સાંજ-સવાર ચાલું હું અંતરનાં ઈશારે
જવાની ધીમે ધીમે અસલી રૂપ પ્રગટ કરે છે ત્યારે જીવનને કાંઈ અલગ એન્ગલ મળે છે,જ્યાંથી બધું સરળ લાગે છે, છતાં વિરોધ, વિવિધતા અને હતાશા સામે બદલો લેવાની ટેવ, ખુન્નસ અને ખુશમિજાજ ટકરાવ લે છે, જેનાંથી તાકાત નીચોવાઈ જાય છે, પથારીમાં પડતાં જ આંખો બંધ થઈ જાય અને જવાની ધીમે ધીમે સોળે કળાએ ખીલી ઊઠે છે. શહેરો બદલાતાં જાય છે, શહેરની હવા એની દિશા બદલી લે છે છતાં દરેક ચિત્ર મગજને હળવી થપાટ મારીને આંખને તીક્ષ્ણ, હાથને હથિયાર અને પગને પાણીદાર બનાવે છે.
સતત દોડતાં રહેવાની અલગ જ મજા છે. દોડ્યા રાખવાથી થતો પરસેવો શરીર પરથી વહેતો હોય અને ક્યાંક કોઈ મળી જાય તો જિંદગી ઊભી તો નથી રહેતી પણ દોડવા માટે એક હાથ મળે છે. છાતીની અંદર રહેલી એકએક ધડકન જ્યારે બહાર આવવા મથતી હોય અને ત્યારે પેદા થતો રોમાંસ, એક જબરજસ્ત ટાઈટ હગ અને પછીનું ગાઢ આલિગન. એ સમયે થતો સૂર્યાસ્ત જિંદગીને કહી દે 'દિલ ધડકને દો' બક્ષી લખે છે જુગારમાં હારે છે એ પ્રેમમાં જીતે છે, પણ એનાં કરતાં એમ લખવું યોગ્ય રહેશે કે જિંદગીમાં હારે છે એ પ્રેમમાં જીતે છે અને પ્રેમમાં જીત્યા પછી બધું જ જીતી લેવાય છે.
જ્વાળાની જેમ ભળભળ ભળભળ બળતી જવાની ઘણા દુશ્મમન ગિફ્ટમાં લાવી આપે છે અને એ પણ સરપ્રાઈઝ ગિફ્ટ! મારી ખુન્નસ એ ગિફ્ટને વધું ટકાવી રાખે છે અને એક દિવસ હું જીતી જાઉં છું અથવા શીખી લઉં છું બાકી હારવા માટે બીજો જન્મ મળશે એ ખાતરી છે. બધું જ કરી લેવાની ટેવ અને તે મેળવવા માટે બધું જ ફેંકીને તેને સાચવી રાખવાની આદત અને એક દિવસ બધું જ મૂકીને કોઈ યાત્રા પર નીકળી જવું અદ્દલ પેલા ચે ગૂવેરા જેમ.
ક્યારેક કોઈ દિવસ કેટલાક ઠપ્પા મળે છે અને એ ઠપ્પા આજીવન રહી જતાં હોય છે. પરિસ્થિતી અનુસાર એ ઠપ્પાથી જીવવું અને ઠપ્પાને હાથતાળી દેવાની મોજ આપણે સંવારી દે છે. એક તબક્કો આવે છે અને ઠપ્પો આપનારને નજીકથી જોવાનો મોકો મળે છે એને સમજવાનો મોકો મળે છે. ક્યારેક એ આપણા માટે ખાસ હોય છે અને પછી આપણે તેની આદત લાગી જાય છે તો કોઈ વખત તે આપણા માટે, તે ધક્કો મારે છે અને એની પછીથી ખ્યાલ આવે છે તો કોઈ વખત તે આપણું ખરાબ થાય એ માટે હોય છે અને એ જ શીખવી જાય છે.
19 વર્ષની ઉંમરે હજી હું નિર્દોષ છું એવું લાગી આવે છે કેમ કે હજી મને વિસ્મય થાય છે. કોઇ નવી વસ્તુનો ઉત્સાહ હજી એટલો જ અકબંધ છે, જેટલો હું મારી આજુબાજુનાં પાંચ છ વર્ષનાં બાળકમાં જોઉં છું. આજે પણ મને સવારનાં નાસ્તાથી માંડી રાતનાં જમવામાં મેનૂમાં શું હશે એનો ઉત્સાહ હોય છે. બહુ લાંબુ લાંબુ વિચારવાનું આવડતું નથી અને નાની નાની વાત ખુશ થઈ જતાં આવડે છે. ભારતની મેચ વખતે મમ્મીને ઘરની વસ્તુઓ પેક કરી રાખી દેવી પડે છે કેમ કે તે મારા કૂદકાથી ડરે છે અને એનાં ડર પર હું હસી લઉં છું.
ઉગતી સવાર, આથમતી સાંજ, બદલાતાં જતાં શહેરો વચ્ચેનો એ જ માણસ અને તેનાં એ જ માનસ, વડોદરાની ગરમી, કચ્છની શીતળતા અને પ્રેમ કરતાં બે હ્રદય જોઈ એટલી જ નવાઈ લાગે છે જેટલી નવાઈ કોઇ પેપરમાં આવડતાં પ્રશ્ન જોઈને થાય. હજી સુધી કોઇ વસ્તુને નેગેટિવ નજરથી જોતાં નથી આવડ્યું. ફ્લોપ પિક્ચર, બકવાસ બૂકસનાં પણ વખાણ કરી દઉં છું અને આ મૂર્ખાઈ પર હસી લઉં છું.
આ બધાં વચ્ચે એટલો ફર્ક પડ્યો છે કે પહેલાં આંખમાં આંસુ આવી જતાં હવે આંખ ઘણાં સમયથી આંસુઓથી વંચીત છે. હા ઘણાં લોકોની આંખમાં આંસુ આવે એવું કર્યું પણ છે કેમ કે કદાચ એ લોકો મારા જેવા ન હતાં. પહેલાં છોકરીઓ જોડે વાત કરતાં શરમ આવતી જ્યારે હવે આ વસ્તુ પર વિજય મેળવી છે. પ્રેમ કરતાં આવડી ગયો, કોઇને મારો સમય આપતાં આવડી ગયો, પ્રેમનું સિંચન કરી શબ્દો વડે તેને વ્યકત કરી સામે વાળાને જીતી લેતા આવડી ગયું.
પ્રેમ માટે સહન કરતાં હજી પણ વિસ્મય થાય છે.નજીકનાં સંબંધની જાળવણીને પ્રાથમિકતાં આપતાં આવડી ગયું. મમ્મીની ચિંતા અને પાંપણોની ભીનાશ જોતાં આવડી ગઇ તથા પપ્પાનો ગુસ્સો અને હદયની ભીનાશ અનુભવતા આવડી ગઇ. આ આવડત પછી મમ્મીની ચિંતા અને પપ્પાનો ગુસ્સો ગાયબ થઈ ગયો હોય એમ અનુભવાઈ રહ્યું છે તો પ્રેમ નાંમનુ રસાયણ વધારે જોરથી મારા હ્રદયની આરપાર જઇ કોઈ પ્રોસેસ કરી રહ્યું હોય એમ લાગે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર