તમારી લાયબ્રેરીમાં વસાવવા જેવા ક્રિકેટ આધારિત પાંચ પુસ્તકો

31 Oct, 2015
12:00 AM

મસ્‍ઉદ વોરાજી

PC:

આપણે ક્રિકેટ મેચ અને એની હાઈલાઈટ્સ વારંવાર જોતા હોઈએ છીએ. અથવા ચોરે અને ચૌટે મિત્રો સાથે ક્રિકેટની ચર્ચા પણ કરી લેતા હોઈએ છીએ. આ રમતનું આકર્ષણ જ એવું ગજબ છે કે, એકવાર કોઈ માણસને એનો ચસ્કો લાગે તો પછી એને આ રમતનો નશો ઉતરતો નથી. પણ સાથે જ આપણને એક વાતની તાલાવેલી પણ હંમેશાં રહેતી હોય છે કે, મારું બેટું આ ક્રિકેટર્સની ડ્રેસિંગ રૂમ લાઈફ કેવી હશે? આપણે તો રમતને માત્ર ગ્રાઉન્ડ પર જ જોતાં હોઈએ છીએ. પરંતુ ક્રિકેટના બીજા એવા કેટલાય પાસા છે, જેની આપણને ખબર જ નથી હોતી કે, તે કેવા હશે?

જોકે એવું પણ નથી કે, આપણે આ બધી વાતોથી અજાણ રહી જઈએ. કોઈ આપણને કહે કે નહીં કહે, પણ આવું બધું જાણવા- માણવા માટે આપણી પાસે પુસ્તકો તો હોય જ છે, જે આપણને જાતજાતની માહિતી પૂરી પાડતા હોય છે. તો આવો આજે આપણે આ જ કેટલીક રસપ્રદ વાતો કરતા પુસ્તકો વિશેની વાતો કરીએ, જે તમારી પર્સનલ લાઈબ્રેરીનો ભાગ પણ બની શકે.

5 ‘અ લૉટ ઓફ હાર્ડ યાક્કા’ – સિમોન હ્યુજીસ 

ઈંગ્લિશ મિડલસેક્સ કાઉન્ટીના ક્રિકેટર તરીકે શરૂઆત કરીને ચેમ્પિયન કોમેન્ટેટર બનેલા સિમોન હ્યુજીસની આ બુક આપણને એક પ્રોફેશનલ ક્રિકેટરની જિંદગીમાં ડોકિયું કરાવે છે. આ બુકમાં ડ્રેસિંગ રૂમની સ્ટોરી પણ છે, જેમાં પોર્નોગ્રાફી, આલ્કોહોલ અને સ્પોર્ટસ પોલિટીક્સ જેવા મુખ્ય મુદ્દા હોય છે. સિમોનની બુકમાં પોતાની જ ખિલ્લી ઉડાવતા કેટલાક કિસ્સા અને બીજી અનેક એવી ઘટનાઓ અને સ્ટેટમેન્ટ્સ વાંચવા મળે છે, જે તમને પેટ પકડીને હસાવશે. ખેલાડી ગમે તેટલો ટેલેન્ટેડ અને મહેનતુ હોય, પણ તોય એનામાં એક ચોક્કસ અસલામતી રહેલી જ હોય છે, જે વિશેની કેટલીક રસપ્રદ વાતો વિશે પણ સિમોનના પુસ્તકમાં જાણવા મળે છે.

4 પ્લેઈંગ ઈટ માય વે – સચીન તેન્દુલકર

તમે ક્રિકેટ પ્રેમી હો કે નહીં હો, પરંતુ ભારતના ક્રિકેટ જગતના હિરો સચીન તેન્દુલકરનું આ પુસ્તક એક વખત તો તમારે વાંચવું જ રહ્યું. હું માનું છું કે આંતરરાષ્ટ્રીય લેખકો જેવી ભાષાશૈલી અને તરલતા તમને આ પુસ્તકમાં નહીં મળે, પણ આ પુસ્તકમાં સચીને સચીન બનવા માટે કયા પ્રકારની કસરતો કરવી પડી છે તેનો ચિતાર જરૂર અપાયો છે.

આ ઉપરાંત આ પુસ્તકમાં સચીનનો ચિકનનો પ્રેમ, બોલિવુડના ગીતોની મસ્તી, તેના મનગમતા લોકો, સારી ફિટનેસ માટેની એની મહેનત, ગ્રેગ ચેપલ વિશેનો ગુસ્સો, નાસીર હુસૈન ઉપર ઉભરાતો પ્રેમ, યોર્કશાયરમાં વીતેલી અણમોલ પળોનો ચિતાર અને બીજું તો એવું કેટલુંય અહીં વાંચવા મળે છે, જે તમને પળેપળે રોમાંચિત કરે છે. તમને આ પુસ્તક વાંચવું જરૂર જ ગમશે.

3 ધ આર્ટ ઓફ કેપ્ટનસી માઈક બ્રેયરલી

નવી પેઢીને તો આ વિશે બહુ આઈડિયા નહીં હોય, પણ જે લોકો 30+ છે તેમને ખ્યાલ હશે કે, વર્ષ 1981ની એશિઝ સિરીઝ કે, જે ઈયાન બોથમની એશિઝ તરીકે ઓળખાય છે તેનો મુખ્ય શ્રેય ઈંગ્લેન્ડના કેપ્ટન માઈક બ્રેયરલીને જઈ શકે. ‘સુકાનીમાં એ આવડત હોવી જોઈએ કે એ તેના ખેલાડીઓને તેમની આકર્ષકતા અને વિવિધતા ખોયા વગર એક તાંતણે બાંધી શકે,’ આ વાત બ્રેયરલીના પુસ્તકમાં આલેખાઈ છે. અને બ્રેયરલીમાં પણ આવી જ કંઈક આવડત હતી, જેને કારણે તે અત્યંત સાધારણ બેટ્સમેન હોવા છતાંયે ઈંગ્લેન્ડના હમણાં સુધીના શ્રેષ્ઠ સુકાની તરીકેની નામના પામતો આવ્યો છે. એક લિજેન્ડરી કેપ્ટનની વાતો વાંચવી એ કોઈ પણ રમતપ્રેમી કે વ્યવસાયિકને ચોક્કસ ગમી શકે, અને એ બધી વાતો તમને આ પુસ્તકમાં મળી રહે છે.

2 રેઈન મેન- માર્ક્સ બેકમેન

કેટલાક ટીકાકારો દ્વારા આ પુસ્તક વિશે કહેવાયું છે કે, ‘A very funny book about some very sad men’. આ વાક્ય વાંચ્યા પછી લાગે કે ભાઈ, ગમે તે થાય તોય આ પુસ્તક તો વાંચવું જ પડશે. તો ચાલો જોઈએ કે એવું તો શું છે આ પુસ્તકમાં? દરેક ગલી ક્રિકેટના શોખીન અને નાની-નાની ક્લબ રમતા ક્રિકેટર્સને હંમેશાં એ વાતનો વસવસો રહી જતો હોય છે કે, જો એમણે થોડી પ્રોપર પ્રેક્ટિસ કરી હોત અને નસીબે પણ થોડો ઘણો સાથ આપ્યો હોત, તો હું પણ અચ્છો ક્રિકેટર બની શક્યો હોત!

આ પુસ્તકમાં એવા ચમરબંદો માટે પેટ પકડીને હસાવતું વ્યંગ પડ્યું છે, જેઓ બેટ પણ નહીં પકડી શકતી 5 વર્ષની છોકરીને બોલિંગ કરે તો એની પણ વિકેટ ન લઈ શકે! ક્યાંક ને ક્યાંક આ પુસ્તક દરેક ક્રિકેટ પ્રેમીને જોડે છે. પુસ્તકમાંના વ્યંગને કારણે ક્રિકેટ સાથે સ્નાન સૂતકનો સંબંધ નહીં હોય એવા લોકો પણ આ પુસ્તકને એન્જોય કરી શકે છે.

1 બિયોન્ડ અ બાઉન્ડરી – સીએલઆર જેમ્સ

સીએલઆર જેમ્સને ક્રિકેટ લેખનના ડોન બ્રેડમેન જ ગણી શકાય. ટ્રીનિદાદના સ્કોલર અને માર્ક્સવાદી એવા સીએલઆર જેમ્સને ‘ધ ટાઈમ્સ’ દ્વારા ‘બ્લેક પ્લેટો’નો ખિતાબ પણ અપાયેલો. એમના આ પુસ્તકમાં સીએલઆરનો એક મુખ્ય પ્રશ્ન છે કે ‘તમે ક્રિકેટ વિશે બધું જ જાણતા હો તો તમે આ રમત વિશે બીજું શું જાણી શકો?’ જોકે આમ કહેવા પાછળનો સીએલઆરનો ઈશારો કંઈક અલગ છે, તેઓ એમ જણાવવા માગતા હતા કે, ક્રિકેટમાં માત્ર રમત ઉપરાંત દુનિયાભરનું રાજકારણ, જાતિવાદ અને ગરીબ-અમિરનો ભેદભાવ પણ પડ્યો હોય છે, જેની તરફ આ પુસ્તકમાં રહી રહીને ઈશારો કરાયો છે. દરેક ક્રિકેટ રશિયા, જે માત્ર ‘ભક્ત’ નથી પણ ખરી રીતે ક્રિકેટને પ્રેમ કરે છે તેમના માટે આ પુસ્તક એક વાર તો ચોક્કસ જ વાંચવા જેવું છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.