શું ખરેખર સચીન તેન્દુલકર નંબર વન છે?

01 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટ પોર્ટલ cricket.com.au દ્વારા રિડર વોટિંગ કરાવાયું કે 21મી સદીનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર કોણ? આપણાં ભારતીયોમાં તરત જ દેશપ્રેમનું ઘોડાપૂર ઉમટ્યું અને મંડી પડ્યાં આપણે વૉટ કરવા. થોડા જ સમયમાં તો આપણો સચીન તેન્દુલકર સૌથી વધુ 23% વૉટ મેળવીને 21મી સદીનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર ચૂંટાઈ આવ્યો. એક ભારતીય હોવાના નાતે મને એ ગમ્યું. પણ સાથે જ મન ચકડોળે પણ ચઢ્યું કે, ક્યાંક રાહુલ દ્રવિડને આપણે અન્યાય તો નથી કરી રહ્યાને? બીજી તરફ જેક કાલીસ, રિકી પોન્ટિંગ, બ્રાયન લારા અને આપણા પાડોશી કુમાર સંગાકારાએ પણ ક્રિકેટની રમતમાં કંઈ નાનુસૂનું યોગદાન નથી આપ્યું. ચોક્કસપણે જ આ ક્રિકેટર્સનું પરફોર્મન્સ પણ આ સદીમાં ઉત્કૃષ્ટ રહ્યું છે.

એક નજર ICCનાં ઓલ ટાઈમ રેટિંગ પર નાંખીએ. આ સ્કોર કાર્ડ ખેલાડીની સંપૂર્ણ કરિયરને ધ્યાનમાં રાખીને ખેલાડીને રેટિંગ આપતું હોય છે. તેમાં પણ હાલમાં કરાયેલા પ્રદર્શનને વધુ પ્રાધાન્ય અપાતું હોય છે.

આ રેટિંગમાં સર ડોનાલ્ડ બ્રેડમેન સૌથી આગળ છે 962 પોઈન્ટની સાથે અને આપણો સચીન છે 30માં ક્રમે 898 પોઈન્ટ્સ સાથે. આજે આપણે જે 5 ક્રિકેટર્સ વિશે ચર્ચા કરવાનાં છીએ, જેમની કરિયર હાઈએસ્ટ પીક પોઈન્ટ નીચે મુજબ છે.

ખેલાડી  કરિયર પીક પોઈન્ટ  રેટિંગ રેટ
પોન્ટિંગ 942 4th
સંગાકારા 938 6th
કાલિસ 935  10th
લારા 911  25th
તેન્દુલકર 898  30th

BBCએ તેમનાં એક ફીચરમાં લખ્યું હતું કે સચીન તેન્દુલકરનું સર્વશ્રેષ્ઠ ફોર્મ બીજા ખેલાડીઓનાં સર્વશ્રેષ્ઠ ફોર્મ કરતાં ઉતરતું હતું. હવે જો આપણે માત્ર અને માત્ર આંકડાકીય માહિતી અથવા સ્કોર કાર્ડને જ ગણતરીમાં લઈએ તો,

ખેલાડી મેચ રન  એવરેજ  100 50  RPM  50PM
તેન્દુલકર 200  15921  53.78 51 68 79.61 0.595
પોન્ટિંગ 168 13378 51.85 41 62 79.63 0.613
કાલીસ 166 13289 45 45 45 80.05 0.620
સંગાકારા 132  12305 58.04 38 52  93.22 0.682
લારા 131 11953  52.88 34 48 91.24 0.626

ઉપરનાં કોષ્ટકને જોઈએ તો પહેલી નજરમાં દેખાય આવે છે કે પ્રત્યેક મેચમાં રન અને 50નો સ્કોર બનાવવામાં આપણો સચીન મુખ્ય પ્રતિસ્પર્ધીઓથી પાછળ રહી જાય છે. અને કુમાર સંગાકારા બાકીનાઓને હંફાવી જાય છે. સચીનના નામે સૌથી વધુ રન અને 100 રન ફટકારવાનો રેકોર્ડ તો જોકે પહેલી જ નજરમાં દેખાઈ આવે છે.
  
સ્કોરકાર્ડ પરથી થતાં રેન્કિંગની એક ખામી એ છે કે, મેચ કયા સંજોગોમાં અને કેવા ઉતાર-ચઢાવ સાથે રમાઈ તે જાણી શકાતું નથી. ટીમે કરેલા 700 રનના સ્કોરમાં જે-તે ખેલાડીએ કરેલા 100 રન કરતાં 300 રનના સ્કોરમાં કોઈ ખેલાડીએ કરેલાં 100 રનની કિંમત વધુ હોય છે, પણ માત્ર અને માત્ર સ્કોરકાર્ડ દ્વારા રેટિંગ કરી શકાય નહીં. તે જ રીતે ડ્રો મેચમાં લેવાયેલી 5 વિકેટ્સ કરતાં 5 રનથી જીતાયેલી મેચમાં લીધેલી 3 વિકેટ્સ વધુ મૂલ્યવાન હોય છે.

આના પરથી કળી શકાય છે કે માત્ર સ્કોરકાર્ડ જોઈને તમે કોઈ ખેલાડીની ક્ષમતાને 100% ન્યાય ન આપી શકો. આ માટે અમે એક વિશાળ ડેટાબેઝ તૈયાર કરીને ટીમ દ્વારા થતી જીતનો રેશિયો કાઢ્યો. તેમાં ખેલાડીઓ દ્વારા કરાયેલા રન, ભાગીદારીઓ અને ખેલાડીઓ દ્વારા લેવાયેલ વિકેટ્સને ધ્યાનમાં લીધી. કોઈપણ ભાગીદારી શરૂ થવા પહેલાં અને વિકેટ પડ્યા પછીની મેચની પરિસ્થિતિને જોઈ અને મેચના રિઝલ્ટ ઉપર તેની શું અસર થઈ તેનો ક્યાસ કાઢ્યો. અને તે પછી આવી પાર્ટનરશીપમાં કોણે કેટલી જવાબદારી નિભાવી અને મેચનું પાસુ બદલ્યું તે પણ ધ્યાનમાં લીધું.

એને નામ આપ્યું ‘ઈમ્પેક્ટ રેટિંગ’. આ અસરકારકતા ચકાસ્યા પછી જોયું કે આપણા 5 મહારથીઓમાં કોણ કેટલા પાણીમાં છે અને કોણ કયા સ્થાને ઊભું છે?

હવે આપણે જોઈએ કે ‘ઈમ્પેક્ટ રેટિંગ’ આ 5 મહારથીઓ વિશે શું કહે છે.

ખેલાડી  ઈમ્પેક્ટ (કરિયર) ઈમ્પેક્ટ (મેચ)
તેન્દુલકર  2816 14.08
કાલીસ 2556 15.40
પોન્ટિંગ 2194 13.06
સંગાકારા 1976 14.97
લારા 1965 15.00

ઉપરનાં કોષ્ટક પ્રમાણે તો સચીન ઓવરઓલ ઈમ્પેક્ટમાં પ્રથમ નંબરે છે. પરંતુ વધારાની 292 વિકેટ્સ અને 200 કેચની સાથે જેક કાલીસની દરેક મેચ ઉપરની ઈમ્પેક્ટ તેને પ્રથમ નંબરે મૂકી જાય છે.

દરેક મેચનાં વ્યક્તિગત પ્રદર્શનને ધ્યાનમાં લઈએ તો જીતમાં 20%, 30%, 40% યોગદાન કયા ખેલાડીનું રહ્યું તે જોઈએ.

ખેલાડી 20% 30% 40%
કાલીસ 59 26 12
તેન્દુલકર 54 31 17
પોન્ટિંગ 46 20  10
લારા 41 25 10
સંગાકારા 37 37 9

ચાલો તમને થોડું વિસ્તારથી સમજાવું. 40% ઈમ્પેક્ટનો મતલબ એમ નથી થતો કે, આખી મેચના રિઝલ્ટમાં 40% યોગદાન જે-તે ખેલાડીનું રહ્યું. એક ટીમની જીતમાં ઘણા પરિબળો કામ કરતા હોય છે. નકારાત્મક અને હકારાત્મક બંને પ્રકારના. એ જોતાં આ 40% યોગદાન મેચને જીતાડવા તરફ લઈ જતાં પરિબળોને રિપ્રેઝન્ટ કરે છે. આ 40% છૂટાં પાડીએ તો બની શકે કે 10% એક મહત્ત્વની ભાગીદારી, 5% બીજી ભાગીદારી, 15% કોઈ મહત્ત્વપૂર્ણ વિકેટ કે કેચ, -5% વિકેટ ખોવી, 25% મેચની છેલ્લી પારીમાં સારું યોગદાન અને -10% જો તે ઈનિંગ્સમાં ખોયેલી વિકેટ હોય શકે.

છેલ્લાં બંને કોષ્ટક ઉપર નજર નાખીએ તો સાફ ખ્યાલ આવશે છે કે સચીન તેન્દુલકર અને જેક કાલીસ ટોપ સ્પોટનાં હકદાર છે. કાલીસે તેની ટીમની જીતમાં 20% લેખે 59 મેચમાં યોગદાન આપ્યું તો સચીને 40% લેખે 17 મેચમાં ભારતને જીતવામાં મદદ કરી.

આ બધાં જ રત્નો પોતાની સંપૂર્ણ કરિયરમાં એક અથવા અન્ય સમયે તેમની ઈમ્પેક્ટના આધારે ટોચે રહ્યા છે. કયો ખેલાડી કેટલી ટેસ્ટ મેચનાં સમયગાળા દરમિયાન #1 ગણવામાં આવ્યો તે જોઈએ તો :

ખેલાડી  ટેસ્ટ મેચની સંખ્યા
તેન્દુલકર 329
કાલીસ 246
લારા 203
સંગાકારા 91
પોન્ટિંગ 85

આ જોતા સ્પષ્ટ થાય છે કે તેન્દુલકર, કાલીસ અને લારા તેમના પ્રતિસ્પર્ધી સંગાકારા અને પોન્ટિંગથી ઘણા આગળ છે. જ્યારે મેં આ વિસ્તૃત સંશોધન નહોતું કર્યું ત્યારે મને એવું લાગતું હતું કે, બ્રાયન લારા બાકીના ખેલાડીઓ કરતા ઈમ્પેક્ટ મુજબ ઘણો આગળ હશે.

આ પાંચ ખેલાડી જે રમ્યા તે સમયગાળાને ત્રણ ભાગમાં વહેંચીને જોઈએ. પ્રથમ ભાગ કે જેમાં (187 ટેસ્ટ) તેંદુલકર અને લારા હતા. બીજો ભાગ કે જેમાં બધા જ પાંચેય (313 ટેસ્ટ) રમ્યા અને ત્રીજો ભાગ જેમાં (247 ટેસ્ટ) કાલીસ અને સંગાકારા જોડાયા.
સંગાકારા પહેલાં (187 ટેસ્ટથી)

ખેલાડી તબક્કો
તેન્દુલકર 99
લારા  83
કાલીસ  5
પોન્ટિંગ 0

એ સમજી શકાય એવી બાબત છે કે, નેવુંના દાયકાની શરૂઆતમાં તેન્દુલકર અને લારા વધુ રમ્યાં અને તેમાં તેમનું પ્રભુત્વ વધુ રહ્યું. બિલકુલ એ જ સમયગાળામાં કાલીસ અને પોન્ટિંગનું પણ ક્રિકેટ જગતમાં પદાર્પણ થયું તે દરમિયાન સચીન 38, લારા 35, પોન્ટિંગ 34 અને કાલીસ 37 ટેસ્ટ રમ્યા.

હવે પાંચેય ભેગા રમ્યા (313 ટેસ્ટથી) ત્યારથી

ખેલાડી બીજો તબક્કો
કાલીસ 136
પોન્ટિંગ 65
લારા 63
સંગાકારા 28
તેન્દુલકર 21

જે સમયગાળામાં બધાં 5 સ્ટાર રમ્યા હોય ત્યારે જેક કાલીસનું એકચક્રી શાસન રહ્યું. બાકી બધા કરતાં બમણી મેચમાં કાલીસ નંબર 1 રહ્યો. આપણો સચીન સૌથી પાછળ રહ્યો. આ સમયગાળા દરમિયાન તેન્દુલકર 55, લારા 63, પોન્ટિંગ 71, કાલીસ 64, સંગાકારા 62 ટેસ્ટ મેચ રમ્યા.

લારા રિટાયર્ડ થયો પછી (247 ટેસ્ટ)

ખેલાડી ત્રીજો તબક્કો
તેન્દુલકર 106
કાલીસ 99
સંગાકારા 22
પોન્ટિંગ 20

જોવા જેવી વાત છે કે સચિન તેન્દુલકર તેની કારકિર્દીના આરંભ અને અંત વખતે બહુ ખીલ્યો. તેન્દુલકર, કાલીસ, પોન્ટિંગ જ્યારે એક્ટિવ હતા એ સમયની એમની રમત અને તેમનું પરફોર્મન્સ નીચેનાં કોષ્ટકમાં જોઈ શકાય છે.

ખેલાડી ટેસ્ટ
કાલીસ 240
તેન્દુલકર 226
પેન્ટિંગ  85

જ્યારે પાંચેય ખેલાડી રમતા ત્યારે કોનું પ્રભુત્વ રહ્યું તે જોઈએ તો,

બધાં 5 રમતાં ત્યારે (313 tests)

ખેલાડી ટેસ્ટ
લારા  29
પોન્ટિંગ 28
કાલીસ  24
કાલીસ  23
સંગાકારા 20

સચીન ઉપરના લિસ્ટમાં કશે જ નથી કેમકે તેનું પ્રભુત્વ તેની 7 ટેસ્ટ પૂરતું જ રહ્યું હતું. હવે જો આપણે સંગાકારા પહેલાનું અને લારા પછીનું ટોટલ 4 ખેલાડીનું પરફોર્મન્સ એનાલિસિસ કરીએ તો:

ખેલાડી ટેસ્ટ
તેન્દુલકર 44
કાલીસ  38
તેન્દુલકર 26
કાલીસ 25
તેન્દુલકર 25

ઉપરનાં કોષ્ટક પરથી સ્પષ્ટ થાય છે કે, જ્યારે બધા 5 ખેલાડીઓને સાથે મૂલવીએ તો સહુથી ઓછી ઈમ્પેક્ટ સચીનની રહી છે.

સરવૈયુઃં

ઈમ્પેક્ટની ચકાસણી કરવાની વિવિધ રીત હોય છે. પરંતુ દરેક તબક્કામાં ઈમ્પેક્ટ સરળ જ રહે છે. આપણે સંપૂર્ણ કરિયર, કરિયરનું ટોચનું પ્રદર્શન, એ સમયગાળો કે જેમાં તેમની એવરેજ સુધરી (આપણા કેસમાં 20%) જેવી બાબતોનો અભ્યાસ કર્યો. જો આપણે વધુ પરિબળોને લઈને ચકાસણી કરી શક્યા હોત તો હજુ વધુ સારું હોત. જોકે પરિણામ લગભગ જેવું છે તેવું જ રહેત. ટેસ્ટ મેચ કયા વાતાવરણમાં, કેવી પીચ અને કેવા સંજોગોમાં રમાઈ તે પણ વિસ્તૃત સંશોધન માગી લે છે. (પણ સ્થળ સંકોચને કારણે મને એ સંશોધન કરવાનું યોગ્ય નથી લાગતું. આમ પણ આ એનાલિસિસ લાંબુ થયું છે!)

આપણે ઉપર જે વિસ્તૃત ચર્ચા કરી એનું જીયોમેટ્રીકલ રીતથી એનાલિસિસ પણ કરીએ તો નીચે મુજબનું રિઝલ્ટ આવે છે.

ખેલાડી જીયોમેટ્રીક મીટર
તેન્દુલકર 53.29
કાલીસ 50.28
લારા 44.53
પોન્ટિંગ 40.05
સંગાકારા 39.20

યાદ રહે કે, સચીનને મુખ્ય ફાયદો છે તેની 200 ટેસ્ટ મેચનો. આ વિશાળ આંકડો ક્રિકેટ જગતમાં તેનું પ્રભુત્વ જમાવવામાં વધુ મદદ કરે છે. આટલી લાંબી કરિયર હોવાથી પોતાની રમતનો ગ્રાફ સમાંતર રાખવો એ અત્યંત કપરું કામ છે. છતાંય તેન્દુલકરની ખાસિયત જ એ રહી કે, એણે સમગ્ર કરિયર દરમિયાન પોતાની રમતમાં પ્રભુત્વ પણ જાળવ્યું અને તેની રમતનો ગ્રાફ પણ લગભગ સમાંતર રહ્યો.

હવે આ માથું ગૂંચવી દેતા આંકડા અને કોષ્ટક જોઈને તમે જ નક્કી કરો કે કોણ છે ખરો નંબર વન? કાલીસની 292 વિકેટ અને 200 કેચને અવગણવું કે નહીં એ તમે જ નક્કી કરો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.