ખાટ્ટીમીઠ્ઠી આમરસીલી કવિતાઓ

29 Jan, 2017
12:00 AM

બકુલા ઘાસવાલા

PC: theimaginativeconservative.org

' અમારું ગમતું ગામ વલહાડ ને ગમતાં વલહાડી લોક

હળીમળીને એક થઈને રહેતાં વલહાડી લોક

કદી નહીં ભેદ અહીં જાતપાતના

રહે અહીં લોકો જાતજાતના

એવું વરણાગી ગમતું ગામ ને ગમતાં વલહાડી લોક'

****

'જિંદગી છે પારણાથી પાલખીના વ્યાપમાં

સોળ સંસ્કારથી રહેતી માપમાં

ગર્ભબીજથી પાંગરતી  ગર્ભકમળમાં

સિંચાતી રહેતી માતતાતનાં પ્રેમપદારથમાં

એમ મહેકતી પારણાથી પાલખીના વ્યાપમાં'

કાવ્ય પંક્તિઓ કેવી લાગે છે? જોડકણાં? હાઈકુ? તાન્કા? વાકા? આમ તો બધાં પિતરાઈ-મસિયાઈ કહી શકાય. પણ બધાં જુદી જુદી જગ્યાએથી જન્મીને વિસ્તર્યાં છે. જોડકણાં કે ખાયણાં આપણને પોતીકાં લાગે. દોહાનું પણ એવું વાખની કક્ષા પણ . કદાચ શેરશાયરીનું પણ એવું . તો યે બધાં વિવિધ ભાષા અને દેશપરદેશનાં જણતર છે. તાન્કા, વાકા અને હાઈકુ જાપાનના,શેરશાયરી ઉર્દૂ ભાષાના,ઉપર લખ્યું તે લિમરિક Limerick ઇંગ્લેંડ અને અમેરિકા,આયર્લેન્ડ,સ્પેન ,રશિયા અને હવે દુનિયાભરમાં બધે પ્રસર્યા છે. દુનિયા હવે એક મૂઠ્ઠીમાં છે તેથી સઘળું સાહિત્ય-સંગીત અને કલા પણ સરહદથી અનહદ તરફ ગતિશીલ છેમારે લેખ દ્વારા 'લિમરિક પોએમ્સ-ખટ્ટીમીઠ્ઠી કે મધમીઠ્ઠી આમરસીલી કવિતાઓ' નો પરિચય કરાવવો છે. લિમરિક અંગ્રેજી નામ છે અને ત્યાં ખૂબ પ્રચલિત છે. ગુજરાતીમાં મેં એનું મૂળ શોધ્યું  પણ મને ખાસ જડી નહીં હાઈકુ મળે છે. વલસાડમાંથી તો અનેક સર્જક-સર્જન મળે છે. હાઈકુના પ્રપિતા જેવા 'સ્નેહરશ્મિ ચીખલીના એટલે કે વલસાડના શાખ પાડોશી

લિમરિક પ્રકારની વ્યાખ્યા કંઈક સમજ ઊભી કરે છે. પાંચ કડીના, 'આઆ-બાબા-'ના  પ્રાસમાં એની રચના થાય છે. કહી શકાયકે 'આબા' એની રસપ્રચુર વ્યાખ્યા ઈંગિત કરે છે કે સૌંદર્ય,શૃંગાર,વ્યંગસભર અને હલ્લાગુલ્લા-મજામસ્તીભર્યાં પણ હોય છે. ક્યારેક અસંબંધ ધરાવતાયે લાગે પણ અંતે તો પ્રાસમાં પૂરાં થાય. પ્રથમ,દ્વિતીય અને પંચમ કડીના છેલ્લા અક્ષર પ્રાસમાં આવે. મોટાભાગે છેલ્લા શબ્દ પર ભાર હોય. પંચલાઈન છેલ્લી એવું નથી પણ વચ્ચેની લાઈનમા ટૂંકી અને બાકીની ત્રણ લાંબી હોય છેમૂળભૂત તે લોકગીત હતાં. આમ, બધા જોડકણાં જેવા એટલે ગૅય રચના પણ ખરી.

એના પ્રથમ એંધાણ તેરમી સદીમાં રેવ. થોમસ એક્વિનસની લેટિન પ્રાર્થનામાં મળે છે. ઈંગ્લિશમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં 1898થી પ્રચલિત થાય છે. અમેરિકામાં 1902 થી લોકપ્રિય બની. ક્યાંક અજ્ઞાત સર્જકોની રચનામાંથીયે જડી. એને એડવર્ડ લિયર(1846)શૅક્સપિયર, કિપલિન્ગ, એચ.જી.વૅલ્સ, લેગમેન, જેમ્સ જોયસ,ડબલ્યૂ.એચ ઔડેન, દાન્તે, ટેનિસન, આર્નોલ્ડ બેનેટ, બર્નાડ શૉ, લૂઈસ કેરોલ સહિત બધાંએ મલાવી. તેમાંયે તે 'એડવર્ડ લિયર' તો શિરમોર બન્યા. એમની 212 જેટલી રચનાઓ છે જે 'નોનસેન્સ' નામે પ્રચલિત છે.

એનું પ્રચલન પ્રવાહી, લચીલું, રસીલું અને ખાસ તો મસ્તીભર્યું અને મદભર છે. મૂળ પ્રાર્થના ભક્તિભરી પણ ક્યારે સાકી અને મદિરા તથા માશૂક તરફ ગઈ તેની સોઈ રહી તેમ લોકગીત મૂળ પ્રાર્થના તરીકે  જડે છે છતાં એની યાત્રા - પડાવ બધા રસરંગ સમાવી લે છે.તેથી બાળકાવ્યોથી લઈ વિવિધ રમતોને પણ ઉજાગર કરે છે તો સમાજ,સંસ્કૃ તિ, રાજકારણ, પર્યાવરણ અને પ્રકૃતિ, મૂલ્યો, માનવીના વિવિધ મનોભાવો, સંવેદનાઓ,જીવનશૈલી, વ્યક્તિ, સમૂહ,શેરી, ગામ, શહેર, દેશપરદેશ જેવા અનેક વિષયોને આવરી લે છે એમ કહીએ તો ચાલે કે થોડામા ઘણું બધું સમાવી આપણને ગાગરમાં સાગરની ભેટ આપે છે. વળી રચનામાં સરળ છે. ગાઈ શકાય એવી છે. લોકસંગીતનો સૂર લય બેસાડી  શકાય છે. જેમ કે'તા:તા:તમ' અને  'તા:તમ:તા' લયને ઢાળતી અંગ્રેજીમાં બંધબેસતી બની શકે. દરેક સ્થળકાળમાં પોતાના સમયને અનુરૂપ ગેયપદાર્થ બનાવી શકે તો ટકે ને લોકપ્રિય પણ રહે. એને કઈ અને કેવી રીતે અંગ્રેજીમાં ગવાય તેની તો અનેક સમજ મળે છે. ગુજરાતીમાં એની ખાસ રચનાઓ 'લિમરિક' તરીકે કોઈયે નામાભિધાન તરીકે મને જોવા મળી નહીં તેથી મને લાગ્યુ કે ક્યાં તો મારી પહોંચ નથી એટલે કે મને ખબર નથી અથવા સર્જકોને એમાં ખાસ રસ પડ્યો નથી.

અંગ્રેજીમાં આપણે એ જોડકણાં સ્વરૂપે ભણ્યાં પણ છીએ. જેમ કે લીટલ મિસ મફેટ ,સેટ ઓન આ ટફેટ; હિકરી ડીકરી ડોક, ધ માઉસ રેન અપ ધ ક્લોક; મેરી હેડ અ લિટલ લેમ્બ વગેરે.એને ગાતાં પણ શીખ્યાં છીએ. જો કે ત્યારે ખબર ન હોય કે આપણે લિમરિક ભણીએ છીએ! આપણાં જોડકણાં એમ પંચકડીમાં જ પ્રાસમાં હોતાં નથી એટલે એને લિમરિક કહી ન શકાય. છતાં એટલી છૂટ લઈ શકાય કે લિમરિક પ્રાસનું (આબા) અનુસરણ કરી વિવિધ રીતે એને ભાવસભર પ્રસ્તુત કરી શકાય.અંગ્રેજીમાં  વિદ્વાનો,તજજ્ઞો, ભાષા તથા ઉચ્ચારણશાસ્ત્રીઓ એને કઈ રીતે પ્રસ્તુત કરી શકાય તેની વિશદ ચર્ચા કરે છે. ઈ-બૂક્સ અને ઈન્ટરનેટના માધ્યમથી આપણને અઢળક માહિતી ઉપલબ્ધ થાય છે. એ કઈ રીતે શીખી ને રચી શકાય તે પણ જાણવા મળે છે. ફક્ત એ જ નહીં પરંતુ કવિતાનો કોઈપણ પ્રકાર! તાન્કા કે હાઈકુ કરતાં આ પ્રકાર વધારે સરળ અને સહજ રીતે રચનાની છૂટ આપે છે એવું મને લાગ્યું. વળી વિદ્વાનોએ એનો ઉપયોગ નાનાવિધ હેતુથી અને રસરંગથી પણ કર્યો છે. મારે અહીં ખાયણાં ,વાખ , શેરશાયરી કે ઉખાણાં। સાથે એની સરખામણી કરવી નથી તે જ રીતે હાઈકુ કે તાન્કા સાથે પણ એની તુલના જરૂરી લાગતી નથી. આ ખટ્ટીમીઠ્ઠી આમ જેવી કાવ્યકણિકાઓ રસીલી તો છે જ સાથે જરૂરી હોય ત્યાં ભાવ અને ભારપૂર્વક રજૂઆત કરી શકે તેવી  સક્ષમ પણ છે. 

શરૂઆતઆં મેં લખ્યું કે મને ખાંખાંખોળા કરતાં  ખાસ લિમરિક જડી નહીં પરંતુ  ત્યારે મારા મનમાં એને જોડકણાં કહીને ખપાવી દેવાતાં બાળકાવ્યો પ્રસ્થાપિત હતાં. પછી જૂની રમતોના અને કદાચ શાળામાં ભણેલાં બાળકાવ્યોમાં લિમરિક  હશે એવો વિચાર આવ્યો.મને ચંચીનું(ચન્દ્રવદન મહેતા-મોટાભાગે તેમની રચના) યાદ આવી.પછી થયું કે આપણાં બાળકાવ્યોમાં તો મળશે .

બિલાડીનું કાવ્ય છે:

એક બિલાડી જાડી,તેણે પહેરી સાડી

સાડી પહેરી ફરવા ગઈ,તળાવમાં તો તરવા ગઈ

તળાવમાં તો મગર

બિલ્લીને આવ્યા ચક્કર

સાડી છેડો છૂટી ગયો

મગર બિલ્લી ખેંચી ગયો......

બીજું બાળકાવ્ય જુઓ:

વારતા રે વારતા

વારતા રે વારતા,ભાભા ઢોર ચારતા

છોકરાં સમજાવતા

એક છોકરું રિસાણું

કોઠી પાછળ ભીંસાણું

કોઠી પડી આડી માડી

પ્રથમ કાવ્ય સંપૂર્ણપણે ગાવાની અને ઉચ્ચારની રીતે તથા રચનાની દૃષ્ટિએ લિમરિક ( આમરસીલી કે ખટ્ટીમીઠ્ઠી કવિતા) જેવું લાગે છે. તેથી યાદ રહી જાય છે. છતાં પાંચમી અને પહેલી પ્રાસમાં નથી. બીજી રચનામાં છેલ્લે માડી પહેલી અને બીજી કડીના પ્રાસમાં આવતું નથી છતાં  ઘણી નજીકની રચના છે.જો માડીના બદલે ભાભા શબ્દ હોય તો પ્રાસમાં આવે છેએવું લાગે છે કે લિમરિકનું  ગુજરાતીમાં નામાભિધાન કદાચ થયું નથી. પરંતુ પ્રચૂર માત્રામાં બાળકાવ્યો કે જોડકણાંની રચના તો થઈ છે. વળી તેના મૂળ બંધારણ પ્રમાણે સર્જાતી રહી છે તેથી ગેય  અને લોકપ્રિય બની રહે છે. શરૂઆતમાં બાળકાવ્ય તરીકે આવી હશે તેથી કે કેમ પણ પછી ઉપલા સ્તરે પ્રચલન ઓછું જણાય છે. વિષય પર કોઈ મહાનિબંધ લખાયો હોય અથવા કોઈ વિદ્વાનનો અભ્યાસલેખ હોય તો ઘણો પ્રકાશ પડી શકે. મારું માનવું છે કે એવી માહિતી હશે જ.

મને જે રસ પડ્યો તેના કારણે મેં થોડો પ્રયત્ન કર્યો અને વિવિધ વિષય વૈવિધ્ય જાળવી રચનાની કોશિશ કરી. કેટલીક આવતા સપ્તાહે જોઈએ. રચનાઓ મને આબાના પ્રાસમાં અને પંચ કડીના બંધારણમાં તો લાગી પરંતુ ઉચ્ચાર અને ગાયનમાં પાર ઉતરશે કે નહીં તેનો ખ્યાલ  આવ્યો નહીં. જો કે હવે અવનવી રીતે કોઈપણ શબ્દ ગેય બની શકે છે. ફક્ત સૂર અને તાલની સમજ હોય તો શબ્દ મૂકવાના સમય આવ્યો છે તેથી શબ્દ મુજબ ગાવાની લઢણ પણ વિકસી હશે એવી આશા કાંઈ  ખોટી નથી. વ્યક્તિ અને તેની ખાસિયત,રમતો,વાનગીઓ,વલસાડ,પ્રેમ,ફળ,લોકસાહિત્ય,તહેવાર,શાળા,જીવનમૂલ્યો,સખાસખીઓ,મહોલ્લ,સોળ સંસ્કાર, તેનું તત્વજ્ઞાન, બિનસાંપ્રદાયિકતા, ધર્મ અને સંસ્કૃ તિ, લોકો-ટોળું અને માનસ, નેતા, પર્યાવરણ, સકારાત્મક વલણ જેવા અનેક મુદ્દે રચનાને ન્યાયિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. મારો હેતુ   કે થોડામાં (લાઘવ) કહેવાય જાય. લાંબુલચક ક્યારેક  મસ્કાટિયું લાગે. વળી હવે ટૂંકા સંદેશાની બોલબાલા છે 'ટેગ લાઈન'માં  કહેવાય જાય! જેમ કે જાહેરાતો! પહેલાં કહેવતો હતી ને! તેથી લાઘવ અને પ્રાસ અને એની લચીલી, પ્રવાહિતાથી આકર્ષાઈને મેં પ્રયાસ કર્યો છે.

(ક્રમશ:)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.