થેંક ગોડ! યોર્કર હજુ પણ જીવિત છે

12 Dec, 2015
12:00 PM

મસ્‍ઉદ વોરાજી

PC:

યોર્કર: ‘બેટની બિલકુલ નીચે ટપ્પો પડે તે દડાને યોર્કર કહેવાય.’

ઉપર રજૂ કરાયેલા શબ્દો યોર્કરની અંગ્રેજી ભાષા પ્રમાણેની વ્યાખ્યા છે. જો તેને સરળ ભાષામાં વ્યક્ત કરવી હોય તો બેટની નીચે તો ટપ્પો પડે જ, પરંતુ બેટ અને બેટ્સમેનના પગની વચ્ચે પણ જો ટપ્પો પડે તો તેને પણ યોર્કર કહી શકાય છે. એકદમ સાચી વાત કરીએ તો છેક 1980નાં દસકામાં આ પ્રકારના દડા ખૂબ ઓછાં નખાતા હતા. કારણ કે, એ સમયમાં વનડે કરતાં ટેસ્ટમેચો વધુ રમાતી હતી અને આ પ્રકારના દડાનો ઉપયોગ બેટ્સમેનોને રન કરતા રોકવા માટે થાય છે. આથી એ સમયમાં એનો કોઈ ખાસ ઉપયોગ થતો નહીં. પરંતુ જેમજેમ વનડે ક્રિકેટનો વિકાસ થવા લાગ્યો તેમતેમ બોલર્સ યોર્કર નાખવા લાગ્યા અને આમ કરવાથી તેઓ માત્ર બેટ્સમેનોને રન કરતાં જ નહોતા રોકતા પરંતુ વિકેટ લેવામાં પણ તેમને મદદ થતી હતી.

પરફેક્ટ યોર્કર નાખવામાં જો સૌથી પહેલું નામ સામે આવે તો એ છે પાકિસ્તાનના વકાર યુનિસનું. વકાર યુનિસ ધારે ત્યારે યોર્કર નાખી શકતો અને તે પણ 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ વધુની ગતિએ! વકાર યુનિસના યોર્કરની ખાસિયત એ હતી કે તે થોડા મોડા સ્વિંગ થતાં અને તે પણ બેટ્સમેનના બેટની અંદરની તરફ. આમ થવાથી બેટ્સમેનને બોલ સમજવામાં મોડું થઈ જતું અને તે ક્યાં તો બેટ્સમેન ક્લિનબોલ્ડ થતો અથવા એ એલબીડબલ્યુ થઈ જતો. વકારની જેમ જ પાકિસ્તાનના અન્ય ફાસ્ટ બોલર્સ જેવા કે, વસીમ અક્રમ, આકિબ જાવેદ અને શોએબ અખ્તર પણ યોર્કર નાખવા માટે જાણીતા બન્યા હતા.

ભારતના બોલર્સની વાત કરીએ તો ભાગ્યે જ ભારતનો કોઈ બોલર વનડે ક્રિકેટમાં છેલ્લી ઓવર્સમાં યોર્કર નાખવાની કોશિશ કરતો. ક્રિકેટ ચાહકોને યાદ હશે કે, 1990-2000ના દાયકામાં લોકો પ્રાર્થના કરી કરીને થાકી જતાં પરંતુ જવાગલ શ્રીનાથ અને વ્યંકટેશ પ્રસાદ યોર્કર ન નાખે તે ન જ નાખે!

વનડે ક્રિકેટ બાદ ટ્વેન્ટી૨૦ ક્રિકેટનો જન્મ થયો અને બેટ્સમેનોને રીતસર લાઈસન્સ ટુ કિલ મળી ગયું. આવા સંજોગોમાં યોર્કર જ બોલર્સ માટે એકમાત્ર એવું શસ્ત્ર રહે છે કે, જેનાથી તે બેટ્સમેનને જો આઉટ ન કરી શકે તો એટલિસ્ટ તે એને ચોગ્ગા કે છગ્ગા મારતાં જરૂર રોકી શકે છે. આ ટી20ના યુગમાં શ્રીલંકાના લસિથ મલિંગા સરીખો કોઈ બોલર પાક્યો નથી કે, જે એક પરફેક્ટ યોર્કર નાખી શકે. મલિંગાતો નેટ પ્રેક્ટીસમાં સ્ટમ્પસની સામે બે જૂતા મૂકીને તેને હિટ કરવાની કાયમ કોશિશ કરતો હોય છે અને આથી જ વકાર પછી મલિંગા એવો બોલર છે, જે અદભુત અને ધારે ત્યારે યોર્કર નાખી શકે છે.

આ તો થઈ ભૂતકાળની વાત. હાલમાં ચાલી રહેલી આઈપીએલમાં એટલિસ્ટ ભારતીય ક્રિકેટ ફેન્સને રાહત થાય એ રીતે સનરાઈઝર્સ હૈદરાબાદનો બોલર ભુવનેશ્વર કુમાર સરસ અને અસરદાર યોર્કર નાખી રહ્યો છે. દિલ્હી ડેરડેવિલ્સની સામેની એક લીગ મેચમાં જ્યારે ડેરડેવિલ્સ જીતની સાવ નજીક પહોંચી ગયા હતા ત્યારે ભુવીએ ક્રિઝ પર રમી રહેલા ડેરડેવિલ્સના કેદાર જાધવ અને સૌરભ તિવારીને એક પછી એક એવા યોર્કર નાખ્યાં કે તેઓ તેના છ દડામાં માત્ર છ જ સિંગલ્સ લઈ શક્યા. આ ઓવર બાદ કેદાર જાધવની લાચારી જોવા જેવી હતી. આ બાબત સાબિત કરે છે કે, ભારતીય બોલર્સ પણ હવે યોર્કર નામની કળાને હસ્તગત કરી ચૂક્યા છે અને તેનો યોગ્ય ઉપયોગ પણ કરી રહ્યા છે. હમણાં જ સમાપ્ત થયેલા વર્લ્ડકપમાં મહોમ્મદ શમી અને ઉમેશ યાદવ પણ ખૂબ સારા યોર્કર નાખી ચૂક્યા છે અને આથી જ તેઓ વર્લ્ડકપના ટોપ બોલર્સમાં સ્થાન પામ્યા હતા.

આશા કરીએ કે હાલનાં ભારતીય બોલર્સ ઉપરાંત તેમના હાથ નીચે જે નવા બોલર્સનો ફાલ તૈયાર થાય એ તમામ યોર્કરની આ કળા બરાબર અજમાવતા રહે જેથી કરીને કટોકટીભરી મેચોમાં ભારતને જીતનો મોકો મળે. બાકી અત્યારે તો ભગવાનનો પાડ માનવો જ રહ્યો કે, યોર્કરની કળા ભારતીય ક્રિકેટમાં હજુ પણ જીવિત છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.