કુમાર સંગાકારા સર્વકાલિન સર્વશ્રેષ્ઠોની યાદીમાં ક્યાં સ્થાન મેળવશે?

15 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

કુમાર સંગાકારા, શ્રીલંકાનો સચીન રિટાયર્ડ થઈ રહ્યો છે. હાલમાં રમાતી ઈન્ડિયા V/s શ્રીલંકાની ટેસ્ટ શ્રેણી તેની છેલ્લી શ્રેણી હશે. તો ચાલો આજે સંગાકારાની રન કૂંડળી તપાસીને એ જોઈએ કે સંગાકારા જગતનો સર્વકાલિન શ્રેષ્ઠ બેટ્સમેન છે કે નહીં.

સંગાકારાનો ઓવરઓલ ટેસ્ટ રેકોર્ડ :

ટેસ્ટ : 132
રન : 12,305
સેન્ચૂરીઝ : 38
ફિફ્ટીઝ : 52
એવરેજ : 58.4

સંગાકારાએ રનોના અને રેકોર્ડઝના જે ખડકલા કર્યા છે તે પરથી તો એટલું ચોક્કસ જ છે કે તે વર્લ્ડના શ્રેષ્ઠ 20 બેટ્સમેનમાં ગણતરી પામશે. આ વિશે થોડું ઊંડાણમાં જોઈએ કે તે શું ખરેખર સચીન, લારા, કાલીસ, પોન્ટીંગના સ્તરનો બેટ્સમેન છે ખરો? કયા સંજોગોમાં સંગાકારાએ બેટીંગ કરી છે અને અલગ-અલગ વિદેશ પ્રવાસોમાં કયા દેશોમાં તેનું કેવું પ્રદર્શન રહ્યું?

સૌથી પહેલા તો સંગાકારાએ ખડકેલા કેટલાક રેકોર્ડઝ તરફ જોઈએ :

સૌથી વધુ ઝડપે 8000 રન

સૌથી વધુ ઝડપે 9000 રન

સૌથી વધુ ઝડપે 10,000 રન

સૌથી વધુ ઝડપે 11,000 રન

સૌથી વધુ ઝડપે 12,000 રન

બ્રેડમેન પછી સૌથી વધુ ડબલ સેન્યુરી

ત્રણ વાર 190 થી 200 વચ્ચે આઉટ, એકવાર 199નો સ્કોર.

8000 રનોનો ખડકલો કરનાર બેટ્સમેનમાં સૌથી વધુ એવરેજ (જો તેની છેલ્લી બે ઈનિંગ્સમાં તે કમ સે કમ 60 રન કરે તો ગેરી શોબર્સ કરતા આગળ રહેશે.

ત્રણ નંબરના બેટ્સમેન વડે સૌથી વધુ રન (11,629 રન, 61.21ની એવરેજ સાથે)

કોઈપણ શ્રીલંકન બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન

કોઈપણ શ્રીલંકન બેટ્સમેન દ્વારા સૌથી વધુ સેન્ચુરી

સૌથી મોટી પાર્ટનરશીપ (માહેલા જયવર્ધને સાથે 624 રન)

બીજી સૌથી મોટી ટોટલ પાર્ટનરશીપ (સચીન અને દ્રવિડ પછી માહેલા સાથે 6,554 રન)

રેકોર્ડ જોતાં તો એવું જ લાગે કે વાહ ભાઈ શું રમ્યો છે સંગાકારા? કેટલાક રમત પ્રેમીઓ એટલા આગળ વધી ગયા કે સંગાકારાને ડોન બ્રેડમેન પછીનો શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે ઓળખાવવા માંડ્યા. વળી કેટલાકને એવી મતિ સુઝી કે તેમણે આંકડાઓ ચકાસ્યા વિના લાગણીમાં વહીને ત્યાં સુધીની જાહેરાત કરી કે એશિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન સચીન તેન્દુલકર નહીં પરંતુ કુમાર સંગાકારા છે! શું માત્ર રન્સ કે એવરેજ જોઈને જ ક્યાસ કાઢી શકાય કે જે-તે ખેલાડી તેના પ્રતિદ્વંદ્વીની સામે કઈ રીતે રમ્યો છે? કઈ પરિસ્થિતિમાં રમ્યો છે? બોલીંગ ફ્રેન્ડલી પીચો અને વિષમ વાતાવરણ કેવું પ્રદર્શન રહ્યું?

જો સિમિંગ ફ્રેન્ડલી પીચોની અને દેશો વિશે વાત કરીએ તો સંગાકારાનું પ્રદર્શન કંઈક અંશે ઉતરતું દેખાશે.

દક્ષિણ આફ્રિકામાં તેણે 8 ટેસ્ટમેચમાં 35.75ની એવરેજ સાથે 572 રન કર્યા હતા. તો ઈંગ્લેન્ડમાં 11 ટેસ્ટમેચો દરમિયાન તેણે 41.4 એવરેજ સાથે માત્ર 862 રન ફટકાર્યા હતા. વળી વેસ્ટઈન્ડિઝમાં 4 ટેસ્ટમેચોમાં તેણે 34ની એવરેજ સાથે 238 રન કર્યા હતા. સંગાકારા સ્પીનર્સનો તો ઘણી સારી રીતે મુકાબલો કરી શકે છે પરંતુ ભારતમાં તેનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું છે. ભારતમાં 6 ટેસ્ટમેચો દરમિયાન 36.50ની એવરેજ સાથે તેણે માત્ર 365 રન કર્યા હતા.

રાહુલ દ્રવિડને સચીન તેન્દુલકર કરતાં મુઠ્ઠી ઊંચેરો માનનારા ઘણા લોકો છે અને તેમની દર વખતે એવી દલીલ હોય કે વિદેશમાં રાહુલ દ્રવિડ સચીન તેન્દુલકર કરતાં સારુ રમ્યો છે. કંઈક અંશે તેમની દલીલ સાચી પણ છે. એ જ રીતે સંગાકારાનું પ્રદર્શન જોઈએ તો સક્ષમ ટીમો કરતા નબળી ટીમો સામે તેણે પેટ ભરીને રન ફટકાર્યા છે.

મારી ઉપરની દલીલને આંકડાકીય રીતે જોઈએ તો બાંગ્લાદેશ સામે કુમાર સંગાકારાએ 15 ટેસ્ટમેચમાં 95.57ની એવરેજ સાથે 1816 રનનો અધધધ કહી શકાય એવો મોટો ખડકલો કર્યો હતો. તો ઝીમ્બાબ્વે સામે 5 મેચોમાં 89.36ની એવરેજ સાથે તેણે 536 રન કર્યા હતા.

અકરમ, વકાર, સકલેનના રિટાયર્ડમેન્ટ પછી થોડી ઢીલી પડેલી પાકિસ્તાનની બોલિંગ લાઈનપઅપના તો સંગાકારાએ છોતરાં કાઢી નાંખેલા. પાકિસ્તાનની સામે સંગાકારાએ 3000 જેટલા રનો ફટકારેલા. પાકિસ્તાન સામે કુલ 23 ટેસ્ટમેચોમાં 74.64ની એવરેજ સાથે તેણે કુલ 2911 રન ફટકાર્યા હતા.

હવે જો આપણે આ રીતે સરખામણીએ કરીએ તો ચિત્ર કંઈક આ રીતે ઊભું થાય છે કે ગમે તેટલા રનના રેકોર્ડસ બનાવી લે તોપણ સંગાકારા માટે સચીન, કાલીસ કે પોન્ટીંગની પંગતમાં બેસવું ઘણું અઘરું કામ છે. કારણકે તેણે આ ત્રણ મહારથીઓની સરખામણીએ કંઈક અંશે નબળી બોલિંગ લાઈનઅપ સામે આટલા બધા રનોનો ખડકલો કર્યો હતો.

સચીન, લારા, કાલીસ કે પોન્ટીંગ અને હજુ એક નામ ઉમેરીએ તો સ્ટીવ વોગ આ બાબતમાં ઘણા ચડીયાતા કહેવાય કારણ કે આ બેટ્સમેનોએ એમ્બ્રોઝ, વૉલ્સ, મેકગ્રાથ, વોર્ન, મુરલીધરન, એલન ડોનાલ્ડ, પોલોક, વસીમ અકરમ, વકાર, સકલેન, અનિલ કુંબલે જેવા ધુરંધર બોલર્સની આખી ફોજ સામે લડત આપી હતી.

આપણે ભુલવું ન જોઈએ કે સચીન અને બ્રાયન લારાએ દુનિયાના શ્રેષ્ઠ બે સ્પીનર વોર્ન અને મુરલીધરન સામે પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું. સંગાકારાના સમયમાં એવો કોઈ જ માઈ કા લાલ ન હતો, જેને શ્રેષ્ઠ સ્પીનર તરીકે ઓળખાવી શકાય.

સ્ટીવ વોગનું નામ તો હું ખાસ લઈશ કારણ કે તેણે જે રીતની લડત આપી છે એ રીતે તો સચીન અને કાલીસ પણ નથી રમ્યા. લારાને આ યાદીમાં નોખો એટલે ગણવો રહ્યો કે તેની સાથે ક્યારેય કોઈ વખાણવા લાયક પાર્ટનર રમ્યો નથી, જેની સાથે લારા આત્મવિશ્વાસપૂર્વક રમી શક્યો હોય. તો પણ લારા એકલે હાથે અજીબો ગરીબ નોક્સ રમ્યો છે. એકવાર તો તેણે 153* જેટલા રન ફટકારીને એકલે હાથે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. તેની એ ઈનિંગને આપણા સમયની શ્રેષ્ઠ ઈનિંગ ગણી શકાય. સચિનને ભાગે આવી એક જ ઈનિંગ રમવાની આવી હતી કે જેમાં તેણે પાકિસ્તાન સામે 136 રન ફટકારેલા. જો કે આપણે ત્યારે મેચ જીતી શક્યા નહોતા. સચીનની યાદગાર પારી ઘણી ઓછી છે જ્યારે દ્રવિડ અને લક્ષ્મણ આ બાબતે સચીનથી આગળ છે.

ખેલાડીના પ્રદર્શનને આંકડામાં મુલવવા કરતાં તેમણે કેવી પરિસ્થિતીમાં કેવું પ્રદર્શન કર્યું તે રીતે મૂલવશો તો અને તો જ સચોટ ક્રમાંકન કરી શકાશે. સચીન તેન્દુલકરની ઘણી બધી ઈનિંગ્ઝ યાદગાર બની શકી હોત પણ 90ના દાયકામાં ભારતની બોલિંગ લાઈનઅપ એવી ધારદાર નહોતી કે આપણે 20 વિકેટ્સ પણ લઈ શકીએ. દા.ત. કર્ટની વોલ્સ 5 વિકેટ નહીં લેત તો લારાને 153* રન ફટકારી વેસ્ટઈન્ડિઝને જીતડાવાનો મોકો નહીં મળત.

લેખ વધુ લાંબો ન ખેંચતા 22 વર્ષના અનુભવ પ્રમાણે હું આ રીતે ક્રમાંક આપી શકું છું.

બ્રાયન લારા > સચીન તેન્દુલકર = જેક્સ કાલીસ = રિકી પોન્ટીંગ > સ્ટીવ વોગ = કુમાર સંગાકારા = રાહુલ દ્રવિડ = ગ્રીમ સ્મીથ = યુનીસ ખાન = એનડી ફ્લાવર = કેવીન પીટર્સન > મેથ્યુ હેડન = ઈન્ઝમામ ઊલ હક = વીવીએસ લક્ષ્મણ = શિવનારાયણ ચંદ્રપોલ. 

બ્રાયન લારાના 153* રનોની રોમાંચક પારીનો વીડિયોઃ

[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=qlENsdx__Fw[/embed]

સચીન તેન્દુલકરના 136 રનોની શાનદાર પારીનો વીડિયોઃ 

[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=QFTxGygD5-4[/embed]

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.