સમર્થન હોય તો બુદ્ધિ પણ શક્તિ બની જાય છે!

16 Jun, 2017
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: historyofmacedonia.org

સન 1976માં એક વિચિત્ર ઘટના બની હતી. એ વર્ષે દરેક નોબેલ પારિતોષિક અમેરિકનો જીતી ગયા હતા. આવું ભાગ્યે જ બનતું હોય છે કે ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સાહિત્ય બધામાં ક જ વર્ષમાં એક જ દેશમાંથી બુદ્ધિમાનો નીકળે. પણ આ પ્રશ્નનો ઉત્તર સરળ છે. 1976માં અમેરિકાની બાયસેન્ટેનરી અથવા દ્વિ-શત વાર્ષિકી હતી અને અમેરિકાનું વર્ચસ્વ વિશ્વની ઘણી સંસ્થાઓ પર સંપૂર્ણ છે. નોબેલ ઈનામ આપનારી કમિટીઓ અમેરિકન મહાસત્તાની અસર નહિ પણ અમેરિકન મહાસત્તાના અંકુશમાંથી કેમ મુક્ત રહી શકે? બધાં જ ઈનામો અમેરિકાએ ખુશ કરવા અમેરિકન નાગરિકોને અપાયાં.

અને પછી નોબેલ પારિતોષિકો આપવામાં આ સિલસિલો ચાલુ રહ્યો છે. જે દેશ ફોક્સમાં હોય એ દેશને, અથવા એ પ્રજાને ઈનામ એનાયત કરવામાં આવે છે. મહાત્મા ગાંધીનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે વારંવાર મુકાતું હતું, પણ એમને ક્યારેય ન અપાયું. પછી મધર ટેરેસાને અપાયું, તિબ્બત પર હક ચાલુ રાખનાર દલાઈ લામાને અપાયું. બ્રહ્મદેશની વિરોધી નેતા સુ કયીને અપાયું. સાહિત્યમાં આ બદલાતા રાજકીય પરિવેશનો સ્પષ્ટ પ્રતિસાદ સંભળાય છે. 1982માં લેટિન અમેરિકાના લેખક ગેબ્રિઅલ ગાર્શિયા માર્કવેઝને ઈનામ અપાય છે કારણ કે એ દશકમાં દક્ષિણ અમેરિકા સમાચારોમાં હતું. 1986માં નાઈજીરિયાનો આફ્રિકન કાળો લેખક વૉલ સિયંકા પસંદ કરાયો, જે પ્રથમ નોબેલ વિજેતા આફ્રિકન લેખક હતો.

1987માં અમેરિકાસ્થિત અને સોવિયેત રશિયાવિરોધી રશિયન કવિ જોઝેફ બ્રોદૂસ્કીની પસંદગી સાહિત્યિક કરતાં રાજનીતિજ્ઞ વિશેષ હતી. 1988માં ઈજિપ્તના નગીબ મેહફૂઝની પસંદગી થઈ કારણ કે હવે કોઈ આરબ લેખક આવવો જોઈએ. આ નૉબેલ ઈનામવિજેતા પ્રથમ આરબ હતો.

પોલેન્ડના વેચ વાલેસાને એ માટે શાંતિ પારિતોષિક અપાયું હતું કારણ કે એણે પોલેન્ડમાં કમ્યુનિસ્ટ શાસન અને આંદોલન જગાવ્યું હતું. હડતાળો પડાવી હતી, સંગઠિત વિરોધ કર્યો હતો.

ઈનામો-પુરસ્કારો જીતી શકે એવી મેધા પ્રકટાવવા માટે કોઈ દેશકાળની જરૂર પડે છે એ એક તદ્દન વ્યક્તિગત સિદ્ધિ છે? એક સમયે જે પ્રદેશ પૂર્વ જર્મની તરીકે ઓળખાતો હતો એ પ્રદેશમાંથી વિશ્વના પ્રથમ કક્ષાના કહી શકાય એવા અત્યંત પ્રતિભાવાન સંગીતજ્ઞો, દાર્શનિકો, લેખકો, કવિઓ, ચિત્રકારો પ્રકટ્યા હતા (કાર્લ માર્ક્સ, ગઅટે, હેગલ, કેન્ટ, બિથોવન વગેરે...) પણ 1949નું જર્મનીનું વિભાજન થયા પછી જે પ્રદેશ પૂર્વ જર્મની બન્યો એણે એક પણ સારી નવલકથા કે ફિલ્મ કે નાટક વિશ્વને આપ્યું નથી.

એ સિવાય ઔષધો કે સ્થાપત્ય કે અન્ય કોઈ બૌદ્ધિક શાસ્ત્રમાં પણ સામ્યવાદી પૂર્વ જર્મીનું ખાસ પ્રદાન રહ્યું નથી. ફક્ત એક જ વસ્તુમાં પૂર્વ જર્મની અગ્રેસર રહ્યું છે : ઑલિમ્પિક્સમાં અને અન્યત્ર સ્વર્ણચંદ્રકો જીતવામાં. વિશ્વના કેટલાક શ્રેષ્ઠ એથલિટ્સ અહીં પેદા થયા. પૃથક્કરણના શોખીનોને અભ્યાસ કરવાની મજા આવે એવો આ વિષય છે.

કોઈ પણ વિચારધારાને ફેલાવા માટે એક પાલક કે ગોડફાધર કે પેર્ટનની જરૂર પડે છે. કોન્ફયૂશિયસની વિચારધારા સેંકડો વિચારધારાઓમાંની એક હતી. પછી સમ્રાટ ગાઓ ઝૂ (ઈસા પૂર્વ 256-195)એ કોન્ફયૂશિયસના વિચારો માટે આદર બતાવ્યો.

બીજા સમ્રાટ વુ દીએ કોન્ફ્યૂશિયસ સિવાયના બધા જ વિચારો પર પ્રતિબંધ મૂક્યો. અંતે એક પછી એક હાન વંશના સમ્રાટો કોન્ફયૂશિયસને ઉચ્ચતમ સ્થાન આપતા ગયા અને કોન્ફયૂશિયસનો ધર્મ ચીનનો પ્રમુખ ધર્મ બન્યો.

હિંદુસ્તાનમાં બૌદ્ધ ધર્મના પ્રસારમાં સમ્રાટ અશોકનું આ જ યોગદાન છે. જો અશોક ન હોત તો બૌદ્ધવાદનો આટલો ફેલાવો ન થયો હોત.

ગુજરાતમાં જૈન ધર્મનો આજે સદીઓ પછી અન્ય કોઈ રાજ્યના જૈન ધર્મ કરતાં વધારે પ્રભાવ છે અને એનું કારણ એ છે કે ગુજરાતમાં કુમારપાળ જેવો એક સશક્ત જૈનધર્મી રાજા રાજ્ય કરી ગયો. એના સમકાલીન હેમચંદ્રાચાર્ય અને કુમારપાળના સમયમાં જૈન ધર્મની નીંવ ગુજરાતમાં ઊંડી ઊતરી ગઈ.

યુરોપમાં રોમન સામ્રાજ્યનો પૂરો ઈતિહાસ નવા ધર્મ ક્રિસ્ટીઆનિટા પરના સતત જુલ્મનો છે. શરૂના ખ્રિસ્તીઓને રોમનો સિંહોની સામે ફેંકી દેતા અને નાગરિકો કોલોઝિયમ કે સ્ટેડિયમમાં બેસીને જોતા.

ખ્રિસ્તી ધર્મને સૌથી મોટો સમર્થક શાર્લમેન મળે છે. એના કાળમાં ક્રિસ્ટીઅન ગુલામોનો સમય પૂરો થયો, એની ઈચ્છા આખા યુરોપને ખ્રિસ્તી બનાવવાની હતી.

શાર્લમેન ખ્રિસ્તી ધર્મનો અત્યંત શક્તિમાન સમ્રાટ હતો. એણે જ્યારે સેક્સન પ્રજાને જીતી ત્યારે ફરમાન કાઢ્યું કે પરાજિત પ્રજા પાસે બે જ વિકલ્પ છે : કતલ થઈ જાઓ અથવા ખ્રિસ્તી બની જાઓ! એણે એક જ દિવસમાં 4500 સેક્સનોને ખ્રિસ્તી ન થવા માટે કતલ કરી નાખ્યા હતા. ખ્રિસ્તી ધર્મપ્રસારમાં શાર્લમેનનું સૌથી મોટું આરંભિક યોગદાન છે.

એ જ રીતે મધ્ય યુગમાં ખ્રિસ્તી ધર્મ જ્યારે ભ્રષ્ટ થઈ ગયો ત્યારે પ્રોટેસ્ટંટ સુધારાવાદના સ્થાપક માર્ટિન લ્યુથરનો પ્રવેશ થાય છે.

માર્ટિન લ્યુથરના મુકદ્દરમાં પણ જીવતા જલી જવાનું હતું, જે ગતિ ચેકસ્લોવેકિયામાં ધર્મપ્રચારક જ્હોન હ્યુસની થઈ હતી. પણ જ્યારે એની એ ગતિ થવાની હતી ત્યારે જ ડ્યૂક ઑફ સેક્સનીએ લ્યુથરને ઉપાડી લીધો અને એના વાર્ટબર્ગના કિલ્લામાં સંતાડો દીધો.

લ્યુથર બચી ગયો અને પ્રોટેસ્ટંટ ધર્મનો ઉદય થયો. જો આ જર્મન રાજકુમાર માર્ટિન લ્યુથરને બચાવવા ન આવ્યો હોત તો સુધારાવાદી પ્રોટેસ્ટંટ ધર્મની જુદી જ ગતિ થઈ હોત.

દેશકાળ, કિસ્મત, સંજોગો, એકાદ પક્ષધર માણસ... કોઈ ક્યાંક સહાય કરતું હોય છે. હિંદુસ્તાનમાં ઝૈલસિંઘ રાષ્ટ્રપતિ થવા માટે કદાચ સૌથી નકામા ઉમેદવાર હતા અને માટે જ થયા, કારણ કે શ્રીમતી ઈન્દિરા ગાંધી શીખોને ખુશ કરવા માગતાં હતાં, અને એમને એક ઘસાયેલા રબર સ્ટેમ્પ જેવો માણસ જોઈતો હતો.

ઝૈલસિંઘ લગભગ અભણ હતા, ભરપૂર આજ્ઞાંકિત હતા, ગાંધી-નેહરુ પરિવારના ઘરઘાટી તરીકે ઝાડુ મારવાની પણ એમની તૈયારી હતી, અને શીખ હતા. આટલી બધી યોગ્યતાવાળો વફાદાર માણસ, સ્લોટમાં સિક્કો ફિટ થઈ જાય એવો, એક જ હતો. માટે એ માણસને આ દેશના રાષ્ટ્રપતિની ખુરશી સોંપવામાં આવી.

પોલેન્ડમાં લેચ વાલેસાના સોલિડેરિટી સંગઠને સામ્યવાદી શાસકોને દુઃખી દુઃખી કરી નાખ્યા હતા. એક સામાન્ય ડોક મજદૂર એક પૂરી રાજ્યવ્યવસ્થા સામે ઝઝૂમી રહ્યો હતો. એ દેશ સામ્યવાદની દીવાલ તોડવા માટે કામ આવી રહ્યો હતો.

પોલંડનું ધ્યાન રાખવું જોઈએ. ત્યાં રોમન કેથલિક પ્રજાની બહુ મોટી વસતિ છે. અત્યાર સુધી માત્ર ઈટાલીઅન ધર્મગુરુઓ જ પોપ બનતા હતા, પહેલી વાર એક પોલિશ ધર્મગુરુ પોપ બની રહ્યો હતો. પોપની નિયુક્તિ કે નિર્વાચન ધાર્મિક કરતાં રાજનીતિક વિશેષ હતું.

ઈતિહાસમાં ઘણાં દૃષ્ટાંતો છે. સિકંદર દુનિયા જીતવા નીકળ્યો એટલે ગ્રીક નાટકો એની સાથે સાથે હિંદુસ્તાન સુધી આવ્યાં. અંગ્રેજો આખી દુનિયાના સમુદ્રો પર ફેલાતા ગયા અને એટલે શેક્સપિયર વિશ્વનો શ્રેષ્ઠ નાટ્યકાર બની ગયો. માત્ર મેધા કે પ્રતિભાથી દુનિયા જીતી શકાય છે? સંજોગો, કિસ્મત, ગોડફાધર, તરવારની નોક... કંઈક જોઈએ છે.

ક્લોઝ અપ :

હું એક સામાન્ય માણસ અને ગરીબ માણસ, બંને રહી ચૂક્યો છું અને મને એનો જરા પણ રોમાંચ નથી.

જ્યોર્જ બર્નાર્ડ શૉ

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.