સ્લેજિંગ : ગાળાગાળી કરી મનોબળ તોડવું કે પછી પર્સનલ ગુસ્સો ઉતારવો?

24 Oct, 2015
12:00 AM

મસ્‍ઉદ વોરાજી

PC:

ક્રિકેટજગતમાં આંતરરાષ્ટ્રીય મેચ રમતા ખેલાડીઓને યોગ્ય પ્રેક્ટિસની સાથે એંગર મેનેજમેન્ટ પણ શિખવવામાં આવતું હોય છે. છતાંય આપણને એ જોવા મળે છે કે,  કેટલીક મહત્ત્વની મેચોમાં કે કેટલીક સ્ટ્રેસફુલ મોમેન્ટ્સમાં ખેલાડીઓ એમનો પિત્તો ગુમાવી દેતા હોય છે અને સામેવાળા ખેલાડીને અણછાજતી વાતો કહી દેતા હોય છે. જો ગાળો ખાનાર ખેલાડી તમારો પ્રિય ખેલાડી હશે, તો તમને સામેવાળા ખેલાડીનું વર્તન નહીં જ ગમે, અને તમે કહી દેશો કે, 'આ ખેલાડીને ભાન નથી કે કઈ રીતે ‘જેન્ટલમેન ગેમ’ ગણાતી રમત ક્રિકેટની ઈજ્જત થાય.’ અને જો તમારો ખેલાડી ભડકેલો હશે તો તમે એવું કહીને હાથ ખંખેરી લેશો કે, 'આ તો રમતનો જ એક ભાગ છે.' અધૂરામાં પૂરું ખેલાડીઓના વર્તનને એક રૂપકડું નામ પણ આપી દેશો, જેને ક્રિકેટ જગતમાં સ્લેજિંગ કહેવાય છે!

ક્રિકેટ એક હાઈપ્રેશર ગેમ છે, જેમાં દરેક ખેલાડીએ માનસિક રીતે સક્ષમ થવું જ પડે છે. 4 કલાકની T20 હોય કે 5 દિવસ ચાલતી ટેસ્ટ મેચ હોય, પણ એમાં પ્રેશર તો એકસરખુ જ રહેવાનું! જોકે આવા તણાવના સમયમાં કેટલાક ખેલાડીઓ પોતાના મગજ પર કાબૂ રાખી શકતા નથી અને પોતાની સાથેના ખેલાડીને નહીં કહેવાનું કહી દેતા હોય છે. વળી, કેટલાક ટિખળખોરો એવા પણ હોય છે, જેઓ સામેવાળાને તણાવમાં લાવવા માટે સ્લેજિંગનો ઉપયોગ કરતા હોય છે.

જોકે સ્લેજિંગમાં ખેલાડીઓને મસમોટા દંડ ફટકારાયાના કે મોટામોટા વિવાદ થયાંના પણ કિસ્સા નોંધાયા છે. થોડા વર્ષો પહેલા માઈકલ ક્લાર્કને આ બાબતને કારણે, મોટો દંડ થયો હતો. કારણ કે, તેણે જીમી એન્ડરસનને કહ્યું હતું કે : 'get ready for the f****g arm, face up.' આપણને ભારતીયો માટે અને એમાંય ગુજરાતીઓ માટે આવી નાનીમોટી ગાળો રોજિંદા જીવનનો ભાગ છે. એટલે આપણને એમાં બહુ માઠું નહીં લાગે. પરંતુ માઈકલ ક્લાર્ક આટલી અમસ્તી ગાળમાં ભેરવાઈ પડેલો અને આના માટે એને દંડ પણ ફટકારાયેલો!

આ ઉપરાંત પણ આવા તો કેટલાય એવા કિસ્સા છે, જેમાં આનાથી પણ વધુ ખરાબ રીતે સ્લેજિંગ કરાયું હતું કે, જેને અહીં પ્રકાશિત કરી શકાય એમ નથી! એની વે, ક્રિકેટના મેદાન પર કોણે શું કીધું એ વિશે પછી જોઈશું. હમણા આપણે એ સમજવાની કોશિશ કરીએ કે, સ્લેજિંગ એ ખરેખર ક્રિકેટની રમતનો એક ભાગ છે કે પછી માત્ર સામેવાળા ખેલાડી ઉપર પોતાનો બળાપો જ કઢાય છે?

વળી, કેટલાક લોકોની દલીલ એવી પણ છે કે, વિકેટ લીધા પછી બોલર જે રીતે બેટ્સમેનને પેવેલિયન તરફ જવાના અણછાજતા ઈશારા કરતા હોય છે એ તો સ્લેજિંગ કરતા વધુ ખરાબ છે. આ બાબતને લઈને સરળ અને સૌમ્ય પ્રકૃતિ ધરાવતા આપણા રાહુલ દ્રવિડે એમ કહ્યું હતું કે, 'પેવેલિયન તરફ જતી વખતે કરતા આ પ્રકારના ઈશારામાં માત્ર બાયલાપણું ઝળકે છે.' આમ જોવા જઈએ તો રાહુલ દ્રવિડની વાત સાચી જ છે. કારણ કે કોઈક ખેલાડી આઉટ થઈને જતો હોય ત્યારે એને ચીઢવવા કે પજવવાની દાનત એ ખેલદિલીનું પ્રતીક નથી!

ક્રિકેટ જેવી રમતમાં ચડસાચડસી થતી હોવાને કારણે તેમજ બે દેશો આમને સામને ટકરાવાને કારણે ક્યારેક થોડીઘણી મસ્તી થઈ જાય એ ઠીક છે. ઉપરાંત થોડીઘણી ઉશ્કેરણી પણ કદાચ સહ્ય છે. પરંતુ આ બાબતનો ગેરલાભ લઈને પર્સનલ કોમેન્ટ્સ કરવી યોગ્ય નથી જ નથી. એક વાર રોડ માર્શે ઈયાન બોથમની એકાગ્રતાને તોડવા કહ્યું હતું કે, ઈયાન- ‘તારી’ પત્ની અને ‘મારા’ બાળકો કેમ છે?’ આ સાંભળીને ઉશ્કેરાઈ ગયેલા રોડ માર્શે બોથમને જવાબ વાળ્યો હતો કે ‘પત્ની ઠીક છે અને બાળકો ગાંડા છે.’ જોકે ઈયાનનો જવાબ સાંભળીને માર્શ ચૂપ જ થઈ ગયેલો!

તો એક વાર ગ્લેમ મેકગ્રાએ વેસ્ટ ઈન્ડિઝના રામનરેશ સરવનને પૂછ્યું કે ‘બ્રાયન લારાનો **** કેવો છે? ગમ્યો?’ તો સામે સરવને પણ સામેવાળાના કાન ખરી પડે એવો વેધક જવાબ આપ્યો કે ‘તારી પત્નીને પૂછ. તેને ખબર છે.’ સરવનનો આવો જવાબ સાંભળીને મેકગ્રા લાલ-પીળો થઈ ગયેલો!

જોવા જેવી વાત એ છે કે સ્લેજિંગના 99% કિસ્સામાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સામેલ હોય છે. આખું ક્રિકેટ વિશ્વ જાણે છે કે ઓસ્ટ્રેલિયન કેટલા છૂ મગજના હોય છે. જોકે સ્લેજિંગના કિસ્સામાં ઓસ્ટ્રેલિયન્સના ઈનવોલ્વમેન્ટ વિશે મને બહુ નવાઈ નથી લાગતી. વચ્ચે ફેસબુક ઉપર આ બાબતે અમારી ક્રિકેટ ફેન્સની ચર્ચા ચાલતી હતી. ત્યારે મેં આ ટોપિક છેડેલો અને કહેલું કે, 'સ્લેજિંગમાં લિમિટ તો હોવી જ જોઈએ. ગમે તેવી કમેન્ટ્સ કરીને ખેલાડીએ પોતાની ગરિમા ખોવી ન જોઈએ.' મારી વાતનો સૌથી વધુ વિરોધ જો કોઈઓ કર્યો હોય તો એ હતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ફેન્સ!

આ ઘટનાએ મને વિચારવા મજબૂર કર્યો કે, તમારી રમત અને તમારા વર્તન પર તમારો ઉછેર અને તમારા દેશનું વાતાવરણ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આવા કિસ્સામાં સામે જવાબ આપનારા ખેલાડીઓ પણ કંઈ ઓછા નથી હોતા. એમના જવાબો સાંભળીને ભલભલાને તમ્મર આવી જાય એવો ઘાટ થાય છે! ફરક માત્ર એટલો જ છે કે, જવાબ આપનારો ખેલાડી વિવાદની શરૂઆત નથી કરતો એટલે એના માથે ઓછા માછલાં ધોવાય છે!

સ્લેજિંગને લઈને સ્ટીફન ફ્લેમિંગે એના પુસ્તકમાં લખ્યું છે કે, 'ક્રિકેટમાં સ્લેજિંગ તો રહેશે જ અને એ ચાલવું પણ જોઈએ. પરંતુ ખેલાડીઓએ પર્સનલ નહીં થઈ જવાય તેનું ધ્યાન રાખવું જોઈએ.' જોકે પર્સનલ થઈ જવાનો મતલબ દરેક ખેલાડીઓ માટે અલગ હશે! એટલે મને નથી લાગતું કે આ બાબતે કોઈ ધારાધોરણ બંધાઈ શકશે.

મારું માનવું છે કે જ્યાં આટલું બધુ પ્રેશર હોય ત્યાં ખેલાડીને માનસિક રીતે તોડવા માટેની આ સરળ યુક્તિને સંપૂર્ણપણે તો નહીં જ નિવારી શકાય. પરંતુ આ બાબતોને લઈને જો ICC આમાં ધારાધોરણ નહીં બનાવે તો સારા અને સૌમ્ય ખેલાડીઓએ સ્લેજિંગનો ભોગ બનતા જ રહેવું પડશે. કેટલાક ખેલાડીઓને તેમની જાતપાત અને રંગ વિશે પણ હેરાન કરાતા હોય છે. ICCએ આવા કોઈ પણ કિસ્સાને સિરિયસલી લઈને આવી કમેન્ટ કરનાર ખેલાડી ઉપર મોટો દંડ ફટકારી જ દેવો જોઈએ, જેથી બીજા ખેલાડીઓ આ બાબતનું રિપિટેશન નહીં કરે.

ચાલો, તો હવે એવી કેટલીક કમેન્ટ્સ/સ્લેજિંગ વાંચીએ, જેથી તમને ખ્યાલ આવશે કે, ક્રિકેટ ગ્રાઉન્ડ પર સામેવાળા ખેલાડીનું મનોબળ તોડવા માટે કેટલાક ખેલાડીઓ કયા પ્રકારની રીતો અપનાવાતા હોય છે અને કઈ ટીમ આ બાબતનો સૌથી અસરકારક રીતે ઉપયોગ કરે છે.

(10) માલ્કમ માર્શલ અને ડેવિડ બૂન

ડેવિન બૂન માટે માલ્કમ માર્શલ બોલિંગ કરતો હતો અને ડેવિડ બૂનને રમવામાં થોડી તકલીફ પડતી હતી. માર્શલના કેટલાક બોલ મિસ થઈ ગયા અને માર્શલે બૂનને કહ્યું કે, ‘ડેવિડ તું બેટથી રમશે કે હું રાઉન્ડ ધ વિકેટ આવીને તારી થોબડું તોડી નાંખું?’

(9) રોડ માર્શ અને ઈયાન બોથમ

એક મેચમાં રોડ માર્શે ઈયાન બોથમને ડિસ્ટર્બ કરવા માટે પૂછ્યું કે, ‘તારી પત્ની અને મારા બાળકો કેમ છે?’ ત્યારે બોથમે જવાબ આપ્યો કે, ‘પત્ની સારી છે અને બચ્ચાં ગાંડા છે.’

(8) રોબિન સ્મિથ અને મર્વ હ્યુજીસ

વર્ષ 1989માં એશિઝ સિરીઝમાં હ્યુજીસ બોલિંગ કરી રહ્યો હતો અને રોબિન સ્મિથ બેટીંગ કરી રહ્યો હતો. બંને ખેલાડીઓ બોલિંગ અને બેટીંગમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા. ત્યારે હ્યુજીસે સ્મિથને ટિપ્પણી કરતા કહ્યું કે, ‘રોબિન ડોફા તું બેટિંગ નથી કરી શકતો.’ ત્યારે સ્મિથે બીજા જ બોલે હ્યુજીસને ચોક્કો માર્યો અને કહ્યું કે, ‘હે મર્વ! આપણે સારી પેર બનાવી રહ્યા છીએ. મને બેટીંગ નથી આવડતી અને તને ડોફાને બોલિંગ નથી આવડતી.‘

(7) ઈયાન હિલી અને અર્જુન રણતુંગા

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રણતુંગાની વિકેટ લેવામાં સફળ થતા નહોતા અને ઓસ્ટ્રેલિયન બોલર્સ દરેક અખતરા કરી ચૂક્યા હતા. ત્યારે ઈયાન હિલીએ કોમેન્ટ કરી કે, ‘પિચની ઉપર માર્શબાર મૂકી દો તો રણતુંગા આઉટ થઈ જશે.’

(6) માર્ક વોગ અને એડમ પરોરે

માર્ક વોગે પરોરેને કહ્યું કે, ‘તું મને યાદ છે, તું ત્યારે પણ ડફોળ બેટ્સમેન હતો અને આજે પણ ડફોળ બેટ્સમેન છે.’ ત્યારે પરોરેએ કહ્યું કે, ‘હા તારી વાત બરાબર છે. અને મને પણ તું યાદ છે, તું ત્યારે પણ એક બેડોળ ડોસીને ડેટ કરતો હતો અને પછી તેં એની સાથે લગ્ન કરી લીધા. તું તદ્દન મુર્ખ છે.’

(5) જેમી સિડન્સ અને સ્ટિવ વૉગ

શેફિલ્ડ શિલ્ડની એક મેચમાં સ્ટિવ વોગે પોતાના ગ્લોવ્ઝ અને સ્ટેન્ડ સેટ કરવામાં ઘણો સમય લીધો ત્યારે અકળાઈને જેમી સિડન્સે કહ્યું કે, ‘સ્ટીવ, સમય બગાડવો બંધ કર, આ કંઈ ટેસ્ટમેચ નથી.’ ત્યારે સ્ટિવ વોગે જવાબ આપ્યો કે, ‘ખરી વાત છે, એટલે જ તું અહીંયાં છે.’

(4) ગ્લેન મેકગ્રાથ અને રામનરેશ સરવન

ગ્લેન મેકગ્રાથની પત્નીને બ્રેસ્ટ કેન્સર થયું હતું અને તે પછીની ટેસ્ટ સિરીઝમાં આ બનાવ બન્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચમાં ગ્લેન મેકગ્રાથે સરવનને કહ્યું કે, ‘બ્રાયન લારાનો ...... કેવો લાગ્યો?’ ત્યારે સરવને જવાબ આપ્યો, ‘તું તારી પત્નીને કેમ નથી પૂછતો, તેને વધુ ખબર છે.’ આ સાંભળી મેકગ્રાથ લાલપીળો થઈ ગયો અને તેણે કહ્યું કે, ‘હવે પછી મારી પત્નીનું નામ લીધું તો હું તારુ ગળુ કાપી નાખીશ.’

(3) ફ્રેડ ટ્રુમેન

એક ઓસ્ટ્રેલિયન બેટ્સમેન દાવ લેવા માટે ગ્રાઉન્ડ ઉપર આવી રહ્યો હતો અને તે બેટ્સમેને પેવેલિયનની ફેન્સ ખોલી ત્યારે બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ ભરતા ફ્રેડ ટ્રુમેને કહ્યું કે, ‘ફેન્સનો દરવાજો બંધ કરવાની તસ્દી નહીં લે, કેમકે તું લાંબો સમય પીચ પર ટકવાનો નથી,’

(2) ડેરેલ કુલિનન અને શેન વોર્ન

વર્ષ 2003માં શેન વોર્ન ઉપર ડ્રગ્સ લેવા બાબતે 2 વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જ્યારે પ્રતિબંધ પૂર્ણ થયો ત્યારે શેન વોર્ને ટેસ્ટ મેચમાં કુલિનને કહ્યું કે, ‘તને ફરીથી આઉટ કરવા માટે હું 2 વર્ષથી ઉતાવળો હતો.’ કુલિનને વોર્નના પેટ તરફ નજર નાખીને કહ્યું કે, ‘લાગે છે કે, આ 2 વર્ષ તે ખાવા-પીવામાં જ પૂરા કર્યા છે.’

(1) ફ્રેડ ટ્રુમેન અને રમણ સુબ્બારાવ

ફ્રેડ ટ્રુમેન બોલિંગ કરતો હતો ત્યારે બેટ્સમેનની બેટની ધાર લાગીને બોલ સ્લીપમાં ગયો, જ્યાં રમણ સુબ્બારાવ ફિલ્ડીંગ ભરતો હતો અને બોલ એના પગના ગાળામાંથી નિકળી ગયો. જ્યારે ઓવર પુરી થઈ ત્યારે સુબ્બારાવે ટ્રુમેનને કહ્યું કે, ‘સોરી ફ્રેડ, મારે પગ જોડેલા રાખવા જોઈતા હતા.’ ત્યારે ટ્રુમેને કહ્યું, ‘તારી માતાએ પણ જોડેલા જ રાખવા જોઈતા હતા.’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.