડૉ. રાધાકૃષ્ણન્ 87 વર્શ, ચક્રવર્તી રાજગોપાલાચારી 94 વર્ષ, ખાન અબ્દુલ ગફાર ખાન ઉર્ફે બાદશાહખાન 1861થી 1941, જીવનયાત્રા 80 વર્ષ. મરવાની કઈ ઉંમર હોય છે? જીવતા રહ્યા કરવાની કઈ ઉંમર હોય છે? સિદ્ધ થવાની કઈ ઉંમર હોય છે? જીવી જવું અને ન મરી જવું એ બંને વચ્ચે એક બહુ જ મહીન ભેદરેખા હોય છે.

ક્લોઝ અપ

ગુજરાતી ભાષાની વિવિધ બોલીઓના થોડા નમૂના :

* દાઉદી વહોરાઓની સિદ્ધપુરી બોલી

સકીના : કાકાજી, દસ રૂપિયાના છૂટા હસે?

બાપ : ડિકરી, ટને કોએ મોકલી છ?

સકીના : મારી માયે.

બાપ : જો, સામે લંગરા મુલ્લાની ડુકાને પૂછ, મારિ કને નઠિ.

* સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના હિન્દુ ખારવાઓની બોલી.

એક માનસને બે ડિકરા હુટા, નેં ઈમાંના નાનાયેં બાપને કિઢું : બાપા, સંપટનો ભાગ હું ને આપ. ઇયેં પુંજિ વેંચિ ડિઢિ.

* અમદાવાદની ગામડિયા બોલી

એક માણસને બે દિચરા હતા ને એમોના નેનાએ બાપને કિધું કે બાપા, માલમતાનો મારો ભાગ મને આલો ને બાપે માલમતાની વેચાણ કરિ.

* મધ્ય ગુજરાતની ચરોતરી બોલી

એક વાણિયો'તો. એના બે સોકટા'તા ને એનો બાપ મોંદો પડ્યો. એણે વસ્યાર કરયો કે મરશે તારે સોકરા વઢિ મરશે તેથી તે પસે જિવતા જિવે મોટા તૈણને બસેંબસેં રૂપિયા આલ્યા.

* સુરતી બોલી

એક જણને બે પોયરા ઉતા. તેમાંના નાલ્લાએ બાપને કયું કે બાપા, જે મિલકત મારે ભાગે ટે મને આપિ લાખો. બાપે મિલકટના બે ભાગ પાઈડા.

* પારસી બોલી

એક સખસને બે છોકરા ઉતા. તેમાનાં નાલ્લા છોકરાને પોતાના બાપને કેવું, બાવા, તમારિ દોલતમાંથિ જે હિસ્સો મારો થાય તે મુને આપો, તેથિ તેને પોતાનિ દોલત તેવનમાં વેચિ આપિ.

- કે.કા.શાસ્ત્રી : 'નભોવાણી' પૃષ્ઠ 29

(અભિયાન : એપ્રિલ 26, 2003)

* * * *

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.