ક્રિકેટ જગતનો એક અલગારી બોલર

07 Nov, 2015
12:00 AM

મસ્‍ઉદ વોરાજી

PC:

ક્રિકેટ વિશ્વને કર્ટલી એમ્બ્રોઝનો પ્રથમ પરિચય થયો વર્ષ 1986માં, જ્યારે તે રેડ સ્ટ્રાઈપ કપમાં લિવાર્ડ આઈલેન્ડ તરફથી રમવા આવ્યો. તે વર્ષની ક્રિકેટ સિઝનમાં એન્ટિગુઆના આ ફાસ્ટ બોલર ગુયાના વિરુદ્ધ માત્ર એક જ મેચ રમ્યો હતો અને તેણે 4 વિકેટ્સ લીધી હતી. 1987ની આખી સિઝનમાં એમ્બ્રોઝ એક પણ મેચમાં ન રમી શક્યો, કેમકે લિવાર્ડની ટીમમાં પહેલેથી બાપ્ટિસ્ટ, વિન્સ્ટન બેન્જામિન, એન્થની મેરિક અને જ્યોર્જ ફેરિસ જેવા સારા બોલર્સ હતા, જેઓ વેસ્ટ ઈન્ડિઝ માટે રમતા જ હતા અથવા તો વેસ્ટ ઈન્ડિઝની ગ્રેટ ફાસ્ટ બોલિંગ લાઈન અપમાં સમાવેશ થવા માટે થનગનતા હતા. પણ એ 1988નું વર્ષ હતું, જ્યારે એમ્બ્રોઝને યોગ્ય રીતે રમવાનો મોકો મળ્યો અને એ તકનો એમ્બ્રોઝે યોગ્ય ઉપયોગ પણ કર્યો હતો.

ફિટ અને ફાસ્ટ, એમ્બ્રોઝે લોકલ પ્લેયર્સના તો રીતસરના ટાંટિયા ધ્રૂજાવી નાખ્યા અને કેરેબિયન ટાપુમાં તરત જ વાત ફેલાઈ ગઈ કે બની શકે ત્યાં સુધી એમ્બ્રોઝને ઉશ્કેર્યા વગર એને યોગ્ય ઈજ્જત આપીને રમવું. ગુસ્સે થયેલ એમ્બ્રેઝ ગમે તેવી બેટિંગ લાઈન-અપને ઉખાડી નાંખવા સક્ષમ જણાયો.

એમ્બ્રોઝને જોઈને જમૈકાના એક ઓપનરને તો એવું લાગેલુ કે તે લેફ્ટી બેટ્સમેન છે એટલે તે એમ્બ્રોઝને સાચવી લેશે અને તેના રાઈટ હેન્ડેડ પાર્ટનરને તેણે એમ સલાહ આપી કે, તું વિન્સ્ટન બેન્જામિનને રમી લેજે. તે બહાદૂર લેફ્ટી ખેલાડી હતો નિગેલ કેનેડી કે જેનો તે જ મેચમાં એમ્બ્રોઝની બોલિંગ વખતે હાથ તૂટ્યો અને તે જમૈકા માટે આખી સિઝન રમી ન શક્યો.

એન્ટિગુઆની ફાસ્ટ પિચ ઉપર ગુયાનાની ટીમ પર એમ્બ્રોઝ રીતસરનો તૂટી પડ્યો અને તેણે 12 વિકેટ્સ ખાધી, જેમાંના 9 બેટ્સમેનને એણે બોલ્ડ જ કર્યા! તે સિઝનમાં આ 6'7 ફૂટીયા એમ્બ્રોઝે 15.48ની એવરેજથી 35 વિકેટ્સ લીધેલી. દુનિયાનો સૌથી વધુ ડેન્જરસ અને હોશિયાર બોલર મેલ્કમ માર્શલ પણ વર્ષ 1988માં એમ્બ્રોઝથી 8 વિકેટ પાછળ હતો! જેના પરથી એ વાતનો તાગ મેળવી શકાય કે, એમ્બ્રોઝે એ ડોમેસ્ટિક સિઝનમાં કેવી બોલિંગ કરી હશે.

આ પ્રદર્શન પછી તો માત્ર એ જ જોવાનું હતું કે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં એમ્બ્રોઝ ક્યારે પોતાનું સ્થાન મેળવે છે? એમ્બ્રોઝના આ પ્રદર્શનને નકારી શકાય તેવું નહોતું, એટલે મહેમાન પાકિસ્તાની ટીમની સામે ડિકલેર્ડ થયેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં એમ્બ્રોઝનું નામ જોડાયું.

વર્ષ 1984થી નોંધપાત્ર ક્રિકેટ રમવાનું શરૂ કરનાર એમ્બ્રોઝ માત્ર 4 જ વર્ષમાં તો વેસ્ટઈન્ડિઝ માટે રમતો થઈ ગયો હતો, જેને તે સમયે તો એક ચમત્કાર જ કહી શકાય. કારણ કે એ સમયે વેસ્ટઈન્ડિઝમાં ઓલરેડી ઘણા સારા ફાસ્ટ બોલર્સ હતા.

એમ્બ્રોઝ વિશે એવું કહેવાતું કે તે માત્ર ક્રિકેટનો જીવ નહોતો. બીજા કેરેબિયન ક્રિકેટર્સની જેમ એમ્બ્રોઝનું વેસ્ટઈન્ડિઝની ટીમ માટે રમવાનું કોઈ સ્વપ્ન નહોતું. જેટલા પણ એથ્લેટ્સ હોય છે, તેઓ પોતાની જાતને આંતરસ્તરીય કક્ષાના ખેલાડી બનાવવા માટેનું પોતાનું સ્વપ્ન પુરું કરવા માટે કલાકોની મહેનત કરતા હોય છે. ડોનાલ્ડ બ્રેડમેન જેવા મહાન ક્રિકેટર વિશે તો એવું કહેવાતું કે તેઓ પોતાની બેટિંગ સુધારવા માટે ગોલ્ફના બોલને એક ટેન્ક સામે અથડાવતા અને સ્ટમ્પ વડે તેને ફટકારવાની કલાકોની જહેમત ઉઠાવતા. માઈકલ જોર્ડન, જે બાસ્કેટબોલનો કદાચ અત્યાર સુધીનો સૌથી મહાન ખેલાડી કહી શકાય તે સવારે સ્કૂલે ગયા પહેલા પોતાના કોચ સાથે કલાકોની પ્રેક્ટિસ કરતો. દરેક રમતમાં મહાન થવા માટે કલાકોની પ્રેક્ટિસ અને જે તે રમત પ્રત્યે અબાધિત પ્રેમ હોવો જરૂરી હોય છે.

પરંતુ એમ્બ્રોઝના કિસ્સામાં એવું જરાયે નહોતું. ઊભરતા છોકરા તરીકે એમ્બ્રોઝ ક્યારેય ક્રિકેટ નહોતો રમ્યો અને જે પ્રમાણે તે કહે છે તેમ તેને ક્રિકેટ પ્રત્યે લગાવ જ નહોતો. તેના માટે તો ક્રિકેટ ઘણો સમય અને શક્તિ વાપરી કાઢતી રમત છે એટલે એ તેના મિત્રો જોડે માત્ર ટેનિસ બોલથી ક્રિકેટ રમતો અને તે પણ કેરેબિયન બીચ ઉપર! તેના મિત્રોને લાગતું કે એમ્બ્રોઝ સારી બોલિંગ કરી શકે એમ છે, એટલે તેઓ તેને જબરદસ્તી ગામની મેચમાં ખેંચી જતા. બીજા મહાન ખેલાડીઓની આત્મકથા વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે, તેમની સફળતા પાછળ નાનપણથી કરાયેલી મહેનત અને રમત પ્રત્યેનો એમનો લગાવ જવાબદાર છે. પરંતુ એમ્બ્રોઝ આ બધાથી અલગ નીકળ્યો. એને આ રમત પ્રત્યે એવું કોઈ મમત્વ હતું જ નહીં.

જો એમ્બ્રોઝનો કોઈક મિત્ર અવકાશમાં જતો રહ્યો હોત અને વર્ષ 1994માં પાછો આવ્યો હોત, તો તે એ જોઈને આશ્ચર્યચકિત થઈ જતે કે આ એમ્બ્રોઝ તો ઈંગ્લેન્ડને સબિના પાર્કમાં ભોંય ભેગું કરી રહ્યો છે! પ્રથમ તો તે માની જ ન શકત કે જે યુવાનને તેઓ ક્રિકેટ રમવા જબરદસ્તી ઘસડી જતાં તે યુવાન આવું પ્રદર્શન કરી શકે! તે માની જ ન શકત કે એમ્બ્રોઝે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 610 વિકેટ્સ છટકાવી છે અને તે જ એમ્બ્રોઝે ક્રિકેટ મેદાન ગજાવીને ઓસ્ટ્રેલિયા તેમજ ઈંગ્લેન્ડ જેવી સ્ટ્રોન્ગ ટીમ્સને ભૂ પીતી કરી દીધી. ઓસ્ટ્રેલિયા સામેનો એક સ્પેલ, જે ક્રિકેટમાં સૌથી યાદગાર સ્પેલ કહેવામાં આવે છે, જેમાં એમ્બ્રોઝે માત્ર 1 રન આપીને 7 વિકેટ્સ ખેરવી હતી!

વર્ષ 2000માં ઈંગ્લેન્ડની ટૂર પર જ્યારે એમ્બ્રોઝે ક્રિકેટને અલવિદા કર્યું ત્યારથી તે જે રીતે ક્રિકેટમાં આવેલો એ જ રીતે ક્રિકેટથી અલિપ્ત થઈ ગયેલો. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ મ્યુઝિક તેનું જીવન બની ગયું. ‘The Big Bad Dread And The Baldhead’ નામના બેન્ડમાં એમ્બ્રોઝ બાઝ વગાડે છે. આ તે જ બેન્ડ છે જેમાં વેસ્ટઈન્ડિઝનો કેપ્ટન રિચી રિચર્ડસન ગિટારિસ્ટ છે.

જોકે વર્ષો સુધી ક્રિકેટથી દૂર રહેલા એમ્બ્રોઝની ક્રિકેટ જગતમાં ફરી એન્ટ્રી થઈ છે. જોકે આ વખતે એ કંઈક જુદા જ અવતારમાં જોવા મળશે. કારણ કે, તાજેતરમાં જ વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેની બોલિંગ કોચ તરીકે તેની નિયુક્તિ કરી છે. તો ચાલો આશા રાખીએ કે વેસ્ટ ઈન્ડિઝના નવા ઊભરતા બોલર્સને એમ્બ્રોઝના બહોળા અનુભવનો ફાયદો મળી રહે.

તો નીચેના લિંક પર ક્લિક કરો અને માણો આ જોરદાર બોલરની ધૂંઆધાર બોલિંગ

[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=3nAFI6yuVis[/embed]

[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=a5G4pqb4nns[/embed]

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.