નારી શબ્દથી દૂર ભાગનારાઓ માટે

29 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

ફ્રેંચ કહેવત છે : જગતમાં 3 સેક્સ છે, નર, નારી અને ધર્મગુરુ. અને હિંદુસ્તાનમાં કેટલાક પંથો, ફિરકાઓ અને સાધુઓ નારીથી દૂર ભાગે છે. નારીને પાપની ખાણ સમજે છે, નારીના અસ્તિત્વને પણ સ્વીકારવા તૈયાર નથી. ગ્રીક નાટ્યકાર યુરીપીડીસના ‘મિડિયા’ના પાત્રથી ઈબ્સનની ‘નોરા’ સુધી સ્ત્રીને અન્યાય કરતા રહેવાની પરંપરા 2500 વર્ષોથી ચાલતી આવી છે. દરેક ધર્મમાં નર કરતાં નારી વધારે ધાર્મિક છે, અને દરેક ધર્મ નરની તુલનામાં નારીની ઉપેક્ષા કરતો આવ્યો છે.

પૃથ્વી પર કદાચ એક જ ધર્મ, હિંદુ ધર્મ પાસે અર્ધનારીશ્વરની કલ્પના છે! હિંદુ ધર્મમાં નારીનું સ્થાન પ્રથમ છે, જે અન્ય કોઈ ધર્મમાં નથી : રાધાકૃષ્ણ, સીતારામ, લક્ષ્મીનારાયણ, રાધેશ્યામ આદિ, નારીને માતા અને શક્તિ તરીકે સ્વીકારવામાં આવી છે અને એક પ્રશ્ન સતત થતો રહ્યો છે. આપણી દેવીમાતાઓ વૈષ્ણોદેવીથી ચામુંડા અને અંબાથી દુર્ગા, એટલે કે ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વ સુધી, જનમાનસમાં નમનીય, વંદનીય, પૂજનીય રહી છે. આમાંથી કેટલી માતાઓ પરિણીતાઓ હતી? કેટલાને પતિઓ હતા? કે ન હતા? અને જો હોય તો આ પતિઓની શા માટે લગભગ સંપૂર્ણ ઉપેક્ષા કરવામાં આવી છે? આપણે દેવીપૂજકોએ દેવીમાતાની ઉચ્ચતમ પીઠિકા પર સ્થાપના કરી છે, પણ....

હિંદુ ધર્મમાં રાજ્યાભિષેક હોય કે યજ્ઞ હોય કે લગ્નવિધિ હોય, સ્ત્રી અને પુરુષ એક જ સપાટી પર સમકક્ષ રહે છે. ઈશ્વર સ્ત્રી નથી, પણ ઉપનિષદમાં ‘સેયં દેવતૈક્ષત’નો ઉલ્લેખ થયો છે. આનંદશંકર ધ્રુવે સ્પષ્ટતા કરી છે કે અહીં પરમાત્માનો દેવતા તરીકે સ્ત્રીલિંગમાં ઉલ્લેખ થયો છે. પણ હિંદુસ્તાનમાં કેટલાક સંપ્રદાયો નારી કે સ્ત્રીને લગભગ અસ્પૃશ્ય અને અદૃશ્ય અને અસંબદ્ધ કરી નાંખે છે. આ દ્વન્દ્વ અથવા વિરોધિતા સમજાતી નથી અને ગુજરાતમાં દેવીમાતાનું જેટલું માહાત્મ્ય છે એટલું ભારતવર્ષના કોઈ જ હિસ્સામાં નથી.

ગુજરાતમાં કેટલી પ્રસિદ્ધ દેવીમાતાઓ છે? એક અપૂર્ણ પણ ત્વરિત સૂચિ : પાવાગઢમાં મહાકાલી, હળવદમાં ભવાની, બરડામાં આશાપુરી, ગિરનારમાં અંબામાતા, ચુંવાળમાં મા બહુચરાજી, આરાસુરમાં અંબાજી! શક્તિ એક છે, રૂપો અનેક છે. આ સિવાય ડઝનબંધ નામો છે, પ્રાચીન શીતળામાંથી અર્વાચીન સંતોષી મા સુધી! હિંદુ ધર્મમાં વિચારસ્વાતંત્ર્ય અને વિચારભેદ સંપૂર્ણ છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા/નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ... પણ છે અને ગર્ભ માદા હોય તો ભ્રૂણહત્યા પણ છે. સ્ત્રી જન્મે એ પહેલાં મારી નંખાય છે, જન્મી જાય તો ભૂખે મારી શકાય છે, પરણી જાય તો જલાવી શકાય છે અને મહિષાસુરમર્દિનીના તાંડવી સ્વરૂપનાં ભારતવર્ષમાં ભિન્નભિન્ન સ્થળો પર ભિન્નભિન્ન નામો છે : ભવાની, દુર્ગા, ચંડી, કાલિ, અંબા...! અને દેવીઓનાં સેંકડો નામો હિંદુ ધર્મગ્રંથોમાં છે.

‘ગુજરાતનો નાથ’માં કનૈયાલાલ મુનશીનો કાક ઘોડી ઉપર આવે છે. એક ધર્મસ્થાનની બાજુમાં ઘોડી બાંધીને ઉપર જાય છે અને ધર્મસ્થાનના ધર્માચાર્યો વિરોધ કરે છે. શરૂમાં કાકને સમજાતું નથી કે વિરોધ કઈ વાતનો છે? પછી કાકને સમજાય છે કે ઘોડી એ નારીજાતિ છે, અને નારી શબ્દથી ધર્માચાર્યો દૂર રહેવા માગતા હતા! આ ઘોડીની નારીજાતિથી એમનું સ્ખલન થઈ જવાનો ભય ઊભો થઈ ગયો હતો. બહાર ઘોડો બાંધવામાં એમને કોઈ જ ઈતરાજ ન હતો.

સ્ત્રીના અસ્તિત્વને નકારવું એ એક અભિગમ છે. બીજી તરફ કેટલી બધી વસ્તુઓ સ્ત્રીલિંગી છે. માતૃભૂમિ સ્ત્રીલિંગ છે, અને વિશ્વના ખંડો ફેમીનીન છે : યુરોપા, આફ્રિકા, એશિયા, અમેરિકા, જન્મભૂમિ સ્ત્રીલિંગ છે. ઇન્ડિયા, ઈટાલીઆ, રશિયા, ભારતમાતા જેવા શબ્દો સ્પષ્ટ સૂચવે છે. બ્રિટાનીઆ એ સ્ત્રી છે. ‘જણગણમન અધિનાયક...’ના રાષ્ટ્રગીતમાં પણ એક કડીમાં ‘સ્નેહમયી તુમિ માતા’ જેવો શબ્દપ્રયોગ થયો છે. અને મનુષ્યજાતિમાં 51 ટકા નારીઓ કે માદાઓ છે, આ 51 ટકાનું સમગ્ર અસ્તિત્વ જ ભૂંસી નાંખવું એ શુદ્ધિ કરો, પણ બુદ્ધિ નથી.

સંસ્કૃત શબ્દ ‘ગુર્જરત્રા’ અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા’ બંને સ્ત્રીલિંગ છે. 11મી સદીમાં અલબિરૂનીએ ‘ગુજ્રાત’ નોંધ્યું છે જે વાસ્તવમાં ‘ગુર્જર’ જાતિવાચક પુલ્લિંગ નામનું અરબી સ્ત્રીલિંગે થતું બહુવચન છે. ‘ગુજરાત’ શબ્દ પણ સ્ત્રીલિંગ છે, જેમ કે, ‘ગરવી ગુજરાત’! આ અધિકૃત માહિતી વ્યૂત્પત્તિના પ્રકાંડ મહાપંડિત કે.કા.શાસ્ત્રીએ આપી છે. આ જ રીતે ‘સૌરાષ્ટ્રા’ મૂળ સંસ્કૃત સ્ત્રીલિંગમાંથી સૌરાષ્ટ્ર બન્યું. ‘ગુજરાત’ અને ‘ગુજરાતી’ શબ્દો સ્ત્રીલિંગ છે.

નારી જાતિથી ભાગી જવું અશક્ય નહીં તો પણ મુશ્કેલ જરૂર છે. નર અને માદાના દ્વૈત પર પૂરું જીવજગત ઊભું છે. મહાભારતમાં મૃત્યુના જન્મ વિશે એક અત્યંત રોચક કથા છે. ક્યારેક લાગે છે કે મૃત્યુ મહાભારતનો હીરો (સૉરી, હિરોઈન!) છે. યુધિષ્ઠિરે આપેલા આંકડા પ્રમાણે મહાભારતના યુદ્ધમાં 1 અબજ 66 કરોડ 20 હજાર યોદ્ધાઓ મરી ગયા હતા અને 24,165 યોદ્ધાઓનો પત્તો ન હતો. કુન્તીના બધા જ પુત્રો જીવતા હતા અને ગાંધારીના બધા જ પુત્રો મરી ગયા હતા. મૃત્યુ નારીજાતિ છે અને અબલા શબ્દ પણ મૃત્યુ વિશે વપરાયો છે. બ્રહ્માના શરીરમાંથી એક નારી પ્રકટ થઈ અને આ નારીને ‘મૃત્યો’નું સંબોધન થયું. સંહારનો આદેશ અપાયો. આ ‘કમલલોચના’ અને ‘અબલા’ રડવા લાગી, બ્રહ્માએ એનાં આંસુઓ હથેળીમાં લઈ લીધાં, અને મૃત્યુનો જન્મ થયો!

હિન્દીમાં ‘આત્મા’ અને ગ્રીકમાં ‘સાઈકી’ બંને સ્ત્રીલિંગ છે. આનંદશંકર ધ્રુવ લખે છે કે ઉપનિષદ અને ગીતા બંને સ્ત્રીલિંગ છે. ભગવદ્ ગીતા કે ભગવદ્ ગાન નથી, જે છે અને ભગવદ્દગીતા છે, ગીતા એટલે ગાયેલી! ગીતા એ ઉપનિષદનું વિશેષણ છે.

નારીથી ભાગી રહેલા મહાત્માઓ આદરપાત્ર છે, પણ મારી દૃષ્ટિએ અદેખાઈપાત્ર નથી! એક જ્યોર્જિયન કહેવત છે : પત્ની જો આટલી સારી હોય તો ઈશ્વરને પત્ની કેમ નથી? ઈશ્વરને પત્ની હતી, છે, કે હશે એ વિશે આપણને ખબર નથી પણ ઈશ્વરના લગભગ બધા જ ધર્મ પ્રવર્તકોને નારીઓ એટલે કે પત્નીઓ હતી! ફક્ત જિસસ ક્રાઈસ્ટ અપરિણીત હતા અને હઝરત મહંમદને ખદીજાથી મારીઆ કબતિયા સુધી બાર પત્નીઓ હતી.

સૉક્રેટીસ અને કોન્ફયૂશિયસ ધર્મપ્રવર્તકો કરતાં વિચાર પ્રવર્તકો વિશેષ હતા. સૉક્રેટીસની પત્ની ઝેન્તીપે એમને દુઃખીદુઃખી કરી મૂક્યા હતા, અને 19મે વર્ષે પરણેલા કોન્ફ્યુશિયસને લી નામનો એક પુત્ર હતો પણ લગ્ન કરીને એ એટલા દુઃખી થઈ ગયા હતા કે એમણે એમની પત્નીને તલાક આપી દીધા હતા. રામને સીતા હતી, કૃષ્ણને સત્યભામા હતી પણ રાધા વધારે પ્રસિદ્ધ છે. વર્ધમાન મહાવીરની પત્ની યશોદા હતી, ભગવાન બુદ્ધની પત્ની યશોધરા હતી અને જરથુસ્ટ્રની પત્ની હુવોવી હતી. મહાવીર કે બુદ્ધની જેમ રામ અને કૃષ્ણ પત્નીને છોડીને ચાલ્યા ગયા નથી...

ક્લૉઝ અપ :

ક્ષણે ક્ષણે યન્નવતામુપૈતિ
તદેવ રૂપં રમણીયતાઃ

- કવિ મેઘ

(અર્થ : ક્ષણે ક્ષણે જેનું દર્શન કરતાં નવાં રૂપો મળે એ સૌંદર્ય છે.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.