વિશ્વના TOP 20 ઑલરાઉન્ડર્સમાં આખરી દસ ખેલાડી કોણ?

29 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

ગયા સપ્તાહે આપણે વિશ્વના ટોપ ટ્વેન્ટી ઑલરાઉન્ડર્સ વિશે જોયું. આ વખતે પ્રથમ દસ ખેલાડીઓની રમત એમની ખાસિયતો અને આંકડા વિશે જોઈએ. યાદ રહે કે, આ યાદીમાં ભારતનો એક પણ ખેલાડી નથી પણ તોય ક્રિકેટપ્રેમીઓને આ યાદી ચોક્કસ જ પસંદ આવશે.

10: માઈક પ્રોક્ટર (દક્ષિણ આફ્રિકા)

  • ટેસ્ટ કારકિર્દી : 1967-1970
  • બેટીંગ સરેરાશ : 25.11
  • બોલિંગ સરેરાશ : 15.02
  • તફાવત : - +10.09

માઈક પ્રોક્ટરનો તફાવત કેટલો છે? દસથી વધુ? આ તફાવત જોઈને તમને થતું હતું કે આવો મોટો તફાવત હોવા છતાં આ ખેલાડી વિશ્વના ટોપ ટ્વેન્ટી ઓલહાઉન્ડર ખેલાડીઓની યાદીમાં દસમાં સ્થાને કેમ છે? પણ બકા, આંકડા કંઈ બધી હકીકતો બયાન નથી કરતા. જો એવું હોત તો ડૉન બ્રેડમેન ઓલરાઉન્ડર્સની યાદીમાં પહેલા ક્રમે નહીં હોત? પ્રોક્ટર માત્ર સાત ટેસ્ટ મેચ રમ્યો હતો અને એ તમામ મેચ તે દક્ષિણ આફ્રિકામાં જ રમ્યો હતો. જોકે આ ખેલાડી દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિઓનો શિકાર બન્યો હતો, જેના પગલે તે ઝાઝું આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો નહોતો. બાકી વિચાર તો કરો કે, જો આ ખેલાડીને વધુ સમય સુધી રમવા મળ્યું હોત તો એના રેકોર્ડ્સનો આંકડો ક્યાં પહોંચ્યો હોત? દક્ષિણ આફ્રિકાના એના ફર્સ્ટકલાસ ક્રિકેટના આંકડા ચકાસીએ તો આ મહાશયે બેટીંગમાં 36.01 અને બોલિંગમાં 19.53ની એવરેજ દર્શાવી હતી. વર્ષ 1988માં રિટાયર્ડ થયેલો આ ખેલાડી જો વધુ આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો હોત તો તેણે ચોક્કસ જ અવનવા રેકોર્ડ્સ કર્યાં હોત. જોકે ખેલાડી તરીકે રિટાયર્ડ થયાં બાદ માઈક પ્રોક્ટરે ક્રિકેટ સાથે નાતો ચાલુ રાખીને ICCમાં રેફરીની ભૂમિકા ભજવી હતી. તમને યાદ હોય તો વર્ષ વર્ષ 2007-08માં ટીમ ઈન્ડિયાના ખેલાડી હરભજન સિંઘ પર સિડનીમાં આ રેફરીએ જ પ્રતિબંધ લાદ્યો હતો. રેફરી તરીકે માઈક પ્રોક્ટરની કારકિર્દી વિવાદાસ્પદ રહી છે.

 09: ડૉ ડબ્લ્યુ જી ગ્રેસ (ઈંગ્લેન્ડ)

  • ટેસ્ટ કારકિર્દી : 1880-1899
  • બેટીંગ સરેરાશ : 32.29
  • બોલિંગ સરેરાશ : 26.22
  • તફાવત : - +6.07

ડૉ ડબ્લ્યુ જી ગ્રેસ માટે 'ક્રિકેટ જગતના કીમિયાગર' જેવો શબ્દ વાપરવામાં આવે તો પણ એ શબ્દ નાનો પડે છે. કારણ કે આ મહાન ખેલાડીએ ઓસ્ટ્રેલિયા અને એમેરિકા જેવા દેશોને ક્રિકેટની રમતનો પરિચય કરાવ્યો હતો. આ ઉપરાંત તેઓ આપબળે ક્રિકેટમાં પ્રોફેશનલિઝમ પણ લાવ્યા હતા. બાકી એમણે પહેલ કરી એ પહેલા ઈંગ્લેન્ડમાં પણ ક્રિકેટ એ માત્ર મનોરંજન હતું. જોકે ક્રિકેટમાં આટલુ બધું પ્રદાન આપ્યાં છતાં ઈંગ્લેન્ડ ક્રિકેટ અને ઈંગ્લેન્ડના ક્રિકેટ ચાહકો એમને માન આપવામાં પાછા પડ્યા છે. તો જ તો વર્ષ 1877માં રમાયેલી સત્તાવાર ટેસ્ટ મેચમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ડોન બ્રેડમેન જેવું નામ ક્રિકેટ જગતમાં ચર્ચામાં આવ્યું એ પહેલા આ ક્રિકેટરની ગણના વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થતી. ઈંગ્લેન્ડના કેટલાક વૃદ્ધ ક્રિકેટ ચાહકો તો હજુ પણ ગ્રેસને જ શ્રેષ્ઠ ગણે છે. એનું કારણ એ જ કે, આ ખેલાડીએ મેદાનની બહાર પણ ક્રિકેટમાં ઘણું યોગદાન આપ્યું હતું. આ કારણે જ એમ કહેવાય છે કે, ગ્રેસના આગમન પહેલા ક્રિકેટ એ માત્ર મનોરંજન હતું અને ગ્રેસના આગમન બાદ આ રમત ક્રિકેટ પ્રેમીઓનું પેશન બની ગઈ છે.

તેમના ફર્સ્ટકલાસ રેકોર્ડ તરફ એક નજર કરીએ તો તેમણે 39.45 ની એવરેજ સાથે 54,211 રન્સ ફટકારેલા તો 18.14ની એવરેજ સાથે 2,809 વિકેટ્સ ઝડપેલી. આ ઉપરાંત એક મેચમાં એમણે તમામ દસ વિકેટ્સ એકલે હાથે ખેરવી હતી અને એ જ મેચમાં એમણે સદી પણ ફટકારી હતી. જોકે આગળ કહ્યું એમ ઈંગ્લેન્ડના ક્રિકેટ પ્રેમીઓએ આ ખેલાડીની જોઈએ એટલી કદર નથી કરી અને સમયાંતરે આ ખેલાડી પર ચિટિંગ કરવાના બેહુદા આક્ષેપો લાગતા રહ્યા છે. આ ખેલાડી તેની 32 વર્ષની ઉંમરે તેની પહેલી ટેસ્ટ રમ્યાં હતા તો 51 વર્ષની ઉંમરે તેઓ એમની છેલ્લી મેચ રમ્યાં હતા.

8 શકીબ અલ હસન (બાંગ્લાદેશ)

  • ટેસ્ટ કારકિર્દી : 2007-2015*
  • બેટીંગ સરેરાશ : 39.76
  • બોલિંગ સરેરાશ : 33.31
  • તફાવત : +6.45

બાંગ્લાદેશનો આ ખેલાડી અત્યંત સરળતાથી અને તરલતાથી ક્રિકેટ રમે છે. માત્ર વીસ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કરનાર આ ખેલાડીએ બાંગ્લાદેશની ટીમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણું સન્માન અપાવ્યું હતું. જ્યારે તેણે રમતની શરૂઆત કરી ત્યારે બંગ્લાદેશની હાલત ખોડંગાતા ઉંટ જેવી હતી પરંતુ જ્યારથી આ ખેલાડીએ ટીમમાં એન્ટ્રી કરી ત્યારથી બાંગ્લાદેશના સિતારા પણ બુલંદીએ પહોંચ્યા હતા. આઈસીસીના રેન્કિંગ મુજબ શકીબ અલ હસન બાંગ્લાદેશનો શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન અને શ્રેષ્ઠ ટેસ્ટ બોલર રહ્યો હતો. અને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે તો પંકાયેલો હતો જ. આ ઉપરાંત આપણે તેને કેટલીક વિકટ પરિસ્થિતિનો સામનો કરતા કેપ્તન તરીકે પણ જોયો છે. બાંગ્લાદેશનો આ ખેલાડી એવો ખેલાડી છે, જેના વ્યક્તિગત આંકડા અને બાંગ્લાદેશની ટીમનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંનો દેખાવ એકબીજા સાથે ગાઢ સંબંધ રાખે છે.

7 શૉન પોલોક (દક્ષિણ આફ્રિકા)

  • ટેસ્ટ કારકિર્દી : 1995-2008
  • બેટીંગ સરેરાશ : 32.31
  • બોલિંગ સરેરાશ : 23.11
  • તફાવત : +9.20

ક્રિકેટ જગતમાં પોલોકની છાપ થોડા શાંત અને વિનમ્ર માણસ તરીકેની છે, જે વર્લ્ડ ક્રિકેટમાં એલન ડોનાલ્ડ સાથે પોતાની શ્રેષ્ઠ ઓપનિંગ બોલિંગ પાર્ટનરશીપ માટે અત્યંત જાણીતો છે. મેચ ફિક્સિંગમાં હેન્સી ક્રોનીએ હોળીનું નાળિયેર બન્યાં બાદ શૉન પોલોક્ને દક્ષિણ આફ્રિકાની ટીમનો કેપ્ટન બનાવાયો હતો. જોકે વર્ષ 2003માં વર્લ્ડકપ દરમિયાન ડકવર્થ-લુઈસ પદ્ધતિમાં ગેરસમજ થવાને કારણે તે સિલેક્ટર્સના કડક નિર્ણયનો ભોગ બન્યો છે. બેટીંગ માટે પોલોક હંમેશાં આઠમા અને નવમા ક્રમે આવતો અને ક્યારેક તે છેક દસમાં ક્રમે આવતો. પરંતુ તેણે હંમેશાં એક વાત સાબિત કરી છે કે, તે ઉત્તમ પ્રકારની બેટીંગ કરી શકે છે. તેની બેટીંગ કરવાની સ્ટાઈલ પણ સારી હતી. એ બોલને કોઈ પણ દિશામાં ફટકારી શકતો હતો. જો દક્ષિણ આફ્રિકાની ટીમમાં લાન્સ ક્લુઝનર અને જેક કાલીસ જેવા ખેલાડી તેની આગળ ન હોત તો આ ખેલાડી વિશ્વના શ્રેષ્ઠ ઓલ રાઉન્ડર તરીકે હજુ વધુ નામના મેળવી શક્યો હતો.

6 સર ઈયાન બોથમ (ઈંગ્લેન્ડ)

  • ટેસ્ટ કારકિર્દી : 1977-1992
  • બેટીંગ સરેરાશ : 33.54
  • બોલિંગ સરેરાશ : 28.40
  • તફાવત : +5.14

એન્ડ્રયુ ફ્લિન્ટોફની માફક ઈયાન બોથમ પણ તેની રમતને બહુ ગંભીરતાથી લેતો ન હતો. પોતાની કારકિર્દી દરમિયાન બોથમ ક્રિકેટ ઉપરાંતની તમામ બાબતોમાં પરોવાયેલો રહેતો અને હંમેશાં એના એશો-આરામમાં રચ્યો પચ્યો રહેતો. એક વાર તો આ મહાશત મેચ પહેલાની પ્રેક્ટિશ દરમિયાન પ્રેક્ટિશ કરવાની જગ્યાએ એની ટીમના અન્ય સદસ્ય ડેવિડ ગોવર સાથે હેલીકોપ્ટરમાં ફેરા મારતો હતો. જોકે તેને બહુ ટૂંકા ગાળા માટે ઈંગ્લેન્ડનો કેપ્ટન બનાવવામાં આવેલો અને ત્યારે તેણે વર્ષ 1981માં એક મહત્ત્વની સિરીઝ પર જીત હાંસલ કરી હતી, જે સિરીઝને આજે પણ 'બોથમ્સ એશિઝ' તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે, જો ત્યારે બોથમ નહીં હોત તો ઈંગ્લેન્ડ માટે જીતના સાંસા જ હતા.

એ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ પર 227 રનની લીડ ઉતારવા માટે મેદાનમાં ઉતરી હતી, જ્યારે બોથમે 149 ફટકારીને ઓસ્ટ્રેલિયાની સામે તેણે 130 રનોનો ટાર્ગેટ ઊભો કર્યો હતો. જોકે એ મેચમાં રોજર વિલિસની તેતાળીસ રનમાં આઠ વિકેટ્સને કારણે ઓસ્ટ્રેલિયા આમ તો ઘરભેગુ થઈ ગયું હતું, પરંતુ બોથમની 149 રનોની ઈનિંગ ઈંગ્લેન્ડ માટે નોંધપાત્ર સાબિત થઈ હતી. બોથમ ચાહે ત્યારે દડાને રમાડતો હોય એમ ગમે એટલા સ્કોર ઊભા કરી શકતો હતો અને તે ગમે એટલી રનરેટ સાથે સ્કોર કરવા માટે સક્ષમ હતો. એકવાર તો તેણે એક મેચની છેલ્લી ઓવરમાં જીતવા માટે 24 રન ફટકારેલા, જેમાં તેણે ચાર છગ્ગા ફટકારેલા. આ ખેલાડી જો હજુ ગંભીરતાથી રમ્યો હોત તો વિચાર કરો કે એ ક્યાં જઈને ઊભો રહ્યો હોત. તે જ્યારે રિટાયર્ડ થયેલો ત્યારે તેના નામે સૌથી વધુ વિકેટ્સ ઝડપવાનો રેકોર્ડ પણ બોલતો હતો.

5. સર રિચર્ડ હેડલી(ન્યુઝીલેન્ડ)

  • ટેસ્ટ કારકિર્દી : 1973-1990
  • બેટીંગ સરેરાશ : 27.16
  • બોલિંગ સરેરાશ : 22.29
  • તફાવત : +4.93

હેડલી માટે એમ કહેવાય છે કે, આ ખેલાડી જ્યારે રમતો ત્યારે તે ન્યુઝીલેન્ડની ટીમની કરોડરજ્જુ હતો. હેડલી માત્ર શ્રેષ્ઠ બોલર જ ન હતો પરંતુ તે ન્યુઝીલેન્ડના પહેલા છ બેટ્સમેનમાં પણ સ્થાન પામ્યો હતો, જેનો બેટીંગનો રેકોર્ડ ઘણી વખત પ્રસંશનિય રહ્યો હતો. બોલર તરીકે તેણે શ્રેષ્ઠ પ્રદર્શન ત્યારે કરેલું જ્યારે તેણે એક જ ઈનિંગમાં 9 વિકેટ્સ ઝાટકીને રીતસરની તારાજી સર્જી હતી. આ ખેલાડીએ માત્ર 86 ટેસ્ટ્સમાં 431 વિકેટ્સ ઝડપી હતી. આમ તો અહીં સરખામણી કરવી યોગ્ય નથી પરંતુ હેડલી કરતા 45 મેચ વધુ રમેલા એટલે કે, પોતાની કરિયરમાં કુલ 131 ટેસ્ટ રમેલા આપણા કપિલ દેવે તેની કરિયરમાં 434 વિકેટ્સ ઝડપી હતી! આ તફાવત જોઈને તમને આશ્ચર્ય ન થાય તો જ નવાઈ. જોકે આપણા માટે જેમ કપિલ દેવ શ્રેષ્ઠ છે એમ ન્યુઝિલેન્ડમાં પણ હેડલી સર્વકાલિન શ્રેષ્ઠ પ્લેયર તરીકે પંકાયેલો છે. હેડલી જ્યારે રમતો હતો ત્યારે એના સમયના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સ પણ પોતપોતાના દેશમાં રેકોર્ડ્સ બનાવી રહ્યા હતા. આ ખેલાડીઓ બીજા કોઈ જ નહીં પરંતુ બોથમ, કપિલ દેવ અને ઈમરાન ખાન હતા. જોકે એ બધામાં હેડલીને વિચક્ષણ તો ગણવો જ રહ્યો.

4 કેથ મિલર (ઓસ્ટ્રેલિયા)

  • ટેસ્ટ કારકિર્દી : 1946-1956
  • બેટીંગ સરેરાશ : 36.97
  • બોલિંગ સરેરાશ : 22.97
  • તફાવત : +14.00

કેથ મિલર તેના સમયે રમતા અન્ય ખેલાડીઓથી ઘણો નોખો અને આંકડાકીય રીતે આગળ હતો. આ કારણે જ તેની કરિયરના સમયમાં અનેક લોકો કહેતા કે મિલર દુનિયાનો સર્વશ્રેષ્ઠ ઓલ રાઉન્ડર છે. આ ખેલાડીની રમત એટલી અસરકારક હતી કે, તેની રમત આગળ તેના પૂર્વસૂરીઓ ડબ્લુ. જી. ગ્રેસ અને વિલફ્રેડ રહોડ્સ જેવા દિગ્ગજો પણ વામન જણાતા. દસ વર્ષની કારકિર્દીમાં તેણે સાત ટેસ્ટ સેન્ચુરી અને 170 વિકેટ્સ લીધી હતી, જ્યાં આ ખેલાડી બેટિંગ અને બોલિંગ ટોપ ઓર્ડર્સમાં જ કરતો, જે વાત ઘણી અસારણ છે. આ ખેલાડી વિનમ્રતાની બાબતે પણ ઘણો મહાન હતો, જ્યાં ક્યારેક તે પોતાની ટીમમાં અગિયારમામ સ્થાને પણ રમ્યો છે અને ક્યારેક તેણે કોઈ ઇનિંગમાં બોલને હાથ સુદ્ધાં નથી લગાડ્યો. આવી બધી બાબતો જ તેને મહાન બનાવતી હતી.

3. ઈમરાન ખાન (પાકિસ્તાન)

  • ટેસ્ટ કારકિર્દી : 1971-1992
  • બેટીંગ સરેરાશ : 37.69
  • બોલિંગ સરેરાશ : 22.81
  • તફાવત : +14.88

ઈમરાન ખાને તેની પાકિસ્તાની ટીમ માટે બધું જ કર્યું હતું. બેટીંગ, બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન તો ઠીક પરંતુ ચાળીસ વર્ષની ઉંમરે તેણે વર્ષ 1992માં પાકિસ્તાનને વર્લ્ડકપ પણ અપાવ્યો હતો. એ પણ ત્યારે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં રમાતા એ વર્લ્ડકપ દરમિયાન નોકઆઉટ રાઉન્ડમાં પાકિસ્તાન વર્લ્ડકપની બહાર થવાની તૈયારીએ હતું! આ ખેલાડીએ વસીમ અક્રમને પણ તેની શ્રેષ્ઠતા સુધી પહોંચાડ્યો અને પાકિસ્તાનની ટીમમે પણ ઉત્તમ રીતે તૈયાર કરી. આ કારણે જ તેને ઉત્તમ કેપ્ટન તરીકે પોંખવામાં આવે છે. જોકે કેટલાક તેને ફારુક વોરેલની પછીના ક્રમે પણ મૂકે છે. એક સમયે જ્યારે તેના હાથમાં ઈજા થઈ હતી ત્યારે તે બોલિંગ કરવા માટે અક્ષમ હતો પરંતુ ત્યારે પણ તે હાથ પર હાથ ન રાખતા એક પ્રોફેશનલ બેટ્સમેન તરીકે પેશ આવેલો. પોતાની કારકિર્દી દરમિયાન આ ખેલાડીએ 88 ટેસ્ટ મેચોમાં 362 વિકેટ્સ ખેરવી હતી. આટલી ઓછી મેચોમાં અધધધ કહી શકાય એટલી વિકેટ્સનો ખડકલો એ આશ્ચર્ય નથી તો શું છે?

2. જેક કાલીસ

  • ટેસ્ટ કારકિર્દી : 1995-2013
  • બેટીંગ સરેરાશ : 55.37
  • બોલિંગ સરેરાશ : 32.65
  • તફાવત : +22.68

પોતાની કરિયરના શરૂઆતના તબક્કામાં કાલીસ બોલિંગની બાબતે અગ્રક્રમે અથવા પહેલા ક્રમે બોલિંગ કરતો. પરંતુ તેની કરિયરમાં તે જેમ જેમ આગળ વધતો ગયો એમ આ ખેલાડી બેટ્સમેન તરીકે વધુ ઝળકી આવ્યો. આ ગાળામાં તેણે પાર્ટ ટાઈમ બોલિંગ પણ કરી. પણ પાર્ટ ટાઈમ બોલિંગ કરતા હોવા છતાં તેના આંકડામાં હકારાત્મક વધારો થઈ રહ્યો હતો. કાલીસે બેટિંગમાં 50 કે તેથી વધુ અને બોલિંગમાં 30 જેટલી એવરેજ જાળવી રાખી છે. પોતાની અઢાર વર્ષની કારકિર્દીમાં તે નિયમિતપણે દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન સાબિત થયેલો આ ખેલાડી રિટાયર્ડ થયો ત્યારે તે દક્ષિણ આફ્રિકાનો શ્રેષ્ઠ ખેલાડી અને શ્રેષ્ઠ ઓલરાઉન્ડર હતો.

1 સર ગારફિલ્ડ સોબર્સ (વેસ્ટ ઈન્ડિઝ)

  • ટેસ્ટ કારકિર્દી : 1954-1974
  • બેટીંગ સરેરાશ : 57.78
  • બોલિંગ સરેરાશ : 34.03
  • તફાવત : +23.75

સોબર્સે જ્યારે તેની કારકિર્દીની શરૂઆત કરેલી ત્યારે તે માત્ર બોલર તરીકે જ ઊભરી આવ્યો હતો. મજાની વાત તો એ છે કે, જ્યારે એ તેની પહેલી ટેસ્ટ રમ્યો હતો, ત્યારે તે નવમા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. આ મેચમાં તેણે પહેલી ઈનિંગમાં 14(નોટ આઉટ) અને બીજી ઈનિંગમાં 26 રનનો નજીવો સ્કોર કર્યો હતો. આમ તો તે મોટાભાગે સ્પીન કરતો પરંતુ તે સ્પીન અને પેસ બંને સારી રીતે કરી શકતો. જોકે તેની કરિયર જેમ જેમ આગળ વધતી ગઈ એમ બેટિંગ ઓર્ડર તરફ પણ તેનો ઝૂકાવ વધતો ગયો. અને બેટ્સમેન તરીકે એ એટલો તો પાવરધો થયો કે, તેના રોમાંચક પ્રદર્શનો બાદ વિશ્વના શ્રેષ્ઠતમ બેસ્ટમેન તરીકે તેની ગણના થવા માંડી. આ ખેલાડીનો હાઈએસ્ટ વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનની સામે 355 રનનો હતો. વર્ષ 1971માં ઓસ્ટ્રેલિયન સામે રેસ્ટ ઑફ ધ વર્લ્ડ વતી તેણે ફટકારેલા 254 રન પણ યાદગાર છે. બોલર તરીકે તેણે 93 ટેસ્ટ મેચોમાં 235 વિકેટ્સ ખેરવી હતી. આ ઉપરાંત તે શ્રેષ્ઠ ફિલ્ડર તરીકે પણ ખૂબ વખણાતો. આ ખેલાડી તો આજનું ક્રિકેટ રમતો હોત તો તેણે નક્કી જ જાતજાતના રેકોર્ડ્સનો ખડકલો કર્યો હોત.


પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.