નાની બેબીની દુનિયા : કોઈને કહેવાનું નહિ ! પ્રોમિસ?
આપણે બધા એક બાળપણ જીવ્યા છે, શૈશવકાળ અને કિશોરાવસ્થાની વચ્ચેની સ્થિતિ, જેને અંગ્રેજીમાં એન્ચાન્ટેડ યર્સ અથવા સ્વપ્નિલ વર્ષો કહેવાય છે. બંને હાથ ટેબલ પર મૂકીને ઉપર માથું ઢાળીને, સ્વચ્છ ખુલ્લી આંખોથી બધી વસ્તુઓ પર ફોકસ કરીને કંઈ જ ન જોવાનાં વર્ષો, જ્યારે આંખો મોટી હતી અને વાળ ઓળવા જરૂરી નહોતા, જ્યારે આયનો આપણી ખૂબસૂરતી તપાસતા રહેવા માટેનું સાધન નહિ, પણ મસ્તી કરતા રહેવાનું એક રમકડું હતો. જ્યારે આયનાની સામે ઊભા રહીને બીજાને જોવાની શરારત સૂઝ્યા કરતી હતી, એ બાળપણ હતું, એ ઉલ્લાસનું સામ્રાજ્ય હતું. જેમાં સ્વપ્નો જોવા માટે આંખો બંધ કરવાની જરૂર નહોતી, જ્યાં આંસુ એ સુકાયા પહેલાં ભૂલી જવાની વસ્તુ હતી, જ્યાં બપોરનો ધગધગતો તડકો રમવાની મોસમ હતી, જ્યાં છેલ્લા વરસાદમાં પણ પહેલા વરસાદની ખુશ્બૂઓ સૂંઘવાની મજા હતી, જ્યાં આંખોને ઊંઘવા માટે અને હોઠોને હસવા માટે ફક્ત સેકંડો જ જોઈતી હતી. એ બાળપણ હતું.
નાની નાની બેબીઓને કોણ સમજ્યું છે? એ નાહીને બહાર આવે છે ત્યારે કેટલી બધી સુવાસ પ્રસરી જાય છે? હમણાં જ પેકિંગ ખોલીને બ્રાન્ડ ન્યુ વસ્તુ બહાર મૂકી હોય એમ, એવી સ્વચ્છ ચમક કોણ પાથરી જાય છે? નાની બેબીઓ દરેક વસ્તુ તરફ હસી શકે છે, પોતે પડી જાય તો, બીજો પડી જાય તો, કોઈને ન પડે તો... છત્રી, આઈસ્ક્રીમ, ટીવીની જાહેરખબર, ડોરબેલનો અવાજ, મમ્મીનો ગુસ્સો. એક નાની બેબીમાં ભગવાને કેટલું હાસ્ય ભરી દીધું છે? અને નાની બેબી રડે ત્યારે એનું આખું શરીર રડી પડે છે, બધાં આંસુનો સ્ટોક તરત જ છલકાઈ જાય છે. નાની બેબી સિવાય વિશ્વનું કોઈ પ્રાણી રડતું હોય ત્યારે પણ આકર્ષક લાગતું નથી અને નાના પશુપક્ષીઓ અને નાની-નાની બેબીઓ વચ્ચે કઈ રીતે તરત જ સંવાદિતા સ્થપાઈ જાય છે? મૌનની ભાષા, ભાષ્ય કે તર્ક વિના, અપ્રયાસ કેવી રીતે સમજાઈ જાય છે? અને કહેવાઈ જાય છે?
નાની બેબીનું એક નિર્દોષ જાદુ હોય છે, જેને એક્સ-રેથી સમજી શકાતું નથી અને માઈક્રોસ્કોપમાં પકડી શકાતું નથી. એ ફોટો પડાવવા બેસે છે ત્યારે આખી પૃથ્વીની સામ્રાજ્ઞીની અદાથી બેસે છે અને એના ચહેરા પર હાસ્યને માંડ માંડ પકડી રાખેલી એક નિર્દોષ ચુસ્તી હોય છે. નાની બેબીના ચહેરા પર પડછાયાઓ રહી શકતા નથી, પૃથ્વી પર એ એક જ પાંખોવાળું મનુષ્ય પ્રાણી છે. એ બે પગ જમીન પર રાખીને ઊડી શકે છે, એ પાણી વિના તરી શકે છે, અને આંખો બંધ કરીને હંમેશાં જોઈ લેવાને ઉત્સુક હોય છે. એનો ચહેરો એની રિદ્ધિસિદ્ધ છે. આભૂષણો પહેરાવેલી નાની બેબી મા-બાપની દરિદ્રતાનો નમૂનો છે, બૌદ્ધિક અને સાંસ્કૃતિક દરિદ્રતાનો, નાની બેબીની આંખોમાં કેટલા રસ એકસાથે છલકી શકે છે નાની બેબીની આંખોમાં કેટલા રસ એકસાથે છલકી શકે છે? નાની બેબી એ રસજ્ઞોને જોઈ ખડખડાટ હસી પડે છે કારણ કે એને ખબર નથી કે આ રસજ્ઞો કહેવાય અને એની રમતિયાળ મસ્તી મર્મજ્ઞો હજી સુધી સમજી શક્યા નથી.
અને નાની બેબી એ જોઈ શકે છે, જે આપણી અનુભવી આંખો જોઈ શકતી નથી... ફૂલની પાછળ સંતાઈ ગયેલો ભમરો, કેરીના ઢગલાની અંદર ઘૂસી ગયેલું જીવડું, ઝાડના થડ પર ફરતો મંકોડો, કૂતરાની લટકતી જીભ પરથી ટપકતું ટીપું, સાંજનું અંધારું ઘેરાઈ રહ્યું હોય ત્યારે રસ્તો ભૂલી ગયેલું પક્ષી, વાયરની જાળીમાં છૂટાં છૂટાં ઝૂલી રહેલા વરસાદનાં બુંદ, કેન્ડી ફ્લોસ લઈને આવતા નાના છોકરાઓ, આપણે એને છોકરાથી છૂટી પાડીને, દૂર કરીને અન્યાય કરીને, એને સેકન્ડ ક્લાસ બનાવવા માટે એક આખું જીવન, પિતૃત્વ કે માતૃત્વ વાપરી નાખીએ છીએ. નાની બેબી પણ ગુસ્સો કરી શકે છે અને એ ક્ષમા કરતી રહે છે.
સેક્સભેદના આપણા જડ વિચારોને, નગ્ન અન્યાયને આપણા ઊંચા ખખડતા અવાજને, આપણા દંભને, જૂઠને, દ્વૈતને એ રડી લે છે. એની ઢીંગલીને બે થપ્પડો મારી લે છે, આયના સામે જોઈને વાળ ઓળી લેવાનો પ્રયત્ન કરતી રહે છે. અથવા ગાલ પર આંસુઓની લકીરો ભીની રાખીને જ એ સૂઈ જાય છે, સૂઈ શકે છે...
જગતભરમાં નાની બેબીને મારનાર પિતા કરતાં ક્રૂર રાક્ષસ જન્મ્યો નથી. અ નાની બેબીની દુનિયામાં એક ખાસ જગ્યા હોય છે નાની નાની ખાનગી વાતોની. કોઈને કહેવાનું નહિ. ટોપ સિક્રેટ ! આજે સ્કૂલબસમાં આવતી વખતે મેં રાકેશની વોટર બોટલમાંથી પાણી પી લીધું હતું. પ્રોમિસ ? તું મારી બેસ્ટ ફ્રેન્ડ અને હું તારી બેસ્ટ ફ્રેન્ડ! કોઈને કહેવાનું નહીં. કાલે મેં મમ્મીના નેઈલ પોલિશથી પગના નખ રંગ્યા હતા. આ રિબન મને જયેશમામાએ, હું તને ચલાવવા આપીશ. બીજા કોઈને નહિ ! પ્રોમિસ, મને મમ્મી નથી. અને મમ્મીઓ. નાની બેબીઓની સરગોશીઓ અને ગુફતગૂઓનો મુખ્ય ટોપિક : મમ્મીઓ.
એ નાનપણ પસાર થઈ ગયું છે. હવે રાત્રે એકલા સૂવાનો ડર લાગતો નથી, ફક્ત એકલા સૂવાની એકલતા લાગે છે. રાત્રે મમ્મીની સાડી લઈને સૂવાથી અંધારાનો દરેક ભય ભાગી જતો હોય એ બાળપણ. જાદૂથી તરબતર નાની-નાની વસ્તુઓથી આખું જીવન ભરાઈ જતું હતું. જ્યારે એક કલાક એક દિવસ જેવો લાંબો ચાલતો હતો. જ્યારે મોજું ઊંધું પહેરાઈ જતું હતું અને રિબનમાં ગૂંચ પડી જતી અને મમ્મી જિંદગીની દરેક ઉલઝન સુલઝાવવા ચોવીસે કલાક પાસે જ રહેતી હતી.
એ દુનિયા, મમ્મીના સ્પર્શની દુનિયા, ડેડીના ખડખડાટ હાસ્યની દુનિયા, વાળ ખેંચતા બાબાની નાની-નાની આંગળીઓની દુનિયા, હવે નથી. જ્યારે બૂટને બકલ લગાડતાં આવડતું નહોતું અને ફ્રોક ઊંધું પહેરાઈ જતું હતું અને પાણીનો ગ્લાસ ઢળી જતો હતો. એ દુનિયા, એ નાનપણ, એ એન્ચાન્ટેડ યર્સ, એ સ્વપ્નિલ વર્ષો. હવે નથી, કોઈને ખબર છે, નાની બેબી ક્યારે એકાએક મોટી બેબી થઈ જાય છે?
ક્લોઝ અપ :
જીવનમાં દરેકે એક જ કામ કરવાનું હોય છે : પોતાની જાતને શોધવાનું.
- હરમાન હાસ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર