ખટ્ટીમીઠ્ઠી આમરસીલી કવિતાઓ (2)
ગયા અઠવાડિયે આપણે લિમરિક કવિતાઓ વિશેની કેટલીક વાતો કરેલી, જેમાં આ કવિતા પ્રકારની રચના અને કયા દેશોમાં એ લખાય છે એ વિશે જોયું. આ ઉપરાંત બાળપણમાં અંગ્રેજીમાં ભણવામાં આવતી કેટલીક લિમરિક કવિતાઓ વિશે જોયું. ગયા સપ્તાહે એ પણ વાયદો કરેલો કે, લિમરિક કવિતાઓમાં મેં કરેલા કેટલાક પ્રયોગો તરફ પણ એક નજર કરીશું. તો રહી એ કવિતાઓ...
(1)આપણી આસપાસ હતાં એ લોકો
સદાબહાર ને દિલદાર હતાં એ લોકો
સૌને ચાહતાં
સૌને ગણતાં
કઈ દુનિયામાં ચાલી ગયાં એ લોકો..
(2) તારા હોવાની મિરાત હતી
એ અહેસાસની ધરપત હતી
જિંદગીની સમજ
સરળ ને સહજ
એવી રહે એટલી જ આશ હતી
(3) લોકો યાદ કરે તે તો સારું જ છે
ગયા પછી યાદ રાખે તેય સારું છે
યાદ રાખે છે
તર્પણ કરે છે
તેવા ભ્રમમાં રહેવું પણ સારું જ છે!
(4) પહેલાં એ પોતીકો લાગતો હતો
તે અમારો વલસાડી દરિયો હતો
પછી વિકાસ થયો
તે બધાંનો થયો
ક્યાં ગયો જે પોતીકો લાગતો હતો.....
(6) શૂન્યમાં શૂન્ય શૂન્ય રહે છે
પૂર્ણમાં પૂર્ણ પૂર્ણ રહે છે
શૂન્યનું,
પૂર્ણનું
ગણિત તેથી જ સંપૂર્ણ રહે છે!
(7) પરમ તત્ત્વ સાકાર છે
ઈશ્વરીય તત્ત્વ નિરાકાર છે
સાકાર નિરાકારની
આધારની
વાર્તા કેટલી નિરાધાર છે!
(8) માસી એટલે મા જેવી સમજાતુ હતું
મામામાં બે વાર મા તે સમજાતુ હતું
મારા હતાં તે
બધાંનાં થયાં તે
ભૂલવું પડ્યું તે જ સમજાતું હતું!
(9) આભલે ઊડવાની તમન્ના હતી
પાંખો પસારવાની તમન્ના હતી
એમ દુનિયાને
જોવાજાણવા ને
હરખ માણવાની તમન્ના હતી!
(10) જીવતરના દરેક પડાવે એ લોકો હતાં
ઘડતરના સમયે આસપાસ એ લોકો હતાં
તેથી વિકસ્યાં
ને વિસ્તર્યાં
એમ ખોવાયાં ત્યારે ન હતાં એ લોકો.....
(11) સૂરીલા સાંજની સરગમ છે બંસરી
ડહાપણની ઊંડી ખાણ છે બંસરી
સમજતી એ જિંદગીને ઘણી
મોજથી એને માણતી ઘણી
એવી અમ હ્યદયે વસે છે બંસરી
(12)પ્રેમમાં પડો નહીં, ઊગો ને ઝળહળો
સ્નેહસિંચનથી પ્રેમની વેલ ઝળહળો
પ્રેમ કરો તેવો પામો
એની દિવ્યતાને પામો
પ્રેમમાં ઊગો, વધો ને ઝળહળો...
(13) ચાલ, ઘર ઘર રમીએ ને સાથે રહીએ
એમ રહીને અરસપરસને ચાહીએ
તારું તે મારું
ને મારું તે તારું
એમ કરીને એકબીજાંને ગમતા રહીએ....
(14) ચકાચકીની વાર્તા સાંભળી મોટાં થયાં
ખીચડીની વાર્તા સાંભળી મોટાં થયાં
દાળચોખાની માથાકૂટમાં
જીવવાની હૈયાફૂટમાં
બચ્ચાં તો વાર્તા વિના જ મોટાં થયાં.....
(15) ચાલ, સાથે મળીને શમણાં વાવીએ
ને સાથે મળીને એને ભીંજવીએ,
મારી પ્રેરણા તારી શક્તિ
તારી ઊર્જા મારી શક્તિ
એમ સહિયારી ઊર્જાને અજમાવી લઈએ
(16) અહીંતહીં ઠેર ઠેર વેર્યાં હતાં સપનાં
ઊગવાની આશે વેર્યાં હતાં સપનાં
કોઈક ઊગ્યાં
ને કોઈક આથમ્યાં
મેં તો સમાનતાની ચાહમાં વેર્યાં હતાં સપનાં
(17) બારે બુદ્ધિ આવી ને વાવ્યાં સપનાં
સોળે બહેક્યું મનને મસ્તાના થયાં સપનાં
ભૂલાયાં રસ્તા
ભૂલાયાં સપનાં
મસ્તીના માર્ગે ખોવાયાં સપનાં
(18) અગિયારે અક્કલ ન આવી ને બારે બુદ્ધિ
પંદરે પડ્યાં પા'ણાં ને ગિરવે ગઈ બુદ્ધિ
દોસ્તી ને દોસ્તોએ
વાળ્યો દાટ કે
સોળે ન આવી સાન ને ખોવાઈ ગઈ બુદ્ધિ
(19) ચાલ ,ઘર ઘર રમીએ, સાથે સાથે રહીએ
એમ રહેતાંકરતાં એકબીજાને ચાહીએ
તારું તે મારું
મારું તે તારું
એમ કરતાંકરતાં એકબીજાને ગમતાં રહીએ
(20) જીવન શું છે તે જાણો છો?
ચાહતનાં પારખાંને જાણો છો?
વંશની આશને સાર્થક
કરવાનાં સપનાંની
સાધના ઘરઘરની રમત નથી તે જાણો છો?
આ પ્રમાણે અઢીસો જેટલી મધમીઠી કે ખટ્ટીમીઠ્ઠી- આમરસીલી, લિમરિક પોએમ્સ પર મેં કામ કર્યું છે. વધારે રચનાની પણ શક્યતા છે.અલબત્ત, થોડી છૂટછાટ તો ક્યાંક લીધી છે. કેટલીક કૃતિની મેં Facebook પર રજૂઆત કરી છે ને મિત્રોને ગમી છે.ઉત્તમભાઈ ગજ્જરના કારણે મને બાળપણની અંગ્રેજી લિમરિકની યાદ તાજી થયેલી. ઈશ્વરભાઈ પટેલની આભારી છું કે એમણે મારા આ પ્રયત્નમાં રસ લીધો. હજી વિદ્વાનો દ્વારા આ બાબતે વધારે જાણવું ગમશે તો આ પ્રકાર સમૃદ્ધ થશે. હવે બધું જ પરિવર્તનશીલ અને ગતિશીલ છે એટલે પ્રયોગોને પણ અવકાશ છે. વાચકોને આ ટચૂકડી કવિતાઓ પણ અન્ય પ્રકારની જેમ ગમશે એવી આશા સહ.......
બકુલા ઘાસવાલા .
વલસાડ.
સંદર્ભ :-
(૧)વિકિપીડિયાનો લેખ
(૨) લિમરિક વિશે ઈન્ટરનેટ- ગૂગલ પરથી મળતી માહિતી
(૩) ડેવિડ અબરક્રોમ્બીના મંતવ્ય
(૪) એડવર્ડ લિયર લિમરિકના પિતામહ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર