આ છે વિશ્વના દસ સર્વશ્રેષ્ઠ વિકેટકીપર્સ

28 Nov, 2015
12:00 AM

મસ્‍ઉદ વોરાજી

PC:

જે કોઈ ક્રિકેટર ઘણી સારી બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ કરી શકતો હોય તેને ઓલરાઉન્ડર કહેવામાં આવે છે. કારણકે તે ક્રિકેટની ત્રણેય શાખાઓમાં પારંગત હોય છે. વેઈટ અ મિનીટ! પણ શું આ ઓલરાઉન્ડર્સ એટલા જ પ્રભુત્વ સાથે વિકેટકીપિંગ કરી શકે છે? આ સવાલનો જવાબ ના જ હોય. કારણ કે, વિકેટકીપિંગ એ એક સ્પેશિયલ ટેલેન્ટ છે. હા આપણે ઘણીવાર મેઈક શિફ્ટ વિકેટકીપર્સ જોયા છે, પરંતુ તેઓ કામચાલાઉ જ વિકેટકીપર હોય છે અને કોઈને કોઈ વાર એમની ખામીઓ ઉભરીને દેખાય આવે છે. આથી જેમ ફૂટબોલમાં ગોલકીપરનું સ્થાન હોય છે એમ ક્રિકેટમાં વિકેટકીપરનું પણ એક અનેરું સ્થાન હોય છે. આમ તો ક્રિકેટ વિશ્વમાં આપણે ઘણાબધા વિકેટકીપર્સ જોયા છે, પરંતુ એ બધા શ્રેષ્ઠ કે બેસ્ટ હોતા નથી. પણ આજે અમે દસ શ્રેષ્ઠ વિકેટકીપર્સ વિશે તમને માહિતગાર કરીશું. યાદ રહે આ વિકેટકીપર્સને અમે 1 થી 10ના સ્પર્ધાત્મક ક્રમમાં નથી ગોઠવ્યા, અહીં અમે માત્ર એમની નોંધ જ લીધી છે.

એડમ ગિલક્રિસ્ટ

ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટને ત્રણ મહાન વિકેટકીપર્સ આપ્યા છે, જેમાં એડમ ગિલક્રિસ્ટનું નામ કદાચ સૌથી ઉપર લઈ શકાય. ગિલક્રિસ્ટ વિકેટકીપિંગ કરતી વખતે તો શ્રેષ્ઠ હતો જ પરંતુ તેની બેટિંગ પણ શ્રેષ્ઠ હતી. ગ્લેન મેગ્રા જેવા ફાસ્ટ બોલર્સ તેમજ શેન વોર્ન જેવા બેટ્સમેનોને પણ ન સમજાઈ શકતા સ્પિન બોલર્સ માટે એડમ ગિલક્રિસ્ટે પરફેક્ટ વિકેટકીપિંગ કર્યું હતું. વનડેમાં ઓપનિંગ અને ટેસ્ટમાં મોટેભાગે છઠ્ઠે કે સાતમે નંબરે બેટિંગ કરવા આવતા ગિલક્રિસ્ટે ભાગ્યે જ પોતાની આક્રમક બેટિંગ સ્ટાઈલમાં ફેરફાર કર્યો હતો. કુલ 900 જેટલી આંતરરાષ્ટ્રીય વિકેટ્સ અને 15000થી પણ વધુ આંતરરાષ્ટ્રીય રન ગિલક્રિસ્ટને મહાન વિકેટકીપર બનાવે છે.

માર્ક બાઉચર

સાઉથ આફ્રિકાના ક્રિકેટ વિશ્વમાં પરત થયા બાદ કેટલોય સમય ડેવ રિચર્ડસન તેના વિકેટકીપર રહ્યા હતા. પરંતુ જેવું ડેવ રિચર્ડસને ક્રિકેટને અલવિદા કહ્યું કે, માર્ક બાઉચરે તેમનું સ્થાન લઈ લીધું અને વર્ષો સુધી સાઉથ આફ્રિકન ક્રિકેટની સેવા કરી. માર્ક બાઉચરને આજે પણ સાઉથ આફ્રિકાએ ક્રિકેટ વિશ્વને આપેલા સર્વશ્રેષ્ઠ વિકેટ કીપર તરીકે ગણવામાં આવે છે. એક સમયે માર્ક બાઉચરે સૌથી વધુ ડિસમિસલનો ઈયાન હિલીનો રેકોર્ડ પણ પોતાને નામે કર્યો હતો.

કુમાર સંગાકારા

વિકેટકીપર બેટ્સમેનોમાં કદાચ કુમાર સંગાકારાને મોસ્ટ સ્ટાઈલિશ બેટ્સમેન કહી શકાય. ડાબે હાથે બેટિંગ કરતો સંગાકારાને બેટિંગ કરતો જોવો એક લહાવો છે. કેટલાય આંતરરાષ્ટ્રીય રન અને કેટલીયે ડિસમિસલ્સ સાથે કુમાર સંગાકારાએ શ્રીલંકાનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. ઉંમરની સાથેસાથે ‘સંગા’ ઔર નીખર્યો હતો અને ગયા વર્લ્ડકપમાં વનડેમાંથી નિવૃત્તિ લેતાં પહેલાં ટુર્નામેન્ટમાં તેણે સૌથી વધુ રન બનાવ્યા હતા.

ઈયાન હિલી

જેમ શેન વોર્નને લેગ સ્પિન બોલિંગને ગ્લેમર આપવાની ક્રેડિટ મળે છે એમ ઈયાન હિલીને પણ વિકેટકીપિંગને ગ્લેમરસ બનાવવાની ક્રેડિટ આપવી જોઈએ. ઈયાન હિલીને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીને જ્યારે નવજીવન મળ્યું અને તેનો ગ્રાફ સતત ઊંચો જવા લાગ્યો ત્યારે ઓસ્ટ્રેલિયા માટે વિકેટકીપિંગ કરવાનો મોકો મળ્યો હતો. વિકેટની પાછળ બંને બાજુએ સતત કૂદકા મારીને કે પોતાની જગ્યાએથી જ ઊંચો કૂદકો લગાવીને બોલ રોકતા હિલીને જોતાં લોકોને વિકેટકીપરનું ખરેખર શું મહત્ત્વ છે એની જાણ થઈ. આ ઉપરાંત શેન વોર્ન સાથે કેટલીયે વાર ઓવરની વચ્ચે ચર્ચા કરીને હિલીએ નક્કી કરેલી રણનીતિ સફળ જતાં પણ ક્રિકેટ ફેન્સે જોઈ છે. આમ માત્ર કેચ પકડવા અને સ્ટમ્પિંગ કરવા સિવાય પણ વિકેટકીપરનો બીજો રોલ પણ છે એવું હિલીએ કદાચ પહેલીવાર લોકોને દેખાડ્યું હતું.

રોડ માર્શ

ટેસ્ટ ક્રિકેટ સાથે વનડે ક્રિકેટ પણ જ્યારે જોડાયું ત્યારે રોડ માર્શ ઓસ્ટ્રેલિયા માટે વિકેટકીપિંગ કરતાં. પોતાના સ્લેજિંગ માટે પ્રખ્યાત રોડ માર્શે કુલ 800 જેટલી ફર્સ્ટક્લાસ ડિસમિસલ્સ લીધી છે, જેમાં 355 ટેસ્ટમાં અને 124 વનડેમાં લીધી છે. હાલમાં રોડ માર્શ ઓસ્ટ્રેલિયાના મુખ્ય સિલેક્ટર તરીકે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે.

મહેન્દ્રસિંઘ ધોની

શ્રેષ્ઠ વિકેટકીપર્સની વાત થતી હોય અને મહેન્દ્રસિંઘ ધોનીનું નામ ન હોય એવું બને? આ લિસ્ટમાં સ્થાન પામેલા તમામ વિકેટકીપર્સમાં ધોની એક આગવું સ્થાન ધરાવે છે. કારણકે આ તમામ વિકેટકીપર્સમાંથી ધોની જેટલો સફળ કેપ્ટન કોઈપણ બન્યું નથી. પોતાની સુરક્ષિત વિકેટકીપિંગ ઉપરાંત ધોનીએ પોતાની આક્રમક બેટિંગ શૈલીથી પોતાની ટીમને અસંખ્યવાર હારમાંથી બચાવી છે. તો કૂલ કેપ્ટનશીપ દ્વારા એણે ટીમને નાજુક સમયમાંથી જીતાડી પણ છે. ધોનીની કેપ્ટનશીપમાં ભારત T20 અને વનડેના વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું છે. તો ટેસ્ટ ક્રિકેટમાં પણ નંબર વન ટીમ બની છે.

એલન નોટ

જ્યારે ક્રિકેટમાં વિકેટકીપરનું કોઈ ખાસ મહત્ત્વ ગણાતું નહોતું ત્યારે ઈંગ્લેન્ડના વિકેટકીપરે આ મહત્ત્વ કેમ છે અથવાતો કેમ હોવું જોઈએ તે પોતાની વિકેટકીપિંગથી સમજાવ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં 4000થી પણ વધુ રન અને સૌથી વધુ ડિસમિસલ લેવાનો રેકોર્ડ એક સમયે માત્ર એલન નોટને નામે હતો. એલન નોટને એમના સમયમાં પરફેક્ટ વિકેટકીપર તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

જેફરી ડુંજો

વેસ્ટ ઈન્ડિઝની ધાક જમાવતી ટીમના એક અંતરંગ સભ્ય એટલે જેફરી ડુંજો. માલ્કમ માર્શલ, જોએલ ગાર્નર, માઈકલ હોલ્ડીંગ અને એન્ડી રોબર્ટસની બોલિંગને સ્ટમ્પ્સ પાછળ ઝીલનાર વિકેટકીપર એટલે જેફરી ડુંજો. એક સારા વિકેટકીપર હોવાની સાબિતી તો તેમણે 476 ડિસમિસલ હાંસલ કરીને આપી જ દીધી હતી, પરંતુ આ ઉપરાંત તેઓ એક સારા લોઅર મિડલ ઓર્ડર બેટ્સમેન પણ હતાં.

મોઈન ખાન

1992ની પાકિસ્તાનની વર્લ્ડકપ વિનિંગ ટીમનો મોઈન ખાન વિકેટકીપર હતો. મોઈન ખાનને તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ટીમમાં રહેવા માટે તેના જેવા જ ટેલેન્ટેડ રશીદ લતીફ સાથે સતત સ્પર્ધા કરવાની આવી હતી. તેમ છતાં મોઈને કુલ 435 ડિસમિસલ્સ હાંસલ કરી છે. સ્ટમ્પ્સ પાછળ સતત બોલતા રહેવાની અને બોલરોને પાનો ચડાવતા રહેતા મોઈન ખાન પાકિસ્તાન સિવાય પણ અન્ય દેશોમાં લોકપ્રિય થયો હતો. મોઈન ખાને નિવૃત્તિ પછી પાકિસ્તાની ટીમનું કોચપદ પણ સંભાળ્યું હતું.

એન્ડી ફ્લાવર

ઝિમ્બાબ્વે જેવી નબળી ટીમ તરફથી રમવા છતાં એન્ડી ફ્લાવરે માત્ર પોતાની બેટિંગ અને વિકેટકીપિંગ દ્વારા સમગ્ર ક્રિકેટ વિશ્વમાં ધાક જમાવી હતી. એક સમય એવો હતો કે કોઈપણ ટીમની જીત વચ્ચે એન્ડી ફ્લાવર એકલો અડિખમ ઊભો રહ્યો હોય. એક નબળી ટીમ સાથે રમતા હોવા છતાં એન્ડી ફ્લાવરે વિકેટની પાછળ 333 આંતરરાષ્ટ્રીય શિકારો ઝડપ્યા છે. એન્ડી ફ્લાવરના ઊંચા કદની જાણ આપણને એ રીતે પણ થઈ શકે, કે નિવૃત્તિ પછી એન્ડી ફ્લાવરે ઈંગ્લેન્ડ જેવી ટીમને કોચિંગ આપ્યું હતું અને તેને મોટી જીત અપાવી હતી, જેમાં આઈસીસી વર્લ્ડ ટી૨૦ પણ શામેલ છે, જે ઈંગ્લેન્ડની હજુ સુધી એકમાત્ર જીતેલી આઈસીસી ટ્રોફી છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.