લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન જ્યારે ક્રિકેટર્સ મસ્તી કરે છે...
ક્રિકેટની રમત એટલે બેટ અને બોલની રમત, જેનું અડધી દુનિયાને ઘેલું છે. ટેસ્ટ મેચમાં આ રમત પાંચ દિવસ ચાલે છે તો વનડેમાં સાત કલાક અને ટ્વેન્ટી20માં ત્રણ કલાક! અમુક મેચોમાં વધુ રન બને તો અમુક મેચોમાં ઓછા. કેટલીક મેચોમાં અસંખ્ય વિકેટ્સ ટપોટપ પડી જાય તો કેટલીક મેચોમાં એક ઈનિંગમાં એક કે બેથી વધુ વિકેટ્સ પણ ન પડે. આ વચ્ચે એકાદ-બે વાર કોઈ ફિલ્ડર અદ્દભુત કેચ કરે કે બાઉન્ડ્રી રોકે કે રન આઉટ કરે બસ! છેલ્લા સવા સો વર્ષોથી પણ વધુ સમયથી રમાતી આ રમતમાં તમે આનાથી વધુ નવું તો શું કરી શકો? બહુ બહુ તો ફ્રી હીટ જેવું એકાદું એક્સાઈટમેન્ટ એમાં ઉમેરી શકો બસ! તો પછી આ રમત એક ઘરેડમાં બેસી ગઈ એમ ન કહેવાય? બિલકુલ કહેવાય. અને આ ઘરેડમાંથી બોરિયત ઊભી થતી રોકવા આપણા કોમેન્ટેટર્સ મદદમાં આવે છે.
આ કોમેન્ટેટર્સ ઘણીવાર એકબીજા સાથે મસ્તી કરીને વાતાવરણ હળવું તો રાખતા જ હોય છે, પરંતુ એમની કેટલીક આવી હળવાશ ભરેલી મસ્તી અત્યંત ચર્ચિત થઈ જતી હોય છે અને ક્રિકેટર્સ કરતા ફેન્સમાં આવી કોમેન્ટ્રીની વધુ ચર્ચા થતી હોય છે. તો આપણે પણ આજે ક્રિકેટની વાતો નહીં કરતા ક્રિકેટ કોમેન્ટ્રીને લઈને છ બેસ્ટ હળવી ક્ષણોને આપણે માણીશું.
સૌરવ – દ્રવિડ – હર્ષા ભોગલે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ગયા વર્ષની સિરીઝમાં ભારત તો ખરાબ ક્રિકેટ રમ્યું હતું, પરંતુ કોમેન્ટ્રી બોક્સમાં એપિક કહી શકાય એવા ઘણા બધા ડિસ્કશન થયા હતા. તેમાંથી એક હતું સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને હર્ષા ભોગલે વચ્ચેનું ડિસ્કશન. આ ચર્ચામાં રાહુલ દ્રવિડે સચિન તેન્દુલકરને તેણે 2007ની સિરીઝમાં કેટલી ઓવર આપી હતી એ વિશેની વાતો કરી હતી. દ્રવિડે જો કે સ્વીકાર્યું હતું કે, તેણે સચિનને જેટલી આપવી જોઈએ એટલી ઓવર્સ નહોતી આપી. જવાબમાં ‘દાદા’એ દ્રવિડની મસ્તી કરતાં કહ્યું હતું કે, દ્રવિડે તેની સાથે પણ આવું જ કર્યું હતું, જેનો લાભ હર્ષા ભોગલેએ ઉઠાવીને વચ્ચે ‘સળી’ કરી.
ભોગલે: પણ તેન્દુલકરે ગાંગુલી કરતાં વધુ વિકેટ્સ લીધી છે એનું શું?
ગાંગુલી: કારણ કે, સચિને એની મોટાભાગની બોલિંગ ભારતની સ્પિન લેતી પીચો પર કરી હતી.
દ્રવિડ: માંજરેકરે એકવાર મને કીધું હતું કે, જો ગાંગુલી સહેજ વધુ ફાસ્ટ બોલિંગ કરી શકત અને વધારે ફિટ હોત તો તેણે એકલેહાથે ભારતને ઘણીબધી મેચો જીતાડી હોત.
ગાંગુલી: હા મારે તો ભારતના વડાપ્રધાન પણ હોવું જોઈતું હતું, તો હું ઘણા અન્ય કાર્યો પણ કરી શક્યો હોત!
આને કહેવાય મોકે પે ચોક્કા!
[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=q_vF5MGhcM8[/embed]
ગ્રેહામ સ્વોન – એન્ડ્રુ સ્ટ્રાઉસ અને નાસીર હુસૈન
વર્ષ 2011ના એશિઝ વિજય પછી ઓન ફિલ્ડ કોમેન્ટેટર સાથે વાત કરતા કેપ્ટન એન્ડ્રુ સ્ટ્રાઉસે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આવતા એશિઝમાં રમીને તેને જીતવાનું પણ ગમશે. સ્ટ્રાઉસની બાજુમાં ઉભેલા ઓફ સ્પિનર ગ્રેહામ સ્વોને સ્ટ્રાઉસને યાદ અપાવતા કહ્યું હતું કે, ત્યાં સુધીમાં તે 43 વર્ષનો થઈ જશે. એટલે સ્ટ્રાઉસે પલ્ટી મારતાં કહ્યું કે તો પછી, હું કોમેન્ટેટર તરીકે અહીં આવીશ. તો સ્વોને સિક્સર મારતા પૂછ્યું કે તો શું એનો મતલબ એમ છે કે, નાસીર હુસૈનની નોકરી જતી રહેશે? આ સમયે કોમેન્ટ્રી બોક્સમાં નાસીર હુસૈન પણ હાજર હતો, તેણે આ ચર્ચાના જવાબમાં બનાવટી ગુસ્સો કરીને ઊભા થઇ જવાની એક્ટિંગ કરી અને લોકો ખડખડાટ હસી પડ્યા.
[embed width="640" height="480"]https://youtu.be/hBApnz_aWlM[/embed]
ક્લાઈવ લોઈડ અને ડેવિડ લોઈડ
વેસ્ટ ઈન્ડિઝની ખતરનાક ટીમના કુલ કેપ્ટન ક્લાઈવ લોઈડના રમુજી સ્વભાવની વાતો તો ઘણી સાંભળી હતી, પરંતુ તેનો નજારો જોવા મળ્યો લાઈવ ટેલીવિઝન પર. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની એક વનડે મેચના બ્રેકમાં સ્કાય સ્પોર્ટ્સના કોમેન્ટેટર અને પૂર્વ ક્રિકેટર ડેવિડ ‘બમ્બલ’ લોઈડ નાસીર હુસૈન સાથે લાઈવ ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે જ પાછળથી ક્લાઈવ લોઈડ એક ગોલ્ફ કારમાં પસાર થયા અને ડેવિડ લોઈડના પાછળના ભાગે ટપલી મારીને જતા રહ્યા. ડેવિડ લોઈડને ખ્યાલ ન આવ્યો અને એમને બોલવામાં બે સેંકડ લોચા પણ વળ્યા. જોકે પછી નાસીર હુસૈનનું ધ્યાન દોર્યા પછી ડેવિડ લોઈડે આખી ઘટના હસવામાં કાઢી નાખી.
[embed width="640" height="480"]https://youtu.be/w7kkS13_X0M[/embed]
સિદ્ધુ – શેન અને સૌરવ
વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચેની એક ટેસ્ટ મેચમાં બ્રેક વખતે પીચ રિપોર્ટ હિન્દીમાં આપતી વેળાએ નવજોત સિંઘ સિદ્ધુએ શેન વોર્નને સાથે લીધો. પોતાની કોમેન્ટ્સના અંતે તેણે શેન વોર્નને ‘બડાભાઈ’ કહીને સંબોધ્યો અને પોતાનો સિગ્નેચર શબ્દ ‘ખટ્ટાક’ શેન વોર્ન પાસે બોલાવડાવ્યો. આટલું સાંભળતાની સાથે જ બીજે છેડે પ્રેઝન્ટેશન આપી રહેલા સૌરવ ગાંગુલીએ પ્રશ્ન પૂછ્યો કે, સાઈઝ અને ઉંમર બંનેમાં સિદ્ધુ વોર્નથી મોટો છે તો એ કયે હિસાબે વોર્નને 'બડે ભૈય્યા' કહીને સંબોધી રહ્યો છે?
[embed width="640" height="480"]https://youtu.be/3SKlvQHrGHY[/embed]
સૌરવ અને શાસ્ત્રી
ઉપર વાત કરી એમ જ મેદાન પર મેચ વિશે ચર્ચા કરતા સૌરવ ગાંગુલીએ એકવાર એક મુદ્દો ઉઠાવ્યો કે ધોની અને ફોકનર જેવા બેટ્સમેનોને જો ધૂન ચઢે તો પછી એ લોકો ગમે તેટલી સ્લો પીચ પર પણ આરામથી અનેક સિક્સરો મારી શકે છે અને વળી આજકાલ તો બાઉન્ડ્રી લાઈન્સ પણ ઘણી નજીક આવી ગઈ છે. આટલું સાંભળતા જ શાસ્ત્રીએ સૌરવને કહ્યું કે, જ્યારે તે અને સચિન ભેગામળીને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવતા હતા ત્યારે બાઉન્ડ્રીઓ શું દૂર હતી? શાસ્ત્રીએ વળી ઉમેર્યું પણ ખરું કે, બેટ્સમેનો પોતે રિટાયર્ડ થાય પછી જ તેમને બાઉન્ડ્રી લાઈન નજીક આવી ગઈ હોય એવું લાગે છે!
[embed width="640" height="480"]https://youtu.be/9Say9eyV1Ao[/embed]
સુનિલ ગાવસ્કર અને રોહિત શર્મા
મહાન બલ્લેબાજ સુનિલ ગાવસ્કર પોતાની મિમિક્રીની કળાથી ખાસા એવા લોકપ્રિય હતા. તેમણે પોતાની આ કળા કોમેન્ટ્રી કરતી વખતે પણ જાળવી રાખી છે. IPLની એક સિઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચેની એક મેચમાં ડેક્કન ચાર્જર્સના બોલર ડેલ સ્ટેને રોહિત શર્માને એક ઓવરમાં એવો પરેશાન કર્યો કે આખી ઓવરમાં એકવાર પણ રોહિત શર્માના બેટનો સ્ટેને નાખેલા બોલ સાથે સંગમ ન થયો. આ બાબતે બ્રેકમાં ચર્ચા કરતા સુનિલ ગાવસ્કરે રોહિત શર્મા માટે જૂની ફિલ્મ ‘ગંગા જમના’ નું પ્રસિદ્ધ ગીત કંઈક આ રીતે ગાયું... 'ઢુંઢો ઢુંઢો રે સાજના ઢુંઢો રે સાજના ઢુંઢો ડેલ સ્ટેન કે બોલાં!'
[embed width="640" height="480"]https://youtu.be/xVYHel8tMW8[/embed]
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર