બર્થ-ડે ગિફ્ટ

01 Jan, 2017
12:00 AM

પાર્થ પટેલ

PC: YouTube.com

ટીન... ટીન... ટીન... ટીન... ટીન... સ્કૂલ છૂટવાનો બેલ વાગ્યો. રુચિએ સ્કૂલબેગ ખભે નાખી અને જેમ કમાનમાંથી તીર છૂટે એમ ક્લાસમાંથી બહાર દોડી. બહાર રાહ જોતી ખાલીખટ સ્કૂલબસમાં સૌથી પહેલા દોડીને એની દરરોજની જગ્યાએ ગોઠવાઈ ગઈ. થોડીક વારમાં બીજા છોકરાં-છોકરીઓ મજાક-મસ્તી કરતાં સ્કૂલબસમાં ચડ્યા. સ્કૂલબસ ક્યારે ચાલુ થાય એની રાહ જોતી રુચિ ઉત્સુક થઈ રહી હતી. સ્કૂલબસ ચાલુ થઈ ત્યારે રુચિએ વિશ કરી કે રસ્તામાં લાલ સિગ્નલ આવે, જેથી સ્કૂલબસ થોડીક વાર ઊભી રહે. સ્કૂલબસમાં કેટલાક ટાબરિયા એકબીજા સાથે ખાલી બાટલાથી તલવારની જેમ દ્વંદ્વ યુદ્ધ ખેલતા, ધિંગામસ્તી કરીને સ્કૂલનો ગુસ્સો એકબીજા પર કાઢતા હતા, જ્યારે રુચિ શાંત બેસી એની નજર બારી બહાર દેખાતા પેટ્સ-શોપની આગળ મૂકેલા ડોગી જોવા માટે થનગની રહી હતી. 

ટ્રાફિક સિગ્નલ લાલ થતાં જ સ્કૂલબસ ઊભી રહી. રુચિની નજર દરરોજની જેમ દૂરથી દેખાતા પેટ્સ-શોપ આગળ એના મનગમતા સફેદ પ્યારા ડોગી પર પડી. ગળામાં પટ્ટો બાંધેલા એ ડોગીને એકલું રમતું, ખેલતું જોતાં રુચિને દરરોજ એ વધુ ને વધુ ગમવા લાગતું. એ ડોગીને જોઈને મનોમન બોલતી, 'કેટલું ક્યૂટ ડોગી છે. મારી જોડે પણ આવું એક ડોગી હોય તો એની જોડે રમવાની કેવી મજા આવે. આઈ વિશ કે પપ્પા મને આવું ડોગી મારી બર્થડેમાં લઈ આપે.

સ્કૂલબસ સોસાયટી આગળ ઊભી રહી. રુચિએ કૂદકો મારી નીચે ઉતરી એના ફ્રેંડ્સને બાય કહ્યું. ઘરે જતાં જતાં રુચિ ગળામાં લટકાવેલી વોટરબેગ સાથે રમતી રમતી પેલા સફેદ ડોગીના વિચારો મનમાં મમળાવે જતી. ઘરે આવી બુટ-મોજા કાઢી, સ્કૂલબેગ-વોટરબેગનો ભાર સોફામાં ઉતાર્યો. 

‘આવી ગઈ રુચિ બેટા...ચલો કપડાં બદલીને હાથ-પગ-મોં ધોઈ નાસ્તો કરવા બેસી જાવ...’ મમ્મી રસોડામાંથી નાસ્તો બનાવતા બોલી. 

રુચિ ફ્રેશ થઈને રસોડામાં ઉતરેલા મોઢે સુન-મૂન આવીને બેસી ગઈ. મમ્મીએ નાસ્તાની ડિશમાં ગરમા-ગરમ સેન્ડવિચ અને ચાનો મગ મૂકતાં બોલી, ‘રુચિ બેટા.., ચલો નાસ્તો કરી લો. જો આજે તો તારી ફેવરિટ ચીઝ-સેન્ડવિચ બનાવી છે.’

રુચિને કોઈ જવાબ આપ્યા વિના મૂંગીમંતર બેસી રહેલી જોતાં મમ્મીએ એની હડપચી પર હાથ મૂકી મોઢું ઊંચું કરતાં પૂછ્યું, ‘શું થયું બેટા...?’ 

‘મમ્મી... મારા બર્થડે પર મને ગિફ્ટ જોઈએ છે... હું માગુ એવી. લઈ આપીશને મમ્મી...?’ રુચિએ ભોળા ભાવે વિનંતી કરી. 

‘હા...બેટા લઈ આપીશ. પણ પહેલા આ નાસ્તો કરી લો નહીંતર ઠંડો થઈ જશે.’ 

‘મમ્મી... જો પપ્પા ના પડશે તો તું એમને મનાઈ લઇશ ને...! પ્લી...ઝ...’ દયામણું મોઢું કરીને બોલી. 

‘હા, બેટા એમને હું મનાઈ લઇશ બસ.’ મમ્મી પ્રેમથી ગાલ પર હાથ પસવારતા બોલી. 

‘પ્રોમિસ..?’ રુચિ એની મમ્મીને વચનદ્ધ કરી દેતા બોલી. 

‘પ્રોમિસ બસ... હવે જલદી આ ગરમ-ગરમ સેન્ડવિચ ખાઈ લે તો... પછી હોમવર્ક કરવા બેસવાનું છે... ’

રુચિ, ડોગી સાથે ઘરમાં રમશે, એને ખવડાવશે, એના પર હાથ ફેરવી વહાલ કરશે એ વિચારો મનમાં પંપાળી ખુશ થઈને નાસ્તો કરવા લાગી. 

રુચિ નાસ્તો કરતી હતી ત્યાં સુધીમાં મમ્મીએ રુચિના છૂટાછવાયા પડેલા બુટ-મોજા કબાટમાં મૂક્યા, સ્કૂલડ્રેસ સરખો કરીને દરવાજા પાછળની ખીંટીએ લટકાવતાં બોલી, ‘રુચિ...?’

‘હા...મમ્મી...’ રુચિ તરત જ જવાબ આપતા બોલી. 

‘બેટા… તારે બર્થડે ગિફ્ટમાં શું જોઈએ છે એતો મને કહે...?’ 

‘મમ્મી… મારે ડોગી ગિફ્ટમાં જોઈએ છે.’ રુચિ થોડોક ખચકાટ અનુભવતા બોલી. 

મમ્મી રસોડાના દરવાજે આવી સહેજ અણગમો અવાજમાં ભેળવીને બોલી, ‘બેટા... કૂતરું તે કંઈ ઘરમાં રખાતું હશે...! ઘર કેટલું ગંદુ કરે ખબર છે! આપણી સોસાયટીમાં કેટલા નાના ગલૂડિયાં ફરે છે. એને રમાડી લેવાના હોય. ઘરમાં રાખીએ તો આપણને કેટલી તકલીફ પડે એને સાચવવાની. ના બેટા. બીજું કશુંક જોઈએ તો બોલ. એ તને લઈ આપું... ’ મમ્મીએ નકારમાં માથું હલાવી પોતાનું મંતવ્ય કહી દીધું.  

‘મમ્મી...પ્લીઝ...’ નાસ્તો કરતાં કરતાં રુચિનો રડમસ અવાજે બોલી. 

‘જો રુચિ બેટા, એવી ખોટી ખોટી જિદ્દ નંઈ કરવાની...તને fairy talesની બુક...’ મમ્મી એના મંતવ્યને વળગી રહી આગળ બોલવા જતી હતી ત્યાં રુચિ રડમસ થઈને બોલી. 

‘મમ્મી... બટ યુ ઓલરેડી પ્રોમિસ્ડ મી... પ્લી...ઝ મમ્મી... આઈ વોન્ટ માય ડોગી... પ્લી...ઝ...’ રુચિની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. આસું ભરેલી આંખો લૂછતાં રુચિ દિલમાં દબાયેલી ઈચ્છા વ્યક્ત કરતાં બોલી :

‘મમ્મી... મારા બધા ફ્રેંડ્સ ઘરમાં એમના ભાઈ-બહેન જોડે રમતા હોય છે... ને મારી સાથે ઘરમાં કોઈ રમવાવાળું પણ નથી. એમના ઘરે પેટ્સ પણ પાળેલા હોય છે... હું એકલી એકલી કોની જોડે રમું..? મારી બધી જ fairy tales બુક્સ પણ મેં વાંચી લીધી છે મમ્મી...’ બોલીને આંસુથી ભરાયેલી ભીની આંખો લૂછી.  

મમ્મી ઊભી રહીને નકારમાં માથું ફેરવી સતત ‘ના’ પાડે જતી હતી, 

‘બસ, તને નવી fairy tales ની સરસ બુક્સ લઈ આપીશ… પણ બેટા…’ મમ્મી આગળ બોલવા જાય એ પહેલા તો રુચિ ચા-નાસ્તો અધૂરો મૂકી રડતી રડતી એના રૂમમાં જતી રહી. 

‘બેટા... બેટા રુચિ... સાંભળતો બેટા... રુચિ...’ રુચિને વાજબી કારણો વ્યક્ત કર્યા એટલે મમ્મી પણ પોતાને લાગણીવશ થતાં રોકી ન શકી. રુચિ દરવાજો અંદરથી વાખીને એના બેડના મખમલ જેવા પોચા ઓશિકામાં એનું મોઢું સંતાડી રડવા લાગી. માનસપટ પર પેલા ક્યૂટ નાના રમતા ડોગીનું મનોચિત્ર ખડું થતાં વધુ લાગણીઓ દિલમાંથી છલકાઈ આવતી. 

મમ્મીએ રુચિના રૂમનો દરવાજો ખટખટવ્યો. 

‘બેટા રુચિ... દરવાજો ખોલ તો... બેટા...?’ મમ્મી દરવાજા આગળ રુચિનો રડતો ચહેરો કલ્પતા ઊભી રહી. પછી મનમાં અત્યાર સુધીના રુચિના સરસ વર્તન અને કોઈ પ્રકારે જિદ્દ પકડી નહતી એના વિશે વિચારી મનોમન આખરી નિષ્કર્ષ પર આવતા બોલી : 

‘રુચિ બેટા...’ 

હજુ રુચિનો આશિકામાં મોઢું દબાવીને ધીમો ધીમો રડવાનો અવાજ સંભળાતો હતો. એ સાંભળીને મમ્મી બોલી : ‘બસ બેટા... રડવાનું બંધ કરીશ તો તને ડોગી લઈ આપીશ. આઈ પ્રોમિસ યુ.’

રુચિનો રડવાનો અવાજ ધીરે ધીરે ધીમો પડ્યો. આંસુથી ભીના થયેલા ઓશિકામાં દબાયેલો એનો કુમળો ચહેરો રડી રડીને ચોળાઈ ગયો હતો. એ બેડમાંથી સરકીને નીચે ઉતરી. મોઢા પર ચોંટી ગયેલા વાળ આઘા કરી ડૂસકાં ભરતાં મોઢું લૂછી લીધું. 

મમ્મી દરવાજા પર હાથ ખખડાવી ‘બેટા રુચિ...’  બોલવા ગઈ એટલામાં તો રુચિએ આંખો મસળતા મસળતા દરવાજો ખોલ્યો. હજુ એના ચહેરા પર નિરાશાના અને મમ્મીએ હમણાં હમણાં જે પ્રોમિસ આપ્યું એની અનિશ્ચિતતાના સંમિશ્રિત ભાવો થોડાક આંસુઓ સાથે ખરડાયેલા હતા.  

મમ્મી નીચે ઢીંચણ પર બેસી. રુચિએ લૂછેલા આંસુભીના ગાલ મમ્મી ફરીથી લૂછી લેતા બોલી, ‘રુચિ… આટલું રડાય બેટું… ’ બોલીને મમ્મીએ ભાવવિભોર થઈને રુચિને વહાલ વરસાવતી મીઠી બચીઓ ગાલ પર ભરી બાથમાં લઈ લીધી. એક-બે ડૂસકાં ભરી રુચિ પણ બને હાથ મમ્મીના ગળે વીંટાળી પ્રેમથી વળગી પડી. મમ્મી એને બાથમાં ભરીને બોલી, ‘મારી પ્યારી દીકી... મમ્મીથી નારાજ થઈ આટલું બધુ રડાય બેટું... હમમમ...’ ફરીથી બકી ભરી લીધી.  

‘મમ્મી... યુ પ્રોમિસ...? મને ડોગી લઈ આપીશને?’ રુચિએ ડૂસકું ભરીને પાક્કું કરતાં પૂછ્યું. 

‘આઈ પ્રોમિસ યુ… નાઉ ગિવ મી અ સ્માઇલ…’ મમ્મી વચન આપી ખુશ થતાં બોલી. 

રુચિના હોઠ પર મીઠી નિર્દોષ હસી ખીલી ઊઠી અને થોડાક આંસુ સાથે આંખોમાં ખુશીની ચમક રેલાતાં મમ્મીને પ્રેમ જતાવતા ‘આઈ લવ યુ મમ્મી…’ બોલીને બકું ભરી મમ્મીની છાતીમાં લપાઈ ગઈ. 

નિખાલસ બાળકના મનમાં ઊભી થતી અમુક ઈચ્છાઓ બાળ સ્વભાવમાં સહજ રીતે પ્રાપ્ત કરવાની જિદ્દ બની જતી હોય છે. પણ અહીં રુચિની એ જિદ્દ પાછળ કઈક બીજો ગૂઢ અર્થ છૂપાયેલો હતો. બીજા બધા બાળકો કરતાં રુચિ વધુ લાગણીશીલ હતી. એણે ક્યારેય કોઈ વસ્તુ લેવાની જિદ્દ કરી નહતી. પણ એણે એ નાના સફેદ ડોગીમાં એવું તો શું જોઈ લીધું કે એ જિદ્દ પર ચડી બેઠી હતી...? પોતાની જેમ એ ડોગીને એકલું રમતા એની મસ્તી, નિર્દોષતા, એકાકીપણું સ્પર્શી ગયું હતું..? કે એના નાજુક, કોમળ ગળા પર બાંધી રાખેલો પટ્ટો રુચિનો શ્વાસ રૂંધી રહ્યો હતો...? કે પછી કશુંક બીજું હતું એ પ્યારા ડોગીમાં..? 

*** 

સાંજે પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા. રુચિની બર્થડે ગિફ્ટ માટે એને ગમતું ડોગી પપ્પા લઈ આપશે એ માટે મમ્મીએ એમને મનાવી લીધા. પપ્પા ડોગી લઈ આપવા માટે માની ગયા એ સાંભળી રુચિ સોફા પર ચડી ટીવી જોતાં પપ્પાના ગળે હાથ વીંટાળી બોલી, ‘થેંક્યું પપ્પા...’ બોલીને વળગી પડી. પપ્પાના દિલમાં દીકરી પ્રત્યેનો વહાલ ઉભરાઇ આવતા એમણે પણ એમની ભરાવદાર મૂછો રુચિના ગાલ પર દાબીને બકું ભરી લીધું. 

‘આઉ… ડેડી… તમારી મૂછો મને ગલીપચી કરે છે.’ બોલીને થોડુંક મોઢું બગાડી ખિલખિલાટ હસી એણે પપ્પાને પણ બકી ભરી લીધી. 

‘તો મારી બર્થડે ગર્લને કેવું ડોગી જોઈએ છે હમમ…? પેલું ટીવીમાં આવે છે એવું, ચપટા નાકવાળું..?’ કેટ-કેટલાયે ડોગની બ્રીડ્સમાંથી પપ્પાએ માત્ર એક ચપટા નાકવાળું ડોગી જ જોયું હોય એમ પસંદગી આપતા બોલ્યા. 

‘ના ડેડી… મારી સ્કૂલ જતાં એક પેટ્સ શોપની બહાર એક સફેદ નાનું ડોગી છે. એ મને બહુ ગમે છે. એ જ ડોગી મારે જોઈએ છે ડેડી…’ રુચિએ કહ્યું.

‘બહુ જ ગમે છે તને...?’ 

‘હા, ડેડી બહુ જ ગમે છે. હું દરરોજ સ્કૂલમાંથી છૂટીને જલદી જલદી દોડીને સ્કૂલબસમાં બારી પાસે બેસી જઉં છું. એ ડોગીને જોવા જ! બહુ જ ક્યૂટ ડોગી છે.’ 

પપ્પાએ આંખો ઉપર કરી ખોટું ખોટું વિચારવાનો ઢોંગ કરતાં બોલ્યા, ‘હમમ… તો શું છે આવતીકાલે?’  

‘સંડે ડેડી. ઇટ્સ હોલિડે એન્ડ માય બર્થ ડે ટુ. યે...યે...યે....’ રુચિએ ખુશ થઈને બંને હાથ હવામાં ઊંચા ઉછાળી રજાની ખુશી અને બર્થડેમાં મનગમતી પ્યારી, ક્યૂટ ગિફ્ટ મળવાનો ઉમળકો વ્યક્ત કર્યો.

છ વર્ષની રૂપકડી પરી જેવી ક્યૂટ રુચિને એટલી ખુશ જોઈને પપ્પાના દિલમાં આનંદ સમાતો નહતો. સોફામાં ઊભેલી રુચિને બાથમાં લઈને છાતીએ લગાવી લીધી. રસોડામાંથી રુચિને આટલી ખુશ અને આનંદમાં ઝૂમી ઉઠતી જોઈને મમ્મીનો હરખ પણ સમાતો નહતો. એનાથી બમણો આનંદ રુચિને ખુશ જોઈને અને એનો નાનો ભાઈ (કે બહેન) હવે આવવાનો છે એનો હતો. એ અંદરથી ઊછળતી બમણી ખુશીનું જોર મમ્મીએ પેટ પર હાથ પસવારીને અને પપ્પાએ મમ્મીના સુંદર ખીલેલા ચહેરા સામે જોઈને પ્રેમી અંદાજમાં આંખ મિચકારી. છાતીએ બાથ ભરેલી રુચિના માથે પપ્પાએ હાથ મૂકી કપાળે બચી ભરીને ધીમા અવાજે કહ્યું : ‘લવ યુ બોથ માય ડિયર...’ 

પણ રુચિને એ વાતની હજુ ખબર નહતી કે આ બીજું ‘આઈ લવ યુ’ કોના માટે કહેવાયું હતું. રુચિ તો પપ્પાની છાતીએ માથું ઢાળીને કાલે લેવા જવાના એ ડોગીના વિચારોના વમળમાં રાચતી હતી.

***

બીજે દિવસે સવારે રુચિને મમ્મીએ બચી ભરી ‘હેપ્પી બર્થ ડે ટુ યુ રુચિ...’ ના ગીત મીઠા સૂર રેલાવતાં ઉઠાડી. ડોગીના વિચાર સ્ફુરતા રુચિ તરત જ દરરોજ કરતાં જલદી બેઠી થઈ ગઈ. પેટ્સ-શોપમાં જઈને ડોગીને ગિફ્ટમાં ઘરે લઈ આવવા રુચિ નવા કપડાં પહેરીને વહેલા વહેલા તૈયાર થઈ ગઈ. પપ્પા પણ વહેલા તૈયાર થઈ જઇ પરી જેવી સુંદર દેખાતી રુચિને તેડી લઈ ગલીપચી કરતી મૂછો અડાડી બચી ભરી પ્રેમ વરસાવ્યો.

‘હેપ્પી બર્થડે માય ડિયર રુચિ... લવ યુ બેટા. ’

‘થેંક્યું ડેડી, લવ યુ ટૂ ડેડી.’ કહીને રુચિએ પણ ડેડીના ગાલ પર મીઠું બકું ભર્યું. 

‘આજે તો ડેડી-ડોટર બન્નેને એકબીજા પર બહુ પ્યાર ઊભરાઇ આવ્યો છે... હમમમ...! પપ્પા ગિફ્ટ આપશે એટલે અમને તો આજે રુચિએ એક પણ બચી નથી કરી...કેમ..? એવું ચાલે...??’ મમ્મીએ બેટીના પ્રેમની વહેંચણી થોડીક પપ્પા બાજુ વધુ ઢળી પડતાં પોતાની તરફ હક જમાવતી માગણી કરી. 

ખિલખિલાટ હસતી, કૂદતી, નિર્દોષ રુચિએ મમ્મીને પણ બચી કરી. મમ્મીએ છાતીમાં દબાવી પ્રેમ અને આશીર્વાદ વચનો વર્ષાવ્યા. રુચિની પાછળ ઉભેલા પપ્પા અને મમ્મીની આંખો મળી. પપ્પાએ મમ્મીને એમની બચીનો ઈશારો કર્યો, પણ મમ્મીએ એમની ખૂબસૂરત મોટી આંખો થોડીક વધુક મોટી કરી. બે ક્ષણ પૂરતું શરમથી પલડી ગયેલા મન પર આચ્છાદિત સહજ પ્રેમ તરી આવ્યો. પણ એ પ્રેમભાવ રુચિના ગાલ પર બકી ભરીને વાળી લીધો. 

પપ્પાએ રુચિને પૂછ્યું, ‘ચલો બેટા... બહુ પ્રેમ આપી દીધો મમ્મીને હવે. લેટ્સ ગો ફોર...?’ 

‘યે… યે… યે…’ ખુશીથી કૂદકો મારી પપ્પા તરફ ફરી. 

‘બાય મમ્મી...’ રુચિ પાપા સાથે બહાર નીકળતા મુસ્કુરાતી બોલી. 

‘બાય સ્વીટહાર્ટ...ગો એન્ડ ગેટ ક્યૂટ વન...’ 

*** 

ગાડીમાં બેસી બન્નેએ સીટ બેલ્ટ બાંધ્યો. પપ્પાએ ગાડી રુચિની સ્કૂલ તરફ લીધી. રુચિ મીઠું હસતી બારી બહાર ક્યારે પેટ્સ-શોપ આવે એની રાહ જોવા થનગની રહી હતી અને પપ્પાને આંગળીથી એ પેટ્સ-શોપ ક્યાં આવે છે એ બતાવે જતી હતી. 

આખરે ગાડી પેટ્સ-શોપ પાસે સાઇડમાં ઊભી રાખી. રુચિની કેટલાય સમયથી રાહ જોતી નજર હવે એના ડોગીને જોઈને ઠરી. દરવાજો ખોલીને રુચિ પેટ્સ-શોપ આગળ બાંધેલા વીસ-પચ્ચીસ જાતના કૂતરાઓમાંથી દરરોજ જોતી એ જ ડોગી આગળ આવીને ઊભા રહ્યા. જેને એ કેટલાય દિવસોથી મનમાં રમાડતી હતી. 

રુચિ ડોગી આગળ બેસી એની ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગી. પહેલીવાર એણે એટલી નજીકથી એટલું પ્યારું ડોગી જોયું હતું. પપ્પાએ ગાડીને લોક કરી રુચિને જોતાં જોતાં પેટ્સ-શોપ આગળ આવ્યા. 

‘કેટલું ક્યૂટ ડોગી છે ડેડી..?’ રુચિ ડોગીના સફેદ રૂંવાટા પર પ્યારથી હાથ પસવારતી અને એની નિર્દોષ કાળી ચમકતી આખોમાં દેખે જતી. ડોગી પણ રુચિના બીજા હાથ પર એની પાતળી ગુલાબી જીભથી ચાટીને પ્રેમ જતાવતું. એને પણ રુચિનો પ્રેમ ભર્યો હાથ પસવારતા ગમતો હતો.

‘પપ્પા મને આ ડોગી બહુ જ ગમે છે. કેન આઈ ગેટ ધીસ વન...? ઇટ્સ સો ક્યૂટ.’ રુચિએ ડોગી પ્રત્યેની લાગણી વર્ણવી. 

પપ્પાની પહેલી નજર ડોગી પર પડતાં જ એમને ગમી ગયું. પણ જ્યારે એમની નજર ડોગીના પાછળના બે પગમાંથી એક પગ પર પડી ત્યારે એમના ભાવ પલટાયા. રુચિ જે ડોગીને રમાડતી હતી એ પાછળના એક પગેથી અપંગ હતું. એ જોતાં જ પપ્પા રુચિ જોડે નીચે બેસ્યા. રુચિ એ ડોગીને રમાડવામાં મશગુલ હતી. ડોગી પણ રુચિને પસંદ કરવા લાગ્યું હતું. 

‘ડેડી, આઈ લવ ધિસ ડોગી. ’

‘બેટા, આ ડોગી તો પગથી અપંગ છે. ’

‘આઈ નો ડેડી, એટલે જ મારે આ ડોગી જોઈએ છે. ડેડી... આઈ વિલ ટેક કેર ઓફ હિમ.’ રુચિ ડોગીની કાળજી રાખવાની જવાબદારી લેતા બોલી.

‘પણ બેટા, આ ડોગી સાથે તું કેવી રીતે રમીશ..? એ તારી સાથે દોડશે તો પડી જશે...’ પપ્પાએ મૂંઝવણ વ્યક્ત કરી. 

‘ડેડી, મમ્મીને કહીશ તો એ ડોગીના પગ માટે નાનું બુટ બનાવીને પહેરાવી દેશે, પછી ડોગી દોડશે તો પણ નહીં પડે...’

પપ્પાને રુચિના અપંગ ડોગીને બર્થડે ગિફ્ટમાં લઈને એની માટે ખાસ બુટ બનાવી એને દોડતું કરી દેવાનો વિચાર સ્પર્શી ગયો. હેતભર્યો હાથ રુચિના ગાલ પર ફેરવી ડોગીના માથા ઉપર હાથ ફેરવી એને પણ પંપાળ્યું.

પપ્પા શોપના માલિક જોડે ડોગી વિષે પૂછપરછ કરવા ઊભા થયા. પેટ્સ-શોપનો ઓનર ત્યાં જ પાછળ મૌન ઊભો રહી જોયે જતો હતો. પપ્પા શોપના ઓનરને જોઈ ઔપચારિક હસ્યાં. 

‘તમારી બેબી છે...?’ શોપ ઓનર સહેજ હસીને ડોગી રમાડતી રુચિ સામે જોતાં બોલ્યાં. 

પપ્પા વાતચીતનો દોર હાથમાં લેતા બોલ્યા : ‘હા, આજે એનો બર્થડે છે. ગિફ્ટમાં એને અહીંથી આ જ ડોગી લેવાની જિદ્દ પકડી બેઠી છે.’ 

‘સાહેબ, આ ધોળું ગલૂડિયું છે જ બધાને ગમી જાય એવું, પણ એના ખોડાં પગને લીધે બિચારાને કોઈ લેવા તૈયાર જ નથી થતું. બીજા છ ગલૂડિયાં એની સાથે જન્મ્યાં હતા. એ બધાને કોઈક ને કોઈ લઈ જતું. પણ આ બિચારું અપંગ ગલૂડિયાને જોઈને બધા ‘કેટલું ક્યૂટ છે’ કહીને જ જતાં રે છે. પણ તમારી બેબીએ ગલૂડિયાંને ઘરે લઈ જવાનું તમને કહ્યું એ હું સાંભળ તો હતો.  બહુ ઓછા બાળકો આવું વિચારતા હોય છે સાહેબ.’

‘સારું કહેવાય કે તમે આવા અપંગ ગલૂડિયાને અહીં રાખ્યું છે. નહીંતર બીજું કોઈક હોત તો બીજે ક્યાંક છોડી આવે.’ પપ્પાએ પણ શોપ ઓનરના એ અપંગ પેટ્સ પરનો લાગણીભાવ જોઈને શાબ્દિક શાબાશી આપી. 

‘હા, સાહેબ. જો બહાર છોડી મૂક્યું હોત બિચારું ખાવાનું પણ માંડ શોધી શકત અને બીજા કૂતરા પાછા એને કમજોર જોઈને મારી નાખત.’

પપ્પા સંમતિપૂર્વક માથું હલાવતા બોલ્યા, ‘એટલું એ નસીબદાર કહેવાય કે તમે એને અહીં સાચવીને રાખ્યું છે કે કોઈક તો એને લઈ જવાવાળું આવશે...’ 

પછી શોપ ઓનરે ડોગીને રમાડતી રુચિને જોઈને ‘હેપ્પી બડ્ડે યુ’ એવું તૂટેલું અંગ્રેજી બોલીને પણ વિશ કર્યું અને ડોગીના ગાળામાં બાંધેલો પટ્ટો છોડી એને હંમેશા માટેની આઝાદી આપી. 

ડોગી પટ્ટા માંથી છુટયું એવું જ રુચિએ એને ઊંચકી લઈ છાતીએ લગાવી ભેટી લીધું. અને ડોગી પણ એના હાથમાં ગેલ કરતું કરતું રમવા લાગ્યું. 

‘ડેડી, કેન વી ટેક હિમ હોમ નાઉ...’ રુચિએ એને ઘરે લઈ જઇ મમ્મીને બતાવવા ઉતાવળી થતા બોલી. 

‘યસ, પણ રુચિ બેટા...!’ ડોગીને રમાડવામાં એટલી ઘેલી થઈ ગઈ હતી એટલે પપ્પાએ એને યાદ અપાવતા કહ્યું, ‘...બેટા તે અંકલને થેંક્યું કહ્યું...?’ 

પછી રુચિએ અંકલને ‘થેંક્યું’ કહીને ગાડી તરફ ડોગીને રમાડતા રમાડતા અને એના રુંવાટીદાર નાના માથા પર હાથ ફેરવીને પપ્પી કરતી. અને ડોગી પણ સામે રુચિના હાથને ચાટીને પૂંછડી પટપટાવી ગેલ કરતું રમે જતું. 

પપ્પાએ ડોગીને ઘરે લઈ જવાનો હિસાબ-કિતાબ પતાવી એના માટેનું ખાસ ફૂડના પેકેટ્સ પણ ખરીદી લીધા. 

હવે ઘરમાં એક મેમ્બર વધી ગયું હતું. એટલે ત્રણેય ગાડીમાં બેઠા. ગાડી ઘર તરફ લીધી. રસ્તામાં પપ્પાના મનમાં એક સવાલ ઘુમરાતો હતો. જે પૂછી લેવાનું મન થતાં રુચિને પૂછ્યું. : 

‘બેટા, તને ખબર હતી આ ડોગી પગેથી અપંગ છે..? ’

‘હા ડેડી, સ્કૂલબસ જ્યારે અહીં ઊભી રહેતી ત્યારે હું રોજ એને બારી માંથી જોતી. એ થોડુક ચાલવા જતું ને પડી જતું અને એના ગાળામાં બાંધેલો પટ્ટો પણ એને ખેંચાતો એટલે એ રડતું... ’ રુચિ ડોગી પર હાથ ફેરવી રમાડે જતી અને બોલે જતી ‘…હવે ડેડી હું એને ક્યારેય પટ્ટો નહિઁ બાંધવા દઉં. એની માટે બુટ બનાવી પગે પહેરાવીશ પછી એ મારી સાથે દોડીને રમવા આવશે...’ રુચિએ એના ગળાનો પટ્ટો કાઢીને એને મુક્ત કર્યું.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.