પ્રેમ : આઈ લવ યુ એટલે ઓક્ષોટોસીન!
પુરુષની પુરુષ સાથેની મૈત્રીની વ્યાખ્યા સ્પષ્ટ છે પણ પુરુષની સ્ત્રીની સાથેની મૈત્રીની એકથી વધારે વ્યાખ્યાઓ હોય છે. દોસ્તીનો વિરાટ ફલક મૈત્રીથી પ્રેમ સુધી ફેલાઈ જાય છે. જે માણસ શિખર પર બેઠો છે એ એકલો છે, અમિત્ર છે. ઈટાલીનો સરમુખત્યાર મુસોલિની બુદ્ધિવાન સ્પષ્ટવક્તા હતો. એણે કહ્યું : મારે મિત્રો ન હોઈ શકે. મારે મિત્રો નથી. હું ગહરાઈ અને ચર્ચાઓથી દૂર રહું છું... જે મારા ખરેખર વફાદાર મિત્રો છે એ મારા દિલમાં છે પણ એ લોકો મારાથી અંતર રાખે છે. હું હંમેશાં એકલો રહું છું. આજે હું જેલમાં નથી, પણ હું દેશના સર્વોચ્ચ શાસક તરીકે વધારે મોટો કૈદી મહેસૂસ કરી રહ્યો છું.
સફળતાની ચરમ સીમા પર બેઠેલા માણસની સમસ્યા જુદી હોય છે. મહાન જુલિયસ સિઝર એની સાથે રથમાં એક ગુલામ રાખતો હતો અને આ ગુલામની એક જ ફર્જ હતી, દુનિયા ક્ષુલ્લક છે, આ બધું ક્ષણજીવી છે, એવું સિઝરને વારંવાર કહેતા રહેવાની! ગુલામ વારંવાર સમ્રાટ જુલિયસ સિઝરને એ યાદ કરાવ્યા કરતો હતો કે તમે ઈશ્વર નથી, માત્ર માણસ છો. માત્ર માણસ, જેને મૃત્યુ છે, એ કમીઓ અને ઉત્તેજનાઓનો તાબેદાર રહેવાનો.
મુસોલિની વિશ્વઇતિહાસમાં બદનામ થયેલા માણસનું નામ છે પણ એનું જીવનદર્શન વિચારોત્તેજક છે. એ કહે છે : જ્યારે હું માણસોથી કંટાળી જાઉં છું ત્યારે સમુદ્ર પર ચાલ્યો જાઉં છું. મને ઈચ્છા છે એ પ્રમાણે જ જો હું કરી શકતો હોઉં તો હું સમુદ્ર પર ચાલ્યો જાઉં. મને પ્રાણીઓ ગમે છે. એમને આપણી પાસેથી કંઈ જ જોઈતું નથી. ઘોડાઓ, કૂતરાઓ, બિલાડી... હું મારી જિંદગીનો ગુણાકાર સતત કરતો રહું છું... કિસ્મતની સાથે લડતા રહેવામાં હું માનતો નથી.
જે જર્મન લેખક એમિલ લુડવિગે મુસોલિનીનો ઈન્ટરવ્યૂ લીધો હતો. એ જ એમિલ લુડવિગે રશિયાના સરમુખત્યાર સ્તાલિનનો પણ ઈન્ટરવ્યૂ લીધો હતો. મુસોલિનીનો ઈન્ટરવ્યૂ 1933માં લેવાયો હતો. સ્તાલિનનો 1934માં લેવાયો હતો. વિશ્વના સૌથી ક્રૂર શાસકોમાંના એક સ્તાલિનને એમિલ લુડવિગે પ્રશ્ન પુછ્યો : તમે પ્રારબ્ધમાં માનો છો? સ્તાલિને ઉત્તર આપ્યો : ના, હું કિસ્મતમાં માનતો નથી. આ એક પૂર્વગ્રહ છે, બકવાસ છે... જૂના ગ્રીકો હતા, જેમને માટે બધું જ ઉપરથી એમનાં દેવદેવીઓ કરી આપતાં હતાં. યુદ્ધો, વિપ્લવો, દેશનિકાલની સજાઓ, જુલમોમાંથી જીવતા બચી ગયેલા સ્તાલિને કહેવાનું હતું : જીવતો રહી ગયો એ અકસ્માત નથી. આંતરિક અને બાહ્ય કારણો છે જેને કારણે હું મૃત્યુથી છટકી શક્યો... કિસ્મત એ કાનૂન-વિરોધી છે. કંઈક રહસ્યમય છે અને રહસ્યમય વાતોમાં હું માનતો નથી.
મૈત્રીમાં કિસ્મતની કેટલી ભૂમિકા છે? મૈત્રી એક અકસ્માત હોય છે. અમુક જ વ્યક્તિ સાથે, અમુક જ સમયે અને એ જ વ્યક્તિ સાથે, એ જ સમયે મિત્રતાના અંકુર કઈ રીતે ફૂટતા હોય છે? મિત્ર એ જ છે જેની બધી જ ઊણપો આપણે સ્વીકારી લીધી છે અને જેની સાથેના વ્યાવહારિક સંબંધમાં લાભનુકસાનનું ત્રાજવું વપરાતું નથી. જ્યાં લેવું છે ઓછું અને આપવું છે વધારે, ત્યાં સંબંધને ખીલતાં વાર લાગતી નથી અને મિત્રનું મૃત્યુ એક એવો અવકાશ મૂકી જાય છે, જે ફરીથી પૂરી શકાતો નથી અને નવા મિત્રો બનાવી શકાતા નથી. મૈત્રી થઈ જાય છે, બનાવાતી નથી...
મૈત્રીનું વૈજ્ઞાનિક પૃથક્કરણ થતું નથી પણ પ્રેમનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કરવાના પ્રયાસો થઈ ચૂક્યા છે. પ્રયોગશાળામાં ટેસ્ટટ્યૂબમાં ‘પ્રેમ’ લઈને એની કેમિકલ એનેલિસિસ કરવામાં આવે છે. ગાયનેક એટલે કે ગાયનેકોલોજિસ્ટ માતાના ગર્ભાશયમાં રહેલા શિશુ વિશે એટલું બધું જાણતો હોય છે જે માતાને પણ ખબર નથી. પણ એ શિશુનો પ્રસવ થઈ ગયા પછી એને કેમ શાંત પાડવું એ એને ખબર નથી અને એ એને એની સ્તન્યદાયિની માતાને સોંપી દે છે, ગુલાબના ફુલની પત્તીઓ તોડીને બોટેનિસ્ટ અથવા વનસ્પતિશાસ્ત્રી ગુલાબનું રાસાયણિક સંશોધન કરે છે, પણ ખુશ્બૂથી એ અજાણ છે. રોમાન્સને કેવી રીતે સમજી શકાય? મેઘધનુષ્યના ઝાંખા પ્રકટી રહેલા સૌંદર્યને કેવી રીતે સમજાવી શકાય? પતિ અને પત્ની જેવા શબ્દો વાપરવામાં હવે જોખમ છે અને પશ્ચિમમાં ‘સ્પાઉઝ’ અને ‘પાર્ટનર’ જેવા શબ્દો વપરાય છે. પાર્ટનરને બદલે કમ્પેનિયન પણ વપરાય છે. ગુજરાતીમાં જો મારે અનુવાદ કરવાનો હોય તો હું સુમિત્ર અને સુ-મિત્રા એવા શબ્દોનો ઉપયોગ કરું. સુમિત્ર અને સુ-મિત્રાનો સંબંધ સમાજ કે કાનૂનથી પર હોઈ શકે. વિજ્ઞાન સામાજિક પરંપરા કે ધાર્મિક મનોદશાથી અલિપ્ત રહીને પોતાના સાધનોથી સંશોધન કરે છે. પ્રેમ એ જેનેટિક એન્જિનિયરિંગનો કોઈ પ્રકાર છે, જે ગર્ભાશયથી શરૂ થઈ જાય છે.
વિજ્ઞાન મિત્રતાના ક્ષેત્રમાં હજી પ્રવેશ કરતું નથી પણ પ્રેમના ક્ષેત્રમાં જરા ગહરાઈમાં ઊતર્યું છે. મમ્માલ જાતિનાં પશુઓ એટલે કે એવી પ્રાણીજાતિઓ જે સ્તનના દૂધ દ્વારા ધાવણ આપીને શિશુને પોષણ આપે છે, પૃથ્વી પર સર્વત્ર ફેલાયેલા છે. આ સ્તન્ય પ્રાણીઓમાં મનુષ્યનો પણ સમાવેશ થાય છે. વિજ્ઞાને શોધ્યું છે કે આવાં સ્તન્ય પ્રાણીઓમાં માત્ર 3 ટકા જ એવાં છે જેમાં એક જ નર અને એક જ માદા એકબીજાની સાથે જીવન વિતાવે છે. આમાં 97 ટકા એવાં પ્રાણીઓ છે જે નર અને માદા બદલતાં રહે છે, અને જેમને કોઈ જ પારસ્પરિક લગાવની ભાવના નથી. આ એક જ નર અને એક જ માદામાં પ્રેમ અને એમાંથી જન્મ લેતું કુટુંબ અને પછી વિસ્તરતો સમાજ પ્રકટે છે. જ્યાં દરેક સમાગમ સમયે નર-માદા જુદાં હોય ત્યાં પ્રેમ નામનો શબ્દ અસંબદ્ધ છે. જ્યાં નિકટતા ટકી રહેતી હોય ત્યાં જ પ્રેમ ઉદ્દભવે છે. પ્રેમ ઈંજેકશનો આપીને જન્માવી શકાતો નથી. જ્યારે રોમાન્સ થાય છે, હવામાન રોમાંચક બને છે, ત્યારે મગજમાં ડોપેમાઈન નામનું દ્રવ્ય છૂટે છે અને વિજ્ઞાન કહે છે કે પ્રાણીઓ ‘ફિલ ગુડ’ અનુભવે છે. ‘ફિલ ગુડ’ શબ્દ વિજ્ઞાને રાજકારણને આપ્યો છે....!
વિજ્ઞાન પ્રેમનું પૃથક્કરણ કરતાં કરતાં કહે છે કે વાસ એ પ્રેમનો મૂલાધાર છે. જાનવરો એકબીજાને વાસથી ઓળખે છે, અને ઉત્તેજિત થાય છે. વિજ્ઞાન માને છે કે જાનવરના શરીરની વાસ એ એની પર્સનાલિટી છે! મનુષ્યના મગજમાં પ્રેમને માટે એક બહુ જ નાનો વિભાગ છે, જેમ ભય અને ક્રોધ માટે અલગ વિભાગો છે. લવનું એક વ્યસન થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ બ્રેઈનમાં ‘સ્કેનિંગ’ કરીને પ્રેમની ત્રણ પ્રશાખાઓ શોધી કાઢી છે! પ્રેમની ત્રણ ફ્લેવર છે, રોમાન્ટિક વૈજ્ઞાનિકોનું કહેવું છે. એક વાસના, લોલુપતા, દૈહિક ઉત્તાપ. બીજી ફ્લેવર છે : રોમાન્ટિક અથવા રોમાંચક લવ અને ત્રીજી ફ્લેવરમાં લાંબુ લગ્નજીવન આવે છે. આ ત્રણ સ્થિતિઓ વખતે મગજમાંથી જે દ્રવ્યોનો સ્ત્રાવ થાય છે એમનાં નામો : સેરોટોનીન, ઓક્ષીટોસીન અને ઓપીઓઈડ્સ, એટલે તમે જે ‘આઈ લવ યૂ’ કહો છો એ માત્ર ઓક્ષીટોસીનનો સ્ત્રાવ છે...! વિજ્ઞાન કહે છે કે સંભોગમાં વેસોપ્રેસીન અને ઓક્ષીટોસીન મગજમાં છૂટે છે. એક દિવસ એવો આવશે જ્યારે પ્રેમીઓ એકબીજાને કહેશે : આઈ લવ યોર વેસોપ્રેસીન! એક વૈજ્ઞાનિક વધારે સ્પષ્ટ કહે છે કે મનુષ્ય આ પૃથ્વી પર ઉત્ક્રાંતિ દ્વારા આજે જે સ્થિતિમાં આવ્યો છે, ત્યાં સંભોગસુખ માટે કોઈ સ્થાન જ નથી, આશય પ્રજોત્પત્તિનો છે. જો તમે પ્રેમમાં નિષ્ફળ જાઓ છો તો એ કોઈ સમસ્યા જ નથી, તમારા મગજમાં સેરોટોનીન દ્રવશે અને બધું નોર્મલ થઈ જશે.
પ્રેમિકાઓને ફૂલો, ચોકલેટ, સિનેમાની ટિકિટ, રવિવારની સવાર, એકાદ પાર્ટ-ટાઈમ પ્રેમી કેમ ગમે છે? વૈજ્ઞાનિકો ઉત્તર આપે છે : આ બધું ગર્ભાધાનથી જ જેનેટીકલી પ્રોગ્રામિંગ થયેલું હોય છે : પ્રેમી તરીકે છોકરીઓ વૈજ્ઞાનિકોને કેમ પસંદ કરતી નથી એ હવે સમજાય છે ને?
ક્લૉઝ અપ :
અરે શું જાણશે લજ્જત પવિત્રીમાં પડી રહેતાં
પ્રિયાની પ્યાલીની મસ્તી તણો કંઈ બ્હાર જુદો છે
લીધો જે પંથ તે હું કેમ ત્યાગું? છો ભર્યો દુઃખે
પ્રિયાનો માહરી ગરદન ઉપર આ ભાર જુદો છે.
- બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા ‘બાલ’
(મે 17, 1858 - એપ્રિલ 2, 1898)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર